સિદ્ધપુરમાં દશેરા - ઉત્તરાયણ જેવો જ પતંગોત્સવ ઉજવવાનો દિવસ
આમ તો ઉત્તરાયણની વાત કરીએ એટલે પહેલું સ્મરણ પતંગનું થાય.
હા.. ઉત્તરાયણ એટલે માંજો ઘસીને દોરો તૈયાર કરવાનો સમય.
ઉત્તરાયણ એટલે કોડીના ભાવે પાવલા, ઘેસીયા કે ઢાલ જેવા પતંગ ખરીદવાનો સમય.
ઉત્તરાયણ એટલે મોડી રાત સુધી પતંગની કિન્ના બાંધવાનો સમય.
અને..
ઉત્તરાયણ એટલે વહેલી સવારથી ધાબે ચઢી
‘એ કાઇપો છે...’
‘લપેટ... લપેટ...’
જેવી રાડારાડ કરી ઝનૂન સાથે આકાશમાં ઉડતા પતંગ કાપવાનો દિવસ.
પણ આ ઉત્તરાયણે કેટલાક ઉત્સાહીઓએ લાખ પ્રયત્નો કરવા છતાંય સિદ્ધપુરમાં એટલા બધા પતંગ નથી ઉડતા, જેટલા સિદ્ધપુરમાં પતંગ દશેરાએ ઊડે છે.
ભાદરવાનો તાપ તપવા માંડે અને શ્રાદ્ધ પૂરાં થવા આવે એટલે સિદ્ધપુરના આકાશમાં પતંગ દેખાવા માંડે. સરેશ ઉકાળીને જાતે સોડાવોટરની બાટલી ખાંડીને તૈયાર કરેલ કાચ અને મનગમતો રંગ નાખીને દોરી પવાય.
આ ‘દોરી પવાય’ શબ્દ સિદ્ધપુરની આગવી મૂડી છે.
અહીં દોરી ‘સૂતાતી’ નથી કે ‘માંજો ઘસાતો’ નથી પણ ‘પવાય’ છે!
ઉકાળેલા સરેશમાં રંગ નાખી (અમે તો વિલાયતી ગોખરુ પણ નાખતા. કેટલાક લોકો ઈંડાં પણ નાખે) તૈયાર થયેલ રસમાં સાંકળ ૮, ડોકા ૮ કે પછી ડોકા ૪૦ કે એવી કોઈ બરની દોરી લાવી પહેલાં રેંટિયાના ફાળકા ઉપર એની આંટી બનાવાય, પછી એ આંટી સરેશના પેલા ઉકાળેલા રસમાં બરાબર ડૂબોળાય અને ત્યારબાદ એક વ્યક્તિ બે હાથ પહોળા રાખીને એ સરેશનો રસ ચઢેલી આંટી પહેરી લે, ઊંધા પગલે એ પાછળ ચાલતો જાય અને આંટીમાંની દોરી ઉકેલતો જાય. એક છેડો કોઈ ખૂંટા સાથે બાંધેલો હોય. આ આંટીવાળા માણસની દોરી ઉકેલાતી જાય તેમ તેની પાછળ ખાંડેલો કાચ જે બરાબર લોટ જેવો હોય એની બે હાથમાં એક કપડાંમાં ભૂકી રાખી પાછળ એક માણસ સાફી મારતો આવે. પછી એની પાછળ આ દોરી બરડ ન થઈ જાય અને હાથમાં વાગે નહીં તે માટે એક ત્રીજો માણસ કોરી સાફી લઈને પેલા કાચવાળા પાસેથી આવેલ દોરા ઉપરનો વધારાનો સરેશ અને કાચ દૂર કરી નાખે. બીજા ખૂંટે જઇ આ આખુંય ટોળું પાછું ફરે અને એમ કરતાં દોરી પવાઈ જાય. સરેશ સૂકાય જલદી. એટલે અરધા કલાકમાં તો દોરી સૂકાઈને તૈયાર.
શહેરોમાં જે લૂગદી બનાવી અને દોરી પવાય છે એવી પ્રથા અમારે ત્યાં નહોતી. આ દોરી પાવામાં મારી માસ્ટરી હતી. પતંગની દોરી પાવા માટે સરેશનું ડબલું મારી પાસે હંમેશાં તૈયાર હોય. અમે દોરી વારમાં નહોતા માપતા, રીલમાં માપતા હતા. એટલે કે બે રીલ, ચાર રીલ કે આઠ રીલ દોરી પાઇ એમ કહેવાતું. ઢીલ છોડીને કાપવું હોય તો ડોકા ૪૦ જેવી ઝીણી દોરી અને ખેંચીને કાપવા માટે સાંકળ ૮ જેવી જાડી દોરી વપરાશમાં લેવાતી. આખા ગુજરાતમાં પતંગ ૨૦ નંગની એક કોડી એ રીતે કોડીના ભાવે મળે.
સિદ્ધપુરમાં નંગ અથવા ડઝન એ રીતે મળે. આવું સિદ્ધપુર ઉત્તરાયણના દિવસે નહીં પણ દશેરાના દિવસે પતંગ ચગાવે. અત્યારે જ્યાં પાણીની મોટી ટાંકી બની છે તે આખોય વિસ્તાર મોટું મેદાન હતો અને હરગુડીયો નામથી ઓળખાતો. કેટલાંક મુસ્લિમ પતંગબાજોનો ત્યાં દબદબો રહેતો. એમાંનું એક નામ મને યાદ છે, એ હતું મમલી. બીજો એક ચીનો હતો. આ બધા ઢીલથી પતંગ કાપવાના ખેરખાં. એક રીલ જેટલી દોરી છોડી દે અને પતંગ ટીકડી જેવો દેખાય ત્યારે પેચ કરવાની એમને મજા આવે. ખેંચીને કાપવું હોય તો પોતાનો પતંગ ગોથ મારીને સામેવાળાની દોરીના નીચે પોતાની દોરી આવે એ રીતે લઈ આવી પછી એકદમ સડસડાટ ખેંચી મારવાનો. પણ ઢીલ છોડીને કાપવાનો હોય તો પોતાની દોરી ઉપર રહે. પતંગ ઠૂમકું મારે એટલે થોડો લોટે, પણ બહુ લોટે કે ગોથ ખાય એવો પતંગ ન ચાલે. એને બે આંગળી ઉપર દોરી રાખી સહેજ લાડ લડાવો એટલે પતંગ સ્થિર થઈ ઊડે અને જેમ દોરી છૂટે તેમ સડસડાટ આકાશ પકડતો જાય. બે-બે ચાર-ચાર રીલ છૂટી જાય તેટલા લાંબા પેચ ચાલતા. એ દિવસોમાં હું હાઈસ્કૂલમાંથી છૂટી હરગુડીયામાં ઊભો ઊભો આ બધુ જોયા કરતો. ઢીલ છોડીને કઈ રીતે કપાય એ કળા મમલી પાસે અદ્ભુત હતી અને એનો પતંગ ચગતો હોય ત્યારે ભાગ્યે જ બીજો કોઈ એને ચેલેન્જ કરવાની હિંમત કરતો. હરગુડીયાની જેમ નદીની ધરોમાં પણ પતંગબાજો અડ્ડો જમાવતા.
સિદ્ધપુરમાં પતંગ છાપરે અથવા ધાબેથી ઉડતા એટલે ટૂંકી દોરીએ હવા પકડી લે. ઘણી જગ્યાએ પતરાંના છાપરા હતા અને તેના પરથી પટકાઈને ગંભીર ઘવાયા હોય અથવા મૃત્યુ થયું હોય તેવા કરૂણ કિસ્સા પણ દશેરાની રંગત બગાડી દેતા.
આજે સિદ્ધપુરમાં દશેરાએ પતંગ કેમ ઊડે છે તે વિષે વાત કરવી છે.
સિદ્ધપુરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. સમગ્ર ગુજરાત અને દેશભરમાં પતંગોત્સવ ઉતરાયણના દિવસે મનાવવામાં આવે છે જ્યારે એક માત્ર સિદ્ધપુરમાં દશેરાના દિવસે પતંગો ઉડાવવાની પ્રથા જોવા મળે છે.
સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ચગવા પાછળ બે-ત્રણ લોકવાયકા પ્રચલિત છે. સૌથી પ્રચલિત માન્યતા મુજબ પાટણનરેશ પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન ઉત્તરાયણના દિવસે થયું હતું. જોકે સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ અંગે કોઈ ઐતિહાસિક પ્રમાણો મળતા ન હોવા છતાં પાટણ, પાલનપુર અને સિદ્ધપુરની પ્રજા તેમના શોકમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવતી ન હતી. પાટણ તેમના રાજ્યનું પાટનગર હતું, પાલનપુરમાં તેમનો જન્મ થયો હતો અને સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું બાંધકામ તેમણે પૂરું કરાવ્યું હતું અને સિદ્ધરાજના નામથી જ સિદ્ધપુરનું પડ્યું હતું. આથી આ ત્રણેય નગરના લોકો પોતાના રાજાના માનમાં ઉત્તરાયણ ઉજવવાના બદલે દાન-પુણ્યમાં આ દિવસ પસાર કરતાં હતા. હવે તો માત્ર સિદ્ધપુરમાં જ આ પરંપરા જળવાઈ રહી છે. સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે નગરજનો દાનપુણ્ય કરી ઊંધિયું-જલેબીની જ્યાફત ઉડાવે છે. ઠેર-ઠેર મહોલ્લાઓના રહીશો ગાયોને ઘાસચારો, ડોકા અને પુડા ખવડાવે છે. કૂતરાંઓ માટે લાડુ બનાવી ખવડાવવામાં આવે છે. આ દિવસે દિકરીઓને તેમજ મંદિરોમાં દાન કરવાનું ખૂબ મહત્વ છે. બીજી એક વાયકા મુજબ સિદ્ધરાજે જૈન ધર્મને રાજકીય રક્ષણ આપ્યું હતું. આથી પતંગની દોરીથી આકાશમાં ઉડતા પક્ષીઓને ઇજા ન થાય તે માટે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યા હતા. આ પ્રતિબંધની અસર હેઠળ જિલ્લામથક પાટણમાં પણ પહેલા ઉત્તરાયણ મનાવવામાં આવતી ન હતી. ત્રીજી એક વાત એવી છે કે વરસો પહેલાં ઉત્તરથી મોટી સંખ્યામાં બ્રાહ્મણો સિદ્ધપુરમાં આવીને વસ્યા. ઉત્તરાયણ દાન-પુણ્ય માટે ખૂબ જ શુભ દિવસ મનાય છે. આથી ભૂદેવોના શહેર એવા સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય અને પૂજનમાં સમય જતો હોવાથી પતંગ ચગાવવાનો સમય મળવો શક્ય ન હતો. આથી ઉત્તરાયણે અહીં પતંગ ચગાવવાની પ્રથા પ્રચલિત ન થઈ.
પરંતુ પતંગોત્સવ જેવી રોચક પ્રવૃત્તિથી શહેરીજનો વંચિત ન રહી જાય તે માટે ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે સિદ્ધપુરમાં પતંગોત્સવ ઉજવાય છે. ઉત્તરાયણ એટલે પતંગ અને ઊંધિયુંના સમન્વયનો દિવસ અને દશેરા એટલે ફાફડા અને જલેબીની મજા માણવાનો દિવસ. સિદ્ધપુરમાં દશેરાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે આથી પતંગની સાથે ઊંધિયું અને ફાફડા-જલેબીની જ્યાફત સિદ્ધપુરવાસીઓને માણવા મળે છે. ૧૪મી જાન્યુઆરીએ રાજ્યમાં અન્યત્ર ઉજવાતી ઉત્તરાયણમાં શિયાળાનો સમય હોવાથી પતંગ રસિયાઓને તાપ ઓછો લાગે છે. જ્યારે દશેરાના દિવસે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આવા ધોમ ધખતા તાપમાં પણ સિદ્ધપુરવાસીઓ પતંગ ચગાવવાની મજા માણી ઉત્સવને ઉજવે છે. શહેરીજનોને નવ દિવસ નવરાત્રિ અને દસમા દિવસે દશેરાની સાથે સાથે પતંગની મજા એમ બેવડો લાભ મળતો હોવાથી આ પ્રથા અકબંધ રહી છે. દશેરાના દિવસે પતંગોત્સવ થતો હોય તેવું સમગ્ર ભારત દેશમાં એક માત્ર શહેર સિદ્ધપુર જ છે.
કોઈ પણ તહેવાર આમ તો સ્વયંભૂ ઉજવાતો હોય છે. પરંતુ નવાઈ લાગે તેવી વાત એ છે કે જૂની માન્યતામાંથી બહાર આવીને લોકો ઉત્તરાયણના પર્વને વધુને વધુ ઉજવતા થાય તેના માટે સિદ્ધપુરમાં અનેકવાર ઝુંબેશો પણ થઈ છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ પર લોકોમાં પતંગ-દોરીનું મફત વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ લોકોમાં એટલો ઉત્સાહ જોવા નહોતો મળ્યો. જોકે પતંગ શોખીનો તો વરસમાં બે-બે વાર પતંગ ચગાવવા મળે તેનો લાભ લેવાનું ચુકતા નથી. આથી હવે ધીરે ધીરે ઉત્તરાયણમાં ક્યાંક ક્યાંક પતંગ જોવા મળતા થયા છે. પણ દશેરા જેવો ઉત્સાહ લોકોમાં જોવા મળતો નથી. પતંગ ચગાવવાના શોખીન લોકો ઉત્તરાયણના દિવસે અમદાવાદ, મહેસાણા, સુરત, પાટણ, ઊંઝા સહિત અલગ-અલગ શહેરોમાં ઉપડી જાય છે. જ્યારે આ બધા શહેરોમાંથી દશેરાના દિવસે સિદ્ધપુર પતંગ ચગાવવા જવાવાળા શોખીનોની પણ કમી નથી.
સિદ્ધપુરની આજુ બાજુ આવેલા બિલીયા, કાયણ, દશાવાડા અને ગગલાસણ જેવા ગામોમાં રાબેતા મુજબની એક જ ઉત્તરાયણ ઉજવાય છે. આ ગામોમાં દશેરાના દિવસે પતંગ ચગાવવાનો રિવાજ નથી. વેપારીઓ ખાસ સિદ્ધપુર માટે દશેરાના તહેવાર નિમિત્તે દોરી અને પતંગનો સ્ટોક સંગ્રહ કરી રાખે છે. શહેરમાં જૂના ગંજબજાર, સ્ટેશન રોડ, જડીયાવીર વિસ્તારમાં દોરી-પતંગના સ્ટોલ લાગી જાય છે. ઠેર ઠેર માંજો પીવરાવવાના ચરખા લાગી જાય છે. ઉત્તરાયણ કરતાં દશેરાએ પતંગ-દોરીના ભાવ ઓછા હોય છે આથી કેટલાક શોખીનો ઉત્તરાયણની ખરીદી પણ દશેરાએ જ કરી લેતા હોય છે. દશેરાએ ઉજવાતો પતંગોત્વ બીજે ઉજવાતી ઉત્તરાયણ જેવો જ માહોલ ઊભો કરે છે. લોકો સવારથી ધાબા પર ચઢી જાય છે અને ડીજેમાં વાગતા મ્યુઝિકના તાલે પતંગબાજીની મજા માણે છે. પેચ કપાય ત્યારે ‘કાપ્યો છે’ અને ‘લપેટ’ની બૂમો સંભળાય છે તો રાત્રે ટુક્કલ અને આતશબાજીથી આકાશ ઝળહળી ઊઠે છે.
પોતાના શહેરની કોઈ વિશિષ્ટતા હોય તો તે પરંપરા જળવાય તેમાં ગૌરવ લેવું જોઈએ. સિદ્ધપુરનો દશેરો આવી જ એક પરંપરા છે. ઉત્તરાયણે પતંગ ઉડાવવા એવી કોઈ ધાર્મિક વિધિ નથી. એવું કહેવાય છે કે –
દેખાદેખી સાધે જોગ
પડે પંડ ને લાધે રોગ
સિદ્ધપુરમાં દશેરાની પ્રથા તોડીને બીજા શહેરોની નકલ કરી ઉત્તરાયણ ઉજવવા મારે પણ પ્રચાર થાય છે. કોઈ ગમે તે મનોવૃત્તિ ધરાવે, જેની જે વિચારસરણી હોય કરે. કશો જ વાંધો ના હોઈ શકે પણ મારે સિદ્ધપુરનું જેમના હૈયે ગૌરવ છે એવા સિદ્ધપુરવાસીઓને પૂછવું છે કે ઉત્તરાયણ તો સુરતથી માંડી વડોદરા, અમદાવાદ જેવી ઘણી મોટી જગ્યાઓએ ઉજવાય છે. પણ દશેરો તો સિદ્ધપુરનો આગવો તહેવાર છે. એના દિવસે સિદ્ધપુરમાં પતંગ ઊડે છે એની ચર્ચા મોટા મોટા અખબારો કરે છે. સિદ્ધપુરની એ વિશિષ્ટતા છે. એને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે નહીં જોડવી જોઈએ. મારું સિદ્ધપુર, એની આગવી ઓળખ એવો દશેરો ખોઈ બેસે એ મને હરગિજ મંજૂર નથી. ઉલટાનું કોઈ સ્વૈચ્છીક સંસાથો કે નગરપાલિકાએ નદીના પટમાં કે અન્ય કોઈ જગ્યાએ દશેરાના દિવસે પતંગોત્સવ યોજવો જોઈએ. પતંગબાજી અને એના દાવપેચની આપણી ખાસિયતો જાળવી રાખવી જોઈએ અને પેલી સુરતી માંજો કે લખનવી દોરી નહીં પણ અસ્સલ સિદ્ધપુરમાં સરેશથી પાઇને સોડાબોટલના કાચની સાફી મારી તૈયાર થયેલ દોરીથી આ પતંગો ચગવા જોઈએ. આપણી આ એક વિશિષ્ટતા છે જેના કારણે સિદ્ધપુર જાણીતું છે. શા માટે એને ભૂસી નાખવી છે? માત્ર સંકુચિત દ્રષ્ટિ અને નકલચી મનોવૃત્તિ સિવાય મને આની પાછળ કોઈ કારણ દેખાતું નથી. ભલે સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગો ઊડે, કોઈ વાંધો નહીં. એની નોંધ કોઈ નહીં લે પણ દશેરાના દિવસે સિદ્ધપુરની પતંગબાજી આપણને હંમેશાં એક વિશિષ્ટ ઓળખ આપતી રહેશે એવો મારો અંગત મત છે.