બિંદુ સરોવર પરિસરનો જ ભાગ એવા સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધકૂપ, સિદ્ધિચામુંડા અને કાર્તિકેય મંદિર
બિંદુ સરોવર અને સરસ્વતીનો કિનારો એટલે મહામુની કર્દમ ઋષિ તેમજ અન્ય ઋષિઓની તપોભૂમિ. અહીં જ કર્દમ ઋષિના મહાતેજસ્વી પુત્ર કપિલમુનિએ દેવહુતિ માતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કર્યો અને મોક્ષ માર્ગે પ્રયાણ કરવાનું વરદાન પણ આપ્યું. આ બિંદુ સરોવરને કિનારે જ મહાપ્રભુજીએ ભાગવત પારાયણ કરી અને પરશુરામજીએ માતૃહત્યાના દોષના મહાપાતકમાંથી મુક્ત થવા માતૃતર્પણ કર્યું. આ બિંદુ સરોવર પરિસરના સાંનિધ્યમાં સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધકૂપ અને જ્ઞાનવાપી જેવાં અન્ય પવિત્ર સ્થાનો પણ આવેલા છે. શહેરમાંથી બિંદુ સરોવર તરફ જઈએ એટલે ત્રણ દરવાજા દ્રષ્ટિગોચર થાય છે. અગાઉ એની ડાબી બાજુ વીજળીઘર એટલે કે પાવરહાઉસ હતું અને રેલવે લાઇન તેમજ જ્યાં અગાઉ ફાટક (રેલવે ક્રોસિંગ) હતો ત્યાંથી આ ત્રણ દરવાજા તરફ જતાં રોડ અને રેલવે લાઇનની વચ્ચે દંડીસ્વામીઓના સમાધિસ્થળ આવેલા છે. આ ત્રણ દરવાજાની અંદર દાખલ થાવ એટલે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું પ્રવેશદ્વાર દ્રષ્ટિગોચર થાય છે.
અહીં ઋષિ માર્કન્ડેય મુનિની પ્રાચીન પ્રતિમા આવેલી છે. અહીં કુબેરભંડારી, મસાસેશ્વર મહાદેવ, ભીડભંજન હનુમાન તેમજ પ્રાચીન જ્ઞાનવાવ આવેલી છે. આ જ્ઞાનવાવમાં સિદ્ધિચામુંડા બિરાજમાન છે. આ સિદ્ધેશ્વર મહાદેવની ઉપાસના કરવાથી કોઈ પણ ધારેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો પુરાણોમાં ઉલ્લેખ છે. મસાસેશ્વર મહાદેવની માનતા રાખવાથી મસાના વ્યાધિમાંથી મુક્તિ મળે છે. આ પ્રાચીન જ્યોતિર્લિંગ સ્વરૂપ શિવલિંગ ખૂબ જ ચમત્કારિક છે. શ્રી કર્દમ ઋષિ, શ્રી કપિલમુનિ તેમજ બીજા ઘણાં ઋષિમુનિઓએ આ મહાદેવની સાધના કરેલી છે.
બીજાં તીર્થોમાં એક વરસ સુધી અનુષ્ઠાન કરવાથી જે સિદ્ધિ મળે છે તે સિદ્ધિ આ તીર્થમાં યોગીઓને એક જ દિવસમાં પ્રાપ્ત થાય છે. કર્દમ ઋષિના આશ્રમમાં સિદ્ધો દ્વારા નિર્મિત સિદ્ધકૂપ આવેલો છે જે મધુર જળથી ભરેલો અને સદા સર્વ સિદ્ધિને આપનારો છે. કાર્તિક સુદ પાંચમે તેમાં સ્નાન કર્યા બાદ પૂર્વજોનું તર્પણ કરી સિદ્ધેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવે તો મનુષ્ય સિદ્ધિ પામે છે. આ તીર્થમાં દર્શન, સ્પર્શ તેમજ પ્રણામથી પણ સેંકડો લોકો સિદ્ધિ પામ્યા છે. આ પાપહર તીર્થમાં ક્ષેત્રના સ્વામી સદાશિવ છે. ભગવાન શિવ પોતે લિંગરૂપે પ્રાદુર્ભાવ પામ્યા છે. પૂર્વે અતિ ઉગ્ર મુનીઓ, તપસ્વીઓ તથા સિદ્ધપુરુષોએ સિદ્ધ મેળવવા આરાધના કરેલી તેથી આ સ્થળ સિદ્ધેશ્વર કહેવાય છે. સિદ્ધેશ્વર મહાદેવ પાસે તેમનો છ અક્ષરનો મંત્ર જે શ્રદ્ધાથી જપે છે તે દીર્ઘ આયુષ્ય મેળવે છે. જેટલી સંખ્યા જપની થાય તેટલા દિવસ સુધી તે મનુષ્ય આ લોકમાં તેનું આયુષ્ય પૂરું થયા પછી પણ રહે છે એમાં સંશય નથી. બિંદુતીર્થમાં નહાઈને જે મનુષ્ય સિદ્ધેશ્વરની પૂજા કરશે તેને વેદો જીહ્વાગ્રે રહેશે એ નક્કી છે. અહીં શ્રેષ્ઠ બ્રાહ્મણોને જે જમાડે છે તેના પિતૃઓ ત્રણસો કલ્પ સુધી તુપ્ત રહે છે. સિદ્ધેશ્વરની દક્ષિણ બાજુએ અને સિદ્ધકૂપથી પૂર્વમાં મા સિદ્ધિચામુંડા છે જે દર્શન માત્રથી લોકોને સિદ્ધિ આપનારી છે. પૂર્વે સાત હજાર મહર્ષિઓ તીર્થોના દર્શન કરવાની ઈચ્છાથી શ્રીસ્થળ ક્ષેત્રમાં આવેલા. આ મહર્ષિઓએ સર્વે તીર્થોમાં સ્નાન, આચમન અને દર્શન કર્યું હોવાથી ગર્વમાં આવી તેઓ ‘આપણે સિદ્ધ છીએ એમાં શંકા નથી’ એવું બોલતા બોલતા નાચગાન કરી રહ્યા હતા ત્યારે કંઠમાં મુંડમાળા ધારણ કરેલા ચામુંડાદેવી મનોહર નૃત્ય કરતાં તેમના સમક્ષ પ્રગટ થયા અને સ્મિત કરી બોલ્યા 'હું સિદ્ધ છું'. ચામુંડાદેવીના દર્શન કરી કુતૂહલથી મુનિઓ બોલ્યા, 'હે દેવી! આ લોકમાં આપને સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ તે અમને કહો.' ચામુંડાદેવી બોલ્યા, 'મારી મુંડમાળામાંની ખોપરીઓમાંથી અનાહત ધ્વનિ સંભળાય છે તેના કારણે મને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.' દેવીનું વચન સાંભળી મહર્ષિઓએ ખોપરીઓ ઉપર કાન માંડ્યા અને તેમને અનાહત ધ્વનિ સંભળાયો. તેવો નવાઈ પામ્યા અને 'આવી સિદ્ધિ બીજે ક્યાંય નથી' એમ બોલતા દેવીને પગે લાગ્યા. પ્રસન્ન થયેલા દેવીએ મહર્ષિઓને વરદાન માગવા કહ્યું. મહર્ષિઓ કહ્યું, 'હે અંબિકે! આપ પૃથ્વી પર સર્વ પ્રાણીઓને સિદ્ધિ આપવાવાળા છો. આપ કલ્પના અંત સુધી અહીં જ રહો.' ભક્તોને સિદ્ધિ આપવા અને સર્વભાવે શરણે આવેલાને શુભ ફળ આપવા દેવીએ અહીં નિવાસ કરવાનું વચન આપ્યું અને સિદ્ધેશ્વરની દક્ષિણે સ્થિર થયા. દેવીની મૂર્તિની પૂજા કરી મુનીઓએ સિદ્ધિ મેળવી અને મનુજેશ્વર કહેવાયા.
ગણેશજી અને કાર્તિકેયજીનો પ્રસંગ તો સહુ કોઈ જાણે છે. એવા શિવપાર્વતિના પુત્ર કાર્તિકેયજીનું મંદિર પણ બિંદુ સરોવર પરિસરનો એક ભાગ છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર કપિલ આશ્રમ ખાતે કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. આ મંદિર વરસમાં એક જ વાર માત્ર કારતક માસમાં દેવઉઠી એકાદશીથી અમાસ સુધી ૨૩ દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવે છે.
શિવપુરાણ મુજબ એક વાર શિવપાર્વતીએ ગણેશજી અને કાર્તિકેય બંને પુત્રોને વિશ્વની પરિક્રમા કરવા જણાવ્યું હતું. જેમાં કાર્તિકેયજી પોતાના વાહન મોર પર સવાર થઈને વિશ્વની પરિક્રમા કરવા નીકળી પડ્યા હતા. જ્યારે ગણેશજીનું વાહન ઉંદર હોવાથી તેમના માટે વિશ્વ પરિક્રમા શક્ય ન બનતા માતપિતાની પ્રદક્ષિણા કરી હતી. જેથી શિવપાર્વતીએ પ્રસન્ન થઈને ગણેશજીને સ્વર્ગ પૂજનીયના આશીર્વાદ આપ્યા હતા. જ્યારે વિશ્વ પ્રદક્ષિણાથી પાછા ફરેલા કાર્તિકેયને ભગવાન શિવે ક્રોધિત થઈ શાપ આપ્યો હતો. તેના નિવારણ માટે માતા પાર્વતીજીને અરજ કરતાં કારતક સુદ આઠમથી અમાસ સુધી કાર્તિકેયના દર્શન કરનારને સુખ શાંતિ પ્રાપ્ત થશે તેવું વરદાન આપ્યું હતું. ત્યારથી સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવેલ કાર્તિકેય સ્વામીનું મંદિર વરસમાં એક વાર ખોલી ૨૩ દિવસ સુધી લોકોના દર્શનાર્થી ખુલ્લું મૂકવામાં આવે છે.