સિદ્ધપુરમાં હોળી સાથે સાથે કેટલીક પરંપરાઓ જોડાયેલી છે.
મહાશિવરાત્રી જાય એની સાથે સાથે શિવ શિવ કરતી ઠંડી કૂવામાં પડે એવું મા કહેતી. શિયાળામાં કોસનું પાણી થાળામાં ઠલવાય અને સવારનો પહોર હોય તો એમાં વરાળ નીકળે. એ પાણી હુંફાળું હોય, ટ્યૂબવેલ એટલે કે બોરનો બંબો શિયાળામાં પડતો હોય તો એનું પાણી પણ હુંફાળું લાગે. નહાવાની મજા આવે. આથી ઊલટું ઉનાળામાં કોસનું પાણી થાળામાં ઠલવાય ત્યારે વરાળ ન નીકળે અને એ પાણી ઠંડુ લાગે. સાપેક્ષ સરખામણીનો આ વિષય છે. જમીન નીચે કૂવાનું પાણી તો એટલું જ ગરમ હોય પણ શિયાળામાં બહાર ૪ ડિ.સે. તાપમાન હોય એટલે એની સાપેક્ષતામાં અથવા સરખામણીમાં કૂવાનું પાણી હુંફાળું લાગે. આથી ઊલટું ઉનાળામાં બહારનું તાપમાન ૨૦-૨૨ ડિ.સે. થી માંડી ૪૫ ડિ.સે. સુધીનું હોય એટલે એની સાપેક્ષતામાં કૂવાનું પાણી ઠંડુ લાગે. આ વાતને સરસ રીતે શિવરાત્રી સાથે જોડી દેવાઈ છે. શિવરાત્રી જાય એટલે વાતાવરણ ગરમી પકડવા માંડે. પેલું કૂવાનું પાણી હુંફાળું નહીં પણ ઠંડુ લાગે એટલે કે શિવ શિવ કરતી ઠંડી કૂવામાં પડી! શિવરાત્રી જાય અને લગભગ બાર દિવસ જેવો સમય વીતે એટલે હોળીના તાપણાં દેખાવા માંડે. ગામડામાં ગામના ગોંદરે ચેંચૂડો નખાય. અને ગામડાઓમાં રાત્રે યુવાનીયાઓ આંધળા પાટાની અથવા નાળિયેરફેંક જેવી શરતો લગાવે.
ક્યારેક હોળીના ત્રણ-ચાર દિવસ પહેલાં બાપા સાથે ગામમાં જવાનું થાય ત્યારે એક વસ્તુ ખાસ જોવા મળે. રેલવેમાં સ્ટેશન માસ્તર પહેરે છે એવો બિન્ની મિલના કપડાનો સફેદ જીનનો કોટ મારા બાપા પહેરતા. નીચે મોટા ભાગે બ્લ્યુ અથવા આછા પીળા રંગનું ખમીસ અને એની નીચે બાંડિયું. બાપા ધોતિયું પહેરતા. જો કે એ ચંડીસરમાં સ્ટેશન માસ્તર હતા ત્યારે એક વખત જીદ કરીને મેં એમને શિયાળામાં યુનિફોર્મ તરીકે મળેલો ઘાટા જાંબુડીયા રંગનો ગરમ કોટ અને પાટલૂન પહેરાવેલાં. બાપને કોટ પાટલૂનમાં જોઈ થોડી રમુજ પણ થયેલી અને મારા બાપા પણ કોઈક રૂઆબદાર રેલવે ઓફિસર છે એવી લાગણી પણ.
વળી પાછા મૂળ વાત પર આવીએ તો હોળીના ચાર-પાંચ દિવસ પહેલાં બાપા એમના કોટના આગળના બે ગજવામાંથી જમણી બાજુના ગજવામાં છૂટા પૈસા રાખે. એ વખતે નાનામાં નાનું ચલણ એટલે પૈસો હતું. પછી ઢબુ એટલે કે બે પૈસા, પછી એક આનો એટલે કે ચાર પૈસા, બે આની એટલે આઠ પૈસા, પછી પાવલી એટલે સોળ પૈસા, અધેલી એટલે બત્રીસ પૈસા અને રૂપિયો એટલે ચોસઠ પૈસા. પૈસો તાંબાનો આવતો. એડવર્ડ આઠમાનો ફોટો એના ઉપર એમ્બોસ હોય. બીજી ડિઝાઇન વચ્ચે કાણાંવાળો પૈસો જેને અમે કણિયો પૈસો કહેતા એ હતી. બાપા આઠેક આનાનું પરચુરણ એક-એક પૈસાના સ્વરૂપે ગજવામાં રાખે. પશવાદળની પોળમાં જેવા દાખલ થઈએ, ચાહે રુદ્રમહાલય બાજુનો ખાંચો પકડો કે કાળા ભટ્ટના મહાડ બાજુનો, આઠ-દસ છોકરાંની ટોળી ક્યાંકથી નીકળી આવે. હાથમાં પિચકારી હોય, કોઈકના હાથમાં રંગ હોય, બધા વીંટળાઇ વળે. એમની એક અવાજે માંગ હોય ‘કાકા હોળીનો પૈસો’. બાપાને કોઈ રંગ છાંટે તે ગમતું નહોતું. મેં એમના કપડાં પર ક્યારેય રંગનો છાંટો પડેલો જોયો નહોતો. કોઈ જ રકઝક વગર એ ખિસ્સામાં હાથ નાખી એક પૈસો પેલા ઘેરૈયાઓને આપી દે. ક્યારેક ન માને તો બીજો એક પૈસો આપે. બસ એટલામાં પેલા છોકરાં રાજી. અને એમના આનંદનો પોકાર ઊઠે ‘હોળી માતા ઝંડેરું’. ને વળી બધાં છોકરાં બીજો કોઈ ઘરાક શોધવા નીકળી જાય. જો કોઈ પૈસો ના આપે તો કોઈકને કોઈક ખૂણેથી એના પર રંગની પિચકારી અથવા કોરો રંગ છંટાયો જ સમજો.
હોળી અને એનું મહત્વ તો બધે સરખું પણ સિદ્ધપુરની હોળીને લગતી કેટલીક બાબતોનો ઉલ્લેખ એમની વિશિષ્ટતાઓ સાથે જોઈએ. સિદ્ધપુરમાં ઉજવવામાં આવતા દરેક ધાર્મિક પર્વની એક અનોખી રીત હોય છે. આવી જ એક પ્રથા હોળીના પર્વ સમયે જેરની છે. લગભગ દોઢસો વરસ જેટલાં જૂના સમયથી ચાલી આવતી આ પ્રથા ઉપર બ્રહ્મપોળનો અધિકાર છે. આજે આ અનોખી પરંપરા બ્રહ્મપોળ યુવક મંડળ દ્વારા જાળવી રખાઇ છે. ફાગણ સુદ અગિયારસના દિવસે સિદ્ધપુર બ્રહ્મપોળ કાશી વિશ્વનાથ મંડળ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા બ્રહ્મપોળથી નીકળી નીલકંઠ મહાદેવ, એમ.પી. હાઈસ્કૂલ, નવાવાસ, મમ્માદેવી, દીનદયાળ સોસાયટી પાસે આવેલા બહુચરાજી માતાના મંદિરે પહોંચે છે. માતાજીને પ્રસાદ અને નૈવેદ્ય ધરાવી આનંદનો ગરબો અને બહુચર બાવની કરાય છે. જેર ચઢાવવાની આ વિધિમાં બ્રહ્મપોળના વતની હોય અને બહારગામ રહેતા હોય તેવા વ્યક્તિઓ પણ અચૂક હાજરી આપે છે. આ જેર ધૂળેટીના દિવસે ઢોલનગારાં સાથે વાજતેગાજતે મંડીબજારના ચોકમાં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સાથે દૂધલીમલ ગુરુમહારાજનાં દર્શન કરી કોટવાલીયા ઠાકર કુટુંબના વંશજ દ્વારા દંડ અને ધ્વજ સાથે કાઢવામાં આવે છે. આ જેર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરે છે. મહોલ્લે મહોલ્લે ધજાને અબીલગુલાલ તથા પુષ્પોથી વધાવવામાં આવે છે. ત્યારબાદ વાજતેગાજતે આ જેર રુદ્રમહાલય પાસે જૂની વહોરવાડના નાકે આવીને અટકે છે જ્યાં વહોરા કોમના આગેવાનો જેરનું અભિવાદન કરે છે. વહોરા કોમ તરફથી શ્રીફળ અને રોકડ ભેટ છબીલા હનુમાનજીના મંદિરમાં ધરાવવા માટે આપવામાં આવે છે. એક જમાનામાં છબીલા હનુમાનની મૂર્તિ ખંડિત થઈ છે તેવી અફવાને કારણે બહુ મોટું કોમી રમખાણ થયું હતું ત્યારે ગાયકવાડ સરકાર દ્વારા નીમવામાં આવેલ હુલ્લડ અદાલત દ્વારા સમાધાનથી શ્રીફળ તથા રોકડ ભેટ આપી સ્વાગત કરવું તેવું હુકમનામું કરવામાં આવેલ જે ભેટ હિન્દુ સમાજ વતી હિન્દુ મહાજનના પ્રમુખ તથા નગરશેઠ સ્વીકારે છે. ત્યાર બાદ બંને કોમના આગેવાનો સાથે મળી છબીલા હનુમાનના ધ્વજારોહણ પ્રસંગે હાજરી આપે છે, પ્રસાદ વિતરણ થાય છે, શુભેચ્છાની આપલે થાય છે અને ત્યારબાદ દૂધલીમલ ગુરુમહારાજ પાસે જેર વિખરાઈ જાય છે. આ સમાધાન ગાયકવાડ સરકારના વખતમાં બંને કોમના આગેવાનો વચ્ચે લેખિત સહીસિક્કા સાથેનો દસ્તાવેજરૂપે કરવામાં આવેલું છે.
આમ જેર ઉતરે એની સાથે ધૂળેટીના પર્વની ઉજવણી પૂરી થાય છે. જેર ઉતર્યા બાદ બધા ઘરે જઇ નાહી-ધોઈ વસ્ત્રપરિધાન કરે છે. જેર ઉતરી જાય એટલે કોઈને રંગ છાંટવામાં આવે નહીં એવો નિયમ છે. આમ ધૂળેટીની સવારે શરૂ થયેલ રંગોત્સવ જેર ઉતર્યા બાદ પૂરો થાય છે અને વળી પાછું સિદ્ધપુર શહેર સાંજે ભગવાન ગોવિંદ-માધવ, રણછોડરાયજી, રાધાકૃષ્ણ અને ગોવર્ધનનાથજીની પટેલલોકના મહાડમાં ભગવાન સિદ્ધનાથ મહાદેવની શુભેચ્છા મુલાકાતના પ્રસંગને રંગે ચંગે ઉજવવા માટે તૈયાર થઈ જાય. એક જમાનામાં રાત્રે નીકળતી ભગવાન ગોવિંદરાયજી માધવરાયજીની નગરયાત્રા બીજા દિવસે સવારે ચાર-પાંચ વાગે પૂર્ણ થતી હતી. ઠેર ઠેર ચોકે-ચોકે યુવાનો દ્વારા નોબત વગાડીને યાત્રા રોકી રાખવામાં આવતી જેમાં ત્રણ હજાર કિલો અબીલ ગુલાલ ઉડતું હતું. જેને લીધે શહેરનાં માર્ગો પર સફેદ ચાદર ઓઢાડી હોય તેવું દ્રશ્ય જોવા મળતું હતું. પુષ્કળ અબીલગુલાલ ઉડવાને કારણે ઘણાની આંખો ઘવાતી. હાલ નાના ભૂલકાંઓ અબીલ ગુલાલ ઉડાડીને આનંદ મેળવે છે. હવે નગરયાત્રા લગભગ રાત્રે નવ-દસના સુમારે નિજમંદિરે પછી ફરે છે. સમયની સાથે રીતરસમ અને રિવાજોમાં પણ ક્યાંક ક્યાંક ક્ષતિઓ સુધારાય એવું બનતું હોય છે એનું આ ઉદાહરણ છે.