આસો સુદ છઠ – પશવાદળની પોળની બહાર નદી કાંઠે બિરાજતા વહાણવટી સિકોતર માતાની પલ્લીનું પણ આગવું મહત્વ છે.  

સિદ્ધપુર પશવાદળની પોળથી બહાર નીકળી ખડાલીયા હનુમાન તરફનો રસ્તો પકડીએ એટલે એ જમાનામાં પશવાદળની પોળની બરાબર બહાર ઝાંપલી પોળ તરફથી વરસાદનું પાણી વહીને લઈ આવતો પાણીના વહેણનો રસ્તો છે. સિદ્ધપુરમાં ખૂબ વરસાદ પડે ત્યારે આ વહેળામાં કેડ સમાણું પાણી ધસમસતું જતું હોય અને થોડે દૂર આગળ એ પાણીના કારણે ખૂબ ઊંડો ખાડો પડી જાય. પાણીનો વેગ એટલો તીવ્ર હોય કે જો એક વખત એમાં ઘસડાયા તો સીધા પેલા ખાડામાં. બચવાની કોઈ આશા ન રહે. આ વહેળામાં બનેલા બે પ્રસંગો સ્મૃતિમાં છે.

એક વખતે માની સાથે ગામમાં કોઈ સામાજિક પ્રસંગે ગયો હતો. બપોરે ત્રણ-સાડા ત્રણ વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ચારેબાજુ જળબંબાકાર થઈ ગયું. આ વહેળો પાર કર્યા વગર ઘરે પહોંચી શકાય નહીં. વરસાદનું જોર થોડું ઘટ્યું એટલે લગભગ ચાર-સાડા ચાર વાગે અમે બંને માદીકરો ખારપાડાના મહાડમાંથી ઘરે જવા બહાર પડ્યા. એ જમાનામાં સિદ્ધપુરમાં પાકા રસ્તા તો હતા જ નહીં. પશવાદળની પોળ સુધી તો ગમે તેમ કરીને આવ્યા પણ વહેળામાં પાણી સારા એવા જોરથી વહી જતું હતું. વરસાદ હજુ રોકાયો નહોતો. ખાસ કોઈ અવરજવર પણ નહોતી. આમેય એ સમયે સિદ્ધપુરની વસતી માંડ ૨૫૦૦૦ની. એટલે પાંખી વસતીવાળું ગામ. પાણી જોઈને ઘડીભર તો હિંમત ડગી ગઈ. પણ માએ કછોટો માર્યો. મને બાવડેથી કચકચાવીને પકડ્યો અને એ સમયે એના સાથળ સમાણાં પાણીમાંથી સુખરૂપ મને સામા કિનારે લઈ ગઈ. મનમાં ખૂબ બીક લાગી પણ માની પકડ એટલી મજબૂત હતી કે હેમખેમ પાર ઉતરી જવાયું. આવા જ એક બીજા પ્રસંગે પાઠશાળાના બે વિદ્યાર્થીઓ શહેરમાંથી ભિક્ષા લઈને આવતા હતા ત્યારે આ વહોળો પાર કરતાં એમની ભિક્ષાની ઝોળી વાસણ સમેત તણાઇ ગઈ અને મૂળ વઢિયારના ખડતલ માણસો એટલે આ બંને વિદ્યાર્થીઓ વહોળો પાર કરી ગયા નહિતર પેલી ભિક્ષાની ઝોળી અને વાસણની માફક જ એમનો અંજામ પણ નક્કી હતો. આજે આવું કશું નથી.

આ વહોળો પાર કરીને આગળ વધીએ એટલે જમણા હાથે સરસ્વતીના પાણી ખળખળ વહી જતાં હોય. સિકોતરની બરાબર સામે ઊંડા પાણીનો ધરો પડતો જેમાં પાનો ઊગતી. એક જમાનામાં સરસ્વતીનું વહેણ આ બાજુથી વહેતું હતું પણ એક પૂરમાં એ વહેણ બદલાયું એટલું જ નહીં હિંગળાજ માતાના મંદિરના કિનારા ઉપર ઉગેલા કેવડાના ઝુંડને પણ તાણી ગયું અને બધું ચોખ્ખુંચણક થઈ ગયું. વહેણ હિંગળાજ-બ્રહ્માંડેશ્વર બાજુ ચાલ્યું ગયું. અહીંયાં ડાબા હાથે બે મંદિરો આવેલા છે. એક છે રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર જેની બાજુમાં જ અખાડો ચાલતો. અને મારા બાળપણમાં મેં જે જોયેલી તે સિકોતર માતાની દેરી. અત્યારનું ઓટલાવાળું મંદિર પાછળથી બન્યું છે. આ વહાણવટી સિકોતરનું મંદિર છે. સરસ્વતીમાં પહેલાં નાવડા ચાલતા તે વખતે શ્રદ્ધાથી નૌકાચાલકોએ આ બનાવ્યું હશે. અહીંયાં પાણી પણ ઊંડું રહેતું હશે અને માછલાં પણ થતાં હશે એટલે કિનારા પર બે જગ્યાએ ગાયકવાડ સરકારના વખતમાં લખાયેલ લેખ જોવા મળે છે. એ લેખમાં નદીમાં માછલાં પકડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ મનાઈ સિકોતર ઘાટ અને હરિશ્ચંદ્રના આરોના વિસ્તારને લાગુ પડે છે અને એ કારણથી આવો એક લેખ સિકોતર પાસે અને એક થળીના મઠ પાસે આજે પણ જોવા મળે છે.

એક બીજો પ્રસંગ પણ સ્મરણમાં છે. એ વખતે નદીનું વહેણ સિકોતર માતાના મંદિર તરફ વહેતું હતું. ઋષિપાંચમનો દિવસ હતો. મા ઋષિપાંચમનું વ્રત કરે. પાડોશમાંથી મોડાજી ઠાકોરનાં પત્ની માનબાઈને લઈને એ નદીએ આવે. માટીના ઋષિ બનાવે. પુજા કરે. નદીનાં ઘૂંટણ સમાણાં પાણીમાં ઊભા રહી ઘમ્મરવલોણું તાણે. કિનારે કપડાં અને પુજાનો સામાન પડ્યો હોય. મને એ આખોય સમય નદીમાં ધરાઇને નહાવા માટે મળી જાય. એક વરસે ઋષિ પાંચમના દિવસે આ બધું ચાલતું હતું. હું સરસ્વતીમાં નહાવાની મજા લઈ રહ્યો હતો. બરાબર તે સમયે નદી કિનારે ઢોર ચારવા આવેલ અમારી પાડોશમાં જ રહેતો કંકુ ડોશીનો છોકરો અનાર દોડતો આવ્યો. દૂરથી રાડો પડે – જલદી ભાગો, પૂર આવે છે. મને ખબર પડે તે પહેલાં તો પાણી વધવા માંડ્યુ. પાણીમાં ફીણ દેખાવા માંડ્યાં. મા અને એમની સાથીદાર કપડાં બદલવાની પણ પરવા કર્યા વગર ભીના કપડે બહાર નીકળી ગઈ અને મારો હાથ પકડી લીધો. અનાર દોડતો આવ્યો અને મને ખભે બેસાડી ભાગ્યો. ત્રણ-ચાર મિનિટમાં સિકોતર માતાના ઓટલા પાસે આવીને જોયું તો થોડા સમય પહેલાં માંડ એક રેલો દેખાતો હતો એ સરસ્વતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને કાંઠે વહેવા માંડી. થોડી વધુ વાર વીતી હશે ત્યાં તો નદીના પાણીમાં ઘોડા ચઢવા લાગ્યા. પાણીની સાથે ઉપરવાસથી તણાઇને આવેલાં ઝાડનાં ઠુંઠાં અને પાનનાં મૂળિયાં બધું તણાતું જતું હોય એ દ્રશ્ય હજુ નજર સામે તરે છે. હમણાં જ આ નદીમાં માંડ ઢીંચણ સમાણું પાણી હતું તે એકાએક આ રીતે વધી જશે એ કલ્પના બહારનું હતું. સિકોતરના મંદિરની પાછળ જઈ મા અને એમની સાથીદાર બંનેએ કપડાં બદલી લીધા. અનારે મને કપડાં બદલાવી આપ્યા અને ઘરનો રસ્તો પકડ્યો. અનારે એનાં ડોબાં (ભેંસ) ઘર બાજુ હાંકી મૂક્યાં હતા એટલે એણે પણ ઘરનો રસ્તો પકડ્યો. નદીમાં પૂર કઈ રીતે આવે અને કેટલી ઝડપથી એકદમ શાંત વહેતી કુંવારીકા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે એ જોવાનો મારો આ પહેલો અનુભવ હતો. ત્યારબાદ સરસ્વતીમાં અનેક પૂર જોયાં છે. આ પૂર હતું એનાં કરતાં પણ ખૂબ વધુ પાણી આવ્યું હોય તેવાં પૂર પણ જોયાં છે પણ માત્ર ચાર-પાંચ વર્ષની ઉંમરે આવતું પૂર કેવું હોય તે જોવાનો મને અનુભવ થયો તેવો મોકો ફરી સાંપડ્યો નથી.

સરસ્વતીનાં પૂર વિષે અને તે વખતની સરસ્વતી નદી વિષે પોતાના પુસ્તક ‘સદમાતાનો ખાંચો’ના પાન નં. ૨૩-૨૪ પર આપણા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી ઉસનશ, જેમના બાળપણનાં કેટલાંક વરસો સિદ્ધપુરમાં વીત્યા હતાં તે કંઇક આ પ્રમાણે નોંધે છે –

‘વળી એક સ્મરણ છે આ પાવડિયાંનું : ચોમાસાના આરંભના તે વાદળિયા દિવસો હતા. બપોરનો અમારો એ વખત. અમે સૌ પાવડિયાં નીચે રમતમાં તલ્લીન હતા. ત્યાં તો કોઈ મોટો ખળભળાટ જેવો અવાજ ઉત્તર દિશામાંથી આવવા લાગ્યો હતો. તે વધારે ને વધારે નજીક આવતો હતો. ઉત્તર દિશાએ છાજલી કરીને જોયું તો એક મોટો જળપ્રવાહ ધસમસતો દક્ષિણમાં – આ તરફ આવતો હતો. ઉત્તરમાં – ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો તેનો આ ઘૂઘવતો પ્રથમ પ્રવાહ હતો. અમે તો આ નીચા સૂકા પટ વચ્ચોવચ્ચ જ રમતમાં લીન હતા. જોયું તો હવે પ્રવાહ છેક નજીક આવી ગયો હતો. રસ્તા વચ્ચેના તમામ ઉકરડાઓને તે તાણી જતા હતા. મૂળે મેલાં ફીણવાળાં ડહોળાં પાણીમાં ઉકરડા ઘુમ્મરીઓ ખાઈ તણાતા જતા હતા. જોવાની મઝા આવી ગઈ. પાવડિયાંમાંથી બૂમ પડી : ‘અલ્યો, દોડ્યા આવો ઝટપટ અહીં પાવડિયાં ઉપર. દોડો દોડો આ તો પૂર છે. નાહકના તણાઇ જશો.’ અમે દોડીને પાવડિયે ચઢી ગયા ને જિંદગીના આ પ્રથમ પૂરને ભારે કૌતુકથી જોઈ રહ્યા. ઉકરડા જ નહીં, ઉખડેલાં ઝાડનાં ઝાડ તણાતાં આવતાં હતાં. મોટાં તોતિંગ લાકડાં તણાતાં આવતાં હતાં. મોટા કોળ ને સાપ તો ખરા જ. પણ જીવતાં ને મૂએલાં ઢોરઢાંખર પણ તણાતાં હતાં. પૂરનાં પાણી પાવડિયાંનાં કેટલાંક પગથિયાં ઉપર ચઢી ગયાં હતાં. અમે પાવડિયાંની ટોચે જઈને ઊભા હતા. હવે સામેના વહેળા સાથે પૂરનાં પાણી એકાકાર થઈ પેલી પારના વગડામાંય ફેલાઈ ગયાં હતા. ચઢતાં પૂર જોવાની એક ગજબની મઝા પડે છે. એક મોટો અજગર જાણે અમળાતો આવતો હતો. એના શરીરે ફીણનાં ફીંડલાનાં જાણે ચાઠાં હતાં. અજગરનું વિશાળ જડબું જાણે ઉઘાડી ગયું હતું; રસ્તામાં જે કંઇ આવે તેને તે ગળતો જતો હતો. ઉકરડા, ઘેટાંબકરાં, ઝાડ-ઝાંખરાં, બધું જ – આમ છતાં આ અજગરનો વેગ મંદ થતો ન હતો, આ સૂકા પટમાં ઠેર ઠેર કૂવેડીઓ ખાબકી એણે એમને ભેણની પેઠે ભરી દીધી હતી. એક પણ એકને અંતરે અંતરે પણ ક્યાંય માતો નહીં.; પૂરના પાણી મોક્ષપીપળાના પવિત્ર ધરામાંય ઠલવાયાં ને નીકળી ગયાં; આગળ ને આગળ, સરસ્વતીના મુખ્ય પ્રવાહમાં એકાકાર થઈ ગયાં; પછી તો સરસ્વતીમાંય મોટું પૂર આવ્યું હતું. માઈલો સુધી હવે કેવળ પાણી જ પાણી હતું; હવે ક્યાં છે પેલો વહેળો ને ક્યાં છે પેલો પાતળી તલવાર જેવો ફલ્ગુ સરસ્વતીનો વળાંકમાં વહેતો પ્રવાહ ? કહે છે કે સરસ્વતી કુમારિકા નદી છે. તે સમુદ્રને મળતી નથી; કોણ કહે છે કે એ સાચું છે ? આજે તો સરસ્વતી જ સમુદ્ર જેવડી રુદ્ર ને વિરાટ થઈ ગઈ હતી !’(‘સદમાતાનો ખાંચો’ પાન નં. ૨૩-૨૪)                         

આ બધી આડવાત પરથી આપણે મૂળ વાત પર આવીએ. આ સિકોતર માતા – વહાણવટી સિકોતરની પલ્લી આસો સુદ છઠને દિવસે ભરાય છે. ઠાકોર વાસમાં સોમાભાઇ રાવળને ત્યાંથી આ પલ્લી ભરાય છે. માતાજીના નૈવેધ માટે દૂધની ખીર, અડદની દાળનાં વડાં, ખીચડો, શીરો વિગેરે બનાવવામાં આવે છે જે નૈવેધને બાજોઠ પર મૂકી ખંડ ભરવામાં આવે છે. અને તેના પર દીવો કરવામાં આવે છે. રાત્રિના શુભ મુહૂર્તે સોમાભાઇ રાવળના ઘરેથી આ બાજોઠને માથે મૂકી ખુલ્લા પગે વાજતે ગાજતે ઢોલ નગારાં અને મશાલ સાથે પલ્લી માતાજીના નિજમંદિરે પહોંચે છે. આ પલ્લીની સાથોસાથ શિવરામભાઈ પ્રજાપતિને ત્યાં વેરાઈના મહાડમાંથી અને પ્રવીણભાઈ રાઠોડ વેરાઈના મહાડમાંથી દીવો લઈને કણબીના મહાડ આગળ આવે છે અને પલ્લીમાં દીવો મૂકે છે અને ત્યાંથી પછી સિકોતર માતાના મંદિરે જાય છે. આ ત્રણેય ઘરના વડીલ સાતેય દિવસ પૂરા મરજાદ સાથે માનું વ્રત કરે છે અને બહારનું પાણી પણ ન પીવાય એટલી કડકાઇ વરતે છે.  

તે સમયે હકડેઠઠ જનમેદની ઉભરાતી હોય છે. માતાજીને નૈવેધ ધરાવ્યા બાદ મહાઆરતી યોજાય છે જેના દર્શનનો લાભ લઈ હજારો લોકો ધન્યતા અનુભવે છે.

સિકોતરની પલ્લીના દિવસે જેમણે માનતા માની હોય તે માટીના ઘડામાં ગરબી કોતરાવી એને માના ખોળે અર્પણ કરે છે. આ પલ્લીના પ્રસંગે માતાજીનાં સ્થાનક પાસે સરસ્વતી નદીના કિનારે ભવ્ય મેળો ભરાય છે. જ્યાં ખાણીપીણીના વિવિધ વ્યંજનો ઉપરાંત મનોરંજન માટે ચકડોળ-ચકરડી વિગેરેનો લાભ નગરજનો અને ખાસ કરીને બાળકો લે છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles