featured image

આજની શિક્ષણ વ્યવસ્થા સામાજિક અસમાનતા સર્જે છે - બાળકનું બચપણ છીનવી લે છે.

આજની શિક્ષણ વ્યવસ્થા
ગરીબો અને તવંગરોમાં
ઉભી થતી સામાજીક અસમતુલા અને...
એને કારણે સાચી પડતી પંક્તિઓ

"દેખા દેખી સાધે જોગ
પડે પંડને લાધે રોગ"

સમાજમાં અત્યારે જેની પાસે બે પૈસા છે અને પોતાનું બાળક સારી બોર્ડિંગ સ્કૂલમાં રહી ભણે તેવી દેખાદેખીથી બાળકને ભણવા માટે નાની ઉંમરે દૂરના સ્થળે અજમેર, કોડાઈ કેનાલ, દાર્જીલીંગ, સીમલા, દહેરાદૂન જેવાં સ્થળે આવેલ સંપૂર્ણ અંગ્રેજી માધ્યમ અને સારી સવલતો ઉપરાંત શૈક્ષણીક સ્ટાફ ધરાવતી સ્કૂલોમાં મોકલે છે તેમની આ વાત છે. આ પ્રકારની સંસ્થામાં ભણવાને કારણે બાળકમાં સ્વાવલંબન અને સ્વયંશિસ્ત જેવાં ગુણો તેમજ અન્ય ક્ષમતાઓ વિકસતી હશે જેની વાત આજે નથી કરવી. સવાલ માત્ર શિક્ષણની ગુણવત્તા પૂરતો મર્યાદિત નથી. સવાલ માત્ર બાળકોને ઘર અને મા-બાપથી દૂર રહેવાના કારણે તેમના પ્રેમથી વંચિત રહેવું પડે છે અને કુટુંબની હૂંફ નથી મળતી તેનો છે.

આ સંદર્ભમાં ગાંધીજીના વિચારો મને વધુ આકર્ષી ગયા છે. શ્રી રામનારાયણ ચૌધરી લિખિત પુસ્તક બાપુ-મારી નજરેનાં પાન નં.117 પર એમણે પોતાનો જ એક અનુભવ ટાંક્યો છે-

રામનારાયણજીએ તેમનાં બાળકોને દિલ્લી પાસે એક જગ્યાએ વિદ્યાશ્રમ નામની બાલશિક્ષણની સંસ્થા હતી તેમાં ભણવા માટે મૂક્યા હતાં. એક દિવસ બાપુ તે સંસ્થા જોવા ગયા. શ્રી રામનારાયણજીના બાપુ સાથેના સંબંધો અને નિકટતા જોતાં સંચાલકોએ તેમના બાળકોનો ખાસ પરીચય કરાવ્યો. રામનારાયણજી પોતે ગાંધી વિચારથી આકર્ષાઈ બાપુ સાથે ગાંધીકાર્ય કરવા જોડાયા હતા. બાપુ સાથે પરીચય કરાવવામાં આવ્યો તે ચિ.પ્રતાપ વિગેરે રામનારાયણજીનાં બાળકો હતા એટલે નારાજગી પૂર્વક બાપુએ સંસ્થાના સંચાલકોને કહ્યું, “શું રામનારાયણનાં બાળકો પણ અહીં છે? ત્યારે તો તે લાયક પિતા ન ગણાય. તેના જેવા સેવકે ને શિક્ષકે તો પોતાનાં બાળકોને પોતાની પાસે રાખીને તાલીમ આપવી જોઈએ.”

રામનારાયણજીને બાપુના આ અભિપ્રાયની ખબર પડી એટલે પોતાની શંકાનું સમાધાન કરવા તેમણે બાપુની અજમેર મુલાકાત દરમિયાન આ શંકાનું સમાધાન કરાવવા માટે બાપુને વિનંતી કરી ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો, “સામાન્ય રીતે માતાપિતા પાસેથી જ પ્યાર બાળકોને મળે છે, જે સ્વાભાવિક શિક્ષણ મળે છે, તે પરાયા લોકો પાસેથી ન મળે. મા-બાપ બાળકોની જેવી સારસંભાળ રાખે તેવી પરાયા લોકો ન રાખી શકે. પોતાનાં બાળકોને શિક્ષણ આપવાનું આ કામ કાર્યકર્તાઓ માટે તો વધારે મહત્વનું છે. પોતાનાં બાળકોને કેળવણી આપવામાં તેમની ધીરજની, તેમની લાયકાતની કસોટી થાય છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે માતાપિતાની છત્રછાયાથી દૂર રહેનાર બાળક ઘણુંખરું બગડી જાય છે.”

આ વિષય આજે એટલા માટે ચર્ચું છું કે આપણે ત્યાં એક ચોક્કસ કહેવાતો ભદ્ર અને શ્રીમંત વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. આજે પણ તેમને એમનું બાળક સામાન્ય બાળકો સાથે ભણે તે મંજૂર નથી. તેમનાં બાળકો દેશની પ્રખ્યાત બોર્ડીંગ સ્કૂલોમાં ભણે છે. આ વાત તક મળે તેઓ પોતાની સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ રજૂ કરવાનું ચુકતા નથી. ઘરથી દૂર રહેવાના કારણે બાળક બગડી જાય છે તેટલો અંતીમવાદી વિચાર હું નથી ધરાવતો પણ એ શરૂઆતના તબક્કે હિજરાય છે. મા-બાપ, દાદા-દાદી કે ભાઈભાંડુનાં પ્રેમથી વંચિત રહી જાય છે અને સરવાળે સ્વાવલંબીથી આગળ જઈને સ્વકેંદ્રી બની જાય છે એવું મેં પણ ઘણા કિસ્સામાં જોયું છે.

અત્યાર સુધીની સરકારોનો પણ આ દોષ છે. શિક્ષણના ખાનગીકરણના નામે એમણે શિક્ષણનો વેપાર કરતી હાટડીઓ ખૂલવા દીધી છે. પરીણામે સરકરી શાળાઓ માત્ર વંચિત અને સાધનવિહીન લોકોના બાળકો માટેનું જ શિક્ષાકેન્દ્ર બની રહે છે. આમ કરવાના બદલે સરકારે સૌને સરખું શિક્ષણ મળે એ હેતુથી શાળાઓ સરકારને હસ્તક જ રાખી હોત, એમના વિકાસનું પૂરતું ધ્યાન રાખ્યું હોત અને ગરીબ તવંગરના કોઈ ભેદ વગર બધા જ બાળકો માધ્યમિક શિક્ષણ સુધી એક જ વાતાવરણ અને સવલતો સાથે ભણે તેમ કર્યું હોત તો સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પણ જળવાઈ રહી હોત અને સાથોસાથ સામાજીક સમરસ્તાનો એક મોટામાં મોટો પ્રયોગ અને પદાર્થપાઠ આવી શિક્ષણ પધ્ધતિ બની હોત.

આથી ઊલટું આજની શિક્ષણ પધ્ધતિ સામાજીક અસમતુલા ઊભી કરવાનું અને એને પોષવાનું માધ્યમ જાણે-અજાણે બને છે. સ્વાભાવિક છે સરકારની નિશાળો આ કારણસર ગુણવત્તાની દ્રષ્ટિએ પણ પાછી પડતી ગઈ છે. સમાજના એક સક્ષમ વર્ગને આ શાળાઓ કઈ રીતે ચાલે છે અથવા કેવું શિક્ષણ અપાય છે એ અંગે કશી જ પડી નથી. કારણ કે એમનાં બાળકો એમની સાધન અને સંપત્તિના જોરે ઊંચી ફી અને સારી સવલતો ધરાવતી ખાનગી શાળાઓમાં ભણે છે. સરખી બુદ્ધિમત્તાનો આંક(આઈ.ક્યૂ.) ધરાવતાં ગરીબ બાળકો આ કારણસર તવંગરોનાં બાળકો કરતાં પાછળ રહે છે અને સરવાળે આ શિક્ષણ વ્યવસ્થા હરીફાઇના આ યુગમાં ગરીબીને કારણે ઊભી થતી વંચિતસ્થિતિ (પોઅર્ટી લેડ ડિપ્રાઈવેશન)નો શિકાર બની સામાજીક અસમતુલા વધારવામાં કારણભૂત બને છે.

આપણે ગાંધીજીના વિચારોને નહીં અનુસરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. એ વાત તો જ્યારે ઘરથી દૂર રહીને મોટું થયેલ બાળક પોતાના કુટુંબના અન્ય સભ્યોની સાથે લાગણીસભરને બદલે શુષ્ક વ્યવહાર કરે ત્યારે થાય છે. આમ, સુધરેલા અને પૈસાદારોના કિસ્સામાં પણ કાચી ઉંમરમાં જ્યારે બાળકની લાગણીઓ પરિપક્વ થઈ રહી હોય છે ત્યારે કંઈક અંશે આ લાગણીઓ નહીં પોષાતાં આ રીતે ઉછરેલ બાળક માત્ર પોતાનો જ વિચાર કરીને ચાલનાર બને ત્યારે થાય છે. અને પોતાની સ્થિતિ નહીં હીવા છતાં ખેંચાઈને એમની આંધળી નકલ કરનારના કિસ્સામાં ઉભી થતી પરિસ્થિતી તો દયાજનક હોય છે. એટલે જ કહ્યું છે કે-

“દેખા દેખી સાધે જોગ
પડે પંડને લાધે રોગ”


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles