જય નારાયણ વ્યાસ
એની જુદી જુદી ઓળખાણ છે.
કેટલાક એને ભણેલ-ગણેલ, સમજદાર, સક્ષમ વહીવટદાર માને છે,
કેટલાક એને જે હોય તે મોઢે સ્પષ્ટ કહી દેવાની હિંમતવાળો મરદ માને છે,
કેટલાક એને રાજકીય સમજ વગરનો બેવકૂફ માને છે,
કેટલાક એને એક લેખક, ચિંતક કે સરસ્વતીનો પુજારી માને છે.
ઘણી બધી ઓળખાણો છે એની,
કેટલાક એને, પછી દુશ્મન પણ હોય, પારકા દુઃખે દુઃખી થનાર અને કોઈ પણ ગરીબની સાથે ઉભો રહેનાર માણસ માને છે.
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
આજે મારે મારી એક ઓળખાણના થોડાક દૃષ્ટાંત આપવા છે.
તે ઓળખાણ છે સામા પૂરે તરનારની અને પોતાના દિલને સાચું લાગે તે પ્રમાણે પડકારોની કોઈ પણ દરકાર કર્યા વગર સામે ચાલીને ટકરાવાની.
એના કેટલાક દૃષ્ટાંતો જોઈએ.
૧૯૬૨માં હું એમ.એસ.યુનિવર્સિટીના પ્રેપરેટરી સાયન્સમાં દાખલ થયો. ત્યાં સુધી બધી જ પરીક્ષાઓમાં પ્રથમ આવ્યો. એક હોશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ પણ ખરી, આત્મવિશ્વાસ પણ ખરો. પણ પહેલા ટેસ્ટમાં ત્રણ વિષયમાં શૂન્ય માર્ક આવ્યા. એક વિષયમાં ત્રણ માર્કસ આવ્યા. આલ્ફા, બીટા, ગામા, લેમ્ડા, ટેનથીટા, સાઈનથીટા અને કોસથીટા સાથે ઉપરથી ફાઇલમ વર્ટીબ્રેટા, સબફાઇલમ મોલ્યુસ્કા, આ બધું દેડકા માટે વપરાય, જેને મેં અત્યાર સુધી સદાફૂલી તરીકે ઓળખી હતી તેને વિન્કા રોઝીયા કહેવાય, ઉપરથી મોનોકોટલીડોન અને ડાયકોટલીડોન તો ખરાં જ. સોલિડ જોમેટ્રી નામનો શબ્દ પહેલી વાર સાંભળ્યો. અડધોઅડધ વિદ્યાર્થીઓ સિનિયર કેમ્બ્રિજ કરીને વિદેશથી આવેલા. પ્રોફેસરોનું ધાણીફૂટ ઇંગ્લીશ. ભયંકર આંધીમાં તણખલું ઉડે એમ જયનારાયણ વ્યાસનો આત્મવિશ્વાસ ધોવાઈ ગયો. પ્રેપરેટરી સાયન્સના એ રોલ નંબર ૫૭૫ની નજર સામે એની કારકિર્દીના બધા જ કિલ્લા કડડભૂસ કરીને તૂટી પડવા લાગ્યા. પ્રમાણમાં સાવ ગામડિયો માણસ બીલક્રીમ ખવાય કે માથામાં નખાય કાંઈ જ ખબર નહીં, ચેરીબ્લોસમ ફૂલનું નામ છે કે બૂટપોલીસ, કોઇ જ ખ્યાલ નહીં. રીસેસમાં બધા કેન્ટીનમાં જાય તો પણ હિંમત ના ચાલે. ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસું. ભગવાનનું આપ્યું ૩૬ કિલો વજન, વ્યક્તિત્વના નામે મીંડુ. આ પરિસ્થિતિમાં નાસી છૂટવાના વિચાર આવે. ઘરે એકનું એક સંતાન, બહુ નખરાં કરેલાં. મેસનું ખાવાનું ભાવે નહીં. કોઈ સાથે વાત કરવાનું ફાવે નહીં. સાવ ભાંગી ગયો. ત્યાં કેમેસ્ટ્રીના પ્રોફેસર જે. એસ. દવે સાહેબે હાથ પકડ્યો, હૂંફ આપી. ફીઝીક્સ અને કેમેસ્ટ્રીનું ટ્યુશન તો એમણે આપ્યું જ વગર પૈસે પણ આર. કે. પંડ્યા સાહેબ જેવા ગણિતના દિગ્ગજનું ટ્યૂશન પણ મફતમાં રાખી આપ્યું. ત્યાં સુધી હું કમાટીબાગમાં ઝુની બરાબર સામે એક ઝાડ હતું, એકલો એકલો એની નીચે બેસીને ઝૂર્યા કરું. પણ દવે સાહેબના આશીર્વાદથી મહેનત ફળી. બીજા ટેસ્ટમાં ૬૫ ટકા માર્ક્સ આવ્યા. ટકી ગયો. અને ટકી ગયો એટલે પછી ગાડી પાટા પર ચડી ગઈ. એન્જિનિયરિંગમાં યુનિવર્સિટીમાં નંબર આવ્યો અને આઇ.આઇ.ટી. મુંબઇમાં એમ.ટેક. પહેલે નંબરે પાસ કરી. જીવનનો પહેલો પાઠ શીખ્યો તે ક્રિકેટના સર્વોચ્ચ દેવતા મહાન ક્રિકેટર બ્રેડમેનનો, ‘ઇફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ રન્સ વિલ ફોલો’. પ્રેપરેટરી સાયન્સના એ વરસે એક ગમાર ગામડીયામાંથી મને સાવ બદલી નાંખ્યો. ધાણીફૂટ અંગ્રેજી બોલતો કર્યો. ધમધમાટ ગુજરાતી બોલતો કર્યો. મહેનત અને માર્ગદર્શન હોય, સાથે ઈશ્વરની કૃપા હોય તો ટકી જવાય છે. હું ટકી ગયો નહીં તો લગભગ ભાગી છૂટીને સિદ્ધપુરની એસ. જે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દાખલ થવાનું નક્કી કરી નાખ્યું હતું. વિપરીત પરિસ્થિતિ સામે ટકરાઇને આત્મબળને ઘડવાનો આ પહેલો પ્રસંગ.
મેં ડિસ્ટિંક્શન સાથે યુનિવર્સિટીમાં રેન્ક હોલ્ડર બની બી.ઇ.સિવિલની ડિગ્રી મેળવી. બધાની માફક મારા પણ અરમાન હતા અમેરિકા જવાના અને આગળ ભણવાના. અમેરિકાની એક કરતાં વધુ સારી યુનિવર્સિટીઓમાં મને પ્રવેશ મળ્યો. અહીંયાં મેં આઈ.આઈ.ટી.માં એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરી હતી તે પણ ટેસ્ટ આપ્યો, પહેલા નંબરે પાસ થયો. આઈઆઈટીમાં અનુસ્નાતક અભ્યાસ કરવા માટેના દરવાજા ખૂલી ગયા. આઇઆઇએમમાં પણ પ્રવેશ મળી શકયો હોત પણ આઈઆઈટીમાં મહિને છસો પચાસ રૂપિયા સ્કોલરશીપ મળતી હતી, આઇઆઇએમમાં ફી ભરવાનું મારું ગજું નહોતું. દરમિયાનમાં અમેરિકાની સારી કહી શકાય એવી યુનિવર્સિટીઓમાં એડમિશન મળ્યું. આઇ-૨૦ આવ્યું. હવે અમેરિકા જવા માટેના દરવાજા પણ ખૂલી ગયા. સ્વપ્નસિદ્ધિ હાથવેંતમાં હતી. તૈયારી કરવા માંડી.
દરમિયાનમાં એક ઘટના બની. જેમ જેમ હું તૈયારી કરતો ગયો અને સપ્ટેમ્બરમાં અમેરિકા જવા માટેની વિધિ પતાવતો ગયો તેમ તેમ મારી માના મોઢા પર વેદનાનો ઓછાયો દેખાતો ગયો. મેં એને પૂછ્યું, તબિયતમાં કંઈ તકલીફ હોય તો આપણે ડૉ. સંતદાસાણીને બતાવીએ. એનો જવાબ હતો, ના ભાઈ, કોઈ તકલીફ નથી. દાક્તર બધી તકલીફો મટાડી શકતો નથી. એણે મને ના કહ્યું તે ના જ કહ્યું. પણ હુંય એ માનો દીકરો હતો ને. ધીરે ધીરે એની પાસેથી વાત કઢાવી. અમારા પરિચિતોમાંથી બે-ત્રણ યુવાનો ભણવા માટે અમેરિકા ગયા હતા. એ જમાનામાં અમેરિકા કૉલ લગાડવો હોય તો પણ દસ-બાર કલાકે લાગતો. માએ એમનો દાખલો આપ્યો. જો ભાઈ, પેલો અમેરિકા ગયો, ત્યાં જ રહી ગયો. બીજા પણ બે-ત્રણ વરસે એક વખત આવે છે, પંદર-વીસ દિવસ રહે એટલી વસતી બાકી કાંઈ જ નહીં. અમે ઘરડાં થયા, ખર્યું પાન કહેવાઈએ. તું એકનો એક દીકરો છે. એણે એક કહેવત કહી જે હજુ મને એમની એમ યાદ છે, ‘એક આંખ આંખમાં લેખું નહીં અને એક દીકરો દીકરામાં લેખું નહીં. તું તો જઈશ પછી સાજેમાંદે અમારું કોણ?’ એની વાત મને સમજાઇ. મારા અમેરિકન યુનિવર્સિટીઓમાં એડમિશનથી માંડીને બાકી બધા જ કાગળો હતા તે પોર્ટફોલિયો મેં ખોલ્યું. આ બધા કાગળો પર એક આખરી નજર નાંખી માની નજર સામે એ ફાડીને સળગાવી દીધા. અમેરિકા જવા માટેના રસ્તા પર કાયમી પૂર્ણવિરામ મૂકી દીધું. આઈઆઈટીમાં ભણ્યો અને ત્યાર પછી હંમેશા મા-બાપની નજીક રહ્યો. મા તો ૧૯૮૦માં મોટા ગામતરે ચાલી નીકળી પણ એના દીકરાને એ મોટો સાહેબ થતો જોઈને ગઈ, ગાડીમાં ફરતો જોઈને ગઈ, એનાં બે સંતાનો સમીર અને સાકેતને જોઈને ગઈ, એનો જે સંતોષ મને મળ્યો એ અમેરિકા જવા કરતાં અનેક ગણો વધારે હતો. હું અમેરિકા ન ગયો એનો અફસોસ મને ક્યારેય નથી થયો. માના ગયા પછી દસ વરસ બાપા મારી સાથે રહ્યા. એમની સેવા કર્યાનો આનંદ આજે પણ મારા મનમાં મહેકે છે. જેમણે જન્મ આપ્યો, આંગળી પકડીને આ દુનિયાનો પરિચય કરાવ્યો, માથે હાથની છાજલી કરીને ઉછેર્યોં, એમના માટે અમેરિકા નહીં જવાયું એ તો એક નાનકડું બલિદાન હતું. ભગવાને મને એ સમજાવ્યું અને ત્વરિત નિર્ણયશક્તિએ તેનો અમલ કરાવ્યો. આ મારી જડતાનો બીજો અનુભવ.
આઇ.આઇ.ટી.માંથી માસ્ટર્સ ઓફ ટેકનોલોજી કરી. મને મારા પ્રોફેસર ડૉ. કટ્ટીસાહેબે ત્યાં જ પીએચડી કરવાનું અને સ્કોલરશીપ આપવાનું સામે ચાલીને કહેલું પણ મારા મા-બાપની સ્થિતિ અને માંદગી મને વડોદરા ઘસડી લાવી. પીએચડી માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું. એક સફળ વ્યાખ્યાતા તરીકે મારી છાપ ઊભી થઈ પણ ત્યાં બીજી એક પરિસ્થિતી મારો ઈંતેજાર કરતી હતી. મેં જ્યારે નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે મારું એમ.ટેક.નું ડેઝર્ટેશન એટલે કે થીસિસની પરીક્ષા બાકી હતી. મને કહેવામાં આવ્યું હતું કે થીસિસ પાસ થઈ જશે એટલે ચાર ઇન્ક્રીમેન્ટ મળશે. એ જમાનામાં ચાર ઇન્ક્રીમેન્ટ એટલે મહિને બસો રૂપિયા વધારે. પણ સોંઘવારી હતી. મુંબઈમાં રોડિયો હઝરત કે સિમેન્ટેશન જેવી કંપનીમાં મને ૧૫થી ૨૦ હજારનો પગાર મળ્યો હોત. એને બદલે એમ.એસ.યુનિવર્સિટીમાં ૧૪૦૦ રૂપિયા મહિને મળે તે નોકરી સ્વીકારી કારણકે મારે મુંબઈ રહેવું નહોતું એટલે સિદ્ધપુર મારા મા-બાપની ખબર રાખી શકાય તેટલા અંતરે વડોદરામાં નોકરી લીધી. સમય વીતતો ગયો. માત્ર સરકારમાં જ બ્યુરોક્રેસી હોય છે એવું નથી, યુનિવર્સિટી બ્યુરોક્રેસી સરકારથી પણ ખરાબ હોય છે. ધીરે ધીરે એનો અનુભવ થવા માંડ્યો. શાંતિલાલ શાહ અને નરેશ શાહ જેવા એકાઉન્ટ્સમાં ખાઈબદેલા માણસો ફેકલ્ટીમાં હતા. યુનિવર્સિટીમાં તો એમનાથી પણ મોટા મગરમચ્છો હતા. મારી ચાર ઇન્ક્રીમેન્ટની વાત લટકી ગઈ. એ વખતે અમારા ડીન ડૉ. એસ. એમ. સેન હતા. કુંવારા માણસોનો મિજાજ ક્યારે હવામાનની માફક પલટાય એનો પહેલો પરિચય મને ડૉ. સેનસાહેબ સાથેના વ્યવહારમાં થયો. ત્યારથી હું આ કુંવારા કે વાંઢા માણસો પ્રત્યે એક દયામિશ્રિત અવિશ્વાસથી જોતો રહ્યો છું. સેનસાહેબને મળીને વાત કરી. ખબર નહીં સાહેબ કંઈ ખરાબ મૂડમાં હતા. એમણે મને મોઢે પરખાવ્યું, ‘આટલા બધા ક્વોલિફાઈડ છો તો પછી બહાર નોકરી શોધી લો ને.’ મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે ક્વોલિફાઈડ હોવું એ પણ ગુનો છે. ખેર! પાછો પેલો વિદ્રોહી આત્મા જાગી ઉઠ્યો. એમની કેબિનમાંથી બહાર આવ્યો. નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. અપ્લાઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના ટાઇપીસ્ટ ચુડાસમા પાસે ગયો. આમેય આખી જિંદગી મને નાના માણસો સાથે સારું બન્યું છે. એની પાસે બેસીને મારું રાજીનામું ટાઈપ કરાવ્યું. પહેલાં એણે આનાકાની કરી પણ મારી મક્કમતા જોઇને એણે મને રાજીનામું ટાઈપ કરી આપ્યું. મારે ત્યાં મોટા દીકરાનો જન્મ થયો એને ૧૧ દિવસ થયા હતા. કોઈ નોકરી હાથમાં ન હતી. એક મહિનાનો નોટીસ પીરીયડ હતો. ભગવાન ભરોસે મેં રાજીનામું સેનસાહેબના ટેબલ પર મૂકી દીધું. એમણે પણ રાજીનામું પાછું લેવા માટે મને કહ્યું. મારો જવાબ હતો, ‘સાહેબ, કમાટીબાગને દરવાજે ઊભો રહીને ચણાજોરગરમ વેચીશ પણ આ નોકરી નહીં કરું. મારો આ અફર નિર્ણય છે.’ મારા સાથીઓને આ વાતની જાણ થઈ તો તેમણે પણ દબાણ કર્યું પણ નિર્ણય નહીં બદલાયો. મારી જડતાનો કહો કે ભગવાન પરની શ્રદ્ધાનો આ ત્રીજો દાખલો.
મારામાં કોઈ મોટી આવડત છે તેવા ભ્રમમાં ક્યારેય નથી રહ્યો. પ્રેપરેટરી સાયન્સમાં આપણે હોશિયાર છીએ એ ભ્રમ ભાંગ્યો તો ભાંગ્યો. અને એટલે કેટલાક લોકો મને ભોળો કે બુદ્ધિ વગરનો ગણે છે એ સામે મેં ક્યારેય વાંધો નથી લીધો. હું ખૂબ નાની ઉંમરે સચિવની કક્ષાએ અને ત્યાર પછી એથીય આગળ વધ્યો. આઈએએસ થયો હોત તો પણ કદાચ આટલી ઝડપી પ્રગતિ શક્ય ન બની હોત. આ કારકિર્દીએ મારું ઘડતર કર્યું. ચાર-ચાર મુખ્યમંત્રીશ્રીઓ સાથે સીધું કામ કર્યું. આજના વડાપ્રધાન ઓઇલ અને ગેસની રોયાલ્ટીથી માંડી ઘણી બધી બાબતો સમજવા મારી પાસે આવતા જેનો તેમણે ખુલ્લો એકરાર કર્યો છે. ઘણા બધા દિગ્ગજ નેતાઓ સાથે પરિચયમાં આવવાનું થયું. મકરંદભાઈ દેસાઈ, સનતભાઇ મહેતા, અરવિંદભાઈ સંઘવી, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, હરિસિંહભાઈ મહિડા, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહભાઈ સોલંકી, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઇ વાસણવાળા, અશોકભાઈ ભટ્ટ, દિનશાભાઈ પટેલ જેવાઓના પરિચયમાં આવવાનું થયું. લલિત દલાલ સાહેબથી માંડી એસ. એમ. ઘોષ સાહેબ, શિવજ્ઞાનમ સાહેબ, મથુરાદાસ શાહ સાહેબ, પાટણકર સાહેબ, કે. ડી. બુદ્ધ સાહેબ, સી. સી. ડોક્ટર સાહેબ, સુરેશભાઈ શેલત સાહેબ, એન વિટ્ટલ સાહેબ, કે. પી. યાજ્ઞિક સાહેબ જેવા દક્ષ અને કાબેલ સિવિલ સર્વન્ટ સાથે કામ કર્યું. બે ટર્મ ભારત સરકારની વિદેશી રોકાણ અને એન.આર.આઈ ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટેની કન્સલ્ટિંગ કમિટીનો સભ્ય રહ્યો. ડૉ. મનમોહનસિંહજીથી માંડી વી.પી.સિંહ સાહેબ, નારાયણદત્ત તિવારી સાહેબ જેવાના પરિચયમાં આવવાનું થયું. નારાયણદત્ત તિવારી સાહેબના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં સ્વીડનનો પ્રવાસ કર્યો. સ્વેડફંડ, સિટીબેન્ક, વર્લ્ડ વોટર ફોરમ જેવી અનેક જગ્યાએ ભાષણો આપ્યાં. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોનું બાર વરસ મેનેજિંગ ડિરેકટર પદ ભોગવ્યું. આખા દેશમાં એના મોડેલ પર ઘણાં બધાં રાજ્યોએ ઉદ્યોગોને પોતાને ત્યાં આકર્ષવા અને ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટેની સંસ્થાઓ સ્થાપી. ગુજરાતને આઠમા નંબરથી પહેલા નંબરનાં ઔદ્યોગિક રાજ્ય બનાવનાર ઇન્ડેક્સ ટીમનો સભ્ય રહ્યો. મારી કારકિર્દીનો સૂર્ય પૂર્ણ કળાએ તપતો હતો. રાજ્ય સરકારમાં સારું એવું માન અને ઉપજ હતી. વિવિધ દેશોના વિદેશમંત્રીઓની એનડીબીડીમાં કોન્ફરન્સ થઇ એનો હવાલો મને સોંપાયો હતો. એલ. કે. ઝા સાહેબથી માંડી તમિલનાડુના ઉદ્યોગ મંત્રી થીરુથીરુ નાવકારસવ અને બીજા રાજ્યોમાંથી આવતાં અનેક મહાનુભાવને એસ્કોર્ટ કરવાનું કામ મને સોંપાતું. એમ કરતાં ૧૯૯૦ની સાલ આવી. ભારતીય જનતા પાર્ટી ત્યારે પાપા પગલી કરતી હતી. એને જાહેર પ્રતિભા સારી હોય અને વહીવટનો અનુભવ હોય એવા માણસોની જરૂર હતી. એમની પાસે આવા અનુભવી માણસો નહોતા. રાજકીય પક્ષ તરીકે પણ બહુ મોટું કાઠું નહોતું કાઢ્યું. ત્યારે એમણે આવા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા માણસોને સમાવવાની એક ઝુંબેશ આદરી જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. દવે ચેમ્બરના પ્રમુખ અને લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દિલીપભાઈ પરીખ, રાજપીપળાનાં મહારાણી સાહેબા, પૂર્વ આઈપીએસ અધિકારી જશપાલસિંહ, સફળ કાયદાવિદ યતીન્દ્ર ઓઝા, સિનિયર સનદી અધિકારી પી. વી. ભટ્ટ જેવા અનેકની સાથે મને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રયાસ કર્યા. એક દિવસ સવારે હું ઘરેથી મારી ઓફિસે આવ્યો હતો. એ દિવસે મારું ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરીના અધિકારીઓ માટેનું લેક્ચર હતું. હું જવા માટે તૈયારી કરતો હતો ત્યાં મને ખાનપુર કાર્યાલયમાંથી ફોન આવ્યો. એ વખતના પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે છેડે લાઇન પર હતા. મને કહેવામાં આવ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે તમને સિધ્ધપુરથી ટિકિટ આપવા માગીએ છીએ. આજકાલમાં એની જાહેરાત કરવી છે. મારો જવાબ હતો, ‘મારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી માધવસિંહભાઈ સોલંકી સાથે ખુબ સારા સંબંધો છે, ઉદ્યોગ મંત્રી હરિસિંહભાઈ મહિડાનો હું લાડકો અધિકારી છું. એ મારું રાજીનામું ક્યારેય મંજૂર નહીં થવા દે. માટે આવી જાહેરાત નહીં કરતા. તમે મક્કમ હોવ તો મને પહેલાં રાજીનામું આપી છૂટો થઈ જવા દો.’ મેં એ જ દિવસે રાજીનામું આપ્યું. ત્રણ મહિનાનો નોટિસ પગાર ભરી દીધો અને નોકરીમાંથી છૂટો થઈ ગયો. મારી ઓફિસના સ્ટાફે મને ફેરવેલ આપી, નાળિયેર અને રૂપિયો આપી શુકન કરાવ્યા. આ બધું લઈને હું ઘરે પહોંચ્યો. પત્નીના મનમાં એમ હતું કે વળી પાછું કંઈક પ્રમોશન મળ્યું હશે પણ મેં જ્યારે એને કહ્યું કે સરકારી નોકરીમાં આપણાં અંજળપાણી પુરા થયા, મેં રાજીનામું આપી દીધું અને છૂટો થઈ ગયો ત્યારે ‘હવે શું થશે?’ એ વિચારે એ ચોધાર આંસુએ રડી પડી. ખબર પડી એટલે સિધ્ધપુરથી મારા હિતેચ્છુઓ ભોળાનાથભાઈ શુક્લ અને અમૃતભાઈ મારફતિયાકાકા, સનસનાટીના તંત્રી રંજનભાઈ ઠાકર દોડી આવ્યા. મને નિર્ણય બદલવા ખૂબ સમજાવ્યો પણ બધું પૂરું થઈ ગયું હતું. હવે મને ફરી કોઈ નોકરીમાં રાખવાનું નહોતું. પછી તો મારા નામની જાહેરાત થઇ. સિધ્ધપુર કેટલીક વ્યક્તિઓએ એનો ખૂબ વિરોધ કર્યો. વળી પાછા પાર્લામેન્ટરી બોર્ડે મને બોલાવ્યો. માનનીય શ્રી કેશુભાઈ પટેલ, ચીમનકાકા શુક્લ, નાથાકાકા ઝગડા સહિત અન્ય સિનિયર સભ્યો, શ્રી નરેન્દ્રભાઈ મોદી સમેત હાજર હતા. એમણે કહ્યું, તમારી જાહેરાત કરી એનો વિરોધ થયો છે. ચીમનકાકા શુક્લે કહ્યું કે નોકરીનું રાજીનામું આપી દીધું તે સાચું છે? મેં કહ્યું, હા. હું નોકરીમાંથી છૂટો થઈ ગયો છું. સરકારના શિસ્તના નિયમો પ્રમાણે ચાલુ નોકરીએ રાજકીય પક્ષમાં જોડાઈ શકાય નહીં. ત્યારે એમણે સામે પૂછ્યું, જો અમે નિર્ણય બદલીએ તો શું કરશો? મારો જવાબ હતો, મારા ઉપર કોઈ દયા ખાવાની જરૂર નથી. નોકરીમાંથી રાજીનામું મારા બલબુતા પર આપ્યું છે. ભગવાને દાંત આપ્યા છે તો ચાવણું પણ આપી રેશે. મારા પર કોઈ દયા રાખીને નિર્ણય બદલતા હો એવું ન કરશો. આપ આપનો નિર્ણય બદલવા સ્વતંત્ર છો. ખેર! નિર્ણય ન બદલાયો. પણ સચિવથી ઉપરની કક્ષાની નોકરી એક ક્ષણના પણ વિચાર વગર છોડી દેવાની મૂર્ખતા કહો તો મૂર્ખતા અને જડતા કહો તો જડતા મેં કરી હતી. એકમાત્ર કારણ મારા વતન માટે મારે કંઈક કરવું છે તે હતું. કોઈ આને ત્વરિત નિર્ણયશક્તિ કહે તો કોઈ મૂર્ખતા, પણ હું એ કરી ચુક્યો હતો. આ હતો મારી જડતા કે બેવકુફીનો વધુ એક દાખલો.
સિધ્ધપુરથી હું ચૂંટાયો. સતત ત્રણ વખત ચૂંટાતો રહ્યો. ઘણું સારું કામ થયું. નર્મદા નિગમનો ચેરમેન બન્યો. નર્મદાનો મંત્રી પણ બન્યો. નાગરિક પુરવઠા જેવું ખતરનાક ખાતુ જશપાલસિંહ જેવા માથાના ફરેલા મંત્રી સાથે મેં સુપેરે પાર પાડ્યું. અલબત્ત, માનનીય શ્રી સુરેશભાઈ મહેતાનો મારામાં પૂરો વિશ્વાસ અને ટેકો એમાં બળ પૂરતો હતો એ ન લખું તો નગુણો કહેવાઉ. આજે પણ જેટલા મુખ્યમંત્રીઓ સાથે મેં મંત્રી તરીકે કામ કર્યું એમાં વ્યક્તિ તરીકે હું માનનીય શ્રી સુરેશભાઈ મહેતાને અવ્વલ નંબરે મૂકું છું. મંત્રીમંડળમાં ત્રણ વખત કેબિનેટ મંત્રી રહ્યો. એસ. ટી. નિગમનો ચેરમેન પણ રહ્યો. પણ નસીબદાર એટલો કે હંમેશાં જેમાં લોહીઉકાળા કરવાના હોય અને અપયશ જ મળે એવી પૂરી શક્યતાવાળાં ખાતાં મારે ભાગ આવ્યાં. ઈશ્વરની કૃપા કે આ જ ખાતાંએ મને અઢળક જશ અપાવ્યો. નર્મદાને સુપ્રીમ કોર્ટમાંથી બહાર લાવવાનું અને મેઘા પાટકર તેમજ પર્યાવરણવાદીઓની કમર તોડીને નર્મદા માટે લડવાનું કામ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને કૃષ્ણપ્રસાદ પટેલ સાહેબ, સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી, પૂજ્ય પ્રમુખસ્વામીજી તેમજ આદરણીય પૂજ્ય ભાઈશ્રી મા. શ્રી. હરિવલ્લભભાઈ પરીખ, સૌરાષ્ટ્રમાં આદરણીય શ્રી અરવિંદભાઈ આચાર્ય, આર્ચવાહિની જેવા અનેકોની લાગણી અને સહાય સમગ્ર પાટીદાર સમાજના પ્રમુખ સ્વ શ્રી કેશુભાઇ પટેલ જેવાની મદદ, શ્રી સનતભાઈ મહેતાનું માર્ગદર્શન, બાબુભાઇ જશભાઈ અને દિનશા પટેલનું પ્રોત્સાહન, આ બધાના જોરે લડતો રહ્યો અને એક દિવસ સુપ્રીમ કોર્ટમાંથી નર્મદા યોજના બહાર આવી. શ્રી ફલી નરીમાન અને હરીશ સાલ્વે જેવા બાહોશ વકીલો સાથે કામ પાડ્યું. ગ્રીવાન્સ રીડ્રેસલ ઓથોરિટીના જસ્ટિસ પ્રમોદભાઈ દેસાઈ, માનવ અધિકાર પંચના વડા જસ્ટિસ વર્મા, પુનર્વસનના કામ લઈને એક ભેખધારીની જેમ કામ કરનાર શ્રી વિનોદ બબ્બર, મારા સાથી અને નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, કંઈ કેટલાયનો મને સાથ મળ્યો. કોંગ્રેસે વિપક્ષ તરીકે નર્મદાના મુદ્દે એકદમ ઝનૂનપૂર્વક આ ઝુંબેશમાં સાથ આપ્યો. હું તો નિમિત્તમાત્ર હતો. આ બધાને સાથે લઈને ચાલ્યો. ઈશ્વરની સહાય હતી. એક દિવસ નર્મદા યોજના સુપ્રીમ કોર્ટમાંથી બહાર આવી ગઈ. સો કરોડ કરતાં વધારેની કિંમતનું ઈરીગેશન બાયપાસ ટનલનું કામ જસ્ટિસ દીવાનસાહેબ જેવાને મધ્યસ્થી રાખી વગર ટેન્ડરે પાસ કર્યું. પરિણામ સ્વરૂપ ૨૦૦૦ની સાલમાં નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી વહેતા થયા. વિશ્વની મોટામાં મોટી એક્વાડક્ટ એટલે કે જળસેતુ મહી નદી પર બંધાયો અને વિશ્વની મોટામાં મોટી સાયફન સાબરમતીના પેટાળમાં બાંધી. કડીથી આગળ પાણી પહોંચતું થયું. સનતભાઇ મહેતા અને મારા સમયમાં મુખ્ય કેનાલ અને અન્ય નહેરોનાં જે કામ થયાં એની ગુણવત્તા વૈશ્વિક કક્ષાની હતી. આજે પણ એ દાખલો બધાની સામે છે.
એ સમયમાં એક મરાઠી નાટક આવેલું જેનું ગુજરાતી ટાઇટલ થાય, ‘આ માણસ મરવો જ જોઈએ’. ભાભી ચલચિત્રનું એક ગીત છે, જેની પંક્તિઓ છે, ‘ચલ ઉડ જા રે પંછી’, એમાં એક પંક્તિ આવે છે, ‘જગકી આંખકા કાંટા બન ગઈ, ચાલ તેરી મતવાલી’. સફળતા એના પોતાના શત્રુઓ જાતે જ ઊભી કરતી હોય છે. એક દિવસ સાવ નાખી દેવા જેવા મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ શ્રી કેશુભાઇ પટેલે મારા પર આક્ષેપ મૂક્યો. વાત એવી હતી કે સિંચાઈના પાણીના દર રીવાઈઝ થયા એ વાત મેં છાપામાં વાંચી અને નમ્રતાપૂર્વક કેબિનેટમાં મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે ખાતાના મંત્રી તરીકે આ વાત મને છાપા થકી જાણ થાય તેનું મને દુઃખ થયું છે. તેમણે કહ્યું, ‘ના, મેં પહેલાં તમને કહ્યું હતું.’ મારો જવાબ હતો, ‘સાહેબ, આ સાચું નથી’. એટલે એમણે સામેથી ઉગ્રતાપૂર્વક મને કહ્યું, ‘તો શું હું જુઠ્ઠો છું?’ બસ આટલું કહ્યું અને કેબિનેટમાં જાણે કે પૂર્વનિર્ધારિત હોય તે રીતે વજુભાઈ વાળા, નીતીનભાઇ પટેલ, આનંદીબેન પટેલ અને બીજા એક-બે મંત્રીઓ રીતસરના મારા પર તૂટી પડ્યા, ‘તમે મુખ્યમંત્રીને જુઠ્ઠા કઈ રીતે કહી શકો?’ મારો જવાબ હતો, ‘સાહેબ, મેં જુઠ્ઠા નથી કહ્યા. મેં માત્ર એટલું જ કહ્યું છે કે આપની વાત સાચી નથી અને આમ છતાં આપને લાગતું હોય કે આનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અપમાન થયું છે તો હું દિલગીર છું, માફી માગું છું.’ મારા મનમાં વાત પતી ગઈ. કેબિનેટ પૂરી થઈ. હું જમવા બેઠો હતો ત્યાં દિલ્હીથી એક હિતેચ્છુ પત્રકારનો ફોન આવ્યો, ‘તમારું રાજીનામું લેવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.’ અન્નદેવની સાક્ષીએ મનમાં કહ્યું, ‘હરિઈચ્છા બલિયસી’. જમીને હજુ તો હું મારી ખુરશી પર બેઠો હતો ત્યાં મુખ્યમંત્રીશ્રીનો પત્ર આવ્યો, તમારા ગેરવર્તન બદલ તમારું રાજીનામું માંગી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમે સત્વરે તમારું રાજીનામું મોકલી આપશો. એક ક્ષણનાય વિલંબ વગર મેં મારું રાજીનામું મોકલી આપ્યું. મંત્રી તરીકે આપણે છૂટા થઈ ગયા.
અહીં એક-બે દાખલા ટાંકવાનું મન થાય છે. આદરણીય માધવસિંહભાઈ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા. જશવંતભાઈ મહેતા સિનિયર હતા, મુખ્યમંત્રી બનવા માટેની તેમની લાયકાત અને મહત્વાકાંક્ષા હતી પણ નિર્ણય માધવસિંહભાઈ માટે લેવાયો. જશવંતભાઈ કેબિનેટમાં બીજા નંબરે નાણા મંત્રી બન્યા. એમના મનમાં દંશ રહી ગયો. એટલે કેબિનેટમાં મુખ્યમંત્રી આવે પછી જ આવે જેથી મુખ્યમંત્રી આવે ત્યારે ઊભા ન થવું પડે. કેટલાક લોકોએ આ વાત માધવસિંહભાઈને કરી. માધવસિંહભાઈએ કહ્યું, ‘મને ખ્યાલ છે પણ જશુભાઈ મારા સિનિયર છે એ પણ ખ્યાલ છે. એ વિવેક ચૂકે પણ મારાથી આવી નાની બાબતે એમનું માન નહીં ચૂકાય.’ બીજો એક પ્રસંગ. માધવસિંહભાઈના મંત્રીમંડળમાં સનતભાઈ મહેતા નાણામંત્રી અને આયોજન મંત્રી હતા. સનતભાઈનો સ્વભાવ જરા ઉગ્ર અને તડફડ કરી નાખવાનો. એક વખત કેબિનેટમાં ગરમાગરમી થઈ. એમણે માધવસિંહભાઈને કહ્યું, ‘દરબાર, આ તમને નહિ સમજાય, આના માટે બુદ્ધિ જોઈએ.’ કેબિનેટમાં સોંપો પડી ગયો. કેટલાક સિનિયર મંત્રીઓએ વાત વાળી લીધી. કેબિનેટ પૂરી થઈ. માધવસિંહના નિકટના એવા મંત્રીઓ શ્રી હસમુખ પટેલ, શ્રી નવીન શાસ્ત્રી વિગેરે તેમની ચેમ્બરમાં ગયા. કહ્યું, ‘સાહેબ, આવી તુમાખી તો ના ચલાવી લેવાય. સનત મહેતાને વિદાય કરી દો.’ માધવસિંહભાઈના મોં પર સ્મિત હતું. એમણે કહ્યું, ‘જુઓ, વિવેક સનતભાઈ ચૂક્યા છે. નાણાં અને અર્થશાસ્ત્ર બાબતમાં તેમનું જ્ઞાન મારા કરતાં વધારે છે એમાં મને કોઈ શંકા નથી’ અને પછી હળવે રહીને ઉમેર્યું, ‘સનતભાઈ સારું કામ કરે છે. દૂઝણી ગાય હોય તો ક્યારેક લાત પણ ખાવી પડે.’ મુખ્યમંત્રીની આ ગરિમા, મોટમનાપણ. બાબુભાઇ જશભાઇ પણ કુંદનલાલ ધોળકિયા માટે ક્યારેક એમનું સ્પષ્ટવક્તાપણું ચલાવી લેતા. હિતુભાઇ દેસાઈએ તો જેમણે ભાવનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વડુ મથક ન આવ્યું તે માટે કેટલાક બીજા સભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું, સરકાર લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ ઊભી કરી હતી, એ પ્રતાપભાઈ શાહને બળેવના દિવસે સગુણાબેન રાખડી બાંધતા હતા, તે પોતાને ત્યાં આવકાર્યા. સગુણાબેને રાખડી બાંધી અને કહ્યું, ‘પ્રતાપ, તું મને પસલી નહીં આપે?’ પ્રતાપભાઈએ કહ્યું, ‘આપીશ ને. બોલો બેન’. અને સગુણાબેને માંગી લીધું, ‘રાજીનામું પાછું ખેંચી લે અને બાકીનાનાં પણ પાછા ખેંચાવી લે.’ પ્રતાપભાઈએ પસલી આપી. બધા જ રાજીનામાં પાછા ખેંચાઇ ગયા. બદલામાં ભાવનગરને સ્થાનિક યુનિવર્સિટી આપવાનું નક્કી થયું અને આફતના વાદળો વિખેરાઈ ગયા. હું માનું છું કે મુખ્યમંત્રી એટલે લોકશાહીમાં રાજા. રાજા મોટમનો હોવો જોઈએ. ક્ષમા એનું આભૂષણ હોવું જોઈએ, ગરિમા એનું ભૂષણ હોય અને કડવાશ ક્યાંય ન હોય. ગુજરાતને આવા પણ મુખ્યમંત્રીઓ મળ્યા હતા જેમાંના બે આદરણીય માધવસિંહભાઈ અને આદરણીય બાબુભાઈ જશભાઈ પટેલ સાહેબ સાથે મેં નિકટથી કામ કર્યું એનું મને ગૌરવ છે. સુરેશભાઈ મહેતામાં આ ગુણ હતો, કમનસીબે એ લાંબુ ના ચાલ્યા. શંકરસિંહજીએ ભલે બળવો કર્યો, એના ગુણદોષમાં નથી પડવું પણ બાપુ એટલે બાપુ. એમનો પ્રેમ અને મોટમનાપણું એમને પણ એક આદર્શ મુખ્યમંત્રી બનાવી શક્યું હોત. ગુજરાતની એ કમનસીબી, આવું ન થયું.
વળી પાછા મૂળ વાત પર આવીએ. અત્યાર સુધી માથું મૂકીને નર્મદા માટે લડીને જે સિદ્ધિઓ હાંસલ કરી હતી તે મારી નહોતી, ઘણા બધાની હતી પણ મંત્રી તરીકે મારી મહેનત તો હતી જ. એનો શિરપાવ મળ્યો. મને ઘણાએ કહ્યું કે તમારે કેશુભાઈને મળીને માફી માંગી લેવી હતી પણ એ મારા જહનમાં નથી. શેની માફી માંગવાની? કશું ખોટું કર્યું નથી એની? એક મોટી સાઝીશ ઘણા બધા સ્વાર્થને પોષવા માટે રચાઈ હતી એની મને પાછળથી ખબર પડી. ખેર! એક ક્ષણમાં રાજીનામું ધરી દીધું એનો મને જરાય અફસોસ નથી. આ મારી વધુ એક જડતા.
અલબત્ત એ પછી મંત્રીમંડળમાં નહીં સમાવેલા એક પાટીદાર આગેવાનની કચેરીમાં તત્કાલીન જળસંપત્તિ વિભાગના સચિવ, જેને મારા વિરોધને અવગણીને જળસંપત્તિ વિભાગના સચિવ બનાવાયા હતા એવા એક પાટીદાર સચિવ અને બીજા કેટલાક પાટીદાર આગેવાનો ભેગા થયા. મારે નામ લઈને એમને મોટા નથી કરવા. ઉકાઇ રાઈટ બેન્ક કેનાલના રીમોડેલિંગમાં જે ટેન્ડર મેં મંજૂર નહોતું કર્યું, નાણામંત્રીએ મંજૂર કર્યું હતું તે માટે મારા ઉપર, જેણે જિંદગીમાં કોઈને ચા પીધી નથી, એ માણસ ઉપર પૈસા ખાઇ જવાના આક્ષેપો મુકાયા. આરએસએસના કહી શકાય એવા જસ્ટિસ સોની સાહેબ લોકાયુક્ત હતા. મારા માટે એમની સમક્ષ ફરિયાદ થઇ. એક નિર્દોષ માણસ ઉપર સીબીઆઇ પણ ન કરે એવી કડક ઇન્કવાયરી થઈ પણ કંઈ હોય તો નીકળે ને? જસ્ટિસ સોની સાહેબે આ કિસ્સામાં નોટીસ આપવા જેવો પણ કેસ નથી એવો ચુકાદો આપ્યો. શિવ, શક્તિ અને સાંઈએ મારી લાજ રાખી. પાટીદાર ફેક્ટર શું છે અને અધિકારીથી માંડી રાજકારણી સુધી એ કઈ રીતે ભેગો થઈ શકે છે તેનો વરવો દાખલો મને અનુભવવા મળ્યો. હા, એમાં પણ નરોત્તમભાઇ પટેલ અપવાદ હતા જેમણે સ્પષ્ટ કહ્યું કે એક નિર્દોષ માણસ પર તમે આ બધું કરી રહ્યા છો તે યોગ્ય નથી. કોઈ સમાજ આખેઆખો ખરાબ નથી હોતો. મારા અંગત મિત્રો અને હિતેચ્છુ અનેક પાટીદાર મિત્રો રહ્યા છે. એ સમાજને દોષ દેવાનું મને જરાય ઉચિત લાગતું નથી. પણ સમાજને નાતે રાજકીય હિત સાધવાનું એક મોટું કાવતરુ કેટલાક ગણ્યાગાંઠ્યા સ્વાર્થી લોકોએ કર્યું. ભગવાને મને એમાંથી આબાદ બચાવી લીધો. સૌનું સારું થાય, સૌને ભગવાન સદબુદ્ધિ આપે.
કેશુભાઈએ તો એ પછી મુખ્યમંત્રી પદ ગુમાવ્યું. આમાંના લગભગ બધા જ એક યા બીજી રીતે શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. ઈશ્વરના દરબારમાં ન્યાય છે. આ કળિયુગ છે અને બધું અહીં જ ભોગવવાનું છે. મારા મનમાં કોઈના માટે કોઈ કડવાશ નથી. કદાચ આ કારણથી જ લોકો મને ભગવાનનો માણસ એટલે કે બીજા અર્થમાં મૂર્ખ કહે છે.
ગુજરાતની પ્રજામાં ભગવાનની દયાથી મારો એક વિશાળ ચાહક વર્ગ છે. પાટણ, પાલનપુર, ચાણસ્મા, વેજલપુર, અરે! વડોદરા કે સુરતમાંથી પણ હું ચૂંટણી લડી શક્યો હોત પણ અભિમન્યુના સાત કોઠામાં એને પાડી દેવા દિગ્ગજો ભેગા થયા હતા એમ મારે માટે પણ ચારે તરફથી ઘણા બધા ભેગા થયા પાડી દેવા માટે. અને આમ છતાંય મારા સિધ્ધપુરને છોડીને બીજેથી ચૂંટણી લડવાનું કે સલામત સીટ શોધવાની પેલા બે દિગ્ગજ નેતાની માફક મેં ક્યારેય નામર્દાઈ ના કરી એ મારી વધુ એક જડતા.
અને છેલ્લી જડતા એક ક્ષણમાં જ ૭૫ વરસની ઉંમરે કોમોર્બીડિટી અને ઘણાં બધાં જોખમ હોવા છતાં મારી જાતને ડૉ. તેજસ પટેલ અને ડૉ. મેહુલ શાહને હવાલે કરી કાચી સેકંડમાં બાયપાસ સર્જરીનો નિર્ણય લેવાની. બુદ્ધિશાળી અને વિચારવંત માણસ માટે આ શક્ય નથી. મારા માટે આ શક્ય બન્યું કારણ કે આખી જિંદગી શિવ, શક્તિ અને સાંઈના સહારે જીવી રહ્યો છું. ખુદ્દારીથી જીવ્યો છું અને દગાફટકા સહન કર્યા છે. કોઈને દગો કર્યો નથી. ક્યારેય મનમાં શું થશે એનો ગભરાટ નથી થયો. સાત વખત નિશ્ચિત મૃત્યુમાંથી પસાર થયો છું. ભગવાને કદાચ મને મારી લાયકાત કરતા ઘણું વધારે આપ્યું છે. મને વ્યક્તિગત રીતે કોઈએ નુકસાન કર્યું હોય કે દગાફટકા કર્યા હોય તેનો કોઈ રંજ નથી. કર્તાહર્તા ઈશ્વર છે. પણ મારા સામેની શત્રુતા અને દ્વેષને કારણે સિદ્ધપુરમાં આજે જનરલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ, રિજિયોનલ ડ્રગ લેબોરેટરી, બધું જ અટકાવી દેવામાં આવ્યું છે. એ જે લોકોએ કર્યું છે એને ભગવાન ક્યારેય માફ નહીં કરે. અનેક ગરીબોના આશીર્વાદ મળે એવું આ કામ હતું. હું જાહેરમાં લખું છું, વ્યક્તિગત કામ માટે, કોઈ હોદ્દો મેળવવા માટે કે મારા અંગત સ્વાર્થ માટે સરકાર સામે હાથ લાંબો કર્યો નથી પણ ગરીબ માણસ માટે આશીર્વાદરૂપ બને એવી આ હોસ્પિટલો અને સિદ્ધપુરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એજ્યુકેશન ફોર મેડિસિન ઊભું થાય, સિધ્ધપુરના રિક્ષાવાળાથી માંડી ચવાણાવાળો બે પૈસા કમાતો થાય એ માટે છેલ્લા સાત વરસમાં ચીફ સેક્રેટરીથી માંડી નાયબ મુખ્યમંત્રીશ્રીથી માંડી મુખ્યમંત્રીશ્રીની સામે રીતસર ખોળો પાથર્યો છે, આજીજી કરી છે, ભીખ માંગી છે. પણ ઉત્તર ગુજરાતના જ બે મંત્રીઓ એમણે સિધ્ધપુરના આ વિકાસને રોકવાનું જઘન્ય પાપ કર્યું છે. હજુ આજે પણ ભગવાન એમના મનમાં વસતો નથી.
સિધ્ધપુરની જનતાને શું કહેવું? અંદરઅંદરના સ્વાર્થ અને નાની-નાની બાબતે પક્ષમાં પક્ષમાં હોદ્દો મેળવવો કે કંઈક કોઈ આપી દેશે એ લાલસામાં એમણે સિદ્ધપુરના સામાન્ય માણસનું હિત વેચ્યું છે. આવા આગેવાનોને, સ્વાર્થલોલુપ રાજકારણીઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. પાટણમાંથી જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખસેડાય છે એવી અફવા ઉપર પાટણ બે દિવસ જડબેસલાક બંધ રહ્યું હતું. સિદ્ધપુરના નાગરિકોનો રામ મરી પરવાર્યો છે. છેલ્લા બે વરસથી આગેવાનોને હું આજીજી કરતો આવ્યો છું કે હોદ્દા અને પદો નસીબમાં હશે તો શોધતાં આવશે, સિદ્ધપુરના હિત ખાતર એક થાવ, અવાજ ઉઠાવો. ભારતીય જનતા પક્ષનું તો સૂત્ર છે જે મને ઘસીઘસીને ગળથૂથીમાં પાવામાં આવ્યું છે, ‘ખુદ સે બડા દલ, મગર દલ સે બડા દેશ’ દેશ એટલે પ્રજા, સામાન્ય માણસ, ગરીબ માણસ, જેનું કોઈ નથી તેવો માણસ. પૂજ્ય ગાંધીજીએ કહ્યું છે કે કોઈ પણ આયોજન છેવાડામાં છેવાડાના માણસને લક્ષમાં રાખીને થવું જોઈએ. બાયપાસ ૭૫ વરસની ઉંમરે કોઈ નાનીસૂની સર્જરી નથી. હું મોતના દરવાજે ટકોરા મારીને પાછો આવ્યો છું. સિદ્ધપુર શહેરની જનતા અને એના સ્વાર્થલોલુપ આગેવાનોને જે કોઈ શક્તિમાં તેઓ માનતા હોય, મારી વિનંતી છે, સત્તા અને પૈસા કોઈ યાદ નહીં કરે. આ દુનિયામાં ભલભલા આવ્યા અને ખાલી હાથે ચાલ્યા ગયા. બાળોતિયું અને કફન બંને ગજવા વગરના કપડા વચ્ચેની આ જીવનયાત્રા છે. બધું જ અહીં રહેવાનું છે. માત્ર સત્કર્મ તમારી સાથે આવશે. ઈશ્વરે તમારા માટે જે નક્કી કર્યું હશે તે મળવાનું જ છે. આ કાવાદાવા અને ચાપલુસી છોડો. તમે તો સુખી નહિ જ થાવ પણ તમારા વારસદારો પણ દુઃખી થઈ જશે. તુલસીદાસજીએ કહ્યું છે –
તુલસી હાય ગરીબ કી, કભી ન ખાલી જાય
મૂઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાયે
ઈશ્વર દરિદ્રનારાયણમાં વસે છે, દીનદુખિયામાં વસે છે. તમે સુખી છો કારણ કે એની તમારા પર કૃપા છે. તેનું અભિમાન કરશો, સ્વાર્થલોલુપ બની કાવાદાવા કરશો, માલિક રાજી નહીં રહે. છેલ્લા સાત સાત વરસથી સિદ્ધપુરનો વિકાસ રોકવામાં અને એની બરબાદીની તવારીખ લખવામાં તમે પણ ભાગીદાર છો એ ના ભુલશો. મહાત્માજીએ જેના સામ્રાજ્ય પરથી સૂરજ કદી નહોતો આથમતો તે બ્રિટિશરોને સત્ય, અહિંસા અને લોકશક્તિના સહારે આ દેશમાંથી ઉચાળા ભરાવ્યા હતા. તમે જે શહેરની માટીમાં જન્મીને, રમીને મોટા થયા છો એ શહેર, એ સમાજ માટે તમારું સ્વાભિમાન કેમ જાગતું નથી? તમારા સ્વાર્થ અને કાવાદાવા તમને ક્યારેય મોટા નહીં થવા દે. યાદ રાખજો –
સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ
ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ
ભલા કીજે ભલા હોગા, બુરા કીજો બુરા હોગા
યહી લિખલિખકે ક્યા હોગા, યહી કિસ્સા પુરાના હૈ
સજન રે જૂઠ મત બોલો...
હું લડ્યો છું, લડતો રહીશ. સાતમાંથી ત્રણ ચૂંટણીઓ હાર્યો છું. કઈ રીતે હાર્યો છું અને કોણે હરાવ્યો છે એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. હું તો નિમિત્ત હતો, હાર સિદ્ધપુરની જનતાની અને સિદ્ધપુરના તકદીરની થઈ છે, મારી નહીં. અને છતાંય મેં મથવાનું નથી છોડ્યું. નથી કોઈ જમીન લીધી કે નથી કોઈ ઉદ્યોગો ઊભા કર્યા, નથી કોઈ લાંચરૂશ્વત કરી, નથી કોઈ કાવાદાવા કર્યા. મેં જે સૂત્ર પહેલી ચૂંટણી વખતે આપ્યું હતું, ‘સબકા સાથ સબકા વિકાસ’ એ વખતે હું વ્યક્તિગત રાજકારણ કરું છું એવા આક્ષેપો થયા હતા, મેં સહુની એકતાની વાત કરી તો મારા માથે માછલાં ધોવાયાં હતાં. આજે આ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ વડા ભાગવતજી આ જ વાત કરે છે. જમાના કરતાં ૩૦ વરસ આગળ હોવાનું મને ગૌરવ છે. મારી દિશા સાચી હતી. મારી વાત સાચી હતી એનું મને ગૌરવ છે. સહુની એકતા અને સાથ વગર વિકાસ શક્ય નથી. આજે આર.એસ.એસ અને માનનીય વડાપ્રધાન આ વાત કરી રહ્યા છે એ મને ખુબ શાંતિ આપે છે. ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નથી તેનો આ પુરાવો છે.
ખેર! આજે મારે વાત કરવી હતી મારી કેટલીક જડતાઓની અને એ જડતાને આધારે લીધેલા કેટલાક બેવકૂફી કહેવાય તેવા નિર્ણયોની. પણ એ દરેકમાં ઈશ્વરે મારી લાજ રાખી છે. હું આજે જે કંઈ છું તે મારા મા-બાપના આશીર્વાદ અને શિવ, શક્તિ અને સાંઇની કૃપાને કારણે છું. ઘણી બધી સફળતાઓ મળી છે એ ઇશ્વરના આશિર્વાદ છે. પણ કાવાદાવાથી ચૂંટણીમાં મને હરાવીને અને ૨૦૧૨ પછી છેલ્લા દસ વરસથી રીતસર એક આયોજનના ભાગરૂપે ઉત્તર ગુજરાતના જ બે ખમતીધર મંત્રીઓ વિધાનસભા અને મુખ્યમંત્રીશ્રીએ જેને મંજૂરી આપી છે એવા સિદ્ધપુરના હિતના પ્રોજેક્ટને પણ પોતાના અહંકાર અને સત્તાના મદમાં નિયમોની એસીતેસી કરીને પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થયા બાદ પોતાના વ્યક્તિગત અહમ અને મારા પ્રત્યેના કોઈ જ કારણ વગરના અંગત દ્વેષને કારણે મારા સિદ્ધપુરના વિકાસને રૂંધી રહ્યા છે મને એનું ભારોભાર દુઃખ છે. એટલું જ દુઃખ સિદ્ધપુરના ટૂંકાગાળાના સ્વાર્થ ખાતર નાનામોટા ટુકડા શોધવા અને પાટણમાં એક બદનામ હોટલ ધરાવતા, મુફલિસમાંથી માલદાર બનેલા એક ચરિત્રહિન અને કલંકિત નેતાની સાથે મળીને સિદ્ધપુરની બરબાદીની તવારીખમાં ભાગીદાર આ સિધ્ધપુરના આગેવાનો પણ છે. દરિદ્રનારાયણના આ ગુનેગાર છે. ગરીબોના નિસાસા મેળવનાર છે. પ્રભુ એમને સદબુદ્ધિ આપે. મારું સિદ્ધપુર ધમધમતું થાય, એને સ્મશાનની નહીં વિકાસની જરૂર છે એ વાત સૌને સમજાય, સાવ નમાલી સામાન્ય પ્રજા જાગૃત થાય અને દસ-દસ વરસથી સિધ્ધપુરને થતો અન્યાય દાવાનળ બનીને ભભૂકી ઉઠે તે દિવસ મારા માટે ધન્યતાનો દિવસ હશે.
જય સાંઈનાથ
હર મહાદેવ
જય મા શક્તિ
જય ગોવિંદરાય માધવરાય
સિદ્ધપુરના સર્વે દેવીદેવતાઓની સર્વધર્મની આસ્થાની જય
અને છેલ્લે...
मैं गुजरा वक्त नहीं हूं
जो वापस ना आ सकूं
मेरा पानी उतरता देख किनारे पर घर मत बना लेना,
मैं समंदर हूं लौटकर जरूर आऊंगा.
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ.
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.
- મરીઝ
न त्वहं कामये राज्यं न मोक्षं न स्वर्गं नापुनर्भवम्
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम्
मैं राज्य की कामना नहीं करता, मुझे स्वर्ग और मोक्ष नहीं चाहिए ।
दुःख में पीड़ित प्राणियों के दुःख दूर करने में सहायक हो सकू, यही मेरी कामना है ।
જય સાંઈનાથ