Thursday, September 3, 2015
જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ મનમાં એક છુપું દરદ વિકસતુ જતું હતું. આ વડોદરુ એવું શહેર હતું જેની સાથે હું પ્રેમમાં પડી ગયો હતો. અન્ય શહેરોની સરખામણીમાં જેને સ્લીપીંગ સીટી એટલે કે નિંદ્રાની શાંતિમાં પડેલું શહેર કહી શકાય એવું વડોદરુ બરાબર પૂનાની લગોલગ શૈક્ષણિક તેમજ પેન્શનર્સ પેરેડાઈઝ સીટી તરીકે જાણીતુ હતું. અહીંયા યુનિવર્સીટી, એની હોસ્ટેલો અને એમાંથી ઉભરાઈને બહાર જતો ફાલ એટલે શહેરમાં પણ રુમ રાખી, ખાનગી છાત્રાલય કે પોતપોતાની જ્ઞાતિના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ હતા. વેકેશન પડે એટલે આ શહેર જાણે કે કોમામાં જતું રહેતું. લગભગ બધું જ સૂમસામ લાગે અને જેવું વેકેશન ખૂલે કે ઘટાદાર વટવૃક્ષની ડાળે કલ્લોલ કરતા પંખીઓની જેમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓથી એ ઉભરાઈ જતું. જેવું સત્ર શરુ થાય કે થોડાક જ સમયમાં યુનિવર્સીટીની ચૂંટણીઓ આવતી. આ ચૂંટણીઓની પણ એક અલગ મજા હતી. ભાતીગળ સૂત્રો ડામરની કાળી સપાટીને જાણે કે જીવંત કરી દેતાં હોય તે રીતે રસ્તા અને દિવાલો ખીલી ઉઠતાં. ભાતીગળ પોસ્ટર વાતાવરણને એકદમ રંગીન બનાવી દેતાં. પ્રચાર માટે જાતજાતના નૂસખા અપનાવાતા. ક્યાંક માથે જોકર જેવી ટોપી પહેરી પીપુડાં વગાડતા સ્કુટર કે મોટરબાઈક સવારો નીકળી પડતા તો ક્યાંક વળી વાંજીત્રોના વૈભવ સાથે પ્રચારનો વરઘોડો નીકળતો. યૌવનનો મહાસાગર પૂર્ણિમાની ભરતીની જેમ હિલોળે ચડે એનો પમરાટ હોસ્ટેલથી માંડી કોલેજના કેમ્પસ અને વર્ગખંડો સુધી ફેલાઈ જતો. એમ. એસ. યુનિવર્સીટીમાં જનરલ સેક્રેટરી કે વાઈસ પ્રેસિડેન્ટ બનવું એ એક મોભો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલ આ યુનિવર્સીટીના પહેલા જનરલ સેક્રેટરી હતા. તો જશભાઈ એટીકેટી જેવા આજીવન સેવા અને નેતૃત્વના ભેખધારી પણ આ બધી પ્રક્રિયાના જ પેદાશ હતાં.
થોડોક સમય વીતે અને ગણેશ ચતુર્થી આવે. ગણેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વડોદરુ રંગાઈ જાય. તે વખતની આ શહેરની ખાસિયત એ હતી કે (જે આજે પણ કદાચ થોડી ઘણી જીવંત છે.) કે ગરીબ હોય કે તવંગર સહુ પોતાની શક્તિ પ્રમાણે તહેવારો માણી શકતા. લક્ષ્મીની છોળંછોળનું વરવું પ્રદર્શન એ જમાનામાં નહોતું અને સામાન્યતઃ બસ અથવા સાયકલ પર પ્રવાસ કરનાર એક મોટો વર્ગ હતો. મૂળ મરાઠી શાસનનું આ શહેર એટલે એની ગણેશોત્સવ ઉજવવાની એક આગવી છટા હતી અને તેમાં પણ માર્કેટ કે રાજમહેલના ગણપતિ ખૂબ આકર્ષણ જમાવતા. ગણપતિ બાપા મોરીયા પૂઢચ્યા વરસી લૌકરયા ના નાદ સાથે આ દૂંદાળા દેવને વિદાય અપાયાનાં સંસ્મરણો હજુ લીલાં હોય ત્યાં તો નવરાત્રિના દાંડિયા રાસનો થનગનાટ એના આગમનની છડી પોકારતો આવી જતો.
નવરાત્રિ એટલે તો યૌવનનો ઉત્સવ. આ સમય જ એવો છે કે જ્યારે યુવાની હિલોળે ચડે. મનનો મોર થન થન થનગનાટ કરતો નાચી ઉઠે. માંડવીની પોળમાં અંબાજી માતાના મંદિરે દર્શન માટે લાઈનો લાગે. રોશની થાય દિવાળીની થોડી થોડી ઝલક દેખાવા માંડે. એ સમયે ત્યાં ગરબા ગવાય પણ મહદ્અંશે દાંડિયા અથવા તાળીના તાલે પુરુષો અને સ્ત્રીઓ મા ને રિઝવતા ગરબા મોડી રાત સુધી ગાય. આધુનિક ગરબા અને ફેન્સી ડ્રેસનો ઝગમગાટ જોવો હોય તો અલકાપુરી કે કુંજ સોસાયટીમાં લટાર મારવી પડે. પોતપોતાના ગ્રુપમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને નીકળી પડે. રાત્રે મોડા સુધી રઝળપાટ અને પછી સ્ટેશન પર આવેલી ગેલોર્ડ હોટલમાં શાહી ઠાઠથી ચા પીવાની. ગેલોર્ડની એક બીજી વિશીષ્ટતા હતી. ત્યાં જ્યુકબોક્ષ હતું. પાવલીનો સિક્કો નાંખો અને પસંદગીનું ગાયન વગાડો. મને હજુય યાદ છે એક વખત એ હોટલના વ્યવસ્થાપક સાથે અમારા એક મિત્રને સર્વિસ બાબત થોડી બોલાચાલી થઈ. વાત પતી ગઈ પણ પેલો ભાઈ મગજ વગરની આઈટમ હતો. એણે કાઉન્ટર પરથી દસ રુપિયાના ચાલીસ પાવલીના સિક્કા લીધા અને સાયગલનાં કેટલાંક ખાસ ગાયનો પસંદ કરીને ધડાધડ ચાંપો દાબી દીધી. જ્યુકબોક્ષ તો ક્રમ પ્રમાણે જેણે સિક્કા નાંખ્યા હોય તેનું જ ગાયન વગાડે એટલે હોટલમાંથી ઘણી બધી ભીડ કંટાળીને ઉઠી ગઈ. પેલા કાઉન્ટરવાળાએ સૂલેહનો સફેદ ઝંડો ફરકાવ્યો એટલે અમારા આ મિત્રે બાકીના ગાયનો કેન્સલ કરાવી પૂરા પૈસા પરત લેવાનું સ્વીકાર્યું અને એક મહાન એપિસોડ પૂરો થયો.
આ ગેલોર્ડ હોટલ પણ શહેરનો એક લેન્ડમાર્ક હતી. કદાચ આજે પણ છે. વડોદરાની એક વિશીષ્ટતા છે. મુંબઈ – દિલ્હી અને મુંબઈ – અમદાવાદ જતી આવતી મોટાભાગની ગાડીઓ ત્યાં રાત્રે આવે છે. એટલે જેમ બ્રિટીશ સલ્તનત પરથી સૂર્ય આથમતો નહોતો બરાબર તે જ રીતે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપરથી ચહલ પહલ ક્યારેય આથમતી નથી. ઉલટાનું રાત જામે તેમ ગેલોર્ડ જેવી હોટલો ઉભરાતી હતી. પરિક્ષા ચાલતી હોય ત્યારે જેને રાત્રે બે વાગ્યે ચા પીવાની તલબ લાગે અને રુમમાં ન બનાવવી હોય તે સાયકલનું પેંડલ મારી બે ત્રણ મિત્રો સાથે ગેલોર્ડ પહોંચી જાય તો સરસમજાની ચા મળી રહે. જોખમ એ હતું કે ત્યાંથી ઉઠવાનું મન ન થાય એટલે મોટા ભાગે એ ચા પીવાના ફાયદા કરતાં સમયની બરબાદી ઘણું મોટું નુક્સાન કરે. જો કે એ દિવસો જ એવા હતા કે જ્યારે કોઈ બંધનમાં બંધાઈને જીવવાનું ગમે નહીં. આવું નિર્બંધ પણ બિનહાનિકારક જીવન જે જીવ્યા નથી તેમણે વડોદરામાં રહીને પણ ઘણું ગુમાવ્યું છે. નવરાત્રિની આ રાતો તો વહી જાય પણ છેવટે શરીર શરીરનું કામ કરે જ. મોડા ઉઠાય અને સવારનો પિરિયડ બલી ચઢી જાય. જો કે એક બીજી વ્યવસ્થા વિદ્યાર્થીઓએ વિક્સાવી હતી જે મેં એમ. એસ. યુનિવર્સીટી સિવાય ક્યાંય સાંભળી નથી. કોઈપણ ક્લાસના વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક “નો મૂડ” સ્ટ્રાઈક પાડતા. “નો મૂડ”નો અર્થ થાય કે અમને આજે ભણવાનો મૂડ નથી. કહો આવી બાદશાહી ક્યાંય સાંભળી છે ? ક્રિકેટ મેચ ચાલતી હોય અને એના અંતિમ તબક્કામાં હોય તેની કોમેન્ટરી સાંભળવા આખો ક્લાસ નક્કી કરી આવી એક બે પિરિયડની હડતાલ પાડે. નવરાત્રિ સમયે અથવા ઉત્તરાયણ સમયે પણ આવી હડતાલ પડે. શિક્ષણ વ્યવસ્થામાં આવડો મોટો સ્વૈરવિહાર એમ. એસ. યુનિવર્સીટીની એક વિશીષ્ટતા હતી.
નવરાત્રિ વીતે એટલે સામે દિવાળીના દીવા બળતા દેખાય પણ કરમની કઠણાઈ એવી કે સેમેસ્ટર પદ્ધતિ હોવાને કારણે કાં તો દિવાળી પહેલાં પરિક્ષા આવે કાં તો દિવાળી બાદ ખુલતા વેકેશને પરિક્ષા આવે. પહેલાં આવે તો હજુ સારું પણ ખુલતા વેકેશને આવે તો દિવાળીની મજાનું સુરસુરીયું થઈ જાય ! જેવું વેકેશન પડે કે તરત ઘરે ભાગવાની ઉતાવળ હોય. જેવી જેને ઘરેથી ફરમાઈશ એવી ખરીદી મર્યાદિત બજેટમાંથી કરીને બેગ પેક કરી સીધા સ્ટેશન. વડોદરાના આટલા બધા આકર્ષણ છતાંય ઘરે જઈ વતનની માટીની મહેંક અને કુટુંબ તેમજ મિત્રોની ચાહત અનુભવવા માટે મન તડપી ઉઠતું. આમાં ક્યારેક બીજું એક વિઘ્ન આવતું. શરુઆતનાં બે વરસ ક્યાંક ક્યાંક એનસીસીવાળા વિલન બને અને કેમ્પ બેમ્પ રાખે તો બધી મજા કચરો થઈ જતી.
વેકેશન ખૂલે પરત આવીને કોલેજ અને હોસ્ટેલનું જીવન થાળે પડે ત્યાં ઉત્તરાયણ આવતી. વડોદરાની ઉત્તરાયણ ખૂબ સરસ. શહેરમાં રહેતા મિત્રો કે સગાવ્હાલાને ત્યાં પહોંચી જવાનું અને ભરપૂર મજા ઉઠાવાની. વાસી ઉત્તરાયણ શબ્દ મેં પહેલીવાર વડોદરામાં સાંભળ્યો. આ દિવસ પણ લગભગ ઉત્તરાયણને સમકક્ષ ગણી પતંગબાજી થતી. યોગાનુયોગ કહો કે ગમે તે પણ ઘણી બધી ઉત્તરાયણના દિવસે કોઈને કોઈ ટેસ્ટ મેચ ચાલુ હોય એટલે ધાબા ઉપર કોમેન્ટ્રી ચાલુ. તલસાંકળીથી માંડી જુદા જુદા વ્યંજનોની જાફત પણ ખરી અને છેલ્લે રાત પડે ટુક્કલ ચડાવાની મજા. આ દિવસ જ પૂરો ન થાય તો કેવું સારું ? એવું અમને લાગે પણ સૂરજ નારાયણ થોડા થોભે ? ધાબા ઉપર ચડેલું વડોદરુ ધીરે ધીરે નીચે ઉતરે અને થાક્યું પાક્યું રાત્રિનું શરણુ શોધી લે. જો કે કેટલાક ઉત્સાહી જીવ તો ત્યારે પણ ટુક્કલની મજા માણતા હોય.
ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ગાળાનાં કેટલાંક વિશેષ આકર્ષણો હતાં. જુદી જુદી ફેકલ્ટીઓ (વિદ્યાશાખાઓની કોલેજો)માં ફન ફેર એટલે કે આનંદ મેળા યોજાતા. આ બધામાં પણ ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ એટલે કે ગૃહવિજ્ઞાન ફેકલ્ટીના ફન ફેરમાં ભારે ભીડ ઉમટતી. કહેવું જરુરી નથી કે વ્યંજનો કરતાં વિદ્યાર્થીનીઓની આ કોલેજમાં વિદ્યાર્થીઓને કંઈક વિશેષ રસ પડતો. જો કે ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સનો ફન ફેર પણ વખણાતો. આ જ રીતે દરેક હોસ્ટેલ લગભગ આજ સમયગાળામાં હોસ્ટેલ ડે ઉજવતી. એ દિવસે ટેરેસ પર બધા ભેગા થાય અને કમ સપ્ટેમ્બર ચલચિત્રની અતિ લોકપ્રિય ધૂન પર ડાન્સ પણ થાય. એ દિવસે જમવામાં “બડાખાના” એટલે કે ફીસ્ટનું આયોજન બપોરે હોય અને સાંજે સરસમજાનો નાસ્તો હોય. અલબત્ત આ બધો ભાર કન્યાની કેડે એટલે કે અમારા ગજવા પર જ પડતો. પણ જે આનંદથી અમે ઉજવણી કરતા એવો નિર્મળ આનંદ પૈસાથી થોડો મળે ?
હોસ્ટેલ ડેની માફક દરેક કોલેજ એનો ફેકલ્ટી ડે ઉજવતી. સરસમજાનો કાર્યક્રમ થાય. યુનિવર્સીટીમાંથી વાઈસ ચાન્સેલર કે પ્રો-વાઈસ ચાન્સેલર તેમજ અન્ય કોઈ વિશીષ્ટ મહેમાન પણ આવે. માઉથ ઓર્ગનથી માંડી જલતરંગ સુધીની કલામાં માહિર વિદ્યાર્થી પોતાની આઈટમ રજૂ કરે. કેટલાક ફિલ્મી અથવા ક્લાસિકલ ગાયનો કે પછી મીમીકરી પણ રજૂ કરે. આ બધાને સ્ટેજ પર જોઈએ ત્યારે અહોભાવ થતો. ભગવાને પીસ્તાલીસ કિલો વજનની આ કાયામાં એવી કોઈ વિશીષ્ટ આવડત મુકી નહોતી એટલે એક આદર્શ પ્રેક્ષક બની રજૂઆત કર્તાઓને વધાવવા સિવાય બીજું કોઈ યોગદાન મારે પક્ષે રહેતું નહીં. અત્યારે આ કાયા પંચાણુ કિલોની છે. છેલ્લા પચાસ વરસમાં પચાસ કિલો વધારાનું વજન ખડક્યું છે. પ્રશ્નનો પ્રકાર બદલાયો છે. એ વખતે વજન વધારવાનો પ્રશ્ન હતો અત્યારે ઘટાડવા માટે મથામણ કરવી પડે છે. જો કે હવે સ્ટેજ પર કે ટેલીવીઝન પર પર્ફોમ કરતાં ઠીક ઠીક આવડ્યું છે એવું હું માનુ છું. બાકી મારા કાર્યક્રમોનો ભોગ બનનાર પ્રેક્ષકો જાણે !
વજન ઓછું હતું એનો જીંદગીમાં એક કાયમી અફસોસ રહી ગયો છે. ભગવાનની દીધી સાહસવૃત્તિ તો એ વખતે પણ હતી. લશ્કરની શિસ્ત અને રુઆબ આજે પણ મને પ્રભાવિત કરે છે. વડોદરામાં EME એટલે કે મિલીટરી એન્જિનિયરીંગ કોર્પ્સનો મોટો કેમ્પસ છે. એ કેમ્પસમાં દર વરસે લશ્કરી સરંજામનું પ્રદર્શન યોજાતું. ટેન્કથી માંડી બધા જ આયુધ ત્યાં જોવા મળતાં. આ પ્રદર્શનમાં મેં કલાકો ગાળ્યા છે. આ કેમ્પસમાં જ એક સરસમજાનું મંદિર આર્મીએ બાંધ્યું છે. જ્યારે જ્યારે સમય મળ્યો એ મંદિરના લગભગ અર્ધવર્તુળાકાર કહી શકાય એવા ઘુમ્મટ નીચે બેસીને મેં ફોજમાં જવાનાં સપનાં જોયાં છે. મારા જ સહાધ્યાયી ચીટનીસ અને સહાની ફોજમાં જોડાયા. હું અંડરવેટ હતો ન જોડાઈ શક્યો. આજે પણ મને એ કઠે છે. આટલું બધું વજન પછીથી વધવાનું હતું તો પાંચ સાત કિલો વજન વધારે આપીને મને ભગવાને પચાસ કિલો પાર કરાવી દીધું હોત તો ? બાકી બધાને પહોંચી વળત. લશ્કરમાં જવાનો મોટો ફાયદો એ છે કે તમારો દુશ્મન કોણ છે અને એના ઉપર તમારે કઈ રીતે ઘા કરવાનો છે તેમજ એ તમારા પર કેવો વળતો પ્રહાર કરશે એ તમે જાણો છો અથવા અંદાજ મુકી શકો છો. કહેવાતી સીવીલીયન વસતીમાં મોટા ભાગે દુશ્મન ક્યાં છે અને એ કેવો ઘા કરશે એ બાબત આપણે અંધારામાં જ રહીએ છીએ ! અને કદાચ એટલે જ સલામતી નિષ્ણાતોએ કહ્યું છે કે “Danger to the life comes from the direction least expected.” તમને જીવનું જોખમ અણધારેલી દિશામાંથી જ આવે છે. ખેર, બધા બધું જ નથી થઈ શકતા.
હોસ્ટેલમાં ધુળેટીની પણ એક મજા હતી. મારી બાજુની રુમમાં રહેતો જશભાઈ ભગત, સામે રહેતો જ્યંતિ નાયક અને ફીટર તેમજ સિયામવાલા જેવા કેટલાક ઉત્સાહી જીવ ચડ્ડી બનિયાનધારી બનીને વહેલા બહાર પડે. હોસ્ટેલના આંગણામાં જ પાણી ભરીને એક નાનું તળાવડા જેવું બનાવાય. જેમ જેમ આવતા જાય તેમ તેમ હાથ પગ પકડીને ટીંગાટોળી કરી પેલા કાદવીયા પાણીમાં ભિશાંગ કરતા ફેંકે. પછી આ બધા પણ આ ટોળીમાં જોડાઈ જાય. આમાંથી બચવા મેં એવી ટેકનીક અપનાવી હતી કે જાતે જ જઈ કાદવસ્નાન કરી લેવાનું પછી કોઈ વાંધો નહીં. આ બધું બાર સાડા બાર સુધી ચાલે. ક્યાંક રંગનો પણ ઉપયોગ થાય. પછી આ લશ્કર વિજયના ઉન્માદ સાથે કૂંચ કરી જાય બાથરુમો ભણી. ઝડપથી ન્હાઈ ધોઈ તૈયાર થઈ સીધા મેસમાં. કકડીને ભૂખ લાગી હોય. એ દિવસે ફ્રૂટસલાડ, ગુલાબજાંબુ, દુધીનો હલવો, ફ્રૂટ શીખંડ જે કંઈ હોય એનો દુશ્મનના સૈનિકોની માફક કચ્ચરઘાણ કાઢી નાંખવાનો. અમારા આ મહાવીરોમાં પચાસ સાઈઠ ગુલાબજાંબુ કે પચ્ચીસ ત્રીસ વાડકી ફ્રૂટસલાડ ઠપકારી જનાર પણ હતા. જેવું આ ખાવાનું પેટમાં પડે એટલે રુમમાં જઈ સીધા લંબાવી દેવાનું તે સાંજ પડજો વહેલી. આજે આ બધું યાદ કરીએ છીએ ત્યારે કાકા સાહેબ કાલેલકરના શબ્દો યાદ આવી જાય છે. “તે હિ નો દિવસા ગતાઃ” અફસોસ ! અમારા એ દિવસો વહી ગયા. ત્યારે પરિક્ષામાં પાસ થઈએ તો ખુશ ખુશ થઈ જવાનું. આજે જો ફરી જનમ મળે તો પરિક્ષામાં નપાસ જ નપાસ થયા કરું. મારી હોસ્ટેલ તો ન છૂટે !!
વરસ પૂરું થાય અને પરિક્ષાઓ આવે એનો એક અલગ જ ધમધમાટ હોય. આજે આ વાત નથી કરવી. આવતા લેખમાં એ જોઈશું. મેં પેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જેને કારણે વડોદરું છુટવાનું નહોતું મને એનો ખ્યાલ છે. પરિક્ષાઓ પતવા દો પછી એની વાત.