પટેલલોકમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ
જ્યાં ડહાપણ અને બુદ્ધિની સરહદ પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે.
માની આંગળી પકડી કે પછી બાપાની સાથે ગપ્પાં મારતા મારી સિદ્ધપુર યાત્રા સાચા અર્થમાં મારે માટે સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા હતી. ભાડાનો તો સવાલ જ નહોતો, પદયાત્રા જિંદાબાદ. અને મળવામાં બહારનું કશું મા લઈ આપે નહીં અને ગળામાં કાકડા ન થાય એટલે ગોળી-ચોકલેટ ખાવાની સદંતર મનાઈ. હા, ક્યારેક કોઈક સગાને ત્યાં અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય તો મગદળનો પ્રસાદ મળી જાય. ક્યારેક સુખડી કે ભાખરી ને છૂંદો પણ મળે. પણ મા અને બાપા બંને લશ્કરમાં જોડાયા નહોતા એટલું જ હતું, શિસ્તપાલન એટલું કડક કે જ્યાં સુધી આંખનો ઈશારો ન થાય ત્યાં સુધી મોઢામાં પાણીના ધોધ છૂટતા હોય તો પણ સામે પડેલી ડિશને હાથ ન અડકાડાય. કોઈ પાઇ-પૈસો આપે એ તો લેવાય જ નહીં. ઘરમાં જે વડીલ હોય એને પગે લાગવું જ પડે. વડીલની સામે ઊભા રહેવાનું હોય કે બેસવાનું, અદબ વાળીને જ ઊભા રહેવાય. પૂછે તેટલાનો જ જવાબ આપવાનો. જરાય વાચાળ નહીં બનવાનું. પાટીદારોના ગામમાં રહીને મોટો થયો પણ ગુજરાતી ભાષા સ્પષ્ટ બોલવાની. તળપદી ગામઠી ભાષા ન જ ચાલે. આવા વાતાવરણમાં ઉછેર. બાપા ધરમમાં દેખાવ ખાતર પણ ક્યાંય બહુ ન જોડાય પણ મા સિદ્ધપુરમાં જઈએ એટલે આખા ગામનાં મંદિરો ગણતી ફરે. એને તો એનો એકનો એક દીકરો આ બધી દેવસભા અને તેમાંય શિવ અને શક્તિએ જ આપ્યો હતો એટલે આ બધી મંદિરયાત્રાઓમાં મારે તો ફરજિયાત જોડાવું જ પડે. તેમાંનું એક મંદિર એટલે પટેલલોકના મહાડમાં બિરાજતાં સિદ્ધનાથ મહાદેવ. સિદ્ધપુરના અન્ય મંદિરો વિષે લખ્યું, આજે આપણે સિદ્ધનાથ બાવાના મહાત્મ્ય અને પરચાઓ વિષે લખવું છે. હું એવું માનું છું કે જ્યાં ડહાપણ અને બુદ્ધિની સરહદ પૂરી થાય છે બરાબર ત્યાંથી જ શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. શ્રદ્ધા ભાવ છે, શ્રદ્ધા પુરાવાઓ નથી માંગતી અને આમ છતાંય ‘રાખનાં પંખી’ પુસ્તકમાં રમણલાલ સોની જેવા મૂર્ધન્ય સાહિત્યકાર એક પ્રકરણ ‘ચમત્કારો આજે પણ બને છે!’ લખી નાખે છે. આ શ્રદ્ધા છે. શ્રદ્ધા અશક્યને શક્ય બનાવે અને ન ધાર્યું, ન કલ્પ્યું પરિણામ લાવી દે છે એવા મારા ખુદના એક કરતાં વધુ અનુભવો છે. અને એટલે જ સિદ્ધનાથ મહાદેવ વિષે હવે જે કાંઇ લખવા જઈ રહ્યો છું તે ભગવાન શિવ પ્રત્યેની મારી અસીમ શ્રદ્ધા અને શિવ અને શક્તિની કૃપાની મહેર શું કરી શકે તેના જીવતા જાગતા અનુભવ પછી લખાયું છે. જેને માનવું હોય તે માને, શ્રદ્ધા માણસના આંતરમનનો વિષય છે જ્યાં અશ્રદ્ધાળુઓને પ્રવેશ નથી.
ધૂળેટીના દિવસે ગોવિંદરાયજી-માધવરાયજી, રણછોડજી અને લક્ષ્મીનારાયણની પાલખી પટેલલોકના મહાડમાં આવેલા સિદ્ધનાથ મહાદેવને મળવા આવે છે. શિવરાત્રિના આગળના દિવસે બાવાજીની વાડી ખાતેના સિદ્ધેશ્વર મહાદેવ અને બ્રાહ્મણીયા પોળમાં બિરાજતા નીલકંઠેશ્વર મહાદેવ પટેલલોકના મહાડમાં આવેલા સિદ્ધનાથ મહાદેવને શિવરાત્રિની નગરયાત્રા માટેનું આમંત્રણ આપવા આવે છે. આ સિદ્ધનાથ મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ બંને શિવાલયો સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલા અતિ પ્રાચીન મંદિરો છે.
પટેલલોકના મહાડમાં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના સમયનું હોવાની માન્યતા છે. પરોપકારી મહારાજા સિદ્ધરાજ પ્રજાની સુખાકારીનો ખાસ ખયાલ રાખતા હતા. તેઓ પ્રજાજનોની પાણીની જરૂરિયાત સંતોષવા વાવ, કૂવા, કુંડ વિગેરે બંધાવતા. તેમણે સિદ્ધપુરમાં કૂવા બનાવવાની શરૂઆત જોષીઓની ખડકી પાસેથી કરી. સિદ્ધપુરનો પ્રથમ કૂવા અહીં બનાવવામાં આવ્યો. આ કૂવામાં પૂર્વાભિમુખ ગણેશજીની સ્થાપના કરી હતી જે આજે પણ મોજૂદ છે. બીજો કૂવો પટેલલોકના મહાડમાં ખોદાવ્યો. કૂવો ખોદાતો હતો ત્યારે જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું. કૂવાના દક્ષિણ તરફના ભાગે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને કૂવાનો ઉત્તર તરફનો અરધો ભાગ ખુલ્લો રાખી દક્ષિણ તરફના અરધો મંદિરમાં સમાવી શિવાલયનું બાંધકામ કરવામાં આવ્યું. તે સમયે શિવલિંગને કૂવાના સ્થાનેથી અન્યત્ર ખસેડવાનો વિકલ્પ પણ વિચારાયો હતો પણ તે કદાચ અમંગળ પરિસ્થિતીનું નિર્માણ કરે તેમ વિચારી કૂવાના કાંઠા ઉપર જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે સિદ્ધનાથ મહાદેવ નામથી ઓળખાયું. શિવલિંગ કૂવામાંથી નીકળેલ હોવાથી તેને સ્વયંભૂ કહેવાય. પહેલાં અરધું મંદિર કૂવા ઉપર હતું. ત્યાર બાદ લગભગ ૧૯૭૯ સુધીમાં કૂવો પૂરી દેવામાં આવ્યો અને ઇ.સ. ૧૯૮૦માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
સિદ્ધનાથ મહાદેવના પરચાઓની ઘણી કથા સાંભળવા મળે છે. એક વ્યાપક માન્યતા શિવજીને ગોળ ધરાવવા અંગેની છે. કોઈને ગડગુમડ કે કોઈ ગાંઠ થઈ હોય તો મહાદેવનો ગોળ માનવામાં આવે તો એ ગાંઠ ઓગળી ગઈ હોય એવા ઘણા કિસ્સા સાંભળવા મળે છે. શિવલિંગનો દૂધથી અભિષેક કરવાથી પુત્રપ્રાપ્તિની પણ માન્યતા છે. આ સિવાય ઘણા લોકો લગ્ન કે અન્ય શુભ પ્રસંગે સિદ્ધનાથ મહાદેવને સવા શેર ગોળ ધરાવે છે.
આ મંદિરની વિશેષતા એ છે કે તેનો પિત્તળનો પોઠિયો, ચાંદીની જળાધારી (પિંડીકા) અને સુવર્ણનું શિખર છે. આ ત્રણેય વસ્તુઓ એક જ મંદિરમાં હોય તેવું સિદ્ધપુરનું આ એકમાત્ર મંદિર છે. ધૂળેટીના દિવસે ગોવિંદ-માધવ સિદ્ધનાથ મહાદેવને મળવા આવે છે તો કારતક સુદ એકમ એટલે કે બેસતા વરસના દિવસે સિદ્ધનાથ મહાદેવ પાલખીમાં બિરાજી ધામધૂમથી નગરધણી ગોવિંદ-માધવને મળવા જાય છે અને ગોવિંદ-માધવ પરિસરમાં હરિ-હરનું અદ્ભુત મિલન થાય છે. છેલ્લાં પંદર વરસથી શિવરાત્રિના દિવસે અહીં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે.
સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્માણ કરવામાં આવેલ કૂવાઓમાં કેટલીક વિશેષતાઓ જોવા મળે છે. કૂવા ઉપર ખારા પથ્થર મઢેલ હોય, કૂવાના વચ્ચેના ગોળાકાર ભાગમાં વચ્ચે આડો પથ્થર હોય, તાંબાની જડથી પથ્થર ભેગા કરેલ હોય અને કૂવા ઉપર જાળી અવશ્ય હોય.
આ પટેલલોકમાં આમ તો તેરમા પદના ઠાકરોનો વસવાટ છે પણ તેમના પૂર્વજો પાસે ગાયકવાડી સરકારમાં પટલાઈ હતી આથી તેઓ પટેલ કહેવાતા અને આમ રીતે આ મહાડનું નામ પટેલલોકનો મહાડ પડ્યું. ઠાકરો ઉપરાંત અહીં શુકલ અને પાધ્યા પરિવારોનો વસવાટ છે.