સુરસાગર વડોદરાનું હદય ખરું પણ મારા માટે તો મનસાગરનું માન સરોવર.
મૈરાળ ગણપતિ મંદિર જેમ મારા માટે એકાંત ગાળવાનુ સ્થળ હતુ તે જ રીતે બીજી કોઈક જગ્યાઓ પણ મારી મનપસંદ જગ્યાઓમાં સ્થાન પામતી જતી હતી. તે સમયે લગભગ શહેરની મધ્યમાં આવેલુ અને જેના એક છેડે મ્યુઝિક કોલેજ એટલે કે સંગીત મહાવિદ્યાલય અને બીજે છેડે ન્યાયમંદિર જેવા વડોદરાનાં બે વિખ્યાત સ્થળો આવેલાં હતાં. એની નજદીક કંઈક અંશે ગોળાકાર પથરાઈને પડેલું સરોવર એ સુરસાગર. હું જેના પરિચયમાં આવ્યો એવું આ ચોથું તળાવ હતું. પહેલાં બે તળાવડી કહી શકાય એવાં સિધ્ધપુરનાં અલ્પા સરોવર અને બિંદુ સરોવર. ત્યારબાદ અમદાવાદ સાથે પરિચય થયો એટલે મધ્યમાં નગીનાવાડી અને એક બાજુ પ્રાણી સંગ્રહાલય, બીજી બાજુ બાલવાટિકા અને ત્રીજી બાજુ વન ટ્રી હીલથી ઘેરાયેલું કાંકરીયા. ખાસું વિશાળ જેમાં નૌકાવિહારની મોજ લેવાનો જીંદગીનો પહેલો અનુભવ થયો અને ત્યારબાદ આ ચોથું સુરસાગર. વડોદરા શહેરનું એ ઘરેણું. શહેરના જનજીવનના ધબકારા એની પાળે ઘસાઈને ચાલ્યા કરે. અમદાવાદી પોળ અને ગાંધીનગર ગૃહ થઈ આવતો રસ્તો અને બીજી બાજુ માર્કેટ બાજુથી આવતો રસ્તો બંને ભેગા થઈને માંડવી તરફ આગળ વધી જાય એવા શહેરના મુખ્ય બજારો અને એના કાંઠે આવેલા સિનેમા થિયેટરોને કારણે સુરસાગર વિસ્તારની એક જુદી જ ઝાકઝમાળ હતી. રાત્રે એના એક કિનારે ખાણીપીણીનું રાત્રીબજાર ધમધમતુ તો એની સીમા એવા ફુટપાથ ઉપર વડોદરા શહેરનું જનજીવન લટાર મારવા નીકળતું. મહારાષ્ટ્રીયન જીવન પધ્ધતિનો ભાગ એવી વેણી ઘાલીને વડોદરાની માનુનીઓ આ વિસ્તારમાં મહાલતી. આ સુરસાગરની પાળ મારા માટે કલાકોના કલાકો ગાળવાનું સ્થળ હતું.
માણસનાં બે સ્વરૂપ છે. એક આપણે બહારથી દેહરૂપે જોઈએ છે તે અને બીજું એનું અંતરમન જેની દુનિયા સાવ અલગ હોય છે. બહારથી દેખાતો માણસ અને એના અંતરમનની દુનિયામાં જીવતો માણસ ક્યારેક સાવ અલગ હોય છે. માણસની આશા, અપેક્ષા, લાગણી, માન, અપમાન, મહત્વાકાંક્ષા, પ્રેમ, વેર જેવા અનેક ભાવો એ આ દુનિયામાં માત્ર પોતાને માટે જ સંગ્રહીને જીવે છે. એનો આ ખજાનો ભાગ્યે જ ખૂલતો હોય છે. મારૂ પણ એક અંતરવિશ્વ હતું. મારી મર્યાદાઓથી હું કદાચ વધારે પડતો સભાન હતો. ખાસ સારી ન કહી શકાય એવી આર્થિક સ્થિતિ એમાંની એક મોટી મર્યાદા હતી. આ માર્યાદાની સાથોસાથ મા ની ખુદ્દારીને કારણે કંઈક વધારે પડતું કહેવાય તેવું સ્વમાન પણ મારા સ્વભાવનો એક ભાગ હતું. મારા મિત્રો ઘણાબધા ચલચિત્રો જોતા. મોંઘી કહી શકાય એવી રેસ્ટોરાંમાં જમવા પણ જતા. મારે માટે આ શક્ય નહોતું. આ બધામાં પડવું જ ન પડે એ માટે મે એક મુખવટો પહેરી લીધો હતો. માત્ર ગણ્યા ગાંઠયાં જ ચલચિત્રો જોવાનાં અને કેનેરા કાફે કે એવી કોઈ ઉડીપી રેસ્ટોરંટમાં જ નાસ્તો કરવાનો. હા, આ બધા વચ્ચે એક શોખ પાડ્યો એ હતો અઠવાડિયે એક વાર હેવમોરમા કોફી પીવાનો અને એ પણ મોટા ભાગે એકલા જ. ગ્રૂપમાં જવામાં મુશ્કેલી એ પડે કે કોઈક આપણું બિલ ચૂકવી દે તે ગમે નહીં. કારણકે વળતા વ્યવહારે આપણે 10-12 મિત્રોનું બીલ ચૂકવી શકીએ એવી ત્રેવડ નહોતી. શરૂ શરૂમાં પંદરેક દિવસે એકવાર એક ખૂબ વિદ્વાન અને યુનિવર્સિટીમાં ઉચ્ચા હોદ્દે બિરાજમાન અમારા દૂરના સગાને ત્યા જતો કારણ કે મને ઘરેથી એવી સૂચના હતી. થોડાક સમયમાં જ મને એવું લાગ્યુ કે હું અંહિયાં બહુ આવકાર્ય નથી. કદાચ એવું પણ હશે કે આ છોકરો ક્યાંક પૈસા ઉછીના માંગશે એટલે મારી સાથેનો એમનો વ્યવહાર જરા અતડો હતો. ધીરે ધીરે મે પણ આ વાતવરણમાથી મુક્તિ મેળવી લીધી. તમારો કોઈ સ્વાર્થ ન હોય અને તમે કોઈ લાભ ઉઠાવવા ન માંગતા હો તો પણ આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે ઘણીવાર તમારા માટે ઘણુંબધું ધારી લેવાય છે. આ કડવા સત્ય સાથે જ્યારે રૂબરૂ થઈએ ત્યારે એ અનુભવ બહુ સારો નથી હોતો. આ બધા કારણોને કારણે હું વડોદરાના મારા પહેલા વરસમાં એકાકી જીવન જીવતો હતો એમ કહું તો ખોટું નથી.
અત્યાર સુધી તમને લાગ્યું હોય કે આ પરિસ્થિતી મારા માટે વિપરીત હતી તો હવે સાંભળી લો કે આ પરિસ્થિતિએ જ મને મારા મન સાથે વાત કરતો કર્યો. આ પરિસ્થિતિએ જ મારા મનમાં જાત સાથે ઝગડીને પણ આગળ વધવા માટેના નિર્ધારને મક્કમ બનાવવાનું કામ કર્યું હતું. આ પરિસ્થિતિએ જ મને વડોદરા શહેર અને ત્યાંની જીવન પધ્ધતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની તક આપી અને આ જ પરિસ્થિતિએ જ મને ઘડ્યો.
આ ઘડતરનો એક વર્ગખંડ તે સુરસાગર. સુરસાગરની પાળે બેસીને ક્યારેક એના નિલવર્ણા પાણીને, ક્યારેક એમાં ચાલતી એકલ દોકલ નાવડીને જોઈને તો ક્યારેક વડોદરાને ઢાંકી રહેલા નીલ આકાશને જોતાં જોતાં ઘણું વિચાર્યું. આજે પણ મારા નજદીકના મિત્રો હોય ત્યારે હું વાચાળ ખરો પણ મોટા ભાગે મારી અંદરના જય નારાયણ સાથે વાતચીત વધારે ચાલે. આ વાતચીતની તાલીમે મને વક્તૃત્વકલામાં ઝડપથી મુદ્દા પકડી લેતાં શીખવ્યું અને કોઈપણ ડિબેટમાં સંપૂર્ણ એકાગ્રતાથી મન સાથે વાત કરીને લગભગ અભેદ્ય કહી શકાય તેવો ડિફેન્સ કરતાં પણ શીખવ્યું. સુરસાગરની પાળે બેઠા બેઠા વડોદરાનો શહેરી જીવનનો ધબકાર પણ માણ્યો અને એના સામે છેડે ઢમરું બ્રાંડ પાપડની દુકાનને જોતાં જોતાં કેટલી બધી જાતના પાપડ અને સેવ બની શકે એનાથી પણ પરિચિત થયો. ઢમરૂના પાપડ અને સેવ અને બાજુમાં જ આવેલી પ્રતાપ ફાઉન્ટેન પેન બંને વડોદરાની તે સમયની પ્રખ્યાત બ્રાંડ હતા.
સુરસાગરના આ મારા વર્ગખંડ વિષે થોડીક વાત કરી લઈએ. સુરસાગર અગાઉના સમયમાં ચંદન તળાવ તરીકે જાણીતું હતું. 18મી સદીમાં બનેલ આ તળાવની ચારે તરફ પથ્થરોનું ચણતર કરીને પગથિયાં બનાવ્યાં છે. ચંદન તળાવમાથી એનું નામ સુરસાગર કદાચ એના બંબાખાના (ફાયરબ્રિગેડ)વાળા ખૂણે આવેલ દેશની સર્વપ્રથમ સંગીત વિદ્યાલય એટલે કે મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મ્યુઝિક ડાંસ એન્ડ ડ્રામેટીક્સ જેનું શરૂઆતનું નામ સુરસાગર હતું તેને કારણે પડ્યું છે. રમેશ જોશી દ્વારા લખાયેલ પુસ્તક 'ઇમારત અને અવશેષો-વડોદરા નગરીનો પ્રાચીન ઇતિહાસ" મુજબ સુરસાગર તળાવની વાત સુરેશ્વર પંડ્યા નામક વ્યકિત સાથે જોડાયેલી છે જે સુરેશ્વર દેસાઇ તરીકે મોગલ યુગમાં ટેક્સ કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતા. સુરેશ્વર દેસાઇ જે ટેક્સ ઉઘરાવતા હતા તેને સ્થાનિક ભાષામાં 'દેસાઇગીરી" કહેવામાં આવતી હતી. દેસાઇ અને દાલા પટેલની મદદથી ગાયકવાડ વંશજે વડોદરાને મોગલો પાસેથી જીત્યું હતું. મુગલ સલ્તનતમાં કુંવર મંછારામ કૃપારામ નામના એક અધિકારીએ સુરેશ્વર પંડયા કે જે દેસાઇ બન્યા હતા તેને રૂા. ૪૦,૦૦૦ સુધીનો ટેક્સ ઉઘરાવવાનો હક્ક આપેલો હતો. સુરેશ્વર દેસાઇએ પટેલ સાથે મળીને મોગલ સલ્તનત સામે ષડયંત્ર રચીને પ્રથમ ગાયકવાડ પીલાજીરાવને ગુજરાતમાં પ્રવેશ આપ્યો હતો અને ત્યારબાદ ગાયકવાડે મોગલો પાસેથી વડોદરા જીતી લીધું હતું. તે સમયે 'વોલ સીટી"ની બહાર એક તળાવ હતું જેને 'ચંદન" તળાવના નામથી ઓળખવામાં આવતું હતું. ઇ.સ. ૧૭૫૭માં સુરેશ્વર દેસાઇએ આ તળાવને ખોદાવ્યું અને તેને નવો વધુ સારો આકાર આપ્યો. એ પછી આ ચંદન તળાવનું નામ સુરસાગર તળાવ રાખવામાં આવેલું છે.
સુરસાગર તળાવના પેટાળમાં ત્રણથી ચાર પાતાળ કુવા બનાવવામાં આવેલા છે જેના કારણે અતિશય ગરમીના દિવસોમાં પણ આ તળાવમાં પાણી ભરાયેલું જ હોય છે.
સુરસાગર તળાવના પાણીનું સીધું જોડાણ વિશ્વામિત્રી નદી સાથે કરવામાં આવેલું છે. તળાવમાં અંડરગ્રાઉન્ડ ગેટ બનાવવામાં આવેલા છે. જ્યારે અતિવૃષ્ટિ થાય અને તળાવ પાણીથી છલોછલ ભરાય જાય ત્યારે આ ગેટને ખોલી નાખવામાં આવે છે અને વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે અને વડોદરા શહેર સુરક્ષીત રહે છે.
સુરસાગર વડોદરાનું ઘરેણું છે.
એ જમાનાનું વડોદરા અને સુરસાગરની શાંતિ અને ભવ્યતા કદાચ આજે નથી.
અત્યારે તો સુરસાગર તળાવની મધ્યમાં આશરે 120 ફૂટ ઊંચી ભગવાન શંકરની પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
દર શિવરાત્રીએ અહિયા મહા આરતી થાય છે.
ખાસ કરીને દિવસ આથમે અને સંધ્યા ઢળે...
સુરસાગરને કિનારે એ સમી સાંજને માણવા
જનમેદની ઉમટી પડે
નાના મોટા કોઈ ભેદભાવ વગર સહુ કોઈ માણે
સુરસાગરની આ ભવ્ય સાંજ
વાતાવરણ એવું રમ્ય લાગે કે...
મનમા પાકું થઈ જાય
આ સુરસાગર એ જ વડોદરાનું હદય
એની આજુબાજુનું વાતાવરણ
જનજીવનનો ધબકાર
એ જ જાણે વડોદરાના ધબકતા દિલનો ધબકાર
અનેક સાંજ સુરસાગરની પાળે
મનની સાથે વાતો કરતાં
ક્યારેક રંગીન તો ક્યારેક ગભરાવી દે
તેવા ભવિષ્યની કલ્પના કરતાં
વડોદરાને માણતાં
આ શહેરના જનજીવનનો ભાગ બનવાની
મથામણમાં
જિંદગી... મારી જિંદગી
એકલતાને સથવારે વીતી છે.
સુરસાગર વડોદરાનું હદય ખરું
પણ મારા માટે તો મનસાગરનું માન સરોવર.