સિદ્ધપુર આજથી સવાસો-દોઢસો વરસ પહેલા કેવું હશે ? ત્યારનો જમાનો જુદો હતો.
ભારત બ્રિટિશરોની હકૂમત હેઠળ હતું. આપણે ગુલામ હતા.
આપણે રૈયત હતા. બ્રિટિશરો રાજા.
ગાંધીજીની આજે દોઢસોમી જન્મ જયંતિ ઉજવાઇ રહી છે.
આપણે એ કાળખંડની વાત કરી છીએ જ્યારે ગાંધીજી પણ આ દેશમાં કાર્યરત નહીં થયા હોય.
એ જમાનામાં બ્રિટિશ સલ્તનતમાં પણ કેટલાંક સારાં દેશી રાજ્યો હતાં.
સિદ્ધપુર ત્યારે સર સયાજીરાવ ગાયકવાડની સુરાજ્ય વ્યવસ્થા હેઠળ ચાલતા ગાયકવાડી રાજ્યનો એક ભાગ હતું.
એ જમાનામાં રાજપુતાના-માળવા રેલવેના પાલનપુર સ્ટેશનથી અમદાવાદ જતાં પ્રાચી સરસ્વતીના કિનારે વસેલું આ શહેર આવતું, એવું સને ૧૯૧૦માં કલોલ નિવાસી શાસ્ત્રી બાળાશંકર મગનલાલ પંડ્યા દ્વારા લખાયેલ તેમજ તે સમયે મૂળ ભાદરણના વતની પણ કલોલ ખાતે આબકારી સબ ઈન્સ્પેકટર તરીકે કામ કરતાં શ્રી ભાઇલાલભાઇ દેસાઇભાઈ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’ ૬૦ પાનાની પુસ્તિકામાં ઉલ્લેખાયું છે.
આ પુસ્તિકામાં આપવામાં આવેલ વર્ણન મુજબ આ શહેરનું નામ પહેલાં સિદ્ધક્ષેત્ર અથવા શ્રીસ્થળ હતું એવું શ્રીમદ ભાગવત વિગેરે ગ્રંથોમાંથી જણાય છે. સિદ્ધ એટલે પવિત્ર અને શ્રી એટલે પણ કલ્યાણકારી. સિદ્ધક્ષેત્ર કહો કે શ્રીસ્થળ કહો એનો છેવટે અર્થ તો પવિત્ર અને કલ્યાણકારી સ્થળ એવો જ થાય. દસમા સૈકામાં ગુજરાતની ગાદી પર મૂળરાજ સોલંકી નામનો રાજા રાજ્ય કરતો હતો. પોતાના મોસાળના કુળનું સંપૂર્ણ નિકંદન કાઢીને એણે રાજગાદી મેળવી હતી. નરસા કર્મનાં બંધન અંતકાળે તો સૌએ ભોગવવાં જ પડે છે. મૂળરાજને ઘડપણમાં પોતે મોસાળનું નિકંદન કર્યું તેનો પાશ્ચતાપ થયો અને આ પાતકનું નિવારણ કરવાના હેતુથી એ તીર્થયાત્રા તેમજ દેશાટન કરવા માટે નીકળી પડ્યો. સિદ્ધક્ષેત્રમાં પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે અંતકાળ નજીક છે. એણે શ્રી સ્થળમાં જ નિવાસ કર્યો પણ મુશ્કેલી એ હતી કે સિદ્ધપુરમાં તે વખતે બ્રાહ્મણો ન હતા. યજ્ઞયાગાદિ કાર્ય તેમજ ધર્મકાર્ય માટે મૂળરાજે ઉત્તર ખંડમાંથી બ્રાહ્મણો બોલાવવા તજવીજ કરી. ઋષિપુત્રો સમેત એકંદરે ૧૧૦૯ અગ્નિહોત્ર બ્રાહ્મણો અહીંયા આવ્યા. તેમના અગ્નિહોત્ર ચાલુ થવાથી હોમ કરવા માંડ્યો જેની આકાશમાં ચઢતી ધુમ્રસેરોને કારણે મૂળરાજને જાણ થઈ કે બ્રાહ્મણો નગરમાં આવી પહોંચ્યા છે. બાળાશંકર શાસ્ત્રીના વર્ણન પ્રમાણે –
“મૂળરાજ પોતે બ્રાહ્મણો પાસે જઇ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કહેવા લાગ્યો કે, ‘હે બ્રાહ્મણો, તમારી કૃપાથી મારા જન્મનું સાર્થક થયું છે, અને હવે મારી આશા પૂર્ણ થશે.’
મૂળરાજે કહ્યું કે હે બ્રાહ્મણો આ રાજ્ય પાટ, હાથી, ઘોડા, સોનું રૂપું, વગેરે તમામ હું તમોને ભેટ કરું છું. અને હું તમારો રંક દાસ છું. બ્રાહ્મણોએ કહ્યું કે મહાન રાજન, અમો રાજ્ય કારભાર ચલાવવાને શક્તિમાન નથી; કારણ પરશુરામે એકવીસવાર પૃથ્વી નક્ષત્રી કરી બ્રહ્માણોને આપી હતી. પણ તે બ્રાહ્મણો પાસે રહી નથી; હમો તમારી પાસે રહેવા ઇચ્છતા નથી કારણ જે રાજા પાસે રહે છે તે સંકટને પામે છે, જો આપને દાન આપવાની ઈચ્છા હોય તો શ્રીસ્થળ આપો. અને સોના રૂપાથી શ્રીસ્થળને શોભાવો. તે ઉપરથી મૂળરાજે બ્રાહ્મણોની અર્ધ્ય પાદ્ય પુજા કરી કનક, કડકીયાં, ભેટ કરી શ્રીસ્થળ આપી દીધું. તે સિવાય હાથી ઘોડા વગેરે પણ ભેટ કર્યું.”
“ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણો હાલ ‘ઔદિચ્ય’ એ સંજ્ઞાથી ઓળખાય છે. આ રુદ્ર મહાલયના મંદિરની સાથે સિદ્ધરાજે પોતાનું નામ કાયમ રાખવા માટે મોક્ષપીપળાની નજીક બાવાની વાડીમાં શ્રી સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી અને તેવી જ રીતે વહોરવાડમાં હનુમાનની પણ સ્થાપના કરી.” (સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પૃષ્ઠ. ૪૪-૪૫-૪૬)
આમ સિદ્ધપુરમાં તે સમયે ઘણા ભાગે બ્રાહ્મણો જ વસતા હોવાનું અનુમાન જાય છે. એવો પણ એક મત છે કે સિદ્ધરાજ જયસિંહના વખતમાં તેનું નામ અમર રહે તે માટે આ શહેરનું નામ સિદ્ધપુર પાડવામાં હશે.
આ સિદ્ધપુર આજથી લગભગ સવાસો-દોઢસો વરસ પહેલા કેવું હતું અને કેવા પ્રકારની વ્યવસ્થા આ શહેરમાં હતી તેનું વર્ણન ‘સિદ્ધપુરક્ષેત્ર મહાત્મ’માં નીચે મુજબ આપવામાં આવ્યું છે.
આ શહેરમાં ઘણા બ્રાહ્મણોની વસ્તી હતી એમ હાલના સિદ્ધપુર નિવાસી મુસલમાન વહોરાની અટકો ઉપરથી જણાય છે. કારણ એ અટકોમાં વ્યાસ, ભટ્ટ વિગેરે બ્રાહ્મણોની અટકો જેવી તેમની અટકો છે. કહે કે ધર્માંધ અલાઉદ્દીનખુની જ્યારે દિલ્હી પતિ થયો ત્યારે તે હિંદુઓને વટલાવા માંડ્યો, અને તે જ્યારે ફરતો ફરતો આ શહેરમાં આવ્યો ત્યારે ઘણા બ્રાહ્મણોને વટલાવી રુદ્રમહાલય તોડ્યો હતો. તે વખતથી આ વહોરા લોકોની વસતિનો ભાગ હોવાનું જણાય છે. રુદ્રમહાલયનો ટૂંક ઇતિહાસ ઇલાયદો આવ્યો છે. શહેરની અંદરની વહોરવાડમાં વહોરા લોકોના મોટાં ભવ્ય ને તે મુંબઈ નગરીને યાદ કરાવે તેવા મકાનો છે, વિશેષમાં સ્ટેશન નજીકના ભાગમાં હાલ થોડા મુદ્દતમાં મુંબઈના ધનાઢ્યના જેવા ને મોટા ભવ્ય બંગલા તેમણે બાંધેલા છે.
આ લોકોનો ઘણો ભાગ પરદેશમાં રહી મોટો વેપાર ખેડે છે.
વહોરા સિવાય બીજી વસતિમાં મુખ્ય આપણા પરમ પૂજ્ય ભૂદેવો (બ્રાહ્મણો) છે. તેમાં કેટલાક વેપારને કેટલાક નોકરી કરે છે. પણ ઘણો ભાગ ગોરપદુ કરનારનો છે. આ લોકોએ પોતાના યજમાનનાં ગામો નક્કી કરેલાં છે. યાત્રાળુની તેઓ પોતાના ચોપડામાં નોંધ રાખે છે. અને તે નવીન આવનાર યાત્રાળુની દેખરેખ રાખી યજમાનવૃતિ કરી પોતાનો નિર્વાહ કરે છે.
યાત્રાળુની સામા પણ તે પોતાના ચોપડા લઈ સ્ટેશન ઉપર આવે છે. અને તે યાત્રાળુ સજ્જનનું ગામ ને જાત પૂછી પોતાના ચોપડામાં તે ગામનું તથા જાતનું કોઈ આવેલું હોય તેનું નામ બોલે છે. નામ નીકળ્યા પછી બીજાને ત્યાં તે જવા દેતા નથી તેમ બીજા લઈ પણ જતા નથી.
ગોર લોકો ઉતારાની તથા પાથરણાની ને વાસણકુસણ વગેરેની સગવડ કરી આપે છે. તેમ યાત્રાળુ સાથે રહી બધાં તીર્થોની માહિતી આપી યાત્રાળુને રસોઈ કરવી હોય તો તે પણ તે કરી આપે છે એટલે કોઈ પ્રકારની યાત્રાએ આવનાર સજ્જનને હરકત પડતી નથી.
આ શહેરની વસતિ ઘણી ગીચ અને રસ્તા તથા બજાર ઘણા સાંકડા છે, તેથી મેળાના વખતે ઘણી ગરદી થાય છે. આવા વખતે પોતાના દરદાગીના, પૈસા ટકા, અગર જણસભાવ સાચવી ઘણી સાવચેતીથી રહેવું એ હિતાવહ છે. માટે સરસ્વતી કિનારે સ્નાન કરતી વખતે પણ પોતાના લૂગડાંલત્તા સંભાળી સ્નાન કરવું.
આ શહેરમાં વરાળયંત્રથી ચાલતાં બે કારખાનાં છે. એક દિવેલ કાઢવાનું છે અને બીજું કપાસમાંથી રૂ કાઢી સૂતર કરવાનું છે.
શહેરમાં સ્ટેશન નજીક એક સરકારી ધર્મશાળા છે. તેમ સરસ્વતી કિનારે તથા ગામમાં ને બિંદુ સરોવરના માર્ગ ઉપર પણ ધર્મશાળાઓ છે. તથા કેટલીક જગ્યાએ ધાર્મિક લોકો તરફથી સદાવૃત્તો પણ અપાય છે.
શહેરથી બહાર બિંદુ સરોવર તરફ જતાં રસ્તામાં તથા બીજી બાજુએ વોહરા તથા હિન્દુ લોકોના બગીચાને બંગલા બાંધેલા છે.
એકંદરે શહેરની બાંધણી ઘણી સારી ને જોનારના મનને આનંદ પમાડે તેવી છે.
ગામમાં સુધરાઈ, વહીવટદાર, મુનસફ, માજીસ્ત્રેટ, ફોજદાર, વગેરેની કચેરીઓ તથા દવાખાનું અને ઈંગ્રેજી, ગુજરાતી તથા પાઠશાળા, ઉર્દુશાળા વગેરે શાળાઓ છે.
આ સિવાય ખાનગી દવાખાનાંઓ અને વળી વૈધો તથા વોરા લોકોનું બંધાયેલું એક મોટું દવાખાનું પણ છે. આ દવાખાના અંદર એક ડોક્ટરને નર્સ વોરા લોકો પોતાના ખાનગી ખરચે રાખી દવાઓ પણ ખાનગી રીતે ફંડમાંથી મંગાવી ગરીબોને અપાવે છે.
આ શહેરની અંદર, ગોવિંદ માધવનું, રણછોડજીનું, સરસ્વતીજીનું તથા સત્યનારાયણનું, સહસ્ત્રકળા માતાજીનું, શામજી, સ્વામિનારાયણનું, ગોસાઈજી મહારાજનું, કપિલ મુનીનું, લક્ષ્મીનારાયણનું, ગોપીનાથનું, ગોવર્ધનનાથનું, રઘુનાથનું, ગણપતિનું, બ્રહ્માંડેશ્વર, અરવડેશ્વર મહાદેવનું, વાલકેશ્વર મહાદેવનું, સિદ્ધનાથ મહાદેવનું, અને છબિલા હનુમાન વગેરેનું છે. વળી સરસ્વતી કિનારે મોક્ષ પીપળો છે. બિંદુ સરોવર, અલ્પસરોવર, જ્ઞાન વાપી એ નામના ત્રણ તળાવો છે અને સિવાય મમ્બાદેવી, મહાપ્રભુજી બેઠક વગેરે મંદિરો છે.
સિદ્ધપુરમાં હમેશાં યાત્રાળુઓ યાત્રાર્થે આવે છે. પણ વરસમાં મુખ્ય ચાર વખત યાત્રાળુના મેળા થાય છે.
એક કાર્તિકી પૂનમે, બીજો આસો સુદ ૧૫ પૂનમે, ત્રીજો શ્રાવણ વદ ૮મે ને ચોથો શ્રાવણ માસના દરેક સોમવારે ભરાય છે, તેમાં મુખ્ય મેળો પૂનમનો છે.
વિશિષ્ટ પંચાયત તરફથી થોડી મુદતથી મ્યુનિસિપાલિટીનાં ખર્ચનાં નિભાવ સારું દરેક યાત્રાળુ પાસેથી એક આનો કર તરીકે લેવાય છે.” (સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પૃષ્ઠ. ૧-૨-૩-૪)
આ વર્ણન આજથી લગભગ સવાસો-દોઢસો વરસ પહેલાંના સિદ્ધપુરનું છે. આજે પ્રચલિત હોય તેવાં ઘણાં બધા મંદિરો અને વ્યવસ્થાઓ તે સમયે પણ અસ્તિત્વમાં હતા તેવું આ વર્ણન પરથી જોઈ શકાય છે. મહદઅંશે ‘સિદ્ધપુરક્ષેત્ર મહાત્મ’ પુસ્તિકામાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો વિગેરેનું વર્ણન છે.
આવું આ સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. કનૈયાલાલ મુનશીના ‘પાટણની પ્રભુતા’ જેવા પુસ્તકમાં એ જમાનામાં સિદ્ધપુર અને પાટણ વચ્ચે સરસ્વતી નદીમાં હોડીઓ ચાલતી અને દેહસ્થળી એટલે કે દેથળી પાસે સરસ્વતી નદીનાં પાણી વાંસજાળ ઊંડા હતા એ પ્રકારની વાત આવે છે. આજે પણ માધુ પાવડીએથી સરસ્વતીના સામા કિનારે આવેલ થળીમાં નાવ લાંગરવા અથવા બાંધવા માટેનાં કડાં જોવા મળે છે. આ સરસ્વતી એટલે કુંવારીકા. કુંવારીકા એટલા માટે કહેવાઈ કારણ કે એ દરિયાને નથી મળતી પણ રણપ્રદેશમાં સમાઈ જાય છે. આ સરસ્વતી નદીનું, એમાં સ્નાન કરવાનું, એના કિનારે પિતૃતર્પણ કરવાનું અને એના કિનારે થતી અંતિમ ક્રિયાનું એક વિશિષ્ટ મહત્વ છે. સ્વર્ગ અહીંથી હાથવેંત જ છેટું છે. સરસ્વતીને કિનારે આવેલ મોક્ષપીપળા માટે એવું કહેવાય છે કે એક વખતે એક શિયાળની પાછળ વાઘ પડ્યો તેનાથી ડરીને શિયાળ નાસતું નાસતું સરસ્વતી નદીના કિનારે આવેલ મોક્ષપીપળા નજીક સરસ્વતીના જળમાં પડતાંની સાથે જ પાણીના લીધે તેનો પ્રાણ ગયો પણ તરત જ તે મોક્ષ પામી સ્વર્ગમાં ગયું અને વાઘ શિયાળ નહીં દેખાવાથી ફાંફા મારીને ચાલ્યો ગયો.
સરસ્વતી નદી કિનારે આવેલ આ મોક્ષપીપળાની જગ્યા ઘણી પવિત્ર અને ચમત્કારિક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કૃષ્ણના પુત્ર સાંબને કુષ્ઠ રોગ થવાથી કૃષ્ણે તેને એમાંથી મુક્ત થવા ઉપાય બતાવતા કહ્યું કે પ્રાચી સરસ્વતીના કિનારે જ્યાં મોક્ષપીપળો છે ત્યાં ધરો છે. તેમાં પાણી ઘણું છે અને તે જગ્યાએ એક અદ્રશ્ય કુંડ પણ છે. ત્યાં જઇ તું સ્નાન કર, તારો બધો રોગ નાશ પામશે. કૃષ્ણની સલાહ મુજબ સરસ્વતી કિનારે આવી સાંબે મોક્ષપીપળા આગળ સ્નાન કર્યું જેનાથી તેનો તમામ રોગ નાશ પામ્યો.
આ મોક્ષપીપળો સરસ્વતી નદીને કિનારે આજે પણ ઊભો છે. બાવાજીની વાડી જ્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આજે ભગવાન શ્રી સાંઇનાથ, ગોગાબાપજીના મંદિરો ઉપરાંત ગાયત્રી પરિવારની પણ સરસ મજાની જગ્યા છે. સાંજ પડ્યે આસ્થાળુ માટે શ્રદ્ધા કેન્દ્ર અને સિનિયર સિટીઝનો માટે હાશકારો કરીને બેસવાની જગ્યા એવી આ બાવાજીની વાડી સિદ્ધપુરનું એક પવિત્ર અને રમ્ય સંકુલ બનીને અનેક શ્રદ્ધાળુઓને આજે આકર્ષે છે.
આવી આ પ્રાચી સરસ્વતી, એનું મહાત્મ, માધુ પાવડી, સિદ્ધપુરના નગરદેવતા ગોવિંદ-માધવ, બ્રહ્માંડેશ્વર, વાલખીલેશ્વર (વાલ્કેશ્વર), જ્ઞાનવાવ, બિંદુ સરોવર, અલ્પા તીર્થ અને દેથળી એટલે કે દેહસ્થળીમાં વટેશ્વર (બટુકેશ્વર), પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ અરવડેશ્વર, મા શક્તિના બેસણા એવું હિંગળાજ અને સહસ્ત્રકલા, દૂર દૂર ચંપકેશ્વર, શહેરમાં રાધાકૃષ્ણ અને રણછોડરાયના મંદિરો, સ્વયંભૂ પ્રગટ થયેલ સિદ્ધનાથ મહાદેવ, મહાપ્રભુજીની બેઠક, ચંદ્રતીર્થ મહાદેવ, વહોરવાડના છબિલા હનુમાન, સત્યનારાયણ અને નીલકંઠ મહાદેવના મંદિરો, દૂધલીમલદાદા આવા અનેક પવિત્ર સ્થળો જ્યાં વસ્યા છે, જેનું દરેકનું અલગ મહાત્મ છે, જ્યાં આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ કરવા આવે છે, જ્યાંની વહોરવાડ આજે પણ પેરિસની સ્થાપત્ય કળા યાદ દેવડાવે છે, એવું સિદ્ધપુર આજે પણ પોતાના ખોળામાં ઘણું બધુ સમાવીને બેઠું છે.
હું મારી વાત લખું છું એમાં હું ગૌણ છું. મારૂ કામ તો મારા જીવનની સાથે સાથે અનેક વિરાટ શક્તિઓ, પરિસ્થિતિઓ અને સ્થળોનો મને પરિચય થયો તેનું મારી સમજ પ્રમાણેનું, પણ અધિકૃત વર્ણન કરવાનું છે.
જે કાળખંડમાંથી હું પસાર થયો અને આજે ૨૦૧૯ સુધી પહોંચ્યો છું તે એપ્રિલ ૧૯૪૭થી આજ દિવસ સુધીમાં ભરેલા એક એક ડગલાએ, કેવી ભવ્ય સંસ્કૃતિ, વ્યક્તિત્વો અને તીર્થસ્થાનો તેમજ ઇતિહાસની યશોગાથાઓ સાથે મારો પરિચય કરાવ્યો તેની વાત માંડીને હું બેઠો છું.
ઈશ્વર અને ઇતિહાસે સર્જેલાં અનેક અમુલ્ય રત્નોને પરોવવાનો અને એ રીતે એક રત્નમાળા ગૂંથતો દોરો માત્ર બની રહેવાનો મારો પ્રયાસ છે. પ્રભાવ અને ઝળહળાટ, મૂલ્ય અને મહાત્મય પેલા રત્નોનું છે, દોરાનું નહીં.
આ જ વિચારને આગળ વધારતાં સરસ્વતી મહાત્મય અને તેને સંલગ્ન વાત હવે પછી.