સિદ્ધપુરથી શરૂ થયેલ મૂળશંકરની રઝળપાટ

છેવટે દ્વારકામાં સન્યસ્ત ગ્રહણ કરી

દયાનંદ સરસ્વતી બને છે.

 

લીલાબાવામાં દયાનંદ સરસ્વતી ક્યારે અને કઈ રીતે પધાર્યા એની વિગતવાર વાત ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તક ‘ઝંડાધારી - મહર્ષિ દયાનંદ’ના બીજા પ્રકરણમાં આલેખાઈ છે. એક કરતાં વધુ રીતે સખત મનોવેદના અનુભવતો મૂળશંકર ઘરેથી કોઈ પરમ તત્ત્વની શોધમાં ભાગી છૂટે છે. એ વખતની એની માનસિકતા અને ત્યારબાદ બનેલી ઘટનાઓને આલેખતા ઝવેરચંદ મેઘાણી લખે છે કે –

“ચાર વર્ષ પહેલાં વીતેલી એ મહાશિવરાત્રિ, બે વર્ષ પહેલાં નીપજેલું બહેનનું મૃત્યુ અને કાકાના મરણનો તાજો ઘા; એ ત્રણે આઘાતોએ ઘવાયેલો મૂળશંકર કોઈ પરમ ધામની ઝાંખી કરવા ઘેરથી નાસી છુટ્યો. નાસીને એણે, પોતાને કોઈ જોઈ જાય અને પિતાને ખબર પહોંચાડી દ્યે એ બીકથી વગડાના આડા માર્ગ લીધા. જીવાપરથી દૂર દૂર નીકળી જવા મૂળશંકરે દિવસ અને રાત ગણ્યા વિના, ઉભાં ખેતરો ચીરીને દોડવા માંડ્યું. ભૂખ, તરસ, થાક એ બધું શરીર–દુઃખ એના અંતરના આવેગ આગળ વિસરાઈ ગયું.

મૂળશંકરે થોડા ગાઉ કાપ્યા, અને એક ઝાડીમાં રાતના થોડા પહોર વિરામ લીધો. પછી પ્રભાતને સમયે પાછી મઝલ શરૂ કરી ત્યાં તો એને બાવાઓની ચાલી જતી જમાતનો સંગાથ થયો. બાવાઓએ એના શરીર ઉપરના ઘરેણાં તરફ આંગળી ચીંધી, વૈરાગ્યની મસ્તીમાં ચડેલા મૂળશંકરે અંગ ઉપરનાં બધાં ઘરેણાં ઉતારી આપ્યાં, શરીર ઉપરનાં સારાં વસ્ત્રો યે કાઢી દીધાં; અને સાધુ નામને કલંક આપનારા એ બાવાઓની સોબત છોડી. મૂળશંકર, માત્ર એક લંગોટીભર અને ભૂખ્યો-તરસ્યો, એકલો આગળ ચાલ્યો.

આખરે એને એક સન્યાસી મળ્યા એ સન્યાસીનું નામ લાલા ભગતરામ. એમની પાસે મૂળશંકરે તેની આખીયે આત્મકથા કહી આપી, અને તેના મનોરથ રજૂ કરી દીધા. ભગતરામ સન્યાસીએ ભાવથી મૂળશંકરને ભગવું વસ્ત્ર પહેરાવ્યું, નૈષ્ઠિક બ્રહ્મચારીની દીક્ષા દીધી, અને શુદ્ધ ચૈતન્ય નામ આપ્યું પછી થોડો વખત મૂળશંકર શુદ્ધ ચૈતન્ય પરિવ્રાજકના નામ નીચે સન્યાસી ભગતરામની સાથે ગૂજરાતના ગામડામાં ફર્યો પણ મૂળશંકરને ભગતરામ પાસેથી વિદ્યાપ્રાપ્તિ ન થઈ. છતાયે કોઈ વિશેષ યોગ્ય ગુરૂનો યોગ ન થયો ત્યાં સુધી તે શુદ્ધ ચૈતન્ય ભગતરામ સન્યાસીનું જ શિષ્યપદ કાયમ રાખ્યું.

થોડા વખત પછી શુદ્ધ ચૈતન્યે સાંભળ્યું કે સિદ્ધપુરમાં સરસ્વતીને તીરે મોટો ધર્મ મેળો ભરાય છે એટલે ચૈતન્યે એ મેળામાં પહોંચવાની તૈયારી માંડી. ભગતરામની રજા મેળવી તેણે સિદ્ધપુરને માર્ગે ચાલવા માંડ્યુ. માર્ગમા તેને તેના પિતાની ઓળખનો એક સાધુ મળ્યો. એ સાધુએ ભગવી કન્થામાં ઢંકાએલા મૂળશંકરને એાળખી કાઢ્યો અને પિતાના ઘરના સુખ-સમૃદ્ધિ ત્યાગી આટલી બાળવયમાં આવું આકરૂં જીવન આદરવા માટે તેને સખ્ત ઠપકો દીધો. પોતાના નિરધારમાં દિવસે દિવસે ઓર દૃઢ થતા જતા ચૈતન્યને એની કશી અસર ન થઈ. પોયણા ઉપરથી પાણીના બિન્દુ નીચા સરી પડે તેમ તેના આત્મ-કમળને, આવા દુન્યવી વચનો સ્પર્શી જરાયે અસર કર્યા વિના નીચા સરી પડતા. ચૈતન્યે, એ સાધુથી જૂદા પડી ઝડપભેર સિદ્ધપુર જવા માડ્યું, અને પેલા સાધુએ મૂળશંકરની શોધના સમાચાર કરસનજી ત્રવાડીને પહોંચાડવા ટંકારાનો માર્ગ લીધો. સિદ્ધપુરમાં શુદ્ધ ચૈતન્યે, સરસ્વતીના કાંઠા ઉપર ગામથી થોડે છેટે ઉભેલા નિલકંઠ મહાદેવના શિવાલયમાં ઉતારો કર્યો, અને સાધુઓ, સંન્યાસીઓ, બાવાઓ, જોગીઓ, મહેતા વગેરે જૂદી જૂદી કોટીના ધર્મના વાઘા સજનારા સમુદાયમાંથી કોઈ લાયક ગુરૂ શોધવા માંડ્યા.

બીજી તરફથી, પેલા સાધુ પાસેથી પુત્રના સમાચાર સાંભળી કરસનજી ત્રવાડી જમાદારના પોશાકમાં સિદ્ધપુર આવી પહોંચ્યા. સાથે ઘોડેસ્વાર સિપાઈઓની ટુકડી હતી. એ નાનકડી ફોજે આખો મેળો ફરી મૂળશંકરની તપાસ કરવા માંડી. આખરે નિલકંઠ મહાદેવના ધામમાં મૂળશંકરનો પત્તો લાગ્યો.

ભગવાં વસ્ત્રો, સુકાઈ ગયેલું મ્હોં, અને દયા આવે એવી દશા જોઈ કરસનજી ત્રવાડીના ભવાં ચડ્યાં, કુળ લજવનારા એ પુત્રને પિતાએ આકરી ગાળો દીધી. તેની કફની ફાડી નાખી, અને એજ મંદિરમાં તેના ઉપર સખ્ત પહેરો ગોઠવી તેને નજરકેદ કર્યો. મૂળશંકરે નીચી આંખોએ એ ચુપચાપ સહી લીધું; અને પેલા સાધુ ઉપર છુપા શ્રાપ વરસાવવા માંડ્યા. છતાં તેણે નાસી છૂટવાની બારી શોધવાનું તો ચાલુ જ રાખ્યું. એક આખો દિવસ અને આખી રાત મૂળશંકર ઉપર એવી ચોકી રહી. કેદીના પિંજરામાં તરફડાટ મારતાં દિવસ તો વિત્યો અને રાત પણ વિતવા માંડી, મૂળશંકરને લઈ ટૂકડી વહેલી સવારમાં ચાલવાની હતી. એ ઘડી નજીક આવતી ગઈ. અને એટલે તો મૂળશંકરની મૂંઝવણ વધતી ગઈ. ચોકીદારો આંખનું મટકું ય માર્યા વિના પહેરા ભરતા ઉભા હતા. એમાં મૂળશંકરને ફરીવાર નાસી છૂટવાનો અભિલાષ કેમ સિદ્ધ થાય? મળસ્કું થયું. મૂળશંકરે નાસવાની બધી આશાઓ છોડી દીધી. પણ ત્યાં તો, આખરે, જાણે જગદીશશ્વરનો આદેશ આવતો હોય તેમ, આખી રાત અખંડ ઉજાગરો કરી થાકી ગયેલો છેલ્લો ચોકીદાર જરા જંપી ગયો, એ લાગ જોઈ શુદ્ધ ચૈતન્યે મૂઠીઓ વાળી દોટ મૂકી, અને નાસી છૂટ્યો. ચૈતન્યને ખબર હતી કે હમણાં જ એની પાછળ પિતાના સવારો છૂટશે. એટલે તે મહાદેવની જગ્યાથી બેએક ગાઉ દૂર, આડે માર્ગે, એક ઝાડીમાં પીપળની ઘટામાં લપાઇ ગયો. ચૈતન્યે, તેની શોધમાં છૂટેલા ઘોડાઓ તેને ભાળ્યા વિના ત્યાંથી પસાર થઈ જાય એ વખતની ફડફડતે હૈયે વાટ જોવા માંડી.

મૂળશંકર પાછો ભાગ્યાની ખબર પડતાં પિતાએ પણ તેની પાછળ ચારે દિશામાં તાબડતોબ સવારો દોડાવ્યા પણ તેમાંના કોઈને મૂળશંકરનો પત્તો લાગ્યો નહીં. અંતે નિરાશ બનીને પિતાએ ઘર તરફ પગલાં માંડ્યાં. અણધારી એ ટૂકડી મૂળશંકરને છુપાવી રહેલી પીપળ નીચેથી નીકળી. એ જોઈ ક્ષણવાર તો મૂળશંકર ગભરાઇ ગયો, પણ સદ્દભાગ્યે કોઇની નજર ઉપરની પીપળ ઉપર પડી નહીં. ટૂકડી તેને માર્ગે ચાલી ગઈ. કરૂણાના સાગર વિભુરાયે શુદ્ધ ચૈતન્યને ફરીવાર બચાવી લીધો, તે માટે તેણે કૃપાનિધાનનાં ગુણાનુવાદ ગાવા માંડ્યાં.

પિતાને પોતાના ગામ તરફ ચાલ્યા જતા નજરે જોવા છતાં, ચૈતન્યની ઝાડ ઉપરથી ઉતરવાની હિંમત ચાલી નહીં. એ આખો દિવસ ઝાડ ઉપર બેસી રહ્યો. રાત પણ ત્યાંજ વીતાવી. એ દિવસે ચૈતન્યને ચોવીસ કલાકનો કડાકો થયો. આખા દિવસમાં, સુભાગ્યે સાથે આવી ગયેલા લોટામાંનું થોડું જળ જ તે ક્ષુધાતૃપ્તિ અર્થે આરોગી શક્યો. બીજે દિવસે સવારે, ભૂખની અશક્તિ અનુભવતા, ચૈતન્ય નીચે ઉતર્યો, અને નજીકના ગામડાના પંથે પડ્યો.

અમદાવાદ અને વડોદરા અને આસપાસનાં ગામ-ગામડાઓમાં ભટકતો, શુદ્ધ ચૈતન્ય, નર્મદાના તીરે આવી પહોંચ્યો. ત્યાં તેણે પરમહંસ પરમાનન્દ સન્યાસીની છાયા નીચે થોડા માસ વેદાન્તનો અભ્યાસ કર્યો. આત્મવત સર્વ ભૂતેષુની ભાવનાનો શુદ્ધ ચૈતન્યને આ પુણ્યસલિલા નર્મદાજીને તીરે પરિચય થયો.

પણ પરમાનન્દજીના છાત્રાલયમાં ચૈતન્યને ઝાઝો વખત ફાવ્યું નહીં. એને વેદ અને વેદાંતના અભ્યાસની તાલાવેલી લાગી હતી. દિવસની એક ક્ષણ પણ બીજા કામમાં ખર્ચવી પડે એથી એને ભારે દુઃખ થતું. અને પરમાનન્દજીના છાત્રાલયમાં દરેક બ્રહ્મચારીને સ્વયંપાક કરવો પડતો. ચૈતન્ય સંન્યાસીની દીક્ષા મેળવી, એ ઉપાધિમાંથી છૂટવા માંગતો હતો. પણ એને એ દીક્ષા ન મળી શકી. એ જ તીરે વસતા એક બીજા સંન્યાસી ચિદાશ્રમે પણ તેને આવી તરૂણ વયે સંન્યાસીનો દંડ આપવાની ના પાડી. ચૈતન્ય સંન્યાસીની દીક્ષા આપે એવા કોઈ સન્યાસીના આગમનની વાટ જોતો નર્મદાને તીરે દિવસો ગણવા માંડ્યો.

ચૈતન્યને, ત્યાં તો, ખબર મળ્યા કે દક્ષિણવાળા પ્રખ્યાત દંડી સ્વામી તેના એક બ્રહ્મચારી શિષ્ય સાથે, નર્મદાને તીરે થઈ, દ્વારકા જાય છે. ચૈતન્ય એ દંડી સ્વામીને મળ્યો અને તેમની સાથે દ્વારકાની યાત્રા શરૂ કરી. દંડી સ્વામીના અમાપ જ્ઞાન અને આદર્શ આચાર જોઈ, ચૈતન્ય એ સાધુવર ઉપર મુગ્ધ થઈ ગયો. એ તપસ્વીના ચરણમાં તેનું મસ્તક ઢળવા લાગ્યું, અને દંડી સ્વામીને પણ ચૈતન્યના વિવેક ચાતુર્ય, અને બુદ્ધિપ્રભા જોઈ તેના ઉપર ભાવ ઉપજતો ગયો. એક દિવસે ચૈતન્ય, સાથેના બ્રહ્મચારી શિષ્ય દ્વારા દંડી સ્વામીને - એ પૂર્ણાનન્દ સરસ્વતીને પોતાની સંન્યાસી બનવાની ઈચ્છા જણાવી.

પ્રથમ તો પૂર્ણાનન્દ સરસ્વતીએ તેની નાની ઉંમર જોઈ ના પાડી, પણ છેવટે, એનો દૃઢ નિશ્ચય જોઈ સ્વામીજીએ શુદ્ધ ચૈતન્યને સન્યાસીની દીક્ષા આપી. એનું દયાનન્દ સરસ્વતી નામાભિધાન કરી એને પોતાના કુલનો સંન્યાસ-દંડ ધારણ કરાવ્યો. એ રીતે, વેદાભાસ્કર બનવાને સરજાયેલો મૂળશંકર તેની ચોવીસ વરસની વયે સ્વામી દયાનન્દ સરસ્વતી બન્યો.”

આમ સિદ્ધપુરથી શરૂ થયેલ મૂળશંકરની સફરમાં છેવટે દ્વારકામાં એણે સન્યસ્ત ગ્રહણ કર્યો અને આર્યસમાજ જેવા મહાન પંથને જન્મ આપનાર સ્વામી દયાનંદ સરસ્વતી આપણને મળ્યા.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles