સિદ્ધપુરનું સ્મશાન - સરસ્વતી તીરે અગ્નિદાહ અને અસ્થિ પ્રક્ષેપ મોક્ષદાયક છે. એનું શાસ્ત્રીય પ્રમાણ આ રહ્યું.
રાજપુર દેવસ્વામીની બાગથી આગળ વધીએ એટલે સિકોતર માતાનું મંદિર આવે. પહેલાં નદીનું વહેણ લગભગ સિકોતર માતાના મંદિરથી ૫૦૦ ફૂટ દૂરથી વહેતું. સરસ્વતી નદીનું વહેણ સર્પાકારે વહેતું એટલે સિકોતરથી વળાંક લઈ માધુ પાવડિયા થઈ હરિશંકરના આરાને ભટકાતું પાટણ બાજું આગળ વધી જતું. સહસ્ત્રકળા માતા જવાનો આ રસ્તો. કોણ જાણે કેટલીય વાર પગે ચાલીને ખૂંદી નાખ્યો હશે. એમાંય મુંબઈથી સોલિસિટર બાબુભાઇ પંડ્યા અને મીનાબેન આવે એટલે એ સિદ્ધપુર રોકાય એ દરમિયાન બહુચરાજી, અંબાજી, શક્ટાંબિકા અને સહસ્ત્રકળા, શહેરમાં ગોવિંદમાધવના મહાડમાં લક્ષ્મીમાતા અને ગોવિંદરાયજી-માધવરાયજીના દર્શન ન કરે ત્યાં સુધી એમની સિદ્ધપુર યાત્રા પૂરી ન થાય. એમના મોટા ભાગના પ્રવાસોનો હું કાયમી બિનઆમંત્રિત સાથી. સહસ્ત્રકળા માતા જવા માટે સિકોતરથી થોડા આગળ જઈએ એટલે નદીનાં શીતળ પાણીમાં પગ મૂકતાં જ એક ગજબની સ્ફૂર્તિનું લહેરખું શરીરમાંથી પસાર થઈ જાય. પશવાદળની પોળને જમણા હાથે મૂકીને નદીનું વહેણ પાર કરીએ એટલે વળી પાછો નદીની ધરો કે રેતનો પટ આવે. થોડા આગળ વધીએ, રુદ્રમાળના ભગ્નાવશેષ પસાર કરીએ એટલે મોક્ષપીપળો અને માધુ પાવડિયાંનાં દર્શન થાય. ત્યાંથી આગળ વધીએ એટલે સામે વળી પાછો નદીનો પ્રવાહ મળે. આજુબાજુનાં ગામડેથી આવતાં બળદગાડાં અને માણસોની અવરજવરને કારણે ત્યાં ખાડો પડેલો એટલે પાણી ઢીંચણસમાણાથી ઉપરનું હોય. એ કાંઠે ત્રણ રસ્તા મળે. એમાં જમણા હાથે પહેલો બિલિયા જાય એને છોડી દેવાનો અને ત્યાર પછી વચ્ચેનું નેળિયું પકડો એટલે સીધો સટ સહસ્ત્રકળા માતાના મંદિરે જવાનો રસ્તો મળી જાય. એ નેળિયાથી ડાબા હાથે થોડું આગળ એક બીજું નેળિયું મળે જે તમને સમોડા-નાગવાસણ લઈ જાય. પહેલાં પાકા રસ્તાઓ નહોતા. સિદ્ધપુરના પૂર્વનાં ગામો એટલે કે નાગવાસણ, સમોડા, ચાટાવાડા, લાલપુર, બિલિયા, કહોડા આ બધાંનો વ્યવહાર સિદ્ધપુર સાથે. એ જમાનામાં ઊંઝા અલગ તાલુકો નહોતો. એટલે પ્રાથમિક શાળામાં અમે સિદ્ધપુર તાલુકાના ગામોમાં ઉપેરા, કહોડા, કામલી, ઐઠોરથી લઈને ઊંઝા અને બ્રાહ્મણવાડા જેવાં નામ ગણાવતા.
મૂળ વાત પર પાછા આવીએ. માધુ પાવડિયાથી થોડા આગળ વધીએ. નદીનું વહેણ હવે માધુ પાવડિયાંને ભટકાઇને મોક્ષપીપળાને સ્પર્શ કરીને થોડું ફંટાય પૂર્વ તરફ અને ત્યાં થોડે આગળ સરસ્વતીનો કિનારો દેખાય. જ્યારે પણ પસાર થયો છું, બે-ત્રણ ચિતાઓ સળગતી જ હોય. સરસ્વતીનું સ્મશાન જાગૃત સ્મશાન કહેવાતું. જેમ મણિકર્ણિકા ઘાટ માટે કહેવાય છે કે ત્યાં ચિતા ઉપર મૂકેલા શબના કાનમાં સ્વયં ભગવાન શિવ તારકમંત્ર ફૂંકે છે અને એટલે મણિકર્ણિકા ઘાટ પર અગ્નિદાહ દેવાનું એક વિશેષ મહાત્મય છે. કાશીનું મરણ અને સુરતનું જમણ કહેવત પણ આ કારણે જ પડી છે. બરાબર આવું જ મહાત્મ્ય સરસ્વતીના તીરે અગ્નિદાહ અને અસ્થિ પ્રક્ષેપ કરવાનું છે. આ મહાત્મ્ય વિષે શોધતાં એક નાનો પણ માહિતીસભર લેખ શ્રી મુરલીધર પંડ્યા દ્વારા લખેલો મળી આવ્યો જે અક્ષરશ: લેખક માટે કૃતજ્ઞતાના ભાવ સાથે ઉતાર્યો છે.
મા સિદ્ધપુર રહી ત્યાં સુધી જંગલ કહી શકાય તેવી અસુવિધાવાળી જગ્યાએ જ રહી. અમારા ઘરમાં વીજળીના દીવાની ચાંપ ૧૯૭૦માં પડી. ત્યાં સુધી પુષ્કળ અસુવિધાઓ વચ્ચે માએ પોતાનું જીવન ગુજાર્યું. માનો દેહાંત થયો ૧૨મી ફેબ્રુઆરી ૧૯૮૦ના દિવસે. એ દિવસ મહા વદ ૧૧, વિજયા એકાદશીનું પર્વ હતું. મા એક તપસ્વી અને દૈવી આત્મા હતો એમાં મને ક્યારેય શંકા પડી નથી. માના જીવનમાં કૂડકપટ, સાચું-ખોટું, મારું-તારું, ઈર્ષ્યા કે બળતરા, આવો કોઈ ભાવ ક્યારેય જોયો નથી. જે મળ્યું તે મુકદ્દર માની ચલાવી લીધું. આમ તો માનું બાળપણ પ્રમાણમાં શ્રીમંત કહી શકાય તેવા ઘરે ઉછર્યું પણ મારા જન્મ પછીનું જીવન તો અત્યંત વિકટ અને આપદાઓ વચ્ચે વીત્યું. બાપા નેક માણસ પણ સાવ અલગારી. એનો ઘરસંસાર વનવગડે રહીને મા જ ચલાવી શકે. શક્તિની પરમ ઉપાસક. સિદ્ધેશ્વરી અને અંબા મા એની આરાધ્ય શક્તિઓ. ભગવાન શિવ સ્વરૂપે મૃત્યુંજય મહાદેવ એના માટે બારેય જ્યોતિર્લિંગ. સિદ્ધપુર સિવાય માએ ક્યાંય ઝાઝી યાત્રાઓ ખેડી નથી પણ માને કદાચ જાત્રાએ જવાની જરૂર પણ નહોતી. એવું પવિત્ર અને સંયમી જીવન જીવેલી મા એવા જ પવિત્ર વિજયા એકાદશીને દિવસે મોક્ષ પામી.
૧૯૭૧થી તો હું નોકરીએ લાગ્યો અને માબાપના આશીર્વાદથી તેમજ ઈશ્વરની કૃપાથી ધાર્યા કરતાં પણ સારા પગારની નોકરી મળી. ૧૯૭૩માં તો ઇલોરા પાર્ક જેવા વડોદરાના પોશ વિસ્તારમાં એક સુવિધાપૂર્ણ આવાસમાં હું શિફ્ટ થયો. ત્યાર બાદ અમદાવાદ આવ્યો ત્યારે પણ મારી પાસે પ્રમાણમાં સારી કહી શકાય એવી સુવિધાપૂર્ણ રહેવાની વ્યવસ્થા હતી. માને ઘણી વાર આગ્રહ કર્યો કે હવે તો અમારી સાથે રહેવા આવી જા. પણ એનો એક જ જવાબ હોય, ‘આખી જિંદગી સિદ્ધપુરમાં ગાળી. સરસ્વતીનો આ કિનારો મોક્ષનો કિનારો છે. હવે ઊતરતી જિંદગીએ એ છોડીને મારે બીજે નથી રહેવું.’ એટલે મા અમારે ત્યાં આવે તો પણ વધારેમાં વધારે અઠવાડિયું. જલદી જલદી સિદ્ધપુરના એના ઘરમાં પાછી પહોંચી જાય. માની અંતિમ ઈચ્છા પ્રમાણે એનો મોક્ષ સિદ્ધપુરમાં જ થયો. નવાઈ લાગશે પણ એને અગ્નિદાહ સરસ્વતી નદીના કિનારે માધુ પાવડિયાં પાસેના એ સ્મશાનમાં આપ્યો ત્યારે સરસ્વતી નદીનું વહેણ ચાલુ હતું, પાણી પણ સારું એવું હતું. ચિતા ઠરી અને અસ્થિ સરસ્વતીના પાણીમાં વહાવી દીધાં કારણ કે સિદ્ધપુરમાં જેને અગ્નિદાહ અપાય એનાં અસ્થિ સરસ્વતીમાં સમર્પિત કરી દેવાય છે. અન્ય સ્થળોની જેમ ચાણોદ, કરનાળી કે પ્રયાગરાજમાં અસ્થિ વિસર્જન કરવા માટેની પ્રથા અહીં નથી. આમ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે અગ્નિ સંસ્કાર અને સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન એ શાસ્ત્રસિદ્ધ અંતિમ વિધિ છે જેને શાસ્ત્રોના પ્રમાણ સાથે પં. મુરલીધર પંડ્યાજી એ બહુ સરસ રીતે સમજાવ્યું છે.
એક પ્રશ્ન સાહજિક થાય છે કે, આ સરસ્વતી તીરે અગ્નિદાહ અને અસ્થિ પધરાવવાની પ્રથા જે વર્ષો જૂની છે તે રૂઢિગત કે શાસ્ત્રસંમત છે? આ અંગે કોઈ પ્રમાણભૂત ઉદાહરણ કે વચનો છે?
સિદ્ધક્ષેત્ર (સિદ્ધપુર) જે સિદ્ધોનું નગર મનાય છે. આ સિદ્ધક્ષેત્રમાં પૂણ્યતયા સરસ્વતી વહન કરી રહી છે. તેનો પાવન તટ ઋષિમુનિઓનું નિવાસસ્થાન આદિકાળથી મનાય છે. આ સરસ્વતીનું જળ ‘पुण्यं शिवामात जलं महर्षिगणसेवितम्’ - भागवत्
सरस्वती महापुण्यादिहतीर्थानि शालिनी ।
संसेवितामुनिभि सिद्धिश्चापि समन्ततः ।। (મહાભારત વનપર્વ અધ્યાય-૯)
સિદ્ધ અને મુનિઓએ જેની સેવા કરેલી છે એવી સરસ્વતીના હૃદયમાં ઘણા તીર્થો રહેલાં છે. તે પુણ્યકારક છે. આનું જળ પૂણ્યપ્રદ, કલ્યાણકારી અમૃત જેવું છે. અને તે મહર્ષિગણથી સેવિત હોઈ મોક્ષપ્રદ છે. એ પૂર્વોક્ત ઉદાહરણોથી સ્વતઃ સિદ્ધ છે. અદ્યાપિ પણ આ પાવન તટે પાવન પુરુષો ઋષિ મહાત્માઓનો પ્રાદુર્ભાવ થાય છે. પરમાદરણીય બ્રહ્મલીન ભટ્ટજીમહારાજ તેમજ પૂજ્ય મોતીરામ ગુરુનો પ્રાદુર્ભાવ આ વાતની જીવંત સાક્ષી પૂરે છે. કોઈ પરંપરાગત પ્રથા આપણા પૂર્વજો દ્વારા અસ્તિત્વમાં આવેલી અનર્ગલ કે ઉદ્દેશવિહોણી હોતી નથી.
સાબરમતી, બનાસ, મહી, વિશ્વામિત્રી, તાપી આદી નદીઓવાળા શહેરો જેવાં કે અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત આદિ શહેરોના વાસીઓ તેમજ પચીસ પચાસ ગાઉ દૂર દૂરના ગ્રામવાસીઓ (અસ્થિફુલ) પધરાવવા માટે અત્રે આવે છે. તે સર્વાનુભૂત છે. વળી આસપાસના નિકટવર્તી કે દૂરવર્તી રહેવાસીઓ અગ્નિદાહ માટે કઠણ શ્રમ વેઠીને પણ શબને સિદ્ધપુર લાવે છે અને સરસ્વતીના પાવનતટે અગ્નિદાહ દઈ અસ્થિવિસર્જન કરી પોતાને કૃતકૃત્ય માને છે. આ માન્યતા નિર્મૂળ નથી. અત્યારે પણ પાંચ પંદર મૃતદેહો અત્રે રોજ અંતિમ સંસ્કાર માટે આવે છે અને તેથી લોકભાષામાં ગંધ્રપિયુ મસાણ કહેવામાં આવે છે.
આ અંગે હવે થોડોક શાસ્ત્રીય વિચાર કરીશું, પહેલાં અત્રે ઋષિમુનિઓના આશ્રમો હતા. તે પૈકી સરસ્વતીના કિનારે મોટા મઠની બાજુમાં વાલખિલ્ય મુનિનો આશ્રમ હતો. હાલ પણ વાલખિલ્યેશ્વર મહાદેવના નામથી ઓળખાતું પ્રાચીન શિવમંદિર છે. વાલકેશ્વર-વાલખિલ્યેશ્વરનું અપભ્રંશ છે અર્થાત્ વાલખિલ્ય ઋષિના ઈશ એટલે વાલખિલ્યેશ્વર મહાદેવ, આ આશ્રમ-મરૂભૂમિ(મારવાડ)ની નિકટ આવેલો હતો. હવે તે અંગેનું પ્રમાણ જાઈએ.
પાપમોચની પૂણ્યસલિલા સરસ્વતીના જળનો મહિમા વર્ણિત છે. વિશ્વરૂપે ઈન્દ્રને કહેલું નારાયણ કવચ શ્રીમદ્ભાગવત્ સ્કંધ ૬, અધ્યાય ૮ માંથી શ્લોક ૩૮ થી ૪૧.
इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः।
योगधारणया स्वाङ्गं जहौ स मरूधन्वनि ।।३८
तस्योपरि विमानेन गन्धर्वपतिरेकदा।
ययौ चित्ररथः स्त्रीर्भिवृतो यत्र द्विजक्षयः ।।३९
गगनान्न्यपतत् सद्यः सविमानो ह्यवाक् शिराः।
स वालखिल्यवचनादस्थीन्यादाय विस्मितः।
प्रास्य प्राचीसरस्वत्यां स्नात्वा धाम स्वमन्वगात् ।।४०
ભાવાર્થ - પૂર્વે કૌશિક ગોત્રના કોઈ બ્રાહ્મણે આ વૈષ્ણવી વિદ્યાધારણ કરી હતી; તેણે યોગધારણાથી મારવાડમાં પોતાનું શરીર તજ્યું, ત્યારે તેના મૃત શરીર ઉપર થઈને વિમાન દ્વારા ગંધર્વોનો રાજા ચિત્રરથ પોતાની સ્ત્રીઓ સાથે એક સમયે જતો હતો તેવામાં જ્યાં પેલો બ્રાહ્મણ મૃત્યુ પામ્યો હતો ત્યાં વિમાન સાથે ઊંધા મસ્તકે આકાશમાંથી પછડાઈ પડ્યો હતો પછી તેણે વાલખિલ્ય ઋષિના વચનથી આશ્ચર્ય પામી તે બ્રાહ્મણનાં હાડકાં વીણી લઈ પ્રાચી સરસ્વતીમાં નાંખ્યા હતાં અને સ્નાન કરીને પોતાને સ્થાને ગયો હતો અર્થાત્ ત્યારબાદ જ તેનું વિમાન પૂર્વવત્ ગતિને પામ્યું હતું. શ્લોક ૩૮ થી ૪૦. આથી એક વાત સ્પષ્ટ છે કે પ્રાચી સરસ્વતીમાં હાડકાં નાંખવાથી કર્મબંધન છૂટી, શ્રેષ્ઠ ગતિને પામે છે. હવે પ્રાચી સરસ્વતી કયા કયા સ્થાનોમાં છે તેનો વિચાર કરીએ.
पांञ्चंनदूद्यः सरस्वतीमपियन्तिसस्त्रेतसः ।
सरस्वतीतुपञ्चधासोदेशेऽभवत्सरित् ।। (યજુર્વેદ સંહિતા અ. ૩૪)
પ્રથમ સરસ્વતી પાંચ રૂપે પ્રગટ થયાં, અને તે પાંચ દેશના વિષે વહેવા લાગ્યાં. હવે આ પાંચ દેશો કયા ?
रूद्रावर्ते कुरुक्षेत्रे प्रयागे श्रीस्थले तथा ।
प्रभासे पञ्चमे तीर्थे पञ्च प्राची सरस्वती ।।
આ રીતે આ પાંચ સ્થાનોમાં - રુદ્રાવર્ત, કુરૂક્ષેત્ર, પ્રયાગ, શ્રીસ્થળ અને પ્રભાસમાં પ્રાચી સરસ્વતી વહે છે. તેમાં પણ શ્રીસ્થળે વહેતી સરસ્વતી કપિલભગવાન, કર્દમ-દેવહૂતિ અને બીજા મહાન ઋષિઓ દ્વારા સેવાયેલી હોઈ વધુ મહાત્મ્ય ધરાવે છે.
“पायाद गुणेशः कपिलः कर्मबन्धनात्” અર્થાત્ ગુણોના નિયંતા કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો. મતલબ કે કર્મ બંધનથી મુક્ત કરી મોક્ષ આપો. આ રીતે સરસ્વતી તીરે અગ્નિદાહ કે અસ્થિ પ્રક્ષેપ સર્વથા પ્રમાણભૂત છે. એ નિઃશંક છે.