આવી રહેલ ભયાનક જળતંગીના સંકટ સામે લડવાના ઉપાય છે – જો દાનત હોય તો.
નર્મદા યોજના, ગુજરાતની પાણીની સમસ્યા અને આવનાર ભવિષ્ય અંગે જે કાંઇ લખાયું તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ૨૧૮ વાચકોએ આ માહિતી શેર કરી છે, ૧૦૦ જેટલી કોમેન્ટ અને ૪૫૦ જેટલી લાઈક્સ આવી છે. આનો અર્થ એ થાય કે અંદાજે ૭૦,૦૦૦ કરતાં વધુ વાચકોને આ માહિતીમાં રસ પડ્યો છે. આનાથી એક વાત ચોક્કસ પુરવાર થાય છે કે સમસ્યાની ગંભીરતા અને આવનાર સમયમાં ઊભી થનાર કટોકટી સામે ધીરે ધીરે લોકજાગૃતિનો જુવાળ આવવા માંડ્યો છે. મને એનો આનંદ છે.
જે વાચકોએ પોતાનાં અવલોકનો આપ્યાં છે એ બધાનો એક-એક કરીને જવાબ આપવાને બદલે એમાંથી ઊભા થતા કેટલાક મહત્વના મુદ્દા અને આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો શું કરવું જોઈએ તે અંગે વિચારીએ.
મારા મત પ્રમાણે નીચે મુજબ કામગીરી થાય તો ભયાનક જળસંકટ ઊભું થાય તે પહેલાં એના સામે પાળ બાંધી શકાય તેમ છે. આ મુદ્દા નીચે મુજબ છે.
(૧) સૌથી પહેલાં તો પાણીની વિકરાળ તંગી તરફ આપણે જઈ રહ્યા છીએ એ સત્યનો સ્વીકાર. False sense of confidence એટલે કે છેતરામણા આત્મવિશ્વાસની ભ્રાંતિમાંથી બહાર નીકળવું પડે. નર્મદાના દરવાજા ભીડાયા એટલે હવે પાણીની તંગી અને દુષ્કાળ ભૂતકાળ બની જશે એ વાત સાચી નથી તે સ્વીકારવું પડે. વસતિ વધે છે, પાણીની જરૂરિયાત વધશે અને સંગ્રહશક્તિ, ખાસ કરીને સ્થાનિક કક્ષાએ આપણે ખતમ કરી નાખી છે તેનો સ્વીકાર એ આ પડકારને પહોંચી વળવાનું પહેલું કદમ છે. તમે જો મુશ્કેલી છે એ નહીં જ સ્વીકારો અને શાહમૃગી નીતિ અપનાવશો તો પ્રશ્ન ઉકેલવામાં ક્યારેય સફળ નહીં બનો.
(૨) તમારી પાસે સાચેસાચ શું છે અને ભવિષ્યમાં શું કરી શકાય તેમ છે એ બંને વાત તમારે પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવી પડે. કલ્પસર જેવા પ્રોજેક્ટનો અંગુઠો મોંમાં મૂકીને છેલ્લાં પચીસ વરસથી આપણે ચૂસ્યા કરીએ છીએ. એ પ્રોજેક્ટ આડે એવડા મોટા અવરોધો છે કે જેને કારણે એ અભરાઈએ મુકાઇ ગયો છે. પણ હજુય એનો ઉલ્લેખ રાજકીય ખેલ પાડવામાં આ પક્ષ અને તે પક્ષ બંને પક્ષોએ થતો રહે છે. આટલાં વરસો પછી પણ સરકાર એવું કહેવાને તૈયાર નથી કે કલ્પસર નથી થવાનું. આવી સ્વીકૃતિને બદલે નિષ્ણાતોનાં નવાં નવાં જૂથ અને એમના અભ્યાસોમાં આ આખોય પ્રોજેક્ટ ગુંગળાઈ ગયો છે. આખો કલ્પસર વિભાગ ચાલે છે. જો આ પ્રોજેક્ટ થવાનો હોય તો રાજ્ય સરકારે એનું સમયપત્રક જાહેર કરવું જોઈએ અને તેના સાચા સ્વરૂપ વિષે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. ના થવાનો હોય તો વહેલી તકે અંગુઠો મોઢામાંથી કાઢી લેવો જોઈએ. આવું જ ગતકડું વચ્ચે રણસરોવર નામના પ્રોજેક્ટનું ઊભું થયેલું. પ્રજામત વિરુદ્ધ જાય એ બીકે આપણી લોકશાહીની ચૂંટાયેલી સરકારો હવે સાચું બોલવામાં પણ ક્યાંક ગભરાશે તો આ પ્રશ્નનો ઉકેલ ક્યારેય નહીં આવે. જે નથી થવાનું તે નથી થવાનું. પીવાના પાણીના પ્રશ્ને નર્મદા યોજનાનું કામ સારું થયું છે પણ બાકીના ઘણા બધા મુદ્દે ઘણા બધા પ્રશ્નો ઉકેલની રાહ જોઈને ઊભા છે. એટલે બંધના દરવાજા વસાયા એટલે હવે પાણીની તંગી અને દુકાળ ભૂતકાળ બની ગયો એ વાત સદંતર યોગ્ય નથી. નર્મદા યોજનાની મર્યાદાઓ એના અમલીકરણ વખતે જમીની સ્તરે નર્મદા એવોર્ડની જોગવાઇઓમાં કરવામાં આવેલા અથવા થઈ ગયેલા ફેરફારો વિગેરેની પ્રમાણિક ગણતરી કરી નર્મદા યોજનાના સાચા લાભ કેટલા મળવાના અને તેમાંય પાણી ભૂખ્યા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સપના છે તે ખરેખર પૂરા થવાના કે કેમ તેની સ્પષ્ટ વાત હવે તો પ્રજા સમક્ષ આવવી જોઈએ.
(૩) જે કોમેન્ટ આવી છે તેમાં બધો જ દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળવાનો પ્રયત્ન ઘણા બધા મિત્રોએ કર્યો છે. આ વાત સાચી નથી. કુલ પાણીના વપરાશના ૮૦ ટકા પાણી ખેતી વાપરે છે, ૧૫ થી ૧૬ ટકા ઉદ્યોગો વાપરે છે અને ૪ થી ૫ ટકા પીવાના તેમજ અન્ય વપરાશમાં કામ આવે છે. આ ખેતીમાં વપરાતા કુલ પાણીમાંથી લગભગ ૨/૩ ભાગનું પાણી માત્ર ડાંગર અને શેરડી વાપરે છે. આ પાક ઓછા પાણીએ કઈ રીતે લઈ શકાય અથવા વિકલ્પે ત્યાં બીજું શું વાવી શકાય તેની વિચારણા કૃષિ વૈજ્ઞાનિકો, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ, ખેડૂત સમાજ અને એના સંગઠનો, આ બધાએ ભેગા મળી કરવી જોઈએ અને સ્વૈચ્છિક રીતે આવનાર સમયમાં ખેડૂતની આવક ઘટે નહીં તે રીતે ઓછા પાણીની ખેતી અથવા ફરજિયાત ડ્રીપ અને સ્પ્રિંકલર ઉપર આધારિત સિંચાઇ વયવસ્થાનો વિચાર કરવો પડે. જ્યાં હોર્સપાવર ઉપર વીજળીના ચાર્જ લેવાય છે ત્યાં પાણીનો મહત્તમ દુરુપયોગ થાય છે. હોર્સપાવર ઉપર વીજળીનું બિલ લેવા પાછળ જ્યાં પાણીના તળ ઊંડા છે તે ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણી બહુ મોંઘા દરે ન મળે તે વાત રહેલી છે. જ્યાં નહેરો છે તેની સરખામણીમાં ટ્યૂબવેલ થકી પાણી લેતા ખેડૂત માટે આ સવલત કરવામાં આવી છે. પણ પછી મોટર ચાલુ જ રહે અને એ પાણી ઢાળીયું તોડીને નેળિયા ભરે એવી બેજવાબદારી જરાય ન ચલાવી લેવાય. સરકાર આમાં શેને માટે પડે? કેમ ખેડૂત આગેવાનો જ્યાં આવું થતું હોય ત્યાં સામૂહિક રીતે જ ઠપકો અપાય તેવું ના કરે? અને પાણીનો વેડફાડ બંધ થાય તેની જવાબદારી ન લે? બધું જ સરકારે કરવાનું અને આપણે આ દેશના વસતિ વધારાના પવિત્ર કાર્ય સિવાય કશું જ નહીં કરવાનું એવી બેજવાબદાર લોકશાહી સત્યાનાશ તરફ લઈ ગઈ છે અને લઈ જશે. એક સમયે અમેરિકાના પ્રમુખ જે. એફ. કેનેડીએ કહ્યું હતું, ‘તમારો દેશ તમારા માટે શું કરશે એ ના પૂછો, તમે દેશ માટે શું કરવા માંગો છો એવું તમારી જાતને પૂછો ને!’ સરકાર બધું જ કરે અને આપણે પાણીનો બેફામ બગાડ કરીએ, તળાવો પૂરી નાખીએ, એના ઉપર આડેધડ બાંધકામ કરી નાખીએ તો સરકાર પાસે એવી કોઈ જાદુઇ લાકડી નથી કે જેનાથી તમારી સમસ્યા ઉકેલાઈ જાય. સરકાર સરકારનું કામ કરે પણ પાણીનો અસરકારક ઉપયોગ કરવાનું કામ નાગરિક તરીકે આપણે કરવું જોઈએ. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સરકારી તંત્ર આ સમસ્યા ઉકેલી નાખશે એવા ભ્રમમાં જીવે રાખવાનું અને એક દિવસ બધું કડડભૂસ થઈને તૂટી પડે તેની રાહ જોવાની.
(૪) પાણી સંઘરવા માટેના જે ઉપાયો કરવામાં આવે છે તે એક રાજકીય કામગીરી બની ગયા છે અને માટીકામ કેટલું થયું એ પાણી કેટલું સંઘરાશે એનો અંદાજ ન બની શકે. વસ્ત્રાપુરનું તળાવ અને ગાંધીનગર સરકીટ હાઉસના રસ્તે પ્રકૃતિ ઉદ્યાનની સામી બાજુ થોડે આગળ ખોદાયેલું જંગી તળાવ જેવાં અનેક તળાવોના માટીકામ સરકારી ચોપડે થયા હશે પણ એમાં પાણીના આવરા વગર આ તળાવો વરસોથી ખાલી પડ્યા છે. જળસંચય અભિયાનનો મતલબ માટીકામ નહીં પણ આવરા સાથે એક સંપૂર્ણ સ્વતંત્ર ડિઝાઇન કરી જ્યાં માટીકામ થયું હોય તે તળાવો સરેરાશ ૨૦ ઇંચ વરસાદ થાય તો છલોછલ ભરાયેલા હોવા જોઈએ એવું વોટર ઓડિટ નહીં થાય ત્યાં સુધી માટીકામ થઈ જશે પણ જળસંગ્રહ નહીં થાય.
(૫) ઉપરોક્ત બાબતોને લક્ષમાં રાખીને મેં તા. ૩૦.૬.૨૦૧૮ના રોજ લખેલ લેખ ‘ગુજરાતનાં જળસંસાધનોનાં મેનેજમેન્ટ થકી ઘણું બધું પાણી બચાવી / મેળવી / સંગ્રહિત કરી શકાય છે’ અહીંયાં ફરી ઉતારું છું.
નાના નાના માઇક્રો વોટર મેનેજમેન્ટના પ્રયોગો થકી કેવું મોટું પરિણામ લાવી શકાય છે તેની સમજ આપણે જ્યારે રાજેન્દ્રસિંહ, અન્ના હજારે, મહાનોર અને ડૉ. વિઠુભાઇ પટેલ જેવાનું કામ અને એ થકી ખેડૂત અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાના સશક્તિકરણની વાત જોઈએ ત્યારે આવે છે. શહેરીકરણે જો કોઈ મોટી તબાહીનાં મૂળ નાખ્યાં હોય તો તે છે વસવાટો અને વ્યાપારી એકમો માટે આડેધડ બાંધવામાં આવેલ મકાનો જેને કારણે પાણીના વહેળા અને નાના મોટા તળાવોનો ભોગ લેવાયો. આટલું જાણે ઓછું નહોતું તેમ નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેનું તો કોઈ આયોજન જ નથી હોતું. લગભગ અણઘડ અને તાત્કાલિક આપત્તિ ટાળવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે. આટલું પૂરતું ન હોય તેમ ધડાધડ થતું સરકારી અને ખાનગી જમીનોનું સંક્રમણ, રાતોરાત ફૂટી નીકળતી ઝૂંપડપટ્ટીઓ શું પરિણામ લાવે તે જોવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. આમ તો દરેક નગરપાલિકા વિસ્તાર કે શહેરી વિસ્તારમાં આ દાખલાઓ હાજરાહજુર છે. લાંચિયું અને ભ્રષ્ટાચારી તંત્ર તેમજ રાજકીય પક્ષોના આગેવાનો અને વ્યવસ્થાપનના શરીર પર નાસૂર બનીને વકર્યું છે.
અમદાવાદમાં સ્ટેડિયમ પાસે એક વિસ્તાર હતો (આજે પણ છે), નામ એનું લખુડી તલાવડી. અહીંયા એક જમાનામાં આજુબાજુના વિસ્તારનું વરસાદી પાણી ભેગું થતું હતું. ધીરે ધીરે કરતાં મસમોટી ઝૂંપડપટ્ટી ત્યાં ઊભી થઈ ગઈ. આવડું મોટું આખું એક ગામ વસે એટલી ગેરકાયદે રહેણાંક વ્યવસ્થા વિકસી તે નગરના કોઈ અધિકારીની નજરે નહીં ચઢી હોય? વોર્ડના કોર્પોરેટરો કે સ્થાનિક નેતાઓએ આ નહીં જોયું હોય? પણ મારે શું અને મતની માથા ગણતરીની લ્હાયમાં બધું વિકસતું ગયું. છેવટે ઝૂંપડપટ્ટી પુનર્વસન કાર્યક્રમમાં ત્યાં મકાનો બન્યાં. શહેરી આવાસનું દેખીતી રીતે એક સારું કામ થયું પણ પેલી તલાવડી ભરખાઇ ગઈ. લખુડી તલાવડી એ નામ હવે માત્ર કાગળ પર બાકી ત્યાં તલાવડી જેવું કશું જ નહીં.
એક દિવસ ચંડોળાની પણ આ જ દશા થશે.
સિદ્ધપુરમાં ઋષિતળાવ કરીને આખોય વિસ્તાર શૂન્યમાંથી સર્જન થયું હોય તેમ વસી ગયો છે.
આવું લગભગ બધે જ છે. આમાં કોઈ ખાનગી વાત હું હાજર નથી કરી રહ્યો. નેતા-બાબુ-ગુંડા રાજ્યની લોકશાહીની આપણને આ ભેટ છે અને કમનસીબે આ બધું આપણને કોઠે પડી ગયું છે.
જળવ્યવસ્થાપનની વાત કરીએ અને ભગવાને જે પાણી આપ્યું છે તે સંઘરીએ નહીં, એનો સલામત નિકાલ પણ ન કરીએ અને પછી પાણીની તંગીના મરસિયા ગાઈએ તો જવાબ એ જ મળે ‘હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે’. મૂળભૂત રીતે વરસાદનું પાણી પડે તેના નિકાલ માટેની પાયાની સવલત જ ન હોય. પછી દર વરસે મોનસૂન પ્લાન ઘડાય જેનાં પહેલા વરસાદે જ ધજ્જિયાં ઊડી જાય. વોટર બોડીઝ અને પાણી સંઘરવાનાં સ્થળો તેમજ એના ડ્રેનેજ માટેની કુદરતી વ્યવસ્થા જે રીતે અવરોધાય છે તે સામે ગુજરાત રાજ્યની નામદાર હાઈકોર્ટે પણ એક કરતાં વધુ વખત ઠપકો આપ્યો છે અને કેટલાક સ્પષ્ટ નિર્દેશો પણ કર્યા છે. આમ છતાંય આમાં કોઈ સુધારો થયો હોય એવો ઉડીને આંખે વળગે તે પ્રકારનો દાખલો દેખાતો નથી.
અમદાવાદ શહેર વિશે તા. ૨૭.૬.૨૦૧૮ના સંદેશ દૈનિકમાં જે વિગતો છપાઈ છે તે જળસંચય અને જળવ્યવસ્થાપન સાથે દૂર દૂરનો પણ સંબંધ હોય તેને હચમચાવી નાખે તેવી છે. અમદાવાદ શહેરનું ક્ષેત્રફલ ૪૬૬ ચો.કિ.મી. છે, ૨૬૫૦ કિ.મી.નું રોડ નેટવર્ક છે, ૨૫૦૦ કિમીનું ડ્રેનેજ લાઇનનું નેટવર્ક છે. એની સરખામણીમાં સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક માત્ર ૯૫૦ કિમી છે. શહેરમાં ૨૦૦૭માં ભળેલા વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇનનાં ઠેકાણાં નથી. અમદાવાદ સાથે જોડાયેલ ઔડા દ્વારા નાખવામાં આવેલી સ્ટોર્મ વોટર લાઈનો ગાયબ છે.
અમદાવાદનો સિઝનનો સરેરાશ વરસાદ ૩૦ ઇંચ ગણીએ તો ૪૬૬ ચો.કિ.મી. એટલે કે ૧,૧૫,૧૦૨ એકર વિસ્તાર થાય. ૩૦ ઇંચ સરેરાશ વરસાદ ગણીએ તો અઢી ફૂટ થયો. એટલે અમદાવાદના આ ૪૬૬ ચો.કિ.મી. વિસ્તાર પર લગભગ ૩ લાખ એકર ફીટ પાણી ભગવાને અમદાવાદ ઉપર વરસાવ્યું. નર્મદા યોજનામાંથી આખા ગુજરાત માટે ૮ લાખ એકર ફીટ પાણી પીવાના હેતુસર રાખવામા આવ્યું છે. આનો અર્થ એ થાય કે આખા ગુજરાતને પીવા માટે જે પાણી જોઈએ તેના ૪૦ ટકા પાણી ભગવાને અમદાવાદમાં વરસાવ્યું. શહેરમાં ખેતી તો થતી નથી. આ બધું જ પાણી સ્ટોર્મ વોટર ડ્રેઇનથી અમદાવાદની અંદર અથવા આજુબાજુ નક્કી કરેલા વિસ્તારમાં મોટાં તળાવ કરીને સંઘરવામાં આવે તો પીવા તેમજ અન્ય ઉપયોગ માટે અમદાવાદ સંપૂર્ણ સ્વાવલંબી બની જાય, ભૂગર્ભ જળ ઊંચાં આવે એટલે જ્યાં બોરવેલ છે ત્યાં પાણી ખેંચવા માટે ઓછી વીજળી વપરાય અને પર્યાવરણની દ્રષ્ટિએ એટલો મોટો ફાયદો થાય કે અમદાવાદના આકરા ઉનાળાનું ૪૫-૪૭ ડિગ્રી ટેમ્પરેચર ૪૦ ડિગ્રીથી ઉપર ન જાય. સાચા અર્થમાં અમદાવાદ એક રમણીય શહેર બની જાય. શરત માત્ર એટલી જ કે યુદ્ધના ધોરણે જેમ મેટ્રો રેલનું કામ ચાલે છે તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢાળ પ્રમાણે પાણીનો ફ્લો આવે તે મુજબની સ્ટોર્મ વોટર ડ્રેઇન અને વરસાદી પાણી સંઘરવા તળાવો તૈયાર કરવાં પડે. આનો બીજો મોટો ફાયદો એ થાય કે અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં અને રોડ ઉપર જે પાણી ભરાઈ રહે છે તે ભૂતકાળની ઘટના બની જાય અને ચોમાસામાં ડામરના રોડને જે નુકસાન થાય છે અને ત્યાર પછી દર વરસે ગાબડાં પુરવા અને રોડ રિસરફેઝ કરવા માટે કરોડો રૂપિયાનો ખરચો થાય છે તેમાં મોટી બચત થાય. વાહનચાલકોના વાહનોના મેન્ટેનન્સ અને શોક એબ્ઝોર્બરના મેન્ટેનન્સનો ખર્ચો બચે તેનો તો હિસાબ જ નહીં ગણવાનો. આ શહેરનું વરસાદનું પાણી ભેગું કરી એનો પુન:ઉપયોગ કરવામાં આવે તો એ ટ્રીટેડ વેસ્ટ વોટર માટેની જે મથામણ છે તેના કરતાં અનેકગણું કિફાયતી પડે અને પ્રમાણમાં ઘણા ઓછા સમયમાં એનું અમલીકરણ કરી શકાય. અમદાવાદના કોટ વિસ્તારમાં ભાઈકાકા જેવા સિટી એન્જિનિયર અને તે વખતના દીર્ઘદ્રષ્ટિવાળા રાજકીય નેતાઓ થકી ગટર અને વરસાદી પાણીની નિકાલની જે વ્યવસ્થા થઈ છે તેને કારણે આજે પણ કોટની અંદરના વિસ્તારમાં ક્યાંય પાણી ભરાઈ જતાં હોય કે અન્ય કોઈ તકલીફ થતી હોય તેના દાખલા નથી.
નવા અમદાવાદની આજુબાજુના વિસ્તારો આડેધડ વિકસ્યા છે. સાચી રીતે તો ટાઉન પ્લાનિંગ એને કહેવાય જેમાં પહેલા રસ્તા, ગટર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ પૂરું કરી સ્ટ્રીટ લાઇટો ઊભી કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું બાંધકામ હાથ ધરવામાં આવે. આથી ઊલટું નવા વિસ્તારોમાં ટીપી સ્કીમના ડ્રાફ્ટ મંજૂર થાય અને રોડ નેટવર્ક પથરાય તે પહેલાં જ ધડાધડ વિકાસની પરવાનગીઓ અપાઈ હતી જેથી સ્થિતિ એવી થઈ કે, નવા વિસ્તારોમાં જેટલી ઝડપથી નવી રહેણાંક કે કોર્મિશયલ સ્કીમો ઊભી થઈ તેટલી ઝડપથી સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક ઊભું કરાયું ન હતું એટલે સમસ્યા વકરી. જે વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક કે ડ્રેનેજ નેટવર્ક નથી તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. શહેરમાં ગત વર્ષે નવા નિકોલ વિસ્તારની ૧૦૦થી વધુ સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયાં હતાં. હોડીઓ ફરતી થઈ હતી. છતાં ચાર દિવસ સુધી પાણી ઓસર્યા ન હતાં. કેમકે, અહીં નોન ટીપી સ્કીમના વિસ્તારોમાં ધડાધડ વિકાસ પરવાનગી આપી દેવાઈ છે. સોસાયટીઓ ઊભી થઈ ગઈ છે પણ અહીં સ્ટોર્મ વોટર લાઇનનું કોઈ નેટવર્ક જ થયું નથી. (સંદેશ તા.૨૭.૬.૨૦૧૮)
અત્યાર સુધી આપણે સર્વસમાવેશક જળવ્યવસ્થાપન અંગેની વાત કરી. શહેરી વિસ્તાર હોય કે ગામડાનો, કોઈ ભેદભાવ વગર ભગવાન તો વરસાદ વરસાવે જ છે. એ વરસાદનું પાણી વેડફાઇ જાય, એને પ્રદુષિત કરી નખાય તેની કોઈ ચિંતા કર્યા વગર આપણે જો જળવ્યવસ્થાપનની વાત કરીશું તો તે અધૂરી ગણાશે. આ પ્રકારે સર્વસમાવેશક જળવ્યવસ્થાપન શક્ય છે એ રાજસ્થાનમાં રાજેન્દ્રસિંહે, મહારાષ્ટ્રમાં અન્ના હજારે અને મહાનોરે આ સિદ્ધ કરી બતાવ્યું છે. ચેકડેમ થકી જળસંસાધનો ઊભા કરવાના કેટલાક સારા પ્રયોગો સૌરાષ્ટ્રમાં પણ થયા છે.
વિકાસનો પાયાનો ઘટક પાણી છે. ખેતી માટે તો એમ કહેવાય છે કે ‘ખેડ ખાતર ને પાણી, નસીબને લાવે તાણી’ ત્યારે જે દેશની ૬૦ ટકા અર્થવ્યવસ્થા અને એનું તંત્ર ગ્રામવિકાસ અને કૃષિ આધારિત હોય તે દેશમાં તો જળવ્યવસ્થાપન એ વિકાસના અગ્રિમ ઘટક તરીકે સ્વીકારાવું જોઈએ. આથી ઊલટું સર્વસમાવેશક જળવ્યવસ્થાપન કેટલાક સારા પ્રયોગોને બાદ કરતાં આપણે ત્યાં સૌથી વધુ અવગણાયેલો વિષય છે. આપણે આવનાર સમયમાં પાણીની મહાભયંકર તંગીની પરિસ્થિતીમાંથી પસાર થવાનું છે. કદાચ હવે આપણને આજની પેઢી તેમજ અગાઉની પેઢીએ જળવ્યવસ્થાપનને નેવે મૂકી પાણી તો મફતના મૂલે મળતી વસ્તુ છે તે ફીલસૂફી સાથે જીવી ભવિષ્યની પેઢી માટે ભયંકર જળસંકટનું નિર્માણ કર્યું છે તે સમજાશે. એ સામે ધીરે ધીરે સભાનતા ઊભી થતી જાય છે પણ માત્ર એ સભાનતા પર્યાપ્ત નથી.
હું નકારાત્મક વિચારોમાં જરાય નથી માનતો. એક એન્જિનિયર તરીકે મને એવી તાલીમ મળી છે જે કહે છે કે કોઈ પણ પ્રશ્ન એકલો જનમતો નથી, પ્રશ્નની સાથે જ તેનો જોડિયો ભાઈ જનમ લે છે જેનું નામ છે ઉકેલ. મને એવું શીખવાડવામાં આવ્યું છે કે ‘Every problem is born with a twin brother called solution’. કદાચ અત્યાર સુધી આપણે પ્રશ્નોનું જ લાલનપાલન કરીને તેમને મોટા કર્યા છે, એના જોડિયા ભાઈ એટલે કે ઉકેલ તરફ જેટલી ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ તેટલી ગંભીરતાથી ધ્યાન અપાયું નથી. આવનાર પેઢી કદાચ આ પરિસ્થિતી પલટાવશે.
અને ત્યારે...
આપણે દરિયાનાં ખારાં પાણીને મીઠાં બનાવીશું.
વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ કરીને પીવાલાયક બનાવતા હોઈશું.
વરસાદના પાણીનો સંગ્રહ કરીને મહત્તમ ઉપયોગ કરતાં હોઈશું.
પાણીનો બગાડ અટકાવી એનો મહત્તમ ઉપયોગ કરતા હોઈશું.
આવી ઘણી બધી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી પડી છે.
એ કારણથી હું એવું નથી માનતો કે વિકટ જળસમસ્યાનો કોઈ ઉકેલ નથી. મારી ચિંતા માત્ર એટલા પૂરતી જ છે કે આપણે આપત્તિમાં સપડાઇએ, હેરાન થઈએ, ઠોકર વાગે, લોહી નીકળે અને પછી એમાંથી શીખીને પ્રશ્નનો ઉકેલ લાવવો છે કે પછી આ આપત્તિ આવે તે પહેલાં પાણી પહેલાં જ પાળ બાંધીને આપદામાંથી બચવું છે?
સવાલનો જવાબ આપણે જ આપવાનો છે.
શું હશે આપનો જવાબ?
અત્યાર સુધી પાણીને લગતી ઘણી બૃહદ ચર્ચાઓ થઈ છે. હવે પછી જે ચર્ચા શરૂ થવાની છે તે કદાચ આપણી પાણીયાત્રાનો આખરી પડાવ હશે.
આ આખરી પડાવ એટલે “નમામિ દેવી નર્મદે”.
મારી કારકિર્દીના મધ્યાહને નર્મદા નિગમના ચેરમેન તરીકે અને ત્યારબાદ નર્મદા યોજના મંત્રી તરીકે એમ બે કટકે ખાસ્સો છ વરસ જેટલો સમય આ યોજના સાથે સીધા સંપર્કમાં રહીને ગાળ્યો છે. તે પહેલા પણ મારા રાજકીય આદર્શ આદરણીય શ્રી સનતભાઈ મહેતા અધ્યક્ષ હતા ત્યારે ઘણો બધો વખત નર્મદાની ભાવિ શક્યતાઓમાં આપણને અભિભૂત કરી દે એવી રોમાંચક કલ્પનાઓ સનતભાઈની સ્વપ્નિલ આંખોમાં અંજાયેલી જોઈ છે અને ઘૂંટડે ધૂંટડે એમનું આ જ્ઞાન હ્રદય અને મગજ બંનેમાં ઉતાર્યું છે. સનતભાઈની સાથે જાપાનમાં ટર્બાઇન જલદી મળે તે માટે જાપાનીઝ સરકારને મળવા તેમજ વિશ્વ બેન્કમાં મોર્સ કમિશનનો રિપોર્ટ કેટલો ક્ષતિયુક્ત છે અને વિશ્વ બેન્કે શા માટે નર્મદા યોજનામાંથી પોતાનો હાથ પાછો ન ખેંચી લેવો જોઈએ તે સમજાવવા વોશિંગ્ટન વિશ્વ બેન્કના મુખ્ય મથકની પણ મુલાકાત લીધી છે. વૈશ્વિક ફલક પર નર્મદાનો મુદ્દો સમજાવવા માટે વર્લ્ડ વોટર કાઉન્સીલ હોય કે વર્લ્ડ વોટર ફોરમ સ્ટોકહોમ, હેગ અને ટોકિયો કે લંડન જેવા અન્ય કેન્દ્રોમાં માલિન ફલ્કનમાર્કથી માંડીને બ્રાગા, ડૉ. અસીત બિશ્વાસ, મહમ્મદ કાદિર, ઈસ્માઈલ સેરેગલ્ડીન, પ્રો. ટાકાહાશી જેવા વિશ્વ કક્ષાના જળવ્યવસ્થાપન નિષ્ણાતો સાથે ચર્ચાઓ અને સેમિનારમાં પણ ભાગ લીધો છે. પાણીમાં મારો રસ શરૂઆતમાં ઉત્તર ગુજરાતના ઊંડા જતાં ભૂગર્ભ જળ અને ફ્લોરાઈડવાળા પાણીની સમસ્યાને કારણે ઊભો થયો. ૧૯૮૫માં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારના સહકારી અને ખેડૂત અગ્રણીઓ તેમજ કર્મશીલોનું એક સંમેલન દૂધસાગર ડેરીના સભાગૃહમાં કર્યું અને ઉત્તર ગુજરાતના વિકાસની શક્યતાઓ અને સમસ્યાઓના કેન્દ્રસ્થાને મેં પાણીને મૂક્યું. ત્યારબાદ સિદ્ધપુર અને મોડાસા ખાતે આ વિષયના નિષ્ણાતોને આમંત્રિત કરી ત્રણ ત્રણ દિવસની ચર્ચાઓ ગોઠવી. આ બધામાં માન. સનતભાઈ મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન તો ખરાં પણ તે સમયે મુખ્યમંત્રી અને મારી જ કોલેજના ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર શ્રી અમરસિંહભાઈ ચૌધરીનું પણ ખૂબ પીઠબળ મળ્યું. પાણી સાથેની મારી આ દોસ્તી નર્મદા યોજનાના ચેરમેન તરીકે આગળ વધી. સનતભાઈના પેગડામાં પગ મૂકવો સરળ નહોતો પણ મા નર્મદાની પ્રેરણા અને આશીર્વાદે એ કામ ધાર્યા કરતાં સરળ બનાવ્યું. નર્મદા યોજનાને સુપ્રીમની આંટીઘૂંટીમાંથી અને બીજી બાજુ મેધા પાટકર અને અરુંધતી રોય કે ચિત્તરૂપા પાલિત જેવા નર્મદા વિરોધીઓની નાગચૂડમાંથી બહાર ખેંચી લાવવાનું મારા તકદીરમાં લખાયું હશે. બંને મોરચે સફળતા મળી. ૨૦૦૧માં ઇરિગેશન બાયપાસ ટનલનું કામ રેકોર્ડ સમયમાં પૂરું થયું અને નર્મદાનાં પાણી મુખ્ય કેનાલમાં વહેતાં થયાં. નર્મદાની નહેરમાં ક્યારેય પાણી વહેશે કે નહીં એ શંકા-કુશંકા પર પૂર્ણવિરામ લાગી ગયું. મહી નદી પરની વિશ્વની મોટામાં મોટી એક્વાડક્ટ અને સાબરમતી નીચેથી પાણી વહેતી સાયફન પૂરી ચોકસાઇ અને ગુણવત્તા નિયંત્રણ સાથે પૂરાં કરાવ્યાં. ઢાકી ખાતે પમ્પિંગ સ્ટેશન માટે વોલ્યુટ પંપ ખરીદવાની અને તેના માટે એજન્સી નક્કી કરવાની અતિ જટિલ કામગીરી પણ પૂરી થઈ. સાચા અર્થમાં નર્મદાનું પાણી એની મુખ્ય કેનાલમાં વહેતું થયું. સાથે જ મારો જાણે કે ઋણાનુબંધ પણ પૂરો થયો. સરસ કામ થયું. સિવિલ એન્જિનિયર તરીકે અને જાહેર જીવનના એક કાર્યકર તરીકે મારી જિંદગીનું સૌથી મોટું સાંભરણું નર્મદા યોજનાને બધા વિઘ્નોમાંથી બહાર કાઢી સહુના સાથ અને સહકારથી કોઈ પણ રાજકીય પક્ષ સાથે જરાય જશ વહેંચવાની એષણા રાખ્યા વગર ઈશ્વરની કૃપાએ એ કામ સુપેરે પાર પડ્યું. આથી આગળનો ઇતિહાસ સુવિદીત છે એટલે એની ચર્ચામાં નથી પડવું. નવા મુખ્યમંત્રી આવ્યા ત્યારે એમનો પહેલો કાર્યક્રમ નર્મદાના નીરથી સાબરમતી ભરી એમાં નૌકાવિહાર કરી નર્મદાના નીરનાં વધામણાં કરવાનો હતો. એ કાર્યક્રમનું તે દિવસે સાંજે ટેલીવિઝન પર પ્રસારણ જોયું. સમારંભમાં હાજર ગુજરાતની પ્રજાની પ્રતિનિધિ એવી અમદાવાદની જનતાના મનમાં હરખ માતો નહોતો. તે દિવસે દૂર દૂર રહીને પણ સમાચારમાં આ દ્રશ્ય જોયું ત્યારે ઘડીભર મા નર્મદા સ્વયં જાણે કે મારા સામે મરકાતા મરકાતા પૂછતા હતા, “લે, હવે હું છેક તારા શહેરમાં આવી ગઈ. હવે તો રાજી ને?”
એવું કહેવાય છે ગંગાનું પાન, યમુનાનું સ્નાન અને નર્મદાનાં દર્શન માત્રથી મોક્ષ મળે છે. સનતભાઈ જેવા કર્મઠ જાહેર જીવનના આગેવાન, બાબુભાઇ જશભાઈ જેવા નર્મદા સમર્પિત મંત્રી અને ચીમનભાઈ પટેલની ફેર કૂવાથી શરૂ થઈ નર્મદા માટેની ઝંઝાવાતી લડાઈ. એ સમયે અમારા આગેવાન કેશુભાઈથી માંડીને બધા જ આમાં સામેલ હતા. અમે અને તમે, આ પક્ષ કે સામો પક્ષ જેવું કંઇ નહોતું. નર્મદા સૌની હતી. નર્મદા ગુજરાતની હતી. નર્મદા આપણી હતી.