વડોદરામાં મારું ગાડું હવે ઠીક ઠીક ગબડી રહ્યું હતું. મને પ્રિય એવા કેટલાક સ્થાનોમાંથી સુરસાગરની વાત આપણે કરી. મારી બાજુની રૂમમાં એક દિલીપ પટેલ રહેતો હતો. કેન્યાથી અહીંયા ભણવા આવ્યો હતો. એના ફુઆ પાદરામાં મામલતદાર હતાં. દિલીપની સાથે મારે સારું બનતું. એ રજાને દિવસે મોટાભાગે પાદરા જાય એટલે ધીરે ધીરે હોસ્ટેલના બધા લોકો એને “દિલીપ પાદરો” એ રીતે ઓળખવા માંડ્યા હતાં. અત્યારે સરકારી અધિકારીઓની સત્તા અને ક્ષમતા બંનેમાં ઘણો બદલાવ આવ્યો છે. તે જમાનામાં મામલતદાર એટલે “Executive Magistrate” કહેવાય. એમની જીપની આગળ લાલ અક્ષરમાં લખાયેલ બોર્ડ લાગે. નાના સેંટરોમાં તો મામલતદાર હાકેમ જેટલી સત્તા ભોગવતા. એ જમાનાની આ વાત છે.
થોડી આડ વાત કરી લઉ.
કેટલાંક વરસો પહેલાં એક સમયના કેબિનેટ સેક્રેટરી પી.એસ.આર. સુબ્રમણ્યમનું એક પુસ્તક “જર્નીસ થ્રુ બાબુડોમ એન્ડ નેતાલેન્ડ:ગવર્નન્સ ઇન ઈન્ડિયા” હાથમાં આવેલું. ૧૯૭૩થી હું પણ સરકારી વહીવટી તંત્રનો ભાગ બન્યો અને ઘણી ઝડપથી સચિવ અને એથીય ઉપરના મુખ્ય સચિવ સમકક્ષ સ્કેલમાં પહોંચી ગયો. ત્યારે પણ તાલુકા અને જીલ્લાના વહીવટી તંત્રને મળવાનું થતું. હું ત્યાં હતો ત્યારે અમારા રીજીઓનલ મેનેજરો શ્રી એમ.આર જોશીપરા, શ્રી વી.સી.પટેલ, ડો. કિરીટ શેલત, શ્રી જે.પી.પટેલ અને શ્રી એસ.કે.સૈયદ નાયબ કલેક્ટરની કેડરમાંથી પ્રતિ નિયુક્તિ પર આવ્યા હતા. આમાંથી શ્રી જોશીપરા GIDCમાં જ રહી ગયા. શ્રી કે.ડી.ત્રિવેદી GNFCમાં સિનીયર પદ પર પહોંચ્યા પણ કમનસીબે ખૂબ વહેલા દિવંગત થયા. બાકીના બધા જ નાયબ કલેક્ટરો IAS બનીને સચિવ કે તેથી ઉપરની કક્ષામાં પહોંચ્યા. સબળસિંહ વાળા મામલતદારની કેડરમાંથી આવ્યા અને GIDCમાં ચીફ જનરલ મેનેજર સુધી પહોંચ્યા. GIDCના એક સક્ષમ અધિકારી જેમનો GIDCના વિકાસ અને વહીવટી પ્રણાલીઓ ઊભી કરવામાં ખૂબ મોટો ફાળો છે તેવા મહેસૂલ વિભાગના અધિકારી શ્રી ડાહ્યાભાઇ આણંદપુરા પણ GIDCમાં ડેપ્યુટી ચીફ એક્જેક્યુટિવ બનીને પછી યુનાઈટેડ ફોસ્ફરસ કંપનીમાં જોડાઈ ડાયરેક્ટર પદે નિયુક્ત થયા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશીયેશન અંકલેશ્વર, ભરુચ કે વલસાડની કેટલીક પાયાની સવલતો ઊભી કરવામાં એમની પ્રતીભા અને દીર્ઘદ્રષ્ટિ ખૂબ કામ કરી ગઈ. આ વિસ્તૃત વર્ણન એટલા માટે કરું છું કારણ કે એ જમાનામાં વહીવટી અધિકારી અને તેમાં પણ મહેસૂલ વિભાગમાંથી આવતા તલાટીથી માંડીને ડેપ્યુટી કલેક્ટરની કક્ષા સુધીના અધિકારીઓ ખૂબ જ ઊંચી વહીવટી ક્ષમતા ધરાવતા હતા જેનો મને અનુભવ છે. આ કારણથી પાદરાના મામલતદારને ત્યાં અમે જઈએ ત્યારે એમનો જે રુઆબ હતો તે જોઈને મનમાં ખૂબ માન સાથે ભય પણ ઊભો થતો. આ કેડર કમનસીબે ઘણી ઘસાઈ છે. હજુ પણ સરકારમાં ઘણા સારા અધિકારીઓ દરેક વિભાગમાં છે પણ એમની સંખ્યા ઘટતાં ઘટતાં ઘીરે ઘીરે આંગળીના વેઢે ગણાય એટલી જ રહી છે.
હું વાત કરતો હતો પી.એસ.આર. સુબ્રમણ્યમની. એમની પુસ્તક “જર્નીસ થ્રુ બાબુડોમ એન્ડ નેતાલેન્ડ:ગવર્નન્સ ઇન ઈન્ડિયા”નાં પેજ નં.૩૫ પર એક અનુભવ આલેખ્યો છે. એ લખાણનો ભાવાનુવાદ કંઈક નીચે પ્રમાણે છે –
૧૯૬૬નાં શિયાળામાં મારે સૈયદપુર સક્સેનાના સ્ટાફ દ્વારા એની નિવૃત્તિના માનમાં આપવામાં આવેલ પાર્ટીમાં જવાનું થયું. હું આ ભોજન સમારંભમાં એની બાજુમાં બેસીને કંઈક અંશે વાસી કહી શકાય એવા વધુ પડતા તીખા સમોસા અને ડહોળાયેલા પાણી જેવી સહેજ હૂંફાળી ચા નો સ્વાદ માણી રહ્યો હતો. સક્સેનાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ એક પછી એક એના ગુણગાન કરતાં ભાષણો આપી રહ્યા હતા. રિવાજ કંઈક એવો હતો કે જે અધિકારી નિવૃત્ત થયા હોય એના સિનિયર અધિકારીઓને આવા પ્રસંગમાં કંઈ બોલવાનું હોતું નહોતું. મારે તો સક્સેનાને માત્ર ફૂલનો ગુલદસ્તો આપવાનો હતો. આ બધું ચાલી રહ્યું હતું તે દરમિયાન મેં સક્સેનાને પુછ્યું “તમે નોકરીમાં લગભગ ૪૦ વરસ પૂરાં કર્યાં. તે દરમિયાન વહીવટી વ્યવસ્થામાં ઘણા બધાં બદલાવ જોયા હશે. તમારા મત પ્રમાણે ખૂબ જ અગત્યનો કહી શકાય એવો એક બદલાવ શું આવ્યો છે?”
સક્સેનાએ ક્ષણભર વિચારીને જવાબ આપ્યો, “સાહેબ! તે દિવસોમાં તહેસીલદાર પોતાની જાતને કલેક્ટર માનતો, તે રીતે વર્તન કરતો અને એને એ રીતે સ્વીકારવામાં પણ આવતું. આજે કલેક્ટરને પણ તહેસીલદાર માને છે અને એવું જ વર્તન કરે છે. પરિણામે તેને તહેસીલદાર જેવુ જ માન આપવામાં આવે છે.!”
આ વાત ૧૯૬૬ની છે. હું એ કલ્પી નથી શકતો કે જો આજનું વહીવટી તંત્ર અને એની દશા જોવા માટે સક્સેના હયાત હોત તો એ શું સરખામણી સામે લાવત?
મેં આ દાખલો એટલા માટે ટાંકયો છે કે હું ૧૯૬૨-૬૩ની વાત કરી રહ્યો છું. જે સમયે મામલતદાર સાહેબ એટલે બહુ મોટી હસ્તી ગણાતી. આજે વહીવટી તંત્રનો જે રીતે વિનિપાત થયો છે તે કદાચ સક્સેનાની પણ કલ્પના બહારની વસ્તુ હોત. આજે કલેક્ટર, ડી.સી.પી. અને સચિવો સુધીના અધિકારીઓને જે રીતે પોતાના રાજકીય આકાઓને ખુશ રાખવા દોડાદોડી કરતા જોઈએ છીએ અને લોકશાહીના નામે વહીવટી તંત્રની આ ખૂબ જ અગત્યની સંસ્થાઓની ગરીમાનું જે નિકંદન નીકળી રહ્યું છે તે કદાચ હું નોકરીમાં હતો તે સમયે એટલે કે ૮૦ના દાયકાના અંતમાં અથવા ૯૦ના દાયકાની શરૂઆતમાં મને કોઈએ કહ્યું હોત તો હું એને ન સ્વીકારત.
દિલીપના ફુઆ તે પાદરામાં મામલતદાર હતા. સુરસાગર હેઠળની ધરતીના દસ્તાવેજમાં જેની સૌથી છેલ્લી સદી છે તે પાદરાના દલા પટેલ અંગેનો ઉલ્લેખ અગાઉ થઈ ચૂક્યો છે પુનરોક્તિમાં પડતો નથી. પાદરા એ સમયે એક તાલુકા મથક હતું અને ખેડાથી માંડી નર્મદા સુધીના પ્રદેશમાં ખેતી થતી તેવી શાકભાજીના વેપાર માટેના મથક તરીકે વિકસી રહ્યું હતું. દિલીપના ફૂઆને ત્યાં સરસ મજાનો નાસ્તો એની ફોઇ ખાસ આગ્રહ કરીને અમને ખવડાવતા. દિવાળી વખતે તો ચરોતરના મઠિયાં અને ચોળાફળીની સાથોસાથ ઘૂઘરા, ફરસીપૂરી વિગેરે તો ખરા જ પણ સાથોસાથ કાજુ, દ્રાક્ષ અને સૂકા મેવાના બાઉલ્સમાંથી ખાવાનું તો ખરું જ પણ બદામ અને કાજુ ગજવે પણ ઘાલવાનાં. કંઈક અંશે દિલીપ પટેલની પાદરાની મુલાકાત ઘરથી દૂર હોવાનો વસવસો ઓછો કરતી. વળી પાછું ક્યારેક મામલતદાર સાહેબની જીપ અમને હોસ્ટેલ પર ઉતારવા આવે ત્યારે જાણે મોટા હાકેમ હોઈએ તે રીતે વટથી અમે નીચે ઉતરતા અને હોસ્ટેલમાં દાખલ થતા. આનો એક ફાયદો એ થયો હતો કે અમારે સરકારમાં બહુ મોટા અધિકારી સાથે ઓળખાણ છે એવો ભ્રમ ફેલાયો. એને કારણે કેટલાક નામ સંબધોમાં ઉમેરાયા તો કેટલાક વળી અમારાથી થોડું અંતર રાખીને ચાલ્યા.
વડોદરાની રખડપટ્ટી
પાદરા સુધી લંબાઈ.
મામલતદાર સાહેબને ત્યાં જતાં આવતા થયા.
એમની રહેણી કરણી અને રુઆબ જોયો.
દિલીપના ફુઆ પ્રમાણમાં ઓછું બોલતા
ઘરમાં પણ સૌ એમની એક આમન્યા રાખતા
કડક ખરા પણ દિલના પ્રેમાળ.
વડોદરા આવ્યા પહેલાં
કોઈ તલાટીની કચેરી પણ નહોતી જોઈ.
સિધ્ધપુરીયા કરીને એક મામલતદાર સાહેબ વતનનો લાભ આપવા સિધ્ધપુરમાં મુકાયા હતાં
આ મગનલાલ સિધ્ધપુરીયાનો દીકરો મુકુંદ એલ.એસ.હાઈસ્કુલમાં દાખલ થયો. માંડ ત્રણેક મહિના રહ્યો હશે
મિત્રતા બંધાઈ પણ ઘરે જવા જેટલી નહીં
એટલે મામલતદાર સાહેબને અમે માત્ર ધ્વજવંદનના કાર્યક્રમમાં જ જોયેલા
પાદરાના મામલતદાર સાહેબ સાથેની આ મુલાકાત એ રીતે
તાલુકાનાં હાકેમ સાથેની અથવા એ કક્ષાના અધિકારી સાથેની
અને તે પણ ૬૦ના દાયકાની શરૂઆતમાં
જ્યારે લોકશાહીના મદમાં આપણે કાયદો અને વ્યવસ્થા તંત્રને ઘોળીને પી નહોતા ગયા.
એ પરિચયની છાપ આજે પણ મારા મનમાં એટલી જ તાજી છે.
પેલા સક્સેના મામલતદારની ભાષામાં કહું તો
એ જમાનામાં મામલતદાર કદાચ આજના કલેક્ટર કરતાં પણ...
ઘણી વધારે સત્તા અને પ્રજાનું માન મેળવતા.
એમનો એક દબદબો હતો
આજે પાદરાના મામલતદાર સાહેબની એ ખુદ્દારી
જેવી ખુદ્દારીવાળા અધિકારીઓ
નથી જોતો ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે છે...
શું આ લોકશાહીની કલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓ એ કરી હશે?
જેમાં માત્ર અધિકારો જ હોય
કોઈ ફરજ નહીં!