Tuesday, March 14, 2017
સિદ્ધપુરના વોરાજીઓ સિદ્ધપુરને કારણે ઓળખાતા તે જ રીતે આ જાદુગર ઓબ્રે તેમજ હરરવાલા શેઠે પણ સિદ્ધપુરને એની આગવી ઓળખ થકી ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી હતી તે આપણે આગળ ચર્ચી ગયા છીએ. એવું કહેવાય છે કે, રુદ્રમહાલય તોડ્યો ત્યારે ત્યાં રહેલા ભૂદેવોએ આ વિદેશી આક્રમણકારનો જે કંઈ હાથ લાગ્યું તે હથિયાર બનાવીને અત્યંત બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. આ લોહિયાળ જંગમાં ભૂદેવોની ખૂબ મોટી સંખ્યામાં ખુવારી થઈ. લોકવાયકા મુજબ જે શહીદ થયા તે બ્રાહ્મણોની જનોઈનું વજન સવા મણ કરતાં વધુ (આજના પચ્ચીસ કિલો આશરે) થયું હતું. પાછળ કેદ પકડાયેલ બ્રાહ્મણોને અલ્લાઉદ્દીન ખિલજીએ ધર્મપરિવર્તનની ફરજ પાડી અને જે લોકોએ ઈસ્લામ સ્વીકાર્યો તે પૂર્વજોના આ વારસદારો સિદ્ધપુરના વોરાજી તરીકે જાણીતા છે. શિયાપંથી આ સમાજના વડામુલ્લા સાહેબ એટલે કે ધર્મગુરુ મુંબઈ સ્થિત છે અને ભારત તેમજ વિદેશમાં રહેતા વોરાજીઓનો આ સમાજ તેમને પોતાના સંરક્ષક અને પવિત્ર ધર્મગુરુ માને છે. સિદ્ધપુર, અમદાવાદ અને સુરત જેવાં કેન્દ્રોમાં જ્યાં આ કોમનો વસવાટ ઠીક ઠીક સંખ્યામાં છે ત્યાં વડામુલ્લા સાહેબના પ્રતિનિધિ તરીકે આમીલ સાહેબ કામ કરે છે. સિદ્ધપુરમાં એમનું નિવાસસ્થાન અને કાર્યાલય “દેવડી” ખાતે આવેલું છે. પુરાણા સમયમાં તેઓ વહોરવાડમાં વસતા હતા, પણ સમય જતાં નવી વહોરવાડ બંધાઈ હશે અને પ્રમાણમાં સમૃદ્ધ તેમજ પ્રગતિશીલ લોકો આ નવી વહોરવાડમાં રહેવા આવ્યા હશે. જૂની વહોરવાડમાં છબીલા હનુમાન દાદાનું મંદિર જે અતિ પ્રાચીનકાળમાં રુદ્રમહાલયના ભાગરુપે જ બંધાયેલું હશે આજે પણ શ્રદ્ધાકેન્દ્ર છે અને આસો વદ ચૌદસ અટલે કે કાળી ચૌદસના દિવસે આ દેવસ્થાનની પલ્લી ભરાય છે. શ્રદ્ધાળુઓ જેમાં મોટે ભાગે નવયુવાનો છે તેમના દ્વારા આ હવન અને પલ્લીનું આયોજન કરવામાં આવે છે.
સિદ્ધપુર શહેરમાં વોરા સમાજના સખાવતી દાતાઓની ઉદાર મદદને કારણે જ્યારે આજુબાજુના વિસ્તારમાં પૂરતી દાક્તરી સેવા ઉપલબ્ધ નહોતી ત્યારે શેઠ શ્રી તાહેરઅલી વડનગરવાલા હોસ્પિટલ એક અદ્યતન તાલુકા કક્ષાની હોસ્પિટલ તરીકે બંધાઈ હતી. આજે તે જ જગ્યાએ ગુજરાત સરકારે અદ્યતન જનરલ હોસ્પિટલ બાંધી છે અને તેની સાથોસાથ ડાયાલિસીસ સેન્ટર, અદ્યતન બ્લડ બેંક તેમજ આંખની હોસ્પિટલ ચાલે છે. આ ઉપરાંત વોરા ભાઈઓના દાનથી ખદીજાબાઈ મેટરનીટી હોમ (પ્રસૂતિગૃહ) જે કાકોશી ફાટક પાસે આવેલી છે તેમજ મહંમદઅલી ટાવર બાંધવામાં આવ્યો છે. સિદ્ધપુર નગરપાલિકાનું મકાન પણ તેમના દાનને કારણે બંધાયું હતું. આ ઉપરાંત સિદ્ધપુર શહેરનું એક જમાનામાં જોવાલાયક સ્થળ ગણાતું તે ત્રણસો સાઈઠ બારીબારણાવાળું મકાન પણ એમની જ દેન છે.
સિદ્ધપુરના આ ઐતિહાસિક શાનદાર ટાવરનો ભવ્ય ઈતિહાસ છે. જેની ચારેય ઘડિયાળ યુરોપથી ખરીદીને લવાઈ હતી. શેઠ મહંમદઅલી હરરવાલાએ સન 1914માં પોતાની દિકરીના લગ્ન પ્રસંગે સમગ્ર સિદ્ધપુરને ત્રણ-ત્રણ માસ સુધી વીજળીના પ્રકાશથી ઝળહળતું રાખ્યું હતું. આ પ્રસંગે ગાયકવાડ સરકારે હરરવાલા શેઠને એક ખાસ હાથી ભેટ આપેલો પરંતુ સિદ્ધપુરના દેવડી દરવાજામાંથી હાથી પ્રવેશ ન કરી શકતા દરવાજો તોડી પડાવ્યો અને દરવાજાના વળતર રુપે તેમણે રુ. 15000/- ખર્ચે (જ્યારે રુપિયો ગાડાના પૈડા જેવડો મોટો ગણાતો તે સમયે) સિદ્ધપુરની શોભારુપ આ ટાવર બાંધી આપી તા. 4-4-1915ના રોજ ખુલ્લો મુક્યો હતો.
સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અજીતભાઈ મારફતીયાના પ્રયાસોથી હરરવાલા ટાવરને કલર (2016) નવા રુપરંગથી સુશોભીત કર્યાં. લાંબા સમય બાદ મેઈન ટાવરે નવા રુપરંગથી સજી ટકોરા પાડવાના શરુ કરતા સિદ્ધપુરમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ માહિતી સિદ્ધપુરના ન્યુઝપેપર એજન્ટ તેમજ પત્રકાર ભાઈશ્રી પરેશ મોઢ પાસેથી મળી છે જેની સાભાર નોંધ લઉં છું.
મુંબઈમાં 24 ભવ્ય ઈમારતો સિદ્ધપુરમાં તૈયબપુરામાં મોટો ત્રિકોણીયો મહાલય, બજારનો ટાવર ઈસ્માઈલપુરામાં સૈફી મસ્જીદ, આબુ પરંતુ સેનીટોરીયમ વગેરે બંધાવ્યાં હતા. સિદ્ધપુર ઉપરાંત રતલામ, ધિણોજ, વડોદરા, જાવરા વગેરે સ્થળોએ મસ્જિદો, મદ્રેસા, દવાખાના વગેરે બનાવવા માટે ખાસ સખાવતો કરી. મહંમદઅલી હરરવાલા શેઠના ઉમદા કાર્યથી ગાયકવાડ સરકારે તેમજ રાજ્યરત્નનો માનવંતો ખિતાબ આપેલો તેમજ મુંબઈ સરકારે જસ્ટીસ ઓફ પીસ માનથી નવાજ્યા હતા.
નગરપાલિકાના શાસનમાં પણ વોરા સદગૃહસ્થો અને બ્રાહ્મણ નેતાઓનો મોટો હિસ્સો હતો. મારી બાલ્યાવસ્થા દરમિયાન સિદ્ધપુરમાં આ બન્ને સમાજોના સુવર્ણકાળની ચરમસીમા હતી. હું આઠમા ધોરણથી એલ.એસ. હાઈસ્કુલમાં દાખલ થયો અને હાઈસ્કુલ પુરી કરી ત્યાં સુધી પણ સિદ્ધપુર શહેરમાં આ બન્ને કોમની જાહોજલાલી દેખાતી હતી. આજે લગભગ સ્તબ્ધ બનીને ઉભા હોઈએ એ રીતે સૂનકાર ઓઢીને ઉભેલાં નવી વહોરવાડનાં એ મકાનો આ કોમના ભવ્ય ભૂતકાળની ચાડી ખાય છે. તે સમયે લગ્નપ્રસંગ માટે વોરા કુટુંબો સિદ્ધપુર આવતાં અને એમના મોભાને અનુરુપ ધામધૂમથી લગ્ન ઉજવાતા. અમદાવાદથી ખાસ બોલાવેલ બેન્ડવાજાં અને આતશબાજી આ લગ્નના વરઘોડાની વિશેષતા હતી. મારાં કપડાં જ્યાં સીવડાવતો તે ચિત્તરંજન ટેલર્સવાળા નટુકાકા શેરવાનીની સિલાઈ માટે ખ્યાતિપ્રાપ્ત હતા અને એમની બનાવેલી શેરવાનીની હરિફાઈમાં ઉભી રહી શકે એવી સિલાઈ તે જમાનામાં સિદ્ધપુરમાં કોઈ નહોતું કરી શકતું. ખિલાતરવાડાથી સ્ટેશન તરફ જતા રસ્તે ઉંચા ઓટલાવાળી એમની દુકાન દેસાઈ બ્રધર્સની બરાબર સામે હતી. મુંબઈમાં “કચીન્સ” કરીને સિદ્ધપુરના વોરાજીની સિલાઈકામની ભવ્ય દુકાન છે જેનું આજે મુંબઈની ફેશનવર્લ્ડ તેમજ સિનેજગતમાં સિલાઈકામ અને તે પણ ખાસ શેરવાની માટે મોટું નામ છે.
વોરાજીઓ સાથે જોડાયેલ આવું જ બીજું નામ શ્રી શાંતિલાલ મિસ્ત્રીનું ગણી શકાય. વુડન ફર્નિચર અને ઈન્ટીરીયરની કારીગરી ઉપરાંત મકાનના નક્શા તૈયાર કરવામાં એ નિષ્ણાત હતા. એમનું કૌશલ્ય ઉત્તમ હતું. કાળો કોટ, નીચે શર્ટ અને ધોતિયું તેમજ માથે કાળી ટોપી અને હાથમાં છત્રી એ એમની ઓળખ હતી. પોતાના પહેરવેશ બાબતમાં અત્યંત સુઘડ અને ચીવટપૂર્વક કપડાં પહેરનાર આ માસ્ટર ક્રાફ્ટસમેન એ જમાનાના સિદ્ધપુરનું એમના ક્ષેત્રે એક મોટું નામ હતું. સ્વભાવગત રીતે વોરાજીઓ થોડા ચીકણા ખરા પણ શાંતિકાકા અદભૂત રીતે બધાને પટાવી લેતા.
લગભગ સાઈઠના દાયકાની શરુઆતમાં રાજપુરને સીમાડે તેમણે સૈફી જ્યુબીલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શરુ કરેલી એ વિસ્તારની આર્ટસ અને કોમર્સ ક્ષેત્રે સ્નાતક સુધીનું શિક્ષણ આપતી આ વિસ્તારની પહેલવહેલી કોલેજ હતી. તે સમયે ઉંઝા, પાટણ કે પાલનપુરમાં કોલેજ નહોતી. માત્ર વિસનગરમાં એમ.એન. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સરકાર દ્વારા સ્થાપવામાં આવી હતી. આમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શરુઆત કરવામાં પણ સિદ્ધપુર આ વિસ્તારમાં આગળ હતું. આ કોલેજના પ્રિન્સિપાલ પ્રો. એચ.કે. બુખારી એક વિદ્વાન પ્રાધ્યાપક હતા. સિદ્ધપુર જેવા શહેરમાં પણ તે સમયે એમની વિદ્યાર્થીઓ ઉપર ખૂબ ધાક હતી. આ બુખારી સાહેબ લોબીમાં નીકળે ત્યારે કોઈપણ વિદ્યાર્થી એમની નજરે ચડવાની હિંમત નહોતો કરતો. સૈફી જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા ચાલતી આ કોલેજ એની સ્થાપનાના પ્રથમ દાયકામાં ખૂબ જ યશસ્વી રહી એના પ્રાધ્યાપકો પણ વિદ્વાન હતા જે ધીરે ધીરે એ વિસ્તારમાં કે અમદાવાદમાં નવી કોલેજો ખૂલતી જવા માંડી. એમાંના મોટાભાગના એક યા બીજી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. એની શરુઆતના તબક્કે ભારતીય જનતા પક્ષના અગ્રણી અને આજે વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા પણ આ કોલેજ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં પણ ત્યાંના વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનોમાં સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
આ સમાજમાંથી પ્રિન્સિપાલ બદરુદ્દીન બ્લુ સાહેબ સિદ્ધપુર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અત્યંત સૌમ્ય અને સરળ સ્વભાવ ધરાવતાશ્રી બ્લુ સાહેબ ઘણો લાંબો સમય નગરપાલિકાના સદસ્ય પણ રહ્યા અને ત્યારબાદ રાજ્ય વિધાનસભામાં સિદ્ધપુરનું પ્રતિનિધિત્વ કર્યું.
સૈફી કોલેજમાં હજુ પણ સ્મરણપટ પર હોય એવાં નામોમાં પ્રો. દવે સાહેબ, પ્રો. ઠાકોર સાહેબ અને પ્રો. વાલવેકર (દાદા) હતા. મુસ્લિમ સમાજમાંથી પ્રો. સિદ્દીકી પણ આ કોલેજમાં ભણાવતા. પ્રો. વાલવેકર વિદ્યાર્થીઓમાં તેમના સરળ સ્વભાવને કારણે ખૂબ લોકપ્રિય હતા અને વિદ્યાર્થીઓ તેમને વાલવેકર દાદા તરીકે ઓળખતા. લગભગ સીત્તેરના દાયકાના અંત સુધી સિદ્ધપુરની આ એસ.જે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો સુવર્ણકાળ રહ્યો. આજે આજુબાજુના ઉંઝા, પાલનપુર, મહેસાણા, પાટણ જેવાં સેન્ટરોમાં સારી સવલતોવાળી કોલેજો થઈ જતાં એસ.જે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મરવાના વાંકે જીવી રહી છે.
આજ રીતે વડનગરવાલા હોસ્પિટલ જ્યાં સુધી નગરપાલિકા હસ્તક હતી ત્યાં સુધી ધીરે ધીરે ઘસાતી જતી હતી પણ લગભગ નેવુંના દાયકાની મધ્યમાં ગુજરાત સરકારે એને પોતાના હસ્તક લઈ લેતાં પ્રમાણમાં સારી રીતે ચાલે છે.
એવું કહેવાય છે કે એકસમયે સિદ્ધપુરમાં પીવાના પાણીની યોજના કરવા માટે કોઈ વોરા પરિવારે મોટું દાન આપવાની દરખાસ્ત કરી હતી પણ કેટલાક રુઢિચુસ્તોએ પીવાના પાણીની ટાંકી પર અન્ય કોઈ કોમનું નામ લખાય તે ના ચાલે એવો કોઈક તર્ક લગાડી આખી યોજના ભોંય ભેગી કરી દીધેલી. આ વાત મેં ઘણા બધાના મોંએથી સાંભળેલી છે પણ મારી પાસે એનું કોઈ પ્રમાણ નથી.
સિદ્ધપુર અને ભૂદેવો
સિદ્ધપુર અને વોરાજીઓ
બન્ને કોમોનો ભૂતકાળ ભવ્ય છે
વીતેલાં વરસોમાં સિદ્ધપુરની આર્થિક પરિસ્થિતિ બગડતી ગઈ
ધમધમતી મીલો બંધ થઈ
છાસવારે કોમી છમકલાં થવા માંડ્યાં
સિદ્ધપુરની પડતીની શરુઆત સાથે
આ બન્ને કોમોમાંથી ઘણા બધા સિદ્ધપુર છોડી અન્યત્ર ગયા છે
એમાંના ઘણા બધા ખૂબ સુખી છે
પણ....
એમને હવે સિદ્ધપુર પાછા લાવી શકાય તેમ નથી
સરસ્વતીના નીરની માફક આ શક્યતા જાણે કે સૂકાઈ ગઈ છે
ભવ્ય ભૂતકાળની માત્ર યાદો જ વાગોળવાની રહી છે.