સિદ્ધપુરમાં તાજીયા – ઇમામ હુસૈન અને સાથીઓની શહાદતને યાદગાર કરતો પ્રસંગ
સિદ્ધપુર એ જમાનામાં મુખ્યત્વે બ્રાહ્મણો અને વહોરાઓ વસતિ ધરાવતું શહેર હતું. આઝાદી પછી ભાગલા પડ્યા એમાં સિદ્ધપુરમાં નિરાશ્રિતો, જેને ગામડાંની ભાષામાં ‘નિરાસી’ કહેતા તે આજના આપણા સિંધી સમાજના ભાઈઓના વડવાઓ સિદ્ધપુરમાં ખૂબ નાની શરૂઆત કરી સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યા હતા. મુસ્લિમોની વસતિ પણ પ્રમાણમાં ઠીકઠીક હતી. આમ સિદ્ધપુરમાં હિન્દુ પર્વોની સાથે સાથે ઈદ અને મહોર્રમ એટલે કે તાજીયા પણ ઉજવાતા. મુસ્લિમોમાં પ્રમાણમાં શિક્ષણ ઘણું ઓછું હતું અને વહોરાઓની સૈફી જયુબિલી હાઈસ્કૂલ હતી. એટલે બંને કોમના બાળકો એક સ્કૂલમાં ભણે એ બહુ શક્ય નહોતું. ક્રિકેટ જેવી રમતમાં પણ એક બાજુ જીમખાનાની ટીમ હતી જેમાં સંજીવનીબાપુ, નંદલાલ ભટ્ટ સાહેબ, ધીરુ પટેલ, ગોવિંદ મોઢ, નવીનભાઈ રાવલ સાહેબ જેવા ખેલાડીઓ રમતા જ્યારે એક યંગ બ્લડ ક્રિકેટ ક્લબ એટલે કે YBCC ટીમ હતી જેમાં મુખ્ય ખેલાડીઓમાં ઇલિયાસભાઈ કાઝી, ઇબ્રાહિમ શેખ, યુસુફભાઈ, નુરૂભાઈ, હુસેનીભાઈ જેવા વહોરા/મુસ્લિમ ખેલાડીઓ રમતા. સિદ્ધપુરમાં આ બે ટીમ ભેગી થઈ અને જો એક ટીમ તરીકે રમતી હોત તો એ સમયે કદાચ આખા ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ટીમ એને હરાવી શકી હોત. કમનસીબે વ્યક્તિગત અહંકાર અને હુંસાતુંસીને કારણે આ શક્ય બન્યું નહીં હોય. સામાન્ય રીતે સિદ્ધપુરમાં કોમી એખલાસના વાતાવરણમાં બહુ તકલીફ નહોતી. આમ છતાંય ક્યારેક ક્યારેક કોમી છમકલાં થતાં જે આગળ જતાં એટલા વધી ગયાં કે સિદ્ધપુરને પોલીસ દફતરે ‘કોમ્યુનલી સેન્સિટીવ’ એટલે કે કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ શહેરની કાળી ટીલી લાગી ગઈ. વારંવાર થતાં છમકલાં અને કરફ્યુ સિદ્ધપુરના ધંધા રોજગારને તોડી નાખવાનું એક મોટું કારણ બન્યા. ગામડાંનો ઘરાક સિદ્ધપુર આવવાને બદલે ઊંઝા, મહેસાણા, પાલનપુર કે પાટણ પસંદ કરવા માંડ્યો. સિદ્ધપુરની સાચા અર્થમાં દશા બેઠી અને એમાં બંધ પડતી જતી ટેક્સ્ટાઈલ મિલોએ પડ્યા ઉપર પાટુ મારવાનું કામ કર્યું.
આમ છતાંય સિદ્ધપુરમાં તાજીયા જોવા જનમેદની એકઠી થતી. મહોર્રમ આવે એટલે ઇમામવાડામાં તાજીયાઓ તૈયાર કરીને મૂકાય અને એના નગાડે ઘા પડે. તાજિયો વાંસની પટ્ટીઓ પર રંગબેરંગી કાગળ અને પિત્તળપાન વિગેરે ચીટકાવી મકબરાના આકારનો બનાવવામાં આવે છે જેની સામે ઇમામ હુસૈનની કબરના પ્રતિક તરીકે માતમ કરવામાં આવે છે અને મરસિયાં ગવાય છે. મહોર્રમ મહિનાના ૧૧મા દિવસે એનું સરઘસ કાઢી દફન કરવામાં આવે છે. ઇમામ હુસૈનના રોજા-એ-મુબારક (દરગાહ)ની હૂબહૂ નકલ એટલે તાજિયો. તાજીયાદારીની શરૂઆત ભારતમાં બાદશાહ તૈમૂર લંગના સમયમાં થઈ. ત્યારબાદ ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી જ્યારે ભારત પધાર્યા ત્યારે તેમણે અજમેરમાં એક ઇમામવાડો બનાવ્યો અને એમાં તાજીયા રાખવાની એક જગ્યા પણ બનાવી. અહીંથી દુનિયાના અન્ય દેશ જેવા કે પાકિસ્તાન, બાંગલાદેશ વિગેરેમાં પણ તાજીયાપ્રથા પ્રસરી.
ઇસ્લામ ધર્મના બે મુખ્ય તહેવારો, એમાં ઈદ એ આનંદ ઉલ્લાસનો તહેવાર અને મહોર્રમ એ હજરત ઇમામ હુસૈન અને કરબલાના અન્ય શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આજથી લગભગ ૧૪૦૦ વરસ પહેલાં હજરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ શહાદત સ્વીકારી એનું મહત્વ માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પણ કોઈ પણ સમાજ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈનો સમર્થક છે, જે માનવીય આદર અને સત્યની સાથે ઊભો છે તે આ શહાદત અને શહીદોએ વેઠેલી યાતના, કોઈ પણ અત્યાચાર અને દમન વિરુદ્ધ માથું ઝુકાવવાને બદલે માનવ અધિકાર માટે મોતને ભેટવું પડે તો તે પણ વાજબી છે, તેનું સમર્થન કરે છે. આ શહીદોની યાદને તાજી કરતો મહોર્રમ એ શોકનો તહેવાર છે. તે દિવસે હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજીયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને એનું જુલૂસ કાઢવામાં આવે છે. આ જુલૂસમાં સિદ્ધપુરમાં એ જમાનામાં પોલાદીવાસમાંથી એક તાજીયો નીકળતો. નવાવાસમાંથી એક, ઋષિ તળાવ વિસ્તારમાંથી એક અને છુવારા ફળીમાંથી એક તાજીયો નીકળતો. આ બધા તાજીયાનું જુલૂસ ઝાંપલી પોળ ભેગું થતું અને ત્યારબાદ કોટના પીર પાસે નદીના પટમાં આવેલા કૂવામાં આ તાજીયા ટાઢા કરવામાં આવતા એટલે કે જળસમાધિ આપવામાં આવતી. કેટલાક વરસો પહેલાં આવેલા પૂરમાં આ કૂવો નદીમાં ગાયબ થઈ ગયો ત્યારથી હવે પ્રતિકરૂપે તાજીયા ટાઢા કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
એ જમાનામાં શોક મનાવતા નગાડાના તાલે ‘યા હુસૈન.. યા હુસૈન..’ એમ બોલીને છાતી કૂટતા અને કેટલાક કિસ્સામાં તો પોતાની જાતને સાંકળથી મારતા લોકોને જોઈને બાળક તરીકે થોડી બીક પણ લાગતી પણ તાજીયાના જુલૂસ અને તેમાંય તાજીયાની કલાકારીગરી જોવાની મજા આવતી.
એ જમાનામાં ચાર તાજીયા નીકળતા જે આજે પણ નીકળે છે. મહોર્રમનો આ સમય ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદત અને ૧૧ દિવસ એ શહાદતનો માતમ સિદ્ધપુરના મુસ્લિમ ભાઈઓ મનાવે અને છેલ્લે દિવસે તાજીયાનું જુલૂસ નીકળે ત્યારે સિદ્ધપુર જ નહીં પણ આજુબાજુના ગામડાંથી લોકો જોવા આવે. એ ભીડભાડના દ્રશ્યો હજુ આજે પણ નજર સામે તરવરે છે.