સિદ્ધપુરનાં અનેક પ્રાચીન સ્થાનોમાં જેનો ઉલ્લેખ કર્યા વગર ચાલે જ નહીં એવી જગ્યા અંગે વાત કરવી છે. આમ તો કારતકનો મેળો ભરાય અથવા એમનેએમ પણ માધુ પાવડિયાં ઊભા રહીને ઉગમણી દિશામાં નજર કરીએ તો પુરાતન કિલ્લા જેવી બાંધણીવાળું અને ચારેય બાજુથી સુરક્ષિત એક મકાન દ્રષ્ટિગોચર થાય છે. મરવાના વાંકે જીવતું એનું બાંધકામ જીર્ણશીર્ણ થઈ ગયું છે પણ પેલી ઉક્તિ ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત બુલંદ હોગી’ મુજબ એક જમાનામાં અહીંયાં એક ભવ્ય ઇમારત ઊભી હશે એવું આજે પણ કહી શકાય. આમ તો બાળપણમાં લાલપુરના રસ્તે આવેલા આ મઠમાં બાપાની આંગળી પકડીને ગયાનું આછું સ્મરણ છે. એવું કહેવાય છે કે સિદ્ધપુરમાં નાના મોટા સાતથી આઠ મઠ છે. મઠનો અર્થ થાય સાધુબાવાઓને રહેવાનો બાંધેલા મકાનના રૂપનો આશ્રમ. આ જ રીતે સાધુબાવા દ્વારા બાંધવામાં આવેલ દેવસ્થાનને મઢ કહેવામાં આવે છે. બાપા મને આ જગ્યાએ કોઈ ગોસ્વામીજી રહેતા હતા તેમની ઓળખાણને કારણે અને એથી વિશેષ તો આ જગ્યામાં આવેલ ભૈરવ અને ગણપતિજીના દર્શન કરવા માટે લઈ ગયા હતા. તે સમયે ગણપતિજી નદી તરફ મુખ કરીને બેસાડેલા હતા જે ત્યારબાદ આવેલ મહાભયાનક પૂરમાં પૂરનાં પાણી ગણપતિજીની કેડની ઉપર જવાને કારણે ત્યાંથી ખસેડીને અન્યત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. બ્રહ્માંડેશ્વર બાજુ પણ એક મઠ આવેલો છે જેને મોટો મઠ કહે છે.
આજે વાત કરવી છે થળીના મઠની. પહેલાં થળી શબ્દ સમજીએ. થળી એટલે જગ્યા, સ્થળ અથવા સ્થાન. થળીનો મઠ એટલે સાધુબાવાઓને રહેવા માટે બાંધેલા મકાનના રૂપમાં આશ્રમનું સ્થાન. આ મઠ અંગેનું એક લખાણ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામના ગોસ્વામી દિનેશપુરી નરભેરામનો લેખ જે ગોસ્વામી પ્રકાશના દીપોત્સવી વિશેષાંકમાં પ્રગટ થયો હતો તેના પરથી મળે છે. આ લેખના માધ્યમ થકી થળીના મઠ વિષે માહિતી આલેખવાનો પ્રયત્ન કર્યો છે. કહેવાય છે કે એક જમાનામાં સરસ્વતી નદીમાં નાવ ચાલતી હશે ત્યારે એને લાંગરવા માટેના કડાં થળીનાં મઠની દીવાલ સાથે જોડાયેલા હતા. છેલ્લાં ૫૦૦ કરતાં વધારે વરસનો ઇતિહાસ પોતાના ઉદરમાં સંઘરીને બેઠેલ આ સ્થાનક અનેક ચઢતીપડતીઓનું સાક્ષી બન્યું છે.
ભારતની તીર્થભૂમિ ઉપર અનેક સંસ્થાઓ, આશ્રમો, મઠો, મંદિરો, ગુરુદ્વારો અને અખાડાઓ છે. આવા અખાડામાં એક ૫૦૦ વર્ષ જૂનો મઠ પાટણ જિલ્લામાં સિદ્ધપુરની તીર્થભૂમિમાં થળીના મઠથી પ્રખ્યાત છે. થળી મઠની સ્થાપના સ્વામીજી મહંતશ્રી કેવળપુરી મહારાજે કરેલ છે. સ્વામીજી મહારાજનું મૂળ વતન પંજાબ હતું. ત્યાંથી પોતે ભારતનું પરિભ્રમણ કરવા નિકળેલ અને સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે બેસી પોતે ધૂણી તાપતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. તે સમયે ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈ પુત્રની પ્રાપ્તિ માટે સ્વામીજીની લિંગ પૂજા કર્યા પછી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ તે સમયે અહલ્યાબાઈએ સિદ્ધપુરમાં નદીના પૂર્વ કિનારે વિશાળ મકાન બાંધી આપેલ છે. બીજુ મકાન શિહોરી તાલુકામાં બનાસ નદીના પૂર્વ કિનારે બાંધી આપેલ છે અને જલાલપુર પાદર ગામ આપેલ છે.
સ્વામીજી મહંત શ્રી કેવળપુરીજી મહારાજે ગુજરાતમાં આ બે જગ્યાએ તપશ્ચર્યા કરી આવી બીજી પણ જગ્યાઓ આપેલ છે. આ જગ્યાઓ ઇન્દોર તેમજ બુંદી કોટા તેમજ પંજાબમાં આવેલ છે. આ જગ્યાઓ પણ મહંતશ્રી કેવળપુરીની થળીના નામે પ્રખ્યાત છે. હાલમાં આ જગ્યા ગુજરાતમાં આવેલ બીજા મઠો અને અખાડાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
સંવત ૧૬૧૩માં પોતે તપશ્ચર્યા કરતાં તે સમયે સરસ્વતી માતાજી મહારાજશ્રીને પ્રસન્ન થઈ તેમને વરદાન આપેલ કે આપના વંશની સહાય કરીશ. પછી મહારાજશ્રીએ બનાસનદીના કિનારે જીવતા સમાધિ લીધેલ છે. એ પછી મહંતશ્રી દેવપુરી મહારાજને થળીની ગાદી ઉપર બેસાડવામાં આવેલ. તેઓએ પણ આ જગ્યાએ જીવતા સમાધિ લીધેલ છે. આ પછી મહંતશ્રી મંગળપુરીજી મહારાજે પણ જીવતા સમાધિ લીધેલ છે. ત્રીજી પેઢીના મહારાજ મહંતશ્રી મંગળપુરી મહારાજે સંવત ૧૭૨૮ની સાલમાં સરસ્વતી નદીના કિનારે વિષ્ણુ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યાર પછી અંબાજી માતાનું મંદિર બંધાવેલ છે. તે સમયે મઠના પ્રતિષ્ઠિત સંત મહંત શ્રી કેવળપુરીજી મહારાજના પગલાની સ્થાપના કરીને કારતક સુદી ૧૫ને દિવસે દશનામી સાધુ સમાજને ભોજન આપવાનું (ભંડારો કરવાનો) આયોજન રાખ્યું તે સમયે રસોઈ બનાવતાં સમયે ઘી ખૂટવાથી સરસ્વતી માતાજીની પ્રાર્થના કરી તેમના વહેતા પ્રવાહમાંથી ઉછીનું લઈ ડબ્બા ભર્યા ને રસોઈ બનાવી પ્રસંગની પૂર્ણાહૂતિ કરી. તે સમયે બ્રાહ્મણો પણ માતાજીને આજીજી કરી પ્રવાહમાંથી લોટા ભરવા ગયા ત્યારે મહારાજે માતાજીનું પેટ ચુંથવાની ના પાડીને કહેલ કે હું તમને ભોજન કરાવીશ તો બ્રાહ્મણોએ માતાજીની પાસેથી કશુ જ લીધા વગર વચનનું પાલન કરીને વચનનો સ્વીકાર કર્યો. આજ સુધી પણ મહારાજ દર ઉત્તરાયણને દિવસે બ્રહ્મ ભોજન આપે છે. અને કાર્તકી પૂનમનો ભંડારો પણ આજના દિવસ સુધી ચાલુ જ છે. તેમના વખતથી તેમને જાગીરીમાં પાલનપુર નવાબે બે ગામ આપેલા - આમલૂન અને ગંગાપુરા, ત્રીજુ જલાલપુર (આઠવી) વડોદરા ગાયકવાડ પાસેથી ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈએ આપેલ તેમજ બે નિશાન, બે છડીઓ, બે ચમરો, બે છત્રીઓ, એક સૂર્યમુખી, ચંદ્રમુખી પણ આપેલ છે. આ વસ્તુઓ મહારાજશ્રી બહાર નીકળે ત્યારે સાથે રાખવામાં આવે છે. આ પછી મહંતશ્રી પદમપુરીજી મહારાજ થઈ ગયા. તેમના પછી મહંતશ્રી કેશરપુરીજી મહારાજ આવ્યા તે સમયે શિહોરી ગામમાં ગાયને વાચા ખુલીને બોલી કે મારે અહીયા સમાધિ લેવી છે. તો થળીમાંથી મહારાજશ્રીને બોલાવો તે વખતે મહંતશ્રી કેશરપુરી ત્યાં જઈને પોતે સમાધિ મંત્ર ઉચ્ચાર કરી રહ્યા હતા. ત્યાં જ પૃથ્વી માતાએ માર્ગ આપ્યો ત્યારે ગાયે અને વાછરડાએ ત્યાં સમાધિ લીધેલ છે. આજ સુધી પણ આ જગ્યાએ દર વર્ષે આસો સુદી ૧૫ના દિવસે મેળો ભરાય છે. લોકો માતાજીના દર્શનાર્થે એકઠા થાય છે. તેમના પછી મહંતશ્રી ગોવિંદપુરીજી મહારાજ થઈ ગયા. તેમનું વર્તન ખરાબ હોવાથી તેમને ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પછી મહંતશ્રી ગંગાપુરીજી મહારાજ થઈ ગયા તે સમયે તેમની જાગીરીનું ગામ જલાલપુર પાદરે દર વર્ષે બળીને ભસ્મ થઈ જતું હતું. જલાલપુર પાદર વર્ષે નવું તોરણ બાંધવામાં આવતું ત્યારે મહંતશ્રી ગંગાપુરીજી મહારાજે ત્યાં જોગણીયા માતાજીની સ્થાપના કરી ગામનું નામ બદલાવી ઓઢવા નામ રાખવામાં આવ્યું ને આજ સુધી ઓઢવા નામથી પ્રખ્યાત છે.
તેમના પછી મહંતશ્રી ચમનપુરીજી થઈ ગયા તેમના સમયમાં મઠમાં અતીતોનું સંગઠન ન રહેવાથી મહારાજશ્રીના નામને ચલાવવા માટે આ જગ્યામાં સરીપદ ગાના બલોચ સોરાલખા પાસે આ જગ્યામાં લૂંટ ચલાવવામાં આવી હતી. પરંતુ તેમનો વંશ રહ્યો નથી.
તે સમયે પછી મહંતશ્રી મોહનપુરીજી મહારાજ થઈ ગયા અને આ પછી મહંતશ્રી માણેકપુરી મહારાજ થઈ ગયા. તેના સમયમાં જાગીરીના ગામ કોંગ્રેસ સરકારે નાબૂદ કર્યા. તેમના પછી મહંતશ્રી ૧૦૮ શ્રી સ્વામીજી મહંત શ્રી હરિપુરીજી મહારાજ ગાદી ઉપર બિરાજ્યા અને તેમના સમયના મકાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા અને ધીમે ધીમે ખેતી આધુનિક ઢબની કરી અને ઉત્પાદન વધાર્યું છે. તેમજ અભ્યાગત સાધુ સંતોની સેવામાં સમાજનો સારો ફાળો આવ્યો છે. ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દયાની ભાવના ખુબ જ છે. સંવત ૨૦૩૧ની સાલમાં દાંતીવાડા ડેમ તૂટવાથી પોતાની ઘણી ખરી જમીન તણાઇ જવાથી ભારે નુકશાન આવેલ પરંતુ તેની પરવા કર્યા વિના આજ સુધી આંગણે આવેલને સત્કાર આપીને અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
મહંત હરિપુરીજી મહારાજે બે મોટા ભંડારા પણ કર્યા અને જીવ્યા ત્યાં સુધી જગ્યામાં ખૂબ જ લાભ કરાવેલ છે. અને પૂજ્ય મહંતશ્રી હરિપુરીજી બાવા તા. ૫.૩.૧૯૯૯ના ફાગણ વદ ૩ ને શુક્રવારના રોજ બ્રહ્મલીન થઈ ગયા. તેઓ ૩૨ વરસ સુધી ગાદીપતિ તરીકે રહ્યા અને કૈલાસગમન કર્યું.