Friday, March 3, 2017

સગાવ્હાલામાં કોઈ લગ્નપ્રસંગ હોય કે અન્ય સામાજીક પ્રસંગ ક્યારેક રાત્રે સિદ્ધપુર શહેરમાં જવાનું થતું. સિદ્ધપુરની આ રાત્રિચર્યાની પણ મારા બાળમાનસ પર તે સમયે વિશીષ્ટ છાપ ઉપસી હતી. સહુથી પહેલું તો રાત્રે વિજળીના ગોળા ઝગઝગાટ બળતા હોય અને દિવસની જેમ જ રાત્રે પણ શેરીઓમાં અજવાળું હોય અને એથીય વિશેષ મને ગમતી બાબત તો એ હતી કે આ અજવાળામાં બાળકો રમી શકતાં હતાં. સાત વાગ્યે અને અંધારુ થાય એટલે ઘરમાં પૂરાઈ જવાનું અને આઠ-સાડા આઠ સુધીમાં તો સૂઈ જવાનું એમને માટે જરુરી નહોતું એટલું જ નહીં પણ વિજળીના ગોળાને અજવાળે વાંચવાની અને લેસન કરવાની મજા આવે એવી સુવિધા હતી. મને ત્યારે સિદ્ધપુર દુનિયાનું કોઈ અગ્રગણ્ય શહેર હોય એવું લાગતું. મારા જંગલી જીવને ક્યારેક એવો પણ વિચાર આવી જતો કે સિદ્ધપુર શહેરમાં રહેવા આવી જવાનું થાય તો કેવી મજા આવે ?

 

હા, તે જમાનાનું સિદ્ધપુર આજુબાજુના વિસ્તારની સરખામણીમાં ખૂબ આગળ હતું. મહેસાણા, ઉંઝા અને પાલનપુરમાં જ્યારે સુધરાઈનાં ફાનસ માંડ રસ્તો કળાય એટલી કંજૂસાઈથી પ્રકાશ રેલાવતાં તે સમયે સિદ્ધપુરમાં હેરુ શેઠનું પાવર હાઉસ રાત પડે વિજળીના પ્રકાશથી શહેરને ઝળાંહળાં કરી મુકતું. આ શહેરમાં ન્યુ માસ્ટર ટોકીઝ નામનું થિયેટર ઋષિતળાવમાં હતું તો આઝાદીના સમય પહેલાં સ્થપાયેલી સરકારી હાઈસ્કુલ પણ હતી. આજુબાજુના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે સિદ્ધપુર આવતા. ઉંઝા, પાલનપુર અને મહેસાણા કરતાં પહેલી કોલેજ સિદ્ધપુરમાં થઈ. ત્રણ ટેક્સટાઈલ મીલને કારણે સિદ્ધપુર મીલ ઉદ્યોગથી ધમધમતું હતું. મીલની પાળી બદલાય એની વ્હીસલ વાગે (ભૂંગળુ બોલે) એના ઉપરથી એ વિસ્તારમાં સમય નક્કી થતો.

 

કોઈને બહારગામ જવું હોય કે અન્ય કંઈ કામ હોય સમય જાણવાનાં ત્રણ સાધનો હતાં. પહેલું સિદ્ધપુરથી પસાર થતી રેલ્વે ટ્રેન સવારે સાડા છ વાગ્યે તારંગા લોકલ, સાડા આઠે દિલ્લી એક્સપ્રેસ, સવારે સાડા દસે આબુરોડ-અજમેર લોકલ, સાડા અગિયારથી પોણા બાર વચ્ચે દિલ્લી મેલ, બપોરે સાડા ત્રણ વાગ્યે પાલનપુર-તારંગા હીલ લોકલ, સાંજે છ વાગ્યે અમદાવાદ તરફ જતો દિલ્લી મેલ, રાત્રે સાડા સાતે પાલનપુર લોકલ, રાત્રે સાડા આઠે દિલ્લી તરફ જતો દિલ્લી એક્સપ્રેસ, રાત્રે બાર વાગ્યે અમદાવાદથી આવતી આગ્રા લોકલ અને સવારે સાડા ચાર વાગ્યે અમદાવાદ તરફ જતી આગ્રા લોકલ. આ સમય નક્કી કરવાનું સાધન હતું.

 

ત્યારબાદ સવારે સાડા પાંચ વાગ્યે મીલનું પહેલું ભુંગળુ વાગતું, સાડા છ વાગ્યે બીજું પાળી શરુ થવાનું, સાડા ત્રણે પાળી છુટવાનું અને રાત્રે બાર વાગ્યે બીજી પાળી છુટવાનું એમ મીલનું ભુંગળુ વાગે તે ઉપરથી સમય નક્કી થતો.

 

આ ઉપરાંત અનુભવી આંખો સૂરજના તડકા ઉપરથી કે રાત્રે તારોડીયાં ઉપરથી સમયનો અંદાજ મુકી શકતી. ઘડીયાળ બહુ જ ઓછા ઘરોમાં હતી. સમયના અડસટે જનજીવન ચાલ્યા કરતું. આજના જેવી દોડધામ કે સમય માટેની હાયવોય ત્યારે નહોતી. સહુની પાસે સમય હતો અને સહુ પોતપોતાના કામ ગોઠવી શકે તેટલી સ્થિતિ સ્થાપકતા (Flexibility) પણ હતી.

 

પાટણ, ઉંઝા અને પાલનપુર જેવાં કેન્દ્રોની સરખામણીમાં સિદ્ધપુર ઘણું આગળ હતું. આ કારણથી સિદ્ધપુરનાં બજારો ધમધમતાં રહેતાં. સિદ્ધપુરની ત્રણ ટેક્સટાઈલ મીલ સિદ્ધપુર મીલ (રાજરત્ન શેઠ મગનલાલ પ્રભુદાસ મહેતા), સયાજી મીલ (ઈન્દુપ્રસાદ પ્રહલાદજી રાવલ) અને હરિકોટન મીલનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા સિદ્ધપુરની ઓળખ હતી. આજે જેને એશિયાનું મોટામાં મોટું ગંજબજાર કહેવાય છે તે ઉંઝા એપીએમસી તે વખતે અસ્તિત્વમાં નહોતું. સિદ્ધપુર તાલુકામથક હતું અને ઉંઝા એનો ભાગ હતું. આજની પેઢીને જાણીને નવાઈ લાગશે કે ઉંઝા માર્કેટયાર્ડની શરુઆત સિદ્ધપુર માર્કેટયાર્ડના સબ-યાર્ડ તરીકે થઈ હતી અને તે સમયના સિદ્ધપુર માર્કેટયાર્ડના પ્રમુખશ્રી માધવલાલ પાધ્યા આ સબ-યાર્ડના પહેલા પ્રમુખ હોદ્દાનીરુએ નીમાયા હશે.

 

વિસનગર, પાલનપુર, પાટણ, મહેસાણા પંથકમાં એક ઔદ્યોગિક અને વેપાર ધંધાના કેન્દ્ર તરીકે સિદ્ધપુરનું મોટું નામ હતું. છેક છાપી અને કહોડા કે બ્રાહ્મણવાડા-બીલીયા જેવાં ગામેથી વિદ્યાર્થીઓ એલ.એસ. હાઈસ્કુલમાં ભણવા આવતા. સિદ્ધપુરની અર્થવ્યવસ્થાનો આ સુવર્ણકાળ હતો. કોઈપણ સારા ભલા પ્રસંગે આજુબાજુના વિસ્તારોમાંથી સોના-ચાંદીના દાગીનાથી લઈને કપડાં અને કરિયાણાં સુદ્ધાં ખરીદવા માટે લોકો સિદ્ધપુર આવતા અને સિદ્ધપુરનાં બજારો એમની ખરીદીને કારણે ધમધમતાં. બીજી બાજુ મીલના કારીગરોને ચૂકવાતા પગારને કારણે પણ સ્થાનિક બજારોમાં તેજીને પ્રોત્સાહન મળતું. મજૂર મહાજનનો ત્યારે દબદબો હતો અને તેના આગેવાનશ્રી સોમાભાઈ પટેલ સિદ્ધપુરની સ્થાનિક રાજનીતિમાં પણ બહુ અગત્યનું સ્થાન ધરાવતા. સિદ્ધપુર નગરપાલિકામાં મજૂર વિસ્તારમાંથી આવતા પ્રતિનિધિઓની સંખ્યા નવની રહેતી અને તેને કારણે મજૂર મહાજન જે તરફ ઢળે તેનો પ્રમુખ ચૂંટાતો. છેલ્લે ડૉ. રુદ્રદત્તભાઈ પટેલ (દાંતના ડોક્ટર) મજૂર મહાજનના ઉમેદવાર તરીકે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. ધીરે ધીરે આ ત્રણેય મીલો બંધ થઈ ગઈ. છેલ્લે સિદ્ધપુર મીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લીધી અને થોડો સમય ચલાવી ખરી પણ પછી બંધ થઈ ગઈ. આજે સનનગર નામની સિદ્ધપુરની સહુથી મોટી સોસાયટી આ જમીન ઉપર બની છે.

 

આ સમયગાળો કર્મકાંડી ભૂદેવો માટે પણ ઉત્તમ હતો. વાહનવ્યવહારની બહુ સવલત નહોતી એટલે કારતકના મેળામાં લોકો ગાડા જોડીને અને ઊંટ પર આવતા. ભાગ્યે જ એવું કોઈ ઘર હોય કે જ્યાં કોઈને કોઈ જજમાન ઉતર્યા ન હોય. સિદ્ધપુરનો મેળો એ વખતે ચારથી પાંચ દિવસ તો હકડેઠઠ ભરાતો અને ત્યારબાદ છેક અગિયારસ સુધી નદીના પટમાં ચકરડી, ચકડોળ વિગેરે રહેતાં. આજે સમય બદલાયો છે. ટેકનોલોજી બે ધારી તલવાર જેવી છે. આજુબાજુના વિસ્તારો સાથે સિદ્ધપુર પાકા ડામર રોડથી જોડાયેલું છે. ટ્રેક્ટરો અને બીજાં વાહનો પૂરતી સંખ્યામાં દરેક ગામે ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત એસ.ટી. બસ અને ભાડે ફરતી જીપો તો ખરી જ. પરિણામ એ આવ્યું છે કે પહેલાં જે માહોલ નદીના પટમાં ગાડાં છોડીને રોકાયેલા ગ્રામજનોનો અને શહેરમાં જજમાનોનો જોવા મળતો હતો તે હવે નથી દેખાતો. બધું ઝડપી થઈ ગયું છે. માણસો આવે છે પણ ઝડપથી અને મેળો માણીને પાછા વિદાય પણ થઈ જાય છે. હવે મેળાની એ ભીડ અને ચકડોળમાં બેસીને બુકાની બાંધી કાને હાથ દઈ ગવાતા હડુલા ભૂતકાળ બની ગયા છે.

 

મેળાના આગળ-પાછળ ગણીને લગભગ પંદરેક દિવસ દરેક મહોલ્લામાંથી બાળકો શેરીના નાકે અથવા રોડ પર પોતાની ચાની કીટલી, પાનબીડીની દુકાન, ગોટાનો તાવડો કે એવું કંઈક ભેગાં થઈને કરતાં અને જે વકરો આવે એમાં નફો થાય તેમાંથી ફીસ્ટ કરતાં. એક બહુપ્રચલિત રમત ભરેલી ડોલમાં તળીયે મુકેલી વાટકીમાં સિક્કો નાંખવાની હતી. આ સિક્કો જો વાટકીમાં પડે તો એની બમણી રકમ પાછી મળતી. આમાં બે પરિબળો કામ કરે છે એ થોડા મોટા થઈને વિજ્ઞાન ભણ્યા ત્યારે સમજાયું. પહેલું પાણીમાંથી વાતાવરણમાં પ્રવેશતું કિરણ જેનું વક્રીભવન થવાને કારણે વાટકી ખરેખર જ્યાં હોય તેના કરતાં બીજા સ્થળે દેખાય અને બીજું નીચે જતા સિક્કા ઉપર પાણી વિરુદ્ધ દિશામાં દબાણ કરે એટલે સિક્કો પણ બરાબર સીધી લીટીમાં નીચે ન જાય. આમ, સિક્કો વાટકીમાં પડે તે અશક્ય નહીં પણ અતિમુશ્કેલ કામ હતું. આમાં વકરો એટલો નફો હતો. આવી બીજી રમત ગોળ વર્તુળ દોરી જુદાં જુદાં ખાનામાં ઈનામ મુકી એક કાંટો ઉપરથી ફેરવીએ અને તે વખતે જે ખાનામાં તમે પૈસા મુકો ત્યાં જો કાંટો આવીને અટકી જાય તો એ પૈસા પાછા મળે અને એ ખાનામાં નાની સાબુની ગોટી કે ચોકલેટ અથવા બીજી કોઈ આઈટમ હોય તે ભેટ મળે. હવે તો મેળા દરમ્યાન આવું કશું થતું નથી કારણકે બે-ત્રણ દિવસ રોકાય એવા જજમાન પણ નથી આવતા અને આવું બધું કરવામાં કોઈને ખાસ રસ પણ નથી પડતો. એક સમય તો એવો હતો કે જ્યારે ધાર્મિક વિધિ કરવા આવેલા આ જજમાનોને બ્રહ્મભોજન કરાવવું હોય તો પૂરતા ભૂદેવો નહોતા મળતા. આને કારણે પછી મગદળના લાડુ વહેંચવાનો રિવાજ આવ્યો હશે જેને એ સમયે ચોર્યાસી કહેતા.

 

આમ સિદ્ધપુર વેપાર ધંધા માટેનું મોટું કેન્દ્ર હતું. સમગ્ર વિસ્તારનું ઔદ્યોગિક મથક હતું. સમૃદ્ધિ અહીંયાં આળોટતી અને યજમાનવૃત્તિવાળાના ત્યાં પણ કોઠીએ મગદળ ખૂટતું નહોતું તેવો જમાનો હતો.

શું થયું એકાએક ?

સિદ્ધપુરમાં લગભગ ત્રણ દાયકા જેટલો એવો સમય આવી ગયો કે જ્યારે મીલો બંધ પડી. કારીગરો બેકાર બન્યા. અચળાપુરા પાસે આવેલું ગંજબજાર ગામ બહાર રેલ્વેલાઈનની પેલે પાર જતું રહ્યું. પૂર્વના ગામોમાંથી માધુપાવડીયે થઈને શહેર વીંધી સ્ટેશન સુધી જવાનો રસ્તો હતો તેનો ઉપયોગ ધીરે ધીરે ઘટતો ગયો અને પછી તો નદી ઉપર રોડનો પૂલ બનતા અને ગંજબજાર રેલ્વેલાઈનની બહાર જતાં જાણે કે બધાનો રસ્તો જ બદલાઈ ગયો. પડતાં ઉપર પાટુ મારતું હોય તે રીતે સિદ્ધપુરમાં વારંવાર થતાં છમકલાં અને કોમી તોફાનોએ સરકારના રેકોર્ડમાં સિદ્ધપુરને “કોમ્યુનલી સેન્સીટીવ” એટલે કે અતિસંવેદનશીલ શહેરનું લેબલ ચીટકાડી દીધું.

પરિણામ ?

છાસવારે થતાં કોમી તોફાનો અને બંધ થઈ જતી બજારોને કારણે ગામડાની ઘરાકી હવે બીજે વળવા માંડી. આનું સીધું પરિણામ એ આવ્યું કે મહેસાણા તો જીલ્લામથક અને ઓએનજીસીને કારણે વિકસ્યું પણ પાટણ, વિસનગર, છાપી અને ઉંઝા જેવાં સેન્ટરોમાં ગ્રાહકોનો ધમધમાટ શરુ થયો. આ બજારો વિકસવા માંડ્યાં. સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ આ કેન્દ્રોમાં પણ થિયેટરથી માંડી કોલેજ અને હોસ્પિટલો જેવી સવલતો વિકસવા માંડી. દરમ્યાનમાં તા. 23/10/1954ના રોજ બોમ્બે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એક્ટ-1939 હેઠળ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમીટી (ગંજબજાર)ની સ્થાપના થઈ. સિદ્ધપુર આજુબાજુનાં આ બધાં જ કેન્દ્રો વિકાસથી ધમધમવા માંડ્યાં. આજે ઉંઝા ગંજબજાર એશિયાનું મોટામાં મોટું ગંજબજાર બન્યું છે અને છેક રાજસ્થાનથી માલ અહીંયા વેચાવા આવે છે. પાટણ જીલ્લામથક બન્યું. વિસનગર પણ વેપાર ઉદ્યોગના કેન્દ્ર તરીકે વિકસ્યું. આ બધામાં સિદ્ધપુર પોતાની પ્રગતિની ગતિ ગુમાવતું રહ્યું. કોમી એખલાસ અને શાંતિ એ કોઈપણ ધંધા કે ઉદ્યોગના વિકાસ માટે પાયાની જરૃરીયાત છે એવું જો એ વખતે સમજાયું હોત તો આજે સિદ્ધપુરની તાસીર જુદી જ હોત. આજ રીતે સરસ્વતી નદી પર મોકેશ્વર ખાતે બંધ બંધાયો ત્યારે સિદ્ધપુર, ઉંઝા, પાટણ વિગેરે વિસ્તારની જનતાએ જાગૃતિ દાખવીને રીપેરીયન રાઈટ એટલે કે હેઠવાસના પ્રદેશના અધિકાર તરીકે પાણી માંગ્યું હોત તો આ વિસ્તારની સ્થિતિ જુદી હોત.

 

આમ ગુજરાતી નિશાળના મારા અભ્યાસકાળ દરમ્યાન સિદ્ધપુરની અર્થવ્યવસ્થા ધમધમતી હતી. એની બજારો ગ્રાહકોથી ઉભરાતી હતી. સાઈઠના દાયકા સુધી પહોંચતામાં તો આ બધું લગભગ વીખરાઈ ચૂક્યું હતું. કદાચ મારી બાલ્યાવસ્થા એ સિદ્ધપુરની અર્થવ્યવસ્થાનો સુવર્ણકાળ હતો.

 

સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને રુદ્રમહાલયની ભેટ આપી પણ એનું ખાતમુહૂર્ત કર્યું હતું મહારાજા મૂળરાજ સોલંકીએ જે હુદડ જોશીએ રુદ્રમહાલયનું ખાતમુહૂર્ત કરાવ્યું તેનામાં મહારાજ મૂળરાજ સોલંકીને અપાર શ્રદ્ધા હતી. પણ એ રુદ્રમહાલય પુરો કરાવ્યો સિદ્ધરાજ જયસિંહે.

 

આજે આ ભવ્ય રુદ્રમહાલયના ભગનાવશેષનો અતિસૂક્ષ્મભાગ ઉભો છે.

આ એ મહાલય છે જેના જમીન + દસ એમ અગિયાર માળ હતા

એવું કહેવાય છે એની વિશાળ શીલાઓને ચડાવવા માટે સિદ્ધરાજ જયસિંહે બાબરાભૂતનો સહારો લીધો હતો.

સિદ્ધરાજે એને વશ કર્યો એટલે તો એ બર્બરકજીષ્ણુ કહેવાયો

આ સિદ્ધરાજે અવન્તીના રાજા યશોવર્માને હરાવીને પાંજરે પૂર્યો હતો

રાજમાતા મીનળદેવીનો એ પનોતો પુત્ર.....

જેણે પિતાનાં આદર્યાં પૂરાં કર્યાં

કહેવાય છે કે રુદ્રમહાલયની ટોચથી પાટણની પનિહારી દેખાતી.

 

પસવાદળની પોળથી દાખલ થઈ જુની વોરવાડ તરફ ચાલ્યા જતા

એક બાળકના પગ ઘડીભર થંભી જાય છે.

નિશાળમાં રુદ્રમહાલય વિશે એ થોડું ઘણું ભણ્યો છે

મહારાજા સિદ્ધરાજ જયસિંહનો આ મહા રુદ્રાલય એને જાણે કે બોલાવે છે

રસ્તો ફંટાઈને એ રુદ્રમહાલયના પરિસરમાં ખંડિત પથ્થરની એક શીલા પાસે જઈ પહોંચે છે.

 

રુદ્રમાળ જાણે કે એને પોતાનો ઈતિહાસ કહી રહ્યો છે

એની શરુઆત થાય છે મહારાજા મૂળરાજ સોલંકી અને હૂદડ જોશીથી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles