Friday, March 10, 2017
મારા ઘરેથી શાળાએ જવાનો રસ્તો રાજપુર ગામ વીંધીને નવેળીમાં થઈ સીધો હરગુડીયામાં નીકળતો. ચોમાસામાં જ્યારે એ જમીનમાં વાવણી થાય ત્યારે સહેજ ફંટાઈને નવેળી બહાર મોટા ઠાકોરવાસના પાછળ થઈ પટ્ટણી ભાઈઓના છાપરાં વટાવી તબેલા પાસેથી સીધા વોરવાડની વચ્ચોવચ્ચ થઈ ઝાંપલીપોળ નીકળાતું. એ વખતે અત્યારે જ્યાં ઘનશ્યામ, ગુરુનાનક અને લીલાશા સોસાયટીઓ છે ત્યાં ખેતરો હતાં જે એક વાઘરી પરિવાર વાવતું. ત્યાં મોટાં મોટાં આંબલીનાં વૃક્ષોનાં ઝૂંડ પણ હતાં. ચોમાસા દરમ્યાન જ્યારે આ ખેતરમાં વાવણી થાય ત્યારે વાડ કરી રસ્તો બંધ કરી દેવાતો. નવી વોરવાડનાં આ મકાનો એક જ સરખી બાંધણીવાળાં અને અત્યંત કલાત્મક રીતે બાંધેલા હતાં. આજે પણ એ જેમનાં તેમ ઉભાં છે અને સિદ્ધપુર તેમજ વોરા ભાઈઓના સુવર્ણયુગની સાક્ષી આપે છે. વોરવાડમાંથી જતાં આવતાં હું એક ખાસ રંગના કાગળના ટુકડા શોધતો રહેતો. એ આછા આસમાની રંગનો કાગળ હવાઈપત્ર – એરમેલ કવરનો રહેતો. એના ઉપર ટિકીટ ચોંટાડેલી હોય ત્યારે મન એકદમ આનંદીત થઈ ઉઠતું. ઈથોપીયાથી માંડી બર્મા (હાલનું મ્યાનમાર) સુધીના કોઈને કોઈ દેશની ટિકીટ હાથ લાગી જતી. ફીજીથી માંડી ફીનલેન્ડ સુધીની આવી ટિકીટો ભેગી કરતાં કરતાં મારી પાસે જુદા જુદા દેશોની ખાસ્સી ત્રણસો કરતાં વધુ ટિકીટો એક વરસના ગાળામાં ભેગી થઈ હતી. સિદ્ધપુરના વોરાભાઈઓ દુનિયાના જુદા જુદા દેશોમાં વેપાર-ધંધા અર્થે વસતા હતા એનો આ પૂરાવો હતો.
મારો રોજનો નિશાળ જવાનો આ રસ્તો, હું હાઈસ્કુલમાં દાખલ થયો ત્યારે પણ એ જ રહ્યો હતો માત્ર અફીણવખારથી ડાબી બાજુ સીધા શાળા નંબર એકમાં જવાને બદલે હવે બિંદુ સરોવર રોડ પર સીધા જવાનું હતું. મારે હજુ એ રસ્તે જવાની વાર હતી. આજે સિદ્ધપુરના વોરાભાઈઓમાંથી એક સામાન્ય વ્યક્તિ તરીકે ઈથોપીયા પહોંચેલા શ્રી અબ્બાસઅલી હરરવાલાની વાત અહીં ઉતારવી છે.
આ ઘટનાના લેખક ગુજરાતના ખ્યાતનામ કટાર લેખક અને વિદ્વાન સાહિત્યકારશ્રી રજનીકુમારભાઈ પંડ્યા છે. એક મુલાકાતમાં અચાનક સિદ્ધપુરની વાત નીકળી અને એમણે મને અબ્બાસઅલી હરરવાલા સાથે પરિચય કરાવી દીધો. આ પરિચય હતો એમના એક લેખ થકી. શ્રી રજનીકુમારભાઈ પંડ્યાનો આભાર માની એમની આ રચના જેમની તેમ અહીં રજૂ કરી છે –
“‘એમ’ એટલે ?’
‘મેમ્બર’
‘બી’ એટલે ?’
‘ઑફ બ્રિટિશ.’
‘અને ‘ઈ’?’
‘એમ્પાયર- એટલે કે સામ્રાજ્ય. બ્રિટિશ સામ્રાજ્ય.’
‘જે એન્ડ પી એટલે ?’
‘જસ્ટિસ ઓફ પીસ.’
‘ને ફરી ‘ઈ’?’
‘ઈથિયોપિયા’
‘પાછું સી.ઓ.આઈ.સી.નો મતલબ ?’
‘કેવેલિયર ઑફિસર ઈટાલિયન કોર મતલબ કે ઈટાલીના લશ્કરના શસ્ત્રધારી અધિકારી.’
‘અને આવડી લાંબી ખિતાબમાળા સિદ્ધપુરના એક વહોરાજી માટે ?’
‘આ ખિતાબ તો ટૂંકા પડે મારા બાપાજી માટે.’ અબ્બાસ એમ.એમ. હરરવાલા ઉર્ફે જાદુગર પ્રોફેસર ઓબ્રે ઉર્ફે મામુ એમની સફાઈદાર કતરાવેલી સફેદ દાઢી પર હાથ ફેરવતાં બોલ્યા,‘સૌથી મોટો ખિતાબ જાણવો છો ?’
‘ઈરશાદ’મેં આમ કહ્યું, કારણ કે થોડી વાર પહેલાં એ મામુ ઉર્ફે શાયર જૌહર (એમણે જવહર લખ્યું હતું) સિદ્ધપુરીએ મને એમની અનેકોમાં એકમેવ લાગે એવી માશુકા ‘જર’ની યાદમાં રચેલી શરબતી શાયરીમાં ગળાડૂબ નવડાવ્યો હતો. હવે મને હોંકારાની જગ્યાએ ‘ઈરશાદ’ની આદત પાડી દીધી હતી. કોઈ ગાળ સંભળાવતું હોય તો ય કહેવાઈ જાય, ‘ઈરશાદ.’
‘એબિસિનિયાના રાજા હેલસિલાસીનું નામ સાંભળ્યું છે ?’
‘કેમ નહીં ? એબિસિનિયા અને ઈટાલીની લડાઈ જગજાહેર છે. અને હેલસિલાસીનું નામ પણ એવી જ કંઈક રીતે કાને પડેલું. જબરો પ્રતાપી રાજવી હતો. એબિસિનિયા એ જ ઈથિયોપિયા ને?’
‘જી હા,તો સાંભળો.’ અબ્બાસભાઈ બોલ્યા, ‘હેલસિલાસી મારા પિતાના ખોળામાં રમેલા અને એ એમને ‘અબ્બાથે’ એટલે એબિસિનિયન બોલીમાં ‘બાપા’ કહેતો. આનાથી મોટો ખિતાબ બીજો કયો હોઈ શકે?
‘ન હોય,’ મેં કહ્યું અને સોનાનો ઢોળચડાવેલી ફ્રેમમાં મઢેલી આ અબ્બાસભાઈના પિતા મુ. મોહમ્મદઅલી શેખ શરફઅલી હરરવાલાની તસવીરનું નિરીક્ષણ કરવા માંડ્યો. એમ.બી. ઈ, જે. પી., સી. ઓ. ઈ. સી. ઓ. ઈ સી. ઉપરાંત ઉર્દૂમાં મોઈનો દાઅવલતુલ હક ઉપરાંત રાજ્યમિત્ર, રાજ્યરત્ન અને ઓનરરી મૅજિસ્ટ્રેટ પણ લખેલું. એમની તસવીરની નીચે, બરાબર આ કિર્તીપતાકાની સામે જ એમના અવસાનની તારીખ 1-1-1948 લખી હતી. બાણું વરસની ઉંમરે સિદ્ધપુરના વતની છતાં એબિસિનિયા જેવા દેશના ‘રાજ્યમિત્ર’ એવા વહોરા ગૃહસ્થ મુ. મોહમ્મદઅલી સિદ્ધપુરના કબ્રસ્તાનમાં જ પોઢી ગયા હતા. આજે એમના પુત્ર અબ્બાસભાઈ પણ સિત્તેરને આંબી ગયા ને તૈયબ મહોલ્લા સિદ્ધપુરમાં રહેતા હતા. એમનો આ ત્રિકોણિયો મહાલય હવે તો સાવ ખખડી ગયો હતો. પણ અંદરની સાજસજાવટ,હાંડી ઝુમ્મર, કાચ-કબાટ, સર્પાકાર સીડીઓ, શિલ્પ અને કલાકારીગરીવાળી બિછાતો અને વિશાળ પલંગો,સોફા અને પરદા હજુ હટાવવામાં આવ્યા નહોતા. એની કમાનદાર નકશીકામવાળી મોટી બારીઓને બહાર ઝરુખા-ઘુમ્મટથી શોભાયમાન કરવામાં આવતી હતી. એવી જ એક તોરણદાર બારીમાંથી સિદ્ધપુરના ચોકમાં એમના પિતાએ બંધાવેલો મોટો ટાવર એમણે દેખાડ્યો અને પછી એ જ બારીમાંથી થોડે દૂર દેખાતું એક કબ્રસ્તાન. એના તરફ પણ આંગળી ચીંધી.
થોડી વાર પહેલાં માશુકાની શાયરી તરન્નુમમાં સંભળાવનાર એ શાયરે એકાએક મરહૂમ પિતાની યાદમાં ગરક થઈ જઈને મોત અને જિંદગી ઉપર પણ એક શેર સંભળાવી દીધો. જો કે એ શેર ‘મરીઝ’નો હતો :
‘અબ્બાસભાઈ,’ મેં કહ્યું, ‘કબ્રસ્તાનોની કબરો પણ હવે નષ્ટ થવા માગે છે. મુંબઈના એક કબ્રસ્તાનમાં કબરો એટએટલી નજીક ખોદવામાં આવે છે કે હમણાં જ અસ્માબાઈ નામની એક વૃદ્ધાના પુત્ર દાઉદભાઈ માતાના શરીરને કબરમાં ગોઠવવા અંદર ઊતર્યા કે તરત જ બાજુની,એમના જમામાની આરસના ચણતરવાળી કબર એમના પર ધસી પડી. દાઉદભાઈ પણ ત્યાં ને ત્યાં જ કબ્રનશીન થયા. એવું લાગે કે જાણે ભાઈ-બહેને ભેગાં મળીને ભાણાને પોતાની ગોદમાં સમાવી લીધો !’
અબ્બાસભાઈ સાથે એક ભારે નિઃશ્વાસ નખાઈ ગયો,‘એવાં પણ મારા કિસ્મત ક્યાં ? નહિતર આ દિવસો કેવી રીતે જોવા પડે ?’
આ નિઃશ્વાસ એ પણ શાયરી ફૂટવાનો સંકેત. મેં મલકીને કહ્યું, ‘ઈરશાદ!’ એ બોલ્યા :
સુરતી ‘છે નહીં’ની માફક ‘છે’ અને ‘નથી’ને જોડાજોડ મૂકી આપતો આ શેર ‘ઝંડો રહ્યો છે.’નો એકરાર તો કરતો જ હતો. પણ ઈજ્જતનો એ ઝંડો એમના અબ્બાજાને લહેરાવ્યો તે અબ્બાસઅલીએ એને વધુ ઊંચે ઉઠાવ્યો કે માત્ર પકડી જ રાખ્યો ? કે પછી જમીનદોસ્ત કીધો ?
પણ મૂળ તો એ ઝંડો જન્મ્યો જ કેવી રીતે ? સૌ કહે છે કે મરહૂમ મોહમ્મદઅલી તો ભણ્યાગણ્યા પણ નહોતા અને આજથી દોઢસો વરસ અગાઉ એ સિદ્ધપુરના સાવ મામૂલી નાગરિક હતા અને એમાંથી એબેસિનિયાના રાજા હેલસિલાસી પણ એમને પિતાનો દરજ્જો આપે એવા વી.આઈ.પી. કેવી રીતે થઈ ગયા?
**** **** *****
‘ગધેડા ઉપર સફર કરવી પડશે.’
‘ગધેડું?’
‘સારું ખચ્ચર આપીશ. પણ આમ સુંવાળો થઈશ તો નહીં ચાલે. ગધેડાને બદલે ખચ્ચર એ લકઝરી કહેવાય. પણ તું છેક ભારતથી આવ્યો છે ને વળી કોઈની પણ લાગવગ કે ચિઠ્ઠી વગર આવ્યો છે એટલે આટલું કરું છું. બાકી લાગવગને તો હું ધિક્કારું છું.’
‘કેટલા દિવસની મુસાફરી થાય ?’
‘સાત – આઠ દિવસ તો થાય જ ને ?’
‘રસ્તો?’
‘વેરાન.’
‘પાણી ? ખાવા-પીવાનું ? બિછાનું ?’
યહૂદી વેપારી મેનાહિમ મેસાએ પાછી ત્રાડ પાડી : ‘નોકરી કરવી છે કે મારો ઈન્ટરવ્યૂ લીધા કરવો છે?’
મોહમ્મદઅલી શરફઅલી નીચું જોઈ ગયા. ધરતી સિનેમાનો પડદો હોય એમ એના ઉપર એમને વતન સિદ્ધપુર દેખાયું. ત્યાંથી શાદી કર્યા પછી પોતે બોમ્બે કરેલી હિજરત યાદ આવી ગઈ. પરિવારનો વધેલો વસ્તાર એ પરદા ઉપર ઊપસી આવ્યો. સૌના દયામણા ચહેરા અને એમને છોડીને ભાઈ ઈબ્રાહિમ પાસે બર્મા રોજી માટે જતી વખતે એ સૌના હાથમાં પકડાવેલો મોટી મોટી ઉમેદોનો અદૃશ્ય ગુલદસ્તો ઊપસી આવ્યો. યહુદી વેપારી મેનાહિમ મેસા જો હવે બીજી ત્રાડપાડશે તો એ બધું પાણીની સપાટી ઉપર દોરેલી રંગોળીની જેમ પળભરમાં વિલાઈ જશે. માટે એ ન પોસાય. મેસા તો એડનનો મોટામાં મોટા વેપારી હતો. આ 1880ની સાલ હતી અને એ સાલ મેસાની હતી. આખું એડન એના બાપનું ગણાતું હતું. વળી એ બ્રિટિશ કોલોની હતું એટલે ભારતથી વિઝા વિના આવી શકાયું. કોઈની પણ ઓળખાણ વગર એની મુલાકાત થઈ. એની મહેરબાની થઈ એ જ મોટી વાત હતી. હવે એ જ્યારે એમ કહે છે કે તું અહીં હરાર (એટલે કે એબિસિનિયાની રાજધાની જે હરર તરીકે પણ ઓળખાતી ) જા અને ત્યાં મારી બ્રાંચ સંભાળ, ત્યારે પોતાના તરફથી આટલી બધી પડપૂછ શેઠિયો સાંખે ? શું કામ ?
શેઠની ત્રાડનો ચમકારો જરા કાનમાંથી શમ્યો ત્યારે જ મોહમ્મદઅલી જવાબ વાળી શક્યા :‘નોકરી કરવી છે.’ પછી બોલ્યા : ‘ગધેડા કે ખચ્ચર ઉપર તો શું,ચાલીને જવા પણ તૈયાર છું,મારા શેઠ.’
એડનથી બર્બરા (બ્રિટિશ પોર્ટ)નો રસ્તો તો ઘણો સારો. પણ પછી વેરાન,વેરાન અને વેરાન શરૂ થયું. પાણીની મશક ખાલી થવા માંડી. ગરમાગરમ લૂ ફૂંકાવા માંડી અને રેતની ઊડાઊડ. ખચ્ચર પણ ક્યારેક થાકીને બેસી પડે તો વળી જોર કરી કરીને એને ઊભું કરવું પડે. (લક્ઝરી હતી!) પાણી ખૂટી પડ્યું એટલે રસ્તામાં ક્યાંક ખાબોચિયું આવે તેને ઉલેચીને પીવું પડે.બનવાજોગ છે કે આગલા કોઈ મુસાફરના ગધેડાએ મૂત્રત્યાગ કર્યો હોય એનું ખાબોચિયું હોય. આની સામે સાવધાની તરીકે સાથે ફટકડી રાખેલી. જળ આખરે જળ જ છે. ફટકડી નાખો એટલે નિર્મળ થઈ જાય. તરસ છીપે ત્યાં વળી વાઘની ત્રાડો સંભળાય. માણસ મટીને સરવા કાનની સાવધાન બિલાડી બની જવું પડે. રાત પડે એટલે ખુલ્લા આકાશ નીચે સૂઈ જવાનું ને ખચ્ચરની દોરી આપણા પગના અંગૂઠે કસકસાવી દેવી ! બંને પક્ષે સિક્યુરિટી ! ન પેસેન્જર ભાગે, કે ન લકઝરી !
આઠ દિવસે હરાર પહોંચ્યા ને મેસાની પેઢીનો બ્રાંચ મેનેજર કોઈ યહૂદી હતો એને મળ્યા. મેસાનો કાગળ આપ્યો કે તરત જ પેલાએ ચાર્જ સોંપી દીધો, કારણ કે એને રિટાયર્ડ થવાની લગની લાગી હતી. છતાં બિચારાએ જતાં જતાં એક સવળી સલાહ આપી. અહીંનો ગવર્નર મિસ્ટર મોખાનન છે. રાજા ભલે મેનેલિક છે, પણ આ ગવર્નર મેખાનન કર્તાહર્તા છે. એનાથી જરા દૂર રહેજે. બહુ વિચિત્ર છે.
સલાહ સાંભળીને મોહમ્મદ અલીએ ગાંઠે બાંધી. પછી કહ્યું : ‘તમે પાછા એડન જાઓ છો તો મારું એક કામ કરજો. મેસા શેઠને કહેજો કે મારો પગાર મારા દેશમાં મારાં બીબીબચ્ચાંને મોકલી આપે. આ રહ્યું સરનામું. એ લોકો એના માટે ટાંપીને બેઠાં હશે. હું તો અહીં ચણા ખાઈને જીવી જઈશ.’
પેલો ગયો એ સાંજે જ એ ગવર્નર મેખાનનને ઘેર એની વિવેક મુલાકાતે ગયા. દાખલ થતા હતા ત્યાં જ સામે ત્રણચાર વરસનો એક દડબડ દડબડ બાળક સામો મળ્યો. ગવર્નરે કહ્યું, ‘આ મારો દીકરો છે. એનું નામ છે હેલસિલાસી.’
મોહમ્મદઅલી બેઠા એટલે હેલસિલાસી એના ખોળામાં ચડી બેઠો. મોહમ્મદઅલીએ એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.
*********
ચણા ખાઈ, પાણી પીને અને ઓડકાર લઈને દિવસો ગુજાર્યા અને પેઢીને વર્ષમાં લાખ-દોઢ લાખ ડોલરનો નફો રળી આપ્યો. ગવર્નર મેખાનન મિત્ર બની ગયા અને હેલસિલાસી સગા દીકરા જેવો. પણ આ દિવસો બહુ લાંબા ચાલ્યા નહીં. દોઢ જ વરસ પછી ઈટાલીએ એ દેશ પર આક્રમણ કર્યું અને દેશની શાંતિને છિન્નભિન્ન કરી નાખી. અને અર્થકારણ પણ. એ વખતે યુદ્ધ તલવાર, ઢાલ,ગન અને તોપથી થતાં હતાં. પણ મૂળ તાકાત હતી હિંમતની અને શૌર્યની. એબિસિનિયન લોકો આ બંનેથી છલકાતા હતા. તંગી હતી માત્ર ધનની. મેખાનનને પોતાનું લશ્કર વ્યવસ્થિત કરવાની જરૂર હતી. સાધન-સરંજામની અને શસ્ત્રો-અસ્ત્રો ખડકીને ઈટાલિયન આક્રમણને ખાળવાની જરૂર હતી. પણ આ બધા માટે ધન જોઈએ. ધન ક્યાં ? બાદશાહ મેનેલિક (મિનેલિક) તો સાવ અલ્લાઈ ગાવડી હતા. એમને ગતાગમ ન પડે. બધી જવાબદારી ગવર્નર મોખાનન પર.
એક દિવસ મોખાનન ખુદ વાહન લઈને મોહમ્મદ અલીની પેઢીએ આવ્યા. કહ્યું, ‘મિત્ર,મદદ જોઈએ છે. બીજા કોઈનું સરકારને મદદ કરવાનું ગજું નથી, તમારા સિવાય.’
મોહમ્મદ અલીના હાથમાં કોફીનો કપ થંભી ગયો. એ બોલ્યા, ‘નામદાર,મદદ તો કરું. પેઢી તમારી જ છે. તમારી જ મીઠી નજરને કારણે તમારા વેપારનો વિકાસ થયો છે. પણ એક જ તકલીફ છે. પેઢી મારી માલિકીની નથી. હું તો માત્ર વાણોતર જ છું. એના માલિક મેનાહિમ મેસાર તો એડન બેઠા છે. એની પરવાનગી લેવી પડે. એ જ વાંધો છે.’ અને એ વાંધો કેટલો વજનદાર હતો એની એ બંનેને ખબર હતી, કારણ કે હરારથી એડનનું વેરાની અંતર ભલે આઠ-દસ દિવસનું હતું પણ સંદેશાવ્યવહારની કોઈ જ વ્યવસ્થા નહોતી. કોઈ દ્વારા ટપાલ મોકલતાં ને જવાબ મેળવતાં એકાદ માસ તો નીકળી જ જાય. અને એ એક માસમાં તો ઈટાલિયનો એબિસિનિયાનો કચ્ચઘાણ કાઢી નાખે.
‘શું કરવું ?’
‘ઈટાલિયનોની નજર પહેલી આપણા હરાર ઉપર છે, ને બીજી છે એડિસઅબાબા ઉપર’ (જે પાછળથી એબિસિનિયાની રાજધાની થઈ ગયું.)
‘તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી.’ જેવો ઘાટ થયો હતો.પણ સમસ્યા એ હતી કે થડે બેસનાર દુકાનધણી નહોતો. ને ભગવાનને એ પૈસો પણ આપવાનો અખ્તીયાર ધરાવતો નહોતો.
‘કાલે વિચાર કરીને કહીશ.’ એમ કહીને મોહમ્મદઅલીએ એ દિવસે તો મોખાનનને વિદાય કર્યા,પણ પછીની આખી રાત વિચારોમાં કાઢી. ધન નિર્જીવહતું, પણ એના વ્યવહારિયા જીવતાજાગતા માણસો હતા. સહી, ઑથોરિટી, પરવાનગી, મંજૂરી, નિયમ આ બધું જ જરૂરી હતું. પણ એ જરૂરની એક સીમા હતી. એ સીમાની પાર તો જરૂર માત્ર જીવતા રહેવાની જ હતી. છાપરા ઉપર અગનગોળો પડવાની તૈયારી હોય ત્યારે છાપરાવાસી ભાડવાત હોય તો પણ છાપરાનો માલિક બની જાય છે.
એમ જ થવું જોઈએ, નહીં તો ધણી છાપરું અને ભાડૂત, બંનેને ગુમાવે.
ને બીજે દિવસે એમણે મોખાનનને પૂછાવ્યું : કેટલા જોઈએ ? જવાબ મળ્યો, ‘એક લાખ ડૉલર!’તરત જ મોહમ્મદઅલીએ બાપના પૈસા હોય એમ એક લાખ એબિસિનિયન ડોલર મોકલી આપ્યા. ડોલર મોકલતી વખતે લીધેલા જોખમનો એક થડકારો તો આવ્યો. પણ એ તો એક નાનકડા ઠંડીના ઉકરાંટાની જેમ પસાર થઈ ગયો. પણ એબિસિનિયાના જીવમાં જીવ આવી ગયો. હલચલ પેદા થઈ ગઈ. બે માસના યુદ્ધમાં એબિસિનિયાએ ઈટાલીને હરાવી દીધું.
પણ એ દરમિયાન એડનમાં બેઠેલા યહુદી શેઠને ખબર પડી ગઈ હતી ને એણે પાડેલી ત્રાડ (એને ત્રાડ પાડવાની ટેવ હતી) જાણે કે વેરાન વીંધીને અહીં પહોંચી. એ સાથે જ એક સવારે એમનો એક ‘ફિરસ્તો’ હાજર થયો. એમાં મોહમ્મદઅલી માટે બરતરફીનો હુકમ હતો અને તાબડતોબ વાપરેલાં નાણાં ભરપાઇ કરી આપવાની તાકીદ. અલબત્ત નાણાં તો સરકારે જીત થઈ એ સાથે જ પરત ચૂકવી આપ્યાં હતાં, પણ ગયેલી નોકરી એ થોડી જ પાછી અપાવી શકે?
બીજે દિવસે મોખાનન નાકડા હેલસિલાસીને લઈને મોહમ્મદઅલીને મળવા આવ્યા ત્યારે મોહમ્મદઅલી બહુ ગમગીન મિજાજમાં હતા. મિત્રને- હવે તો “રાજ્યમિત્ર”ને ઉદાસ જોઈને એણે કારણ પૂછ્યું તો ખબર પડી કે રાજ્યને મદદ કરવા જતાં દોસ્તે નોકરી ખોઈ હતી, રોજી ગઈ હતી.
ત્યારે એણે હસી કાઢ્યું, ‘એમાં શું થયું ?’
‘કશું નહીં,’ મોહમ્મદઅલી બોલ્યા, ‘હું આ દેશ છોડી પાછો સિદ્ધપુર જતો રહું. અહીં મારાં અંજળ પૂરાં થયાં,’
‘અરે મિત્ર!’ મોખાનન બોલ્યા,‘તમારે આ દેશ છોડવાની કોઈ જ જરૂર નથી. એક વાર તમે એબિસિનિયાની પડખે હતા, હવે અમારું આખું એબિસિનિયા તમારી પડખે છે. અમારી ગિમ્જાબેટ (સરકારી તિજોરી)માંથી જે જોઈએ તે લઈ જાઓ. તમે તમારા જ નામે ધંધો કરો.’
અને 1888ની સાલમાં મોહમ્મદઅલી શરફઅલી સિદ્ધપુરવાળાએ હરારમાં પોતાની પેઢી શરૂ કરી. કોફી-સીડ્સ (બુંદદાણા) ખરીદ કરવાની એને સરકારે મોનોપોલી આપી. આ ઉપરાંત હાથીદાંત,બકરાં અને ચિત્તાનું ચામડું – આ બધાંનો નિકાસ વેપાર પણ આપ્યો અને જોતજોતામાં એ પેઢી એટલી જામી ગઈ કે યહુદી વેપારી મેનાહિમ મેસાનો ધંધો પડી ભાંગ્યો. મોહમ્મદઅલીની પેઢીએ એબિસિનિયાના ખૂણેખૂણે લગભગ ચુમ્માલીસ જેટલી શાખાઓ ખોલી અને એમાં મદદ કરવા માટે સિદ્ધપુરથી માત્ર વહોરા બિરાદરોને જ નહીં, પણ બીજા લગભગ સાડા ચારસો મુસ્લિમો, હિંદુઓ અને જૈનોને બોલાવ્યા. શાખાઓમાં મૂક્યા. ક્યાંક ક્યાંક કોઈ ઝકીયુદ્દીન પચમેરીવાળા જેવા મિત્રને એમાં ભાગીદારી પણ આપી. અને એબિસિનિયામાં આમ બીજું સિદ્ધપુર ઊભું કર્યું. ધંધો એવો તો વિકસાવ્યો કે પરદેશી લિગેશન (એલચી કચેરીઓ) સાથે સંપર્કમાં આવ્યા. બધા જ એલચીઓ,પછી તે જર્મન હોય કે ફ્રેંચ, સૌને મિત્રો બનાવ્યા. બ્રિટિશ ટ્રીબ્યુનલના પ્રમુખ પણ બન્યા. લવાદ તરીકે પણ કામ કરતા થયા. આ બધા જ સામાજિક કાર્યોમાં વધારે સમય દેવા માંડ્યા, પણ વેપારને અવળી અસર ના થાય તે માટે દરેક શાખામાં મુખ્ય પાર્ટનર સગા ભાઈ મુલ્લા ઈબ્રાહિમને બનાવ્યા. ઉપરાંત મિત્રોમાં અબ્દુલ્લાભાઈ કેરા, માસ્ટર મહમ્મદઅલી પાલનપુરી અને અબ્દુલહુસેન પાઘડીવાલા અને બીજા અનેકને શૅર આપ્યા અને પેઢીની પ્રગતિ ઉત્તરોત્તર થતી ચાલી. ધીરે ધીરે એ વિશ્વવ્યાપી વેપારી પેઢી બની. યુરોપ,જાપાન, ઈટાલી જેવા દેશોમાં ગયા ને ત્યાં પણ શાખાઓ સ્થાપી. જનરલ મોટર્સ કંપની કે ટેક્સાસ ઑઈલ કંપની જેવાના સોલ એજન્ટ બન્યા.
પણ પછી પલટો ક્યાં આવ્યો?
રાજા મેનેલિકનું એકાએક અવસાન થયું અને સમયનું ચક્ર ફર્યું. એની પુત્રી ગાદી પર બેઠી, પણ એબિસિનિયનોને કોઈ સ્ત્રીની સરનશીની મંજૂર નહોતી. ખટપટ ચાલી. એના જ વંશનો બીજો રાજા ગાદીએ આવ્યો. પણ એ નબળો નીકળ્યો. રાજ્યમાં એકદમ અંધાધૂંધી ફેલાઈ ગઈ.
હેલસિલાસી હવે જુવાન થઈ ગયો હતો. એક દિવસ મોહમ્મદઅલીએ જ એને સલાહ આપી, ‘બેટા,તારા પિતાના મિત્ર તરીકે નહિ, પણ એબિસિનિયાના શુભેચ્છક તરીકે સલાહ આપું છું. કે તારે ગાદીનો કબજો લઈ લેવો.’
હેલસિલાસી હજુ એમને ‘અબ્બાથે’ કહેતા હતા. પિતા મોખાનનની પણ એ જ સલાહ હતી. અને અંતે એક દિવસ હેલસિલાસીએ એબિસિનિયાની ગાદી આંચકી લીધી. રાજ્યકારભાર સંભાળી લીધો અને સારી રીતે ચલાવ્યો…પણ ફરી સમયનું ચક્ર ફર્યું હતું.
મોહમ્મદ અલીની પેઢીના ધરખમ વિકાસથી બ્રિટિશરો સ્પર્ધાભાવ અનુભવવા માંડ્યા. એમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફરી ઈટાલિયનો સાથે ઘર્ષણ ઊભું થયું. એક તરફ યુદ્ધ તો બીજી તરફ દેશમાં બ્રિટિશરો ખોટ ખાઈને પણ ધંધાકીય હરીફાઈ કરવા માંડ્યા. અંતે એક દિવસ તો ઈટાલીએ એબિસિનિયાને હરાવ્યું જ. કારણ કે એનો સરમુખત્યાર મુસોલિની આધુનિક શસ્ત્રસરંજામથી સજ્જ હતો.
એમણે તરત જ મોહમ્મદઅલીને હુકમ કર્યો, ‘સોલોઓન ડે ટો’ મતલબ કે દેશ છોડીને જતા રહો!
‘નહીં જઈએ.’ મોહમ્મદ અલીએ કહ્યું,‘અમારો ગુનો શો છે ? અમે તો એબિસિનિયન નથી, બ્રિટિશ નાગરિક છીએ. ભારતની પ્રજા.’
‘નથિગ ડુઈંગ’ એ લોકોએ કહ્યું, ‘તમારે જવું જ પડશે.’
એ લોકોએ રીતસરની લૂંટફાટ શરૂ કરી. અનેક બીજી પેઢીઓ લૂંટી. પણ મોહમ્મદ અલીની પેઢીઓને ન લૂંટી શક્યા, કારણ કે એમને તો એબિસિનિયન પ્રજાએ પોતાના સ્વજન ગણ્યા હતા. પાંચસો એબેસિનિયન હબસીઓએ ભેગા થઈને એમની દુકાનોને કિલ્લેબંધી કરી આપી. મોહમ્મદઅલી શેઠે જીબુટીમાં પેઢીના તમામ ભાગીદારોની કોન્ફરન્સ બોલાવી. મુંબઈથી લિટલ એન્ડ કું. ના સોલિસિટરોને બોલાવ્યા જેથી જરૂર પડે ત્યાં કાયદેસર પગલાં લઈ શકાય.
પણ એ બધું આકાશમાં થીગડાં મારવા જેવું હતું. સત્તા આગળ શાણપણ તો નહીં પણ કાયદોય લાચાર હતો. અંતે 1944ની સાલમાં સંકેલો કરવો જ પડ્યો.
બધું વેચીને રોકડી કરી લીધી, અલબત્ત, પાણીના મૂલે. માત્ર એક માણસને સમ ખાવા પૂરતો એડિસઅબાબા રાખ્યો.
અને મોહમ્મદ અલી પણ એક દિવસ એમના હરારના મહાલયની બહાર નીકળ્યા. એમણે બડા શોખથી ભીંતમાં એક એવી અમેરિકન ઘડિયાળ જડાવી હતી કે જે ક્યારેય બંધ ન પડે. મોહમ્મદઅલી એ ઘડિયાળને દીવાલમાંથી હટાવી તો ન શક્યા પણ રિવોલ્વરનો એક ભડાકો કરી એને બંધ કરી દીધી. સમયનો પણ છેદ ઊડી ગયો.
બધું બંધ કરીને એ અને એમના સાથી ઝકીયુદીન પચમેરીવાલા, એમના મેનેજર તાળું મારીને બહાર નીકળ્યા. સામે રાખેલા વાહનમાં બેસવા જતા હતા ત્યાં પાછળથી કશોક અવાજ આવ્યો. એકસાથે ઘણાં બધાં પક્ષીઓની પાંખોનો એ ફફડાટ હતો.
બંને એ પાછળ ફરીને જોયું તો રોજ રોજ જેમને નિયમિત ચણ નખાતી હતી એ કબૂતરો પણ વેન્ટિલેશનમાંથી પાંખો ફફડાવી ઊડી જતાં હતાં. બંનેએ એ દૃશ્ય ઘડીભર જોઈ, ઊંડો શ્વાસ લઈને ચાલવા માંડ્યું.
એ સાલ હતી 1944ની. તારીખ માર્ચની ત્રીજી.”
સરસ્વતીના તીરે વસેલું સિદ્ધપુર
એની એક ઓળખ છે
રુદ્રમહાલય અને બિંદુ સરોવર
રુદ્રમહાલય એનો ભવ્ય ઈતિહાસ છે
બિંદુ સરોવર દેશભરના હિન્દુઓ માટે માતૃગયાનું તિર્થ સ્થળ છે
એનું ઈસબગુલ દુનિયાભરમાં નિકાસ થાય છે
પણ....
જેમ સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવો એની ઓળખ છે
તે જ રીતે
દેશાવર ખેડતા એના વોરાજીઓ પણ એની ઓળખ છે
ત્રણસો સાઈઠ બારીબારણાંવાળું મકાન અને મહંમદઅલી ટાવર પણ સિદ્ધપુરના ઈતિહાસનાં સાક્ષીઓ છે.
હરરવાલા એમાંનું એક પાત્ર છે
ક્યાંક હરરવાલા તો ક્યાંક મદ્રાસવાલા
ક્યાંક એડનવાલા તો ક્યાંક તાંબાવાલા
તો ક્યાંક વળી વડનગરવાલા
આ વોરાજીઓની વસતી હવે ઘટતી જાય છે
એમનાં ભવ્ય મહાલયો વચ્ચેથી પસાર થઈએ ત્યારે
નીરવ શાંતિ સિવાય કશું જ નથી અનુભવાતું
આજે કોણ કહેશે કે આમનો પણ એક જમાનો હતો ?