આજે પચાસ વરસની ઉંમરે પહોંચ્યો હોય તેને તો આ વાક્ય ‘તીડ આવ્યા’ કદાચ સમજાય જ નહીં –

તીડનું આક્રમણ

બાળપણને એક અત્યંત રમૂજપ્રેરક અને કાંઈક અંશે રહસ્યમય લાગે તેવો અનુભવ હતો તીડ આવવાં. આ તીડ લાખોની સંખ્યામાં આક્રમણ કરતાં.

તીડ આવે એટલે પહેલા તો ક્ષિતિજે જાણે કે વાદળું ચઢીને આવતું હોય તેવું દેખાય. ધીરે ધીરે આ વાદળું નજદીક આવતું જાય અને આકાશ લાખોની સંખ્યામાં ઊડી રહેલા આ જીવથી ભરાઈ જાય. તે દ્રશ્ય હવે ભૂતકાળ બની ગયું છે કારણ કે આ તીડ જે રણપ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાં ઈંડા મૂકી એક સાથે કરોડોની સંખ્યામાં ત્યાંથી ખોરાકની શોધમાં ઉડવા માંડતા અને જ્યાં પડે ત્યાં ઊભો પાક ઘડીના છઠ્ઠા ભાગમાં ખાઈ જતાં, તૈયાર થવા આવેલો ખેડૂતનો પાક, ઝાડનાં પાંદડા અને કૂણી ડાળખીઓને છાલ સમેત ખાઈ જતા જીવડાને પેદા થતાં પહેલાં જ મારી નાખવા માટે લોકસ્ટ કંટ્રોલ એટલે કે તીડ નિયંત્રણ મિશન આંતરરાષ્ટ્રીય સહયોગથી હાથ ધરવામાં આવ્યું જેને પરિણામે હવે આ તીડ ભૂતકાળ બની ગયાં છે. આજે લગભગ ૬૦ વરસનો થયો હોય તેવી વ્યક્તિએ તો આ તીડનું આક્રમણ જોયું પણ નથી કારણ કે ૭૦ના દાયકા બાદ તીડ ભૂતકાળ બની ગયા છે.  

ગુજરાતી લેક્સીકોનમાં તીડ વિષે નીચે મુજબનું વર્ણન કરવામાં આવ્યું છે.     

‘તીડ એટલે એક જાતનો પાંખાળો જીવ; વનસ્પતિ અને પાકનો નાશ કરનારૂં તીતીઘોડાની જાતનું ઊડતું જીવડું. આ જીવડાં એક મોટી આફત જેવાં ગણાય છે, કારણ કે તે એટલી મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે કે કોઈ કોઈ વાર તેઓ પાક અને વનસ્પતિ ખાઈ જઈ મોટા પ્રાંતોના પ્રાંતો ઉજ્જડ કરી નાખે છે. મોટાં વાદળાં જેવાં તેનાં ટોળાં આકાશને ઢાંકી દે છે અને જ્યાં વનસ્પતિ અને પાક દેખે છે ત્યાં ઊતરી પડે છે. મજબૂત મોટું ઝાડ પણ તેની ઉપર પડેલાં તીડને ભારે ભાંગી પડે છે અને જે ભાગમાં તે ઊતર્યાં હોય તે ભાગમાં એક લીલું પાંદડું કે પાકનો કણ પણ તેમનાથી બચવા પામતો નથી. ગરમ તેમ જ ઠંડા મુલકોમાં બધે જ તે ઊતરી પડે છે. ઘણા પ્રાચીન કાળથી તીડને એક મોટી આફત સમાન ગણાય છે. હિંદમાં વાયવ્ય સરહદ, રજપૂતાના, સહ્યાદ્રિની તળેટીઓ અને બીજા રેતાળ પ્રદેશોમાં તીડો ઉત્પન્ન થાય છે. કઋતુનો વરસાદ થઈ રેતી ભીંજાય એટલે તીડની માદા તેમાં દર પાડી રોજ પચાશથી સો ઈંડાં મૂકે છે અને એક મહિનામાં તે પુખ્ત ઉમરે પહોંચે છે. આસપાસની વનસ્પતિ ખાઈ તે ફરીને ઈંડાં મૂકે છે. તેઓ મોટાં ટોળાંમાં પાક ઉપર તૂટી પડે છે. એક દિવસમાં ૩૬ માઈલ લગી તે ઊડે છે. હિંદુસ્તાન, ચીન, મિસર, યરપ અને આફ્રિકમાં વારંવાર તેઓ પાકનો ઘાણ કાઢી નાખે છે. જેવા ઝપાટે તે ઉત્પન્ન થાય છે તેવા જ ઝપાટાબંધ મરી જાય છે. તેમનાં કહોતાં ખોખાંથી હવા બગડી ઉજ્જડ થયેલો દેશ પાછો મરકી જેવા રોગમાં ફસાય છે. અગણિત સંખ્યાને લીધે અત્યંતતા બતાવવાને તીડનાં ટોળાં એમ કહેવાય છે. તીડનાં ખોખાંનો ખોરાક તરીકે પણ કેટલાક જંગલી લોકો ઉપયોગ કરે છે. તીડને લીધે અનાજનો જ નહિ પણ વનસ્પતિ સુદ્દાંનો નાશ થાય છે. પાકવાળા મુલકોમાં જ્યારે તે ઊતરી પડે છે ત્યારે ત્યાં ત્રાસ ત્રાસ થઈ રહે છે. તેનું મૂળ વતન સિંધ અને રજપૂતાના છે. ઇંડાંમાંથી નીકળતાં તીડ કાળાશ પડતાં પાંખ વિનાનાં હોય છે. સેવાયા પછી થોડા દિવસે નાનાં તીડો એક જગ્યાએ એકઠાં થઇ મોટાં લશ્કર માફક ખેતરો તરફ કૂચ કરે છે. પાંખ વિનાની અવસ્થા છ માસ .ચાલે છે. પાંખો વિનાની અવસ્થા છ માસ ચાલે છે. પાંખો આવ્યા પછી તેઓ મોટાં મોટાં ટોળાંમાં નવીન જગ્યા તરફ ઊડતાં જાય છે. પીળાં કે જાંબુડાં રંગના તીડોનું ટોળું દેખાય ત્યારે સમજવું કે ઈંડાં મૂકવા ક્યાંક બેસવાનું. ઈંડાં મૂકતી વખતે માદા ચીકણો પદાર્થ કાઢે છે. તેથી ઈંડાં ગઠ્ઠામાં બંધાઈ જાય છે. ઘણાં તીડો ઈંડાં પાસે પાસે મૂકતાં હોવાથી થોડા એકર જમીનમાંથી ૨ મણ એટલે ૪૦ લાખ ઈંડાં એકઠાં કરી શકાય. તેના ઉપાય તરીકે ઈંડાં મૂકેલી જગ્યા ખોદી નાખવી અને ઈંડાં દાટી દેવાં. સેવાયા બાદ તરત જ તીડો કચરી નાખવાં. પાંખ વિનાનાં તીડો જે તરફ આવતાં હોય ત્યાં એક મોટી લાંબી ખાઈ કરી રાખવી, એટલે તીડો તેમાં પડતાં જશે. પછી ધૂળથી દાટવાં. પાંખવાળાં તીડો માટે ઘાસ કે કચરાની લાંબી વાડ કરવી. તીડોને તેમાં હાંકી મૂકી વાડ સળગાવી દેવી. પાંખવાળાં નાનાં તીડો આવે ત્યારે નગારાં, ડબા વગેરેનો ખૂબ અવાજ કરવો, એટલે તીડ બીજી દીશામાં જતાં રહેશે. ધૂમાડા કે વાવટાથી તેને બિવરાવી નસાડવાં. માદા ડાંગરનાં ખેતરના શેઢાની જમીનની અંદર ઓક્ટોબરથી નવેંબર સુધી લીલા અને પીળા રંગના ઈંડાં મૂકે છે. નાનાં તીડોનો રંગ સહેજ લીલો પીળો હોય છે. શરૂઆતમાં શેઢા ઉપર થતું ઘાસ ખાવાનું તે શરૂ કરે છે અને પછી ડાંગર ખાય છે. ચોથી વખત ચામડી બદલ્યા પછી તીડનો રંગ વધારે લીલો હોય છે અને પાંખ આવવી શરૂ થાય છે. પછી તીડનો રંગ ડાંગરનાં પાંદડાં જેવો થઈ જાય છે.’

મારા બાળપણમાં એક કરતાં વધુ વખત તીડનું આક્રમણ જોવાનો મોકો મળેલ. આ તીડ પડે એટલે પાક તો સફાચટ કરી જાય પણ ડબલા વગાડીને એને ખેતરમાં પડતાં ઉડાડી દેવા માટે એક બેન પોતાનો ત્રણ-ચાર મહિનાનું બાળક લઈને ખેતરે ગઈ હતી, એને શેઢા ઉપરની ધરોમાં સૂવાડી આ બેન ડબો ખખડાવતી રહી અને એના બેધ્યાનપણામાં પેલા બાળક ઉપર તીડનો થર થઈ ગયો. ખેતરનો પાક તો ન બચ્યો પણ પોતાનું વહાલસોયું બાળક પણ ગુમાવ્યું એવો કિસ્સો મારા બચપનમાં સાંભળ્યો હતો.

ઉશનસના પુસ્તક ‘સદમાતાનો ખાંચો’ના પાન નં. ૨૨-૨૩ ઉપર એમણે પોતાના બાળપણમાં સિદ્ધપુર ઉપર થયેલ તીડનાં આક્રમણનું આબેહૂબ વર્ણન કર્યું છે. માધુ પાવડિયે રમતા રમતા માણેલી ઘટનાનાં સંસ્મરણો વાગોળતા શ્રી ઉશનસ લખે છે -  

‘આ પાવડિયાંનાં તો કંઇ કેટલાંય સ્મરણો છે. સિદ્ધપુરની અમારી જિંદગી ઘર કરતાં અહીં પાવડિયાંમાં જ વધારે વ્યતીત થઈ છે. એક વાર અમે સૌ આ પાવડિયાં નીચેના પટમાં હડિયાદોટીની કોઈ રમત રમતા હતા. બપોરનો વખત હતો. માથા ઉપર ઉનાળાનો સૂર્ય સખત તપતો હતો, ત્યાં કોણ જાણે ક્યાંથી કશુંક વાદળિયું વાતાવરણ થઈ ગયું, ગ્રહણમાં થાય એમ સૂરજ ઢંકાઈ ગયો જોતજોતામાં એક વાદળિયા છાયામાં. ઘડી પહેલાં તો આકાશ ચોખ્ખુંચટ્ટ હતું, ચોમાસાના દિવસો પણ નથી. તો આ શું હશે? અમને કંઇ સમજણ પડી નહીં, ને અમે રમતા જ રહ્યા; જોયું તો આ વાદળું ઉત્તર તરફથી દક્ષિણ ભણી ખસતું હતું ને ધીમે ધીમે નીચે ઉતરતું આવતું હતું. વચ્ચે વચ્ચે આખા ગામની કાબરો ને કાગડા ઊડતાં હતાં. પાવડિયાં ઉપરથી જ બૂમ સંભળાઈ : ‘અલ્યા છોકરાંઓ, દોડતાં અહીં પાવડિયાં ઉપર આવતા રહો. આ તો તીડ આવ્યા તીડ !’ અમે સૌ દોટ મૂકીને પાવડિયે ચઢી ગયાં. ઉત્તરનાં રણપ્રદેશ તરફથી આ તીડનાં ટોળેટોળાં ઉમટ્યા હતાં તેનું આ વાદળું હતું તે હવે કંઇ સમજાયું. કાબર-કાગડાને આજે ભારે જ્યાફત રહી. તીડનું ટોળું ફંટાઇને પછી વહેળાપારનાં વગડા તરફ વળી ગયું ને આકાશ પાછું ચોખ્ખું થઈ ગયું. પણ નીચે જોયું તો આ સૂકો પટ હવે તીડોથી છવાઈ ગયો હતો. નાના નાના છોડવાઓ ઉપર પાને પાને તીડ બાઝ્યાં હતાં. કેટલાંક મરેલાં તીડ હતાં તેમના ઉપર ભૂખ્યાં કાગડા-કાબર તૂટી જ પડ્યાં હતાં. જાણે મહાભારતનું ૧૯મા દિવસનું યુદ્ધક્ષેત્ર. બસ ત્યાર પછી આવડા મોટા જથ્થામાં ક્યારેય તીડ જોયા નથી. અધધધ કેટલાં બધાં હતાં એ ! બંને હાથ વીંઝીને માથા ઉપરથી ઉડાવવા પડતાં હતાં એટલાં બધાં તે અમારી નજીક ઊડતાં હતાં ! પછી તો તીડો વિષે ઘણું જાણવા મળ્યું છે પણ પછીય આવું આગમન તો ક્યારેય માણવા મળ્યું નથી. કાગડા-કાબર તો એમને અદ્ધર ઊડતાં જ અદ્દલ ચાંચમાં ઝડપી લેતાં હતાં એ દ્રશ્ય હજુ ભૂલ્યો નથી હું.’ (સદમાતાનો ખાંચો, ઉશનસ, પાન નં. ૨૨-૨૩)

આ તીડ જેવો ખાઉધરો જીવ ભાગ્યે જ ભગવાને બીજો કોઈ બનાવ્યો હશે. બે-ત્રણ વરસે એકાદ વખત તો તીડનું આક્રમણ થતું. ખેડૂતના ‘તીડ આવ્યા’ એવો શબ્દ સાંભળતા જ હોશકોશ ઊડી જતાં. આજે પણ કોઈ અકરાંતિયો બનીને ખાવા ઉપર તૂટી પડે તો એના માટે ‘ભૂખ્યા ડાંસ જેવો’ અથવા તો ‘ભૂખ્યા તીડ જેવો’ શબ્દ વપરાય છે.             


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles