સિદ્ધપુરની નાત – સમૂહ ભોજનનો એક અનેરો ઉત્સવ
સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનું મુખ્ય કેન્દ્ર છે. મૂળરાજ સોલંકીના આમંત્રણને માન આપી રુદ્રમહાલયની સ્થાપના સંદર્ભે ઉત્તરમાંથી અગ્નિહોત્ર રાખતા જે વિદ્વાન ભૂદેવો સિદ્ધપુર પધાર્યા એની કુલ સંખ્યા આમ તો ૧૦૩૭ હતી તેમ છતાં ૧૦૦૦ની ટુકડી ગણીને સહસ્ત્ર અને ઉત્તરમાંથી આવ્યા એટલે ઉદીચ્ય અથવા ઔદિચ્ય એ રીતે ઔદિચ્ય સહસ્ત્ર કહેવાયા. અખિલ ભારતીય ઔદિચ્ય સહસ્ત્ર મહાસભા એમનું પ્રતિનિધિત્વ કરે છે. ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ નહીં પણ અન્ય ભૂદેવો સિદ્ધપુરના આ બ્રાહ્મણો, જેમના પૂર્વજોની વિદ્વતાનો એક ઉજ્જવળ ઇતિહાસ છે, તેમને માનની નજરે જુએ છે. હું ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણી જગ્યાએ ફર્યો છું પણ જેમ કાશીનું મરણ અને સુરતનું જમણ એ રીતે કર્મકાંડ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનમાં આજે પણ સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવો અગ્રિમ સ્થાન પામે છે.
હું છ ધોરણ સુધી રાજપુર પ્રાથમિક શાળામાં ભણ્યો. સાતમું ધોરણ અચળાપુરા પાસે આવેલ શાળા નં. ૧માં ભણ્યો ત્યારે સિદ્ધપુરના ભૂદેવોનો એક વિશિષ્ટ પ્રસંગ કેટલો મહત્વનો હોય છે તેનો મને ખયાલ આવ્યો. આ વિશિષ્ટ પ્રસંગ એટલે સમગ્ર જ્ઞાતિ બંધુઓનું સમૂહ ભોજન જેને થોડી ગામઠી ભાષામાં ‘નાત જમણ’ કહેવાય. જ્યારે આવી નાત હોય ત્યારે આ બાજુ મહેસાણા અને બીજી બાજુ પાલનપુર સુધી નોકરી કરતા સિદ્ધપુરના ભૂદેવો ચાર-સાડાચાર વાગતા તો ઘર ભેગા થઈ જાય. એક સમય એવો હતો કે શાળામાં બે પિરિયડની રજા નાત નિમિત્તે મળતી. બરાબર છ-સાડા છનો સમય થાય એટલે બહેનો રેશમી વસ્ત્રોમાં અને ભૂદેવો પીતાંબર ધારણ કરીને નાતની વાડીમાં પહોંચી જાય. એ જમાનામાં જમવા માટે ખાખરાના પાનનું પતરાળું અને વાટકી જેવો દડિયો, સાથે પાણીનો પેચવાળો લોટો અને પવાલું ઘરેથી લઈ જવાનું રહેતું. અંબાવાડીમાં એક કૂવો છે જ્યાં સ્નાન કરીને શુદ્ધ થયા બાદ જ પીતાંબર ધારણ કરી અને વાડીમાં પોતાના બંધુઓના સમૂહને જોડાઈ શકાતું. સિદ્ધપુરના ભૂદેવોની પીતાંબર ધારણ કરવાની છટા પણ આગવી અને એથીય વિશેષ આગવું કામ એ આ રીતે એકત્ર થયેલ સમૂહને ભોજન પીરસવાનું. એક જમાનામાં બહેનો માટે અલગ વ્યવસ્થા હતી જેને આજે સ્ત્રીઓનો વંડો કહે છે. એમના માટે જમવાનું પણ અલગથી કાઢી ત્યાં આપી દેવાતું અને વધ્યું હોય તે પાછું ન લવાય એવી પદ્ધતિ હતી. ત્યાં પીરસવા માટે જે વ્યક્તિઓ કામે લાગી હોય તેમણે મહિલાઓનું ભોજન પતી ગયા બાદ અંબાવાડીના કૂવે સ્નાન કરી પવિત્ર થઈ પછી જ જમવા બેસવાનું રહેતું. સિદ્ધપુરમાં એક જમાનામાં વસતિ એક અંદાજ મુજબ ૪૫૦૦ ઘર જેટલી હતી. એક ઘરે ચાર માણસ સરેરાશ ગણીએ તો નાના મોટા થઈને ૧૮૦૦૦ માણસો આ જ્ઞાતિ ભોજન લેતા. પરગામના બ્રાહ્મણોને પણ યોગ્ય વિધિવિધાનપૂર્વક આમાં જોડાવાની છૂટ હતી. આટલી મોટી સંખ્યા હોય એટલે એક વાડી ન ચાલે એ સંયોગોમાં બીજી વાડી એટલે કે ગંગાવાડી બની હશે. આજે આ પરિસ્થિતી રહી નથી. આજે પાંચેક હજારથી વધારે જમવાવાળા ન હોય એવો અંદાજ છે. જમવાનું પીરસાઈ જાય, અપોષણ મૂકાય અને જ્ઞાતિગોર હર હર મહાદેવ બોલાવે ત્યાર બાદ જ જમવાનું શરુ કરી શકાય. અને એ માટે અપોષણ મૂકવાનો ભાત એ જમણવારની સાથે જ શરૂઆતમાં પીરસાતી અગત્યની આઈટમ હતી. આ બધું તૈયાર થઈ જાય અને જ્ઞાતિબંધુઓ જમવાનું શરુ કરવાના હોય તે પહેલાં ઇ.સ. ૨૦૦૦ની સાલથી એક બીજી પ્રથા અમલમાં આવી છે તે મુજબ યજમાન સંકલ્પ મૂકે છે અને ત્યાર પછી ૧૨૫ દીવાની આરતીથી જ્ઞાતગંગાનું અભિવાદન કરે છે. પોતે જ્ઞાતિ ભોજન કરાવે છે એટલે મોટાઈનો ભાર ન આવી જાય પણ જમવા આવેલા આમંત્રણને માન આપીને પધાર્યા છે, તેમનું માન વધારે છે, તે ભાવના કદાચ આ આરતી ઉતારવા પાછળ રહી હશે. સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં એક જમાનામાં બે પ્રમુખ રહેતા અને ત્રણ જ્ઞાતિગોર હતા. આજે બધું સમેટાઇ ગયું છે અને એકમાત્ર પ્રમુખ તરીકે શ્રી અવિનાશભાઈ ઠાકર અને એમની ટીમ સમાજ હિતાર્થે જ્ઞાતિની વ્યવસ્થાનું સંચાલન કરે છે.
આરતી ઉતારવાની આ પ્રથા શરુ થઈ તે પહેલાં યજમાનને માત્ર સંકલ્પ જ મૂકાવતા અને લાડુ અથવા મગદળ અથવા અન્ય કોઈ વાનગી જે આગલી રાતે તૈયાર થઈ હોય તેને જ્યાં કોઠારમાં રાખી હોય ત્યાં દીવો કરી અન્ન દેવતાથી ભોજન શરુ કરાવવાની પ્રથા હતી. વરસોથી પરંપરાગત ચાલતી આવેલી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિભોજનનાં બ્રહ્મતેજનો પ્રતાપ ગણો કે અન્નપૂણાઁ માતાજીનાં આશિષ, સંપૂર્ણ પવિત્રતા સાથે પિતાંબર પહેરીને પાકશાસ્રી દ્વારા બનતી રસોઈ સમસ્ત ભૂદેવ માત્રને માત્ર પિતાંબર પહેરીને પોતાના સમસ્ત પરિવાર સાથે પંગત ભોજન લઈ રહે ત્યાં સુધી મગદળ અથવા મિષ્ટાન રાખેલ રુમમાં કોઈપણ ઋતુ (ચોમાસુ, ઊનાળો કે શિયાળો) હોય કીડી કે મંકોડા આવતા નથી કે મિષ્ટાન પર ચઢેલા નજરે પડતા નથી. આ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોની વાડીનો રુમ કદાચ ‘સિદ્ધપુર એ સિદ્ધભૂમિ છે’ એનો અહેસાસ કરાવે છે.
૧૨૫ દીવાઓની આરતીનો ચાલ ઇ.સ. ૨૦૦૦માં અમલમાં આવ્યો હોવાનું કહેવાય છે. પોતાની ક્ષમતા અને ધારણા મુજબ લાડુ, મગદળ, જલેબી અથવા મોહનથાળ કે બુંદી જેવી અન્ય કોઈ વાનગી મિષ્ટાન તરીકે રાખી શકાય. આ બધામાં જે સંપન્ન હોય તેઓ છૂટું ચૂરમું અને એના ઉપર વાઢીથી ઘી પીરસવાનું, તે જમવાવાળો રોકે નહીં ત્યાં સુધી ચૂરમામાં રેડે જવાનું એ પ્રકારની નાત પણ કરતા. ન્હાવું, ધોવું અને વ્યક્તિની આચાર-વિચારની શુદ્ધતા બાબતે ખૂબ જ રૂઢીચુસ્તતા હતી. સુતરાઉ કાપડનું ગંજીફરાક કે બીજું કાંઇ પણ પહેરી શકાતું નહોતું. મોટા ભાગે તો પીતાંબર ઉપર લાલ ગમછાથી કેડ બાંધવાની અને ક્યારેક પીતાંબરનો એક છેડો અથવા પછી ટુવાલ ઉપર ઓઢવાનો એ રીતે પુરુષોનો પહેરવેશ રહેતો. બહેનો રેશમી કપડાં પહેરતી. જે બહેનો રજ્સ્વલા હોય તેમના માટે ખાસ અલાયદી વ્યવસ્થા રહેતી અને તેમના પૂરતી રસોઈ અલગથી આપી દેવાતી જેનું પિરસણ તેમણે જાતે જ કરવાનું રહેતું.
જે દિવસે નાત હોય તે દિવસે સિદ્ધપુરના મંદિરોમાં નિર્ધારિત ધારાધોરણ મુજબ થાળ ધરાવવા સીધુ પહોંચતું કરાતું જે આજે પણ ચાલુ છે અને એ રીતે ભૂદેવોની સાથે ભગવાન પણ જમતા. જ્ઞાતિજનોને આમંત્રણ આપવાની કામગીરી ગોરમહારાજ કરે જેમને અત્યારે ૫૦૦ રૂપિયા અને અઢી કિલો ગોળ તેમજ તેટલા જ ઘઉં આપવામાં આવે છે. વરસો પહેલાં ૧૦૦ રૂપિયા આપવાનો રિવાજ હતો.
ગમે તે વ્યક્તિ નાત કરી શકતી નથી. આ માટે તેણે જ્ઞાતિની વહીવટી સમિતિ જે પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કામ કરે છે તેની રજા લેવાની હોય છે. ક્યારેક એવા કિસ્સા પણ બન્યા છે કે આવી રજા ન આપવામાં આવી હોય.
જ્ઞાતિ ભોજન પૂરું થાય એટલે અત્યારે યજમાનની ક્ષમતા મુજબ પાંચ કે દસ રૂપિયા જેટલી દક્ષિણા આપવામાં આવે છે. એક એવો જમાનો હતો કે જ્યારે અન્ય જ્ઞાતિઓના શ્રદ્ધાળુઓ ભૂદેવોની નાત જમતી હોય તેનાં દર્શન કરવા પધારતી.
જમવાનું શરુ થાય અને થોડોક માલ પેટમાં પડે એટલે વિદ્વાન બ્રાહ્મણોના શ્રીમુખેથી વિદ્વતાપૂર્ણ શ્લોકો અથવા સ્તુતિગાન બોલાવા માંડે. હરીફાઈ બરાબરની જામે અને ક્યારેક તો આ ટુકડીઓને કારણે છેલ્લે ભાત પીરસવાનો હોય તે પીરસણ કાઢવામાં પણ વિલંબ થાય. પણ રંગે ચઢ્યા ભૂદેવો આ હરીફાઈમાં બરાબર રંગત જમાવે. કોઈ લગનસરાના જમણવારમાં પણ શ્લોકોની રમઝટ બોલતી. મારા બાપાએ મને એક શ્લોકી રામાયણ, એક શ્લોકમાં શ્રીકૃષ્ણ લીલામૃત, શાંતાકારમ ભુજગશયનમ.... જેવી વિષ્ણુ સ્તુતિ સામે બોલવા માટે શાંતાકારમ શિખરશયનમ નીલકંઠમ સુરેશમ જેવી શિવસ્તુતિ જેવા અનેક શ્લોકો મોઢે કરાવ્યા હતા. આજે પણ મારી ભાષાને સમૃદ્ધ કરતું આ ભાથું અમુલ્ય હોવાનો અહેસાસ થાય છે. શ્લોકગાનની મારી આ સમૃદ્ધિના કારણે હું આ રમઝટમાં રંગત જમાવતો આકર્ષણનું કેન્દ્ર બનતો એના અભિમાનમાં છુપો આનંદ પણ લઈ લેતો. આવા અનેક જ્ઞાતિ ભોજન અને જમણવારમાં હું શ્લોક શરૂ થાય એની રાહ જોતો, ક્યારેક અરધો ભૂખ્યો પણ રહેતો પણ શ્લોક બોલવામાં નંબર મારી જતો! મારા બાપાની કેળવણીએ મને સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા ઉપર પ્રભુત્વ અપાવ્યું છે એમાં થોડો ઘણો ફાળો આ સમૂહ ભોજનનો પણ ગણી શકાય.
ભાત પીરસાય તે પહેલાં મિષ્ટાન પડ્યું રહ્યું હોય તો એ કોઈ ગરીબ-ગુરબાને આપવા કામમાં આવે તે હેતુથી ‘શાહુકારી’ એટલે કે છાંડેલું મિષ્ટાન ધોતીયાની ખોળમાં અથવા બખમિયામાં પાછું ઉઘરાવી લેવા બે જણા નીકળે. આમ તો જ્યાં જ્ઞાતિ ગોર બળૂકો હોય ત્યાં તમે મિષ્ટાન પડી રાખો તો તમારો પાણીનો લોટો લઈ જાય તે દંડ ભરીને પાછો મળે. આશય બગાડ અટકાવાનો. મારા મોસાળ વિરમગામમાં કાશી વિશ્વનાથની વાડીમાં એ જમાનામાં ત્યાંના નાતગોર ઉમિયાશંકર અથવા દુર્ગાશંકર (નામ બરાબર યાદ નથી)ની કડકાઇ એટલી કે મીઠાઇ છાંડવાની કોઈ હિંમત ન કરે. એટલે અમે છોકરાઓએ નવી તરકીબ શોધી કાઢેલી. દૂરથી નાતગોર રાઉન્ડમાં નીકળેલા દેખાય એટલે જે કોઈ મીઠાઇ વધી હોય તેને દાળમાં ચોળી દેવાની ! એટલે પીવાના પાણીનો લોટો બચી જતો અને ૨૫ કે ૫૦ પૈસાના દંડમાંથી મુક્તિ મળતી !! આ પણ એક જમાનો હતો.
આજે પણ સિદ્ધપુરમાં નાત થાય છે. છેલ્લા કેટલાક સમયથી તો નિયમિત થાય છે. સિદ્ધપુરમાં ઔદિચ્ય સહસ્ત્ર પ્રમુખશ્રીઓના કાર્યકાળમાં એક જમાનો તો એવો હતો કે વરસમાં મોટો ભાગ નાત જમવામાં જ જતો. અને એટલે બહારગામના વતની ભૂદેવો પોતાની દીકરીને સિદ્ધપુરમાં વરાવતા. બે કારણથી – એક આ નાતોની ભરમારમાં એ રોટલે દુ:ખી ન થાય એવો વિશ્વાસ અને બીજું મુક્તિ પામે તો હાડકાં સરસ્વતીના કિનારે પડે જ્યાંથી સ્વર્ગ માત્ર હાથવેંત છેટું છે ! આ બધુ આજે ભૂતકાળ બની ગયું છે.
સિદ્ધપુરમાંથી ભૂદેવો ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ અને અન્યત્ર વસે છે. એકલા અમદાવાદમાં જ સિદ્ધપુરના ભૂદેવોનાં ૪૦૦થી વધારે ઘર છે. વડોદરા, સુરત, મુંબઈ અને હવે તો પરદેશમાં પણ ઓસ્ટ્રેલીયા, કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં સિદ્ધપુરના ભૂદેવો જઇ વસ્યા છે. અમદાવાદ અને મુંબઈમાં વસતા સિદ્ધપુરના ભૂદેવોના પ્રભાવ અને વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ આ સમાજના અમદાવાદ અને મુંબઈના પ્રમુખોને સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારીમાં ઉપપ્રમુખ તરીકેનું માનવંતુ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે આજે નાત હોય એટલે સ્કૂલમાં બે પિરિયડની રજા નથી પડતી અને હવેની નવી પેઢી પણ નાતમાં જમવા જવા માટે બહુ ઉત્સુક નથી. પહેરવેશ ને આચરણમાં પહેલાંના કડક ધોરણોમાં પણ ઢીલ આવી છે. ભોજનમાં વિવિધતા જરૂર આવી છે પણ સિદ્ધપુરની વિશિષ્ટતાઓ એનો લાડુ અથવા મગદળ, તાંબાના રંગાડામાં બરાબર ઉકળેલી સુરણ નાખેલી દાળ, ચણાની દાળ અને કોળાના મોટા ટુકડા નાખી બનાવેલું શાક, આજે પણ છે. સિદ્ધપુરની નાતમાં બનતી આ આઇટમોનો સ્વાદ બીજે ક્યાંય મળતો નથી. સિદ્ધપુરના કેટલાક ઉદ્યોગપતિઓ નાત હોય ત્યારે ખાસ દાળ અને લાડુ ખાવા માટે મંગાવે તેવા પ્રસંગોનો હું સાક્ષી છું.
એક જમાનો હતો જ્યારે સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનો સૂર્ય પૂર્ણ પ્રકાશિત હતો. આ ભૂદેવોના પૂર્વજો મૂળરાજ સોલંકીના આમંત્રણથી જ્યારે પધાર્યા હશે અને અગ્નિહોત્ર પ્રગટાવ્યાં ત્યારે રાજાધિરાજ મૂળરાજ સોલંકી કે પછી સિદ્ધરાજ જયસિંહે પણ એમને નમવું પડતું હતું. આ પ્રભાવ વિદ્વતાનો અને આચારવિચાર શુદ્ધિનો હતો. હું એ જમાનામાં ઉછર્યો છું જ્યારે પાણીમાં કણેક બાંધી બનેલી રોટલી કે ભાખરી એંઠી ગણાતી. બહેનો રસોઈ કરતાં અબોટિયું પહેરતી. હું એસએસસી પાસ થયો ત્યાં સુધી મેં કંદોઇની દુકાને બનતાં ભજિયાં અથવા પાણીમાં બનાવેલી પૂરી કે એવી કોઈ બહારની આઈટમ ખાધી ન હતી કારણ કે મારી મા આચારવિચાર પાલનની ખૂબ આગ્રહી હતી. ઘરે રસોઈ બને તેમાં પણ છેલ્લે સળગતું લાકડું અથવા કોલસો હોય તેમાં ઘી અને ભાત નાખી અગ્નિદેવને જમાડાય. જે પ્યાલેથી આપણે પાણી પીએ એ એંઠો ગણાતો અને કોઈનું એંઠું પાણી ઘરમાં પણ પીવાની પ્રથા નહોતી. મોંએ લગાડેલ પ્યાલાથી માટલામાંથી પાણી નહોતું લેવાતું એ માટે અલગ લોટો કે ડોયો રહેતો. આ સિદ્ધપુર હતું જ્યાં દૂધમાં કણેક બાંધીને બનતી ભાખરીને દશમી કહેવાતી અને લાડુના મૂઠિયાં બાંધીને અથવા ભાખરીનો ઠેઠો ભાંગીને બનાવેલા ચૂરમામાં ઘી-ગોળ નાખી થાળીમાં એને સુખડીની માફક પાથરી, દબાવીને એના ઉપર દળેલી ખાંડ અને તલ નાખેલી વાનગી થેપો કહેવાતી. સિદ્ધપુર બહાર મેં ક્યાંય થેપો અથવા દશમી શબ્દ સાંભળ્યો નથી. મા કાળંગડાનું પાણી કાઢીને પણ ભાખરી બનાવટી, દૂધીનું પાણી કાઢીને પણ ભાખરી બનાવટી, નાળિયેરના પાણીમાં પણ લોટ બાંધી ભાખરી, મૂઠિયાં બનાવાતાં અને પાપડ કે વડી માટે કેળનું પાણી વપરાતું. આ બધું પ્રવાસમાં લઈ જઈ શકાય એવું ચોખ્ખું ગણાતું. આ બનાવટો એંઠી નહોતી કારણ કે એની કણેક પાણીથી બાંધવામાં નહોતી આવતી. સિદ્ધપુરના આ આચારવિચાર હતા. જેનો ઉદય હોય તેનો અસ્ત પણ હોય છે. આજે સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ સિદ્ધપુર છોડીને બહાર નીકળવા માંડ્યો છે. સિદ્ધપુરમાં એની વસતિ ઘણી ઘટી રહી છે. પરિણામે ગંગાવાડી તો હવે વપરાતી જ નથી અને અંબાવાડીમાં પણ દોઢ પંગત કે બે પંગત માંડ થાય છે. કપડાં પહેરીને જમનારની સંખ્યા વધતી જાય છે પણ એમણે અલગ બેસવું પડે છે એટલો આચારવિચાર જળવાઈ રહ્યો છે. સિદ્ધપુરના હાલના પ્રમુખ શ્રી અવિનાશભાઈ ઠાકર જ્યારે નાત જમાડવાની વાત આવે ત્યારે એક યુવાનના તરવરાટથી કહે છે કે મારા સમયમાં ૪૦ કરતાં વધારે નાત થઈ છે. જો કે એમનો કાર્યકાળ ખાસ્સો લાંબો રહ્યો છે.
સિદ્ધપુરમાં નાત ભોજન સાવ બંધ નથી થયું, કદાચ થશે પણ નહીં. પણ એની ભવ્યતા અને શ્લોક અને મંત્રોચ્ચારને કારણે સમગ્ર પર્યાવરણમાં જે દિવ્યતા ભાસતી હતી તે હવે થોડી ઝાંખી પડી છે. આમ તો બ્રાહ્મણ માટે કહેવાય છે કે ‘जन्मना जायते शूद्रः संस्कारात् द्विज उच्यते’ જન્મથી બધા જ શુદ્ર છે, કર્મથી જ બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે. આ કર્મ એટલે આચાર-વિચાર અને યમનિયમ. જ્યાં સુધી આછા પાતળા પણ એ જળવાઈ રહેશે ત્યાં સુધી સિદ્ધપુરની નાત અને એમાંય ૧૨૫ દીવા સાથે આરતી સાથે એનું જે અભિવાદન થાય છે તે આપણને પ્રભાવિત કરતું રહેશે. જય ગોવિંદ માધવ.