તીર્થગોરના ચોપડા – સાડા ચારસો વરસ જૂની એક રસપ્રદ પરંપરા
સિદ્ધપુર સ્ટેશને ટ્રેનમાંથી ઊતરીએ અને જેવા પ્લેટફોર્મ છોડીને બહાર આવીએ અને જો તમે સિદ્ધપુરના નથી એવું લાગે તો યજમાનવૃત્તિ કરતા સિદ્ધપુરના ભૂદેવો તરત તમારી ઊલટતપસ શરૂ કરે – કોણ છો? ક્યાંના છો? વિગેરે પ્રશ્નો પૂછાય અને એને અંતે જો એવું બહાર આવે કે તમે માતૃશ્રાદ્ધ કે એવી કોઈ વિધિ કરવા માટે બહારથી આવ્યા છો તો પછી ખરેખરની કમાલ શરૂ થાય. ગજબની ઝડપે તમારા પૂર્વજોમાંથી કોઈ સિદ્ધપુર આવ્યું હોય તો એની વિગતોનો હિસાબ મળી જાય એવી અહીંની ચોપડા પરંપરા ખૂબ સચોટ અને નીવડેલ પ્રથા છે. જેમ મુંબઈના ડબ્બાવાળાઓ, અનેક હાથમાંથી તમારું ટિફિન પસાર થાય તો પણ એ નિર્ધારિત સ્થળે તમને પહોંચાડી દે છે અને એ જ રીતે ખાલી ડબ્બો વળતો તમારા ઘરે પહોંચાડી દે છે એવી જ કુનેહ આ તીર્થગોરના ચોપડાઓમાંથી તમારું કુળ અને પેઢીનામું શોધી કાઢવામાં વપરાય છે. આ પરંપરાની ખૂબ રસપ્રદ વિગતો જાણવા જેવી છે.
માતૃગયાધામ સિદ્ધપુર જેમ માતૃશ્રાદ્ધ માટે જગ વિખ્યાત છે એમ અહીંની અનોખી ચોપડા પરંપરા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. આજની પેઢી કદાચ આ ચોપડાની પરંપરાથી અજાણ હશે પણ એજ પેઢીને જો તેમના વડવાઓ કે વાલી-વારસો વિષે જાણવું હોય તો આ જ ચોપડા ઉપયોગી થાય છે. ભારતના કોઈ પણ ખૂણે વસતો નાગરિક ચોપડામાંથી તેની વંશાવલિ અને કુળગોર વિષે જાણી શકે છે અને તે પણ કોમ્પ્યુટરની ઝડપથી. દરેક ચોપડાની ગોઠવણ કક્કાવારી પ્રમાણે કરવામાં આવે છે. એટલે યજમાનના નામ, ગામ અને અટક પરથી પાંચ-દસ મિનિટમાં તેમની પેઢીઓનો હિસાબ મળી જાય છે. આ ચોપડાઓમાં ૪૦૦થી ૪૫૦ વરસ સુધીનો ઇતિહાસ મળે છે. તીર્થગોર મંડળના બ્રાહ્મણો પાસે ૯૬ જેટલા ચોપડા છે. સિદ્ધપુરમાં વસતાં એક હજાર જેટલા બ્રાહ્મણ કુટુંબમાં દરેક ઘેર ઓછામાં ઓછો એક નામાવલિનો ચોપડો તો હોય જ છે. તીર્થગોરો દિવાળીના દિવસે પોતાના ચોપડાઓનું શ્રદ્ધા અને આદર સાથે પૂજન કરે છે.
કોઈ પણ વિધિ પોતાના કુળગોર કે તીર્થગોર પાસે કરાવવી જોઈએ તેવા શાસ્ત્રોના આદેશને સિદ્ધપુરમાં બરાબર અનુસરવામાં આવે છે. બિંદુ સરોવર પરિસરમાં આવેલા ‘સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર ગોર મંડળ વૃત્તિદાન સંસ્થા’માં રહેલા અસંખ્ય ચોપડાઓમાં અખંડ ભારતના વખતના દેશના તમામ ગામો-સ્થળોના યજમાનોની માહિતી સંગ્રહાયેલી છે. આ ગોર મંડળમાં ૪૦થી ૪૫ જેટલા સભ્યો છે. આ ગોર મંડળની બે પેટા શાખાઓ ચાલે છે. તેમાંની એક બિંદુ સરોવર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ વિધિ કરાવે છે જ્યારે બીજી શાખા સરસ્વતી નદી કિનારે પ્રાચીન ઘાટ પર દશા, એકાદશા, નારાયણ બલી, બભરું (બાવળ) શ્રાદ્ધ, શ્રીપિંડી શ્રાદ્ધ, વગેરે શ્રાદ્ધ કર્મ કરાવે છે. સિદ્ધપુરના સ્થાનિક બ્રાહ્મણોની શ્રાદ્ધ વિધિ સિદ્ધપુર એકાદશાની ધર્મશાળા ખાતે કરવામાં આવે છે.
અહીં આવતી કોઈપણ વ્યક્તિના કુળની માહિતી આ ચોપડાઓમાંથી અવશ્ય મળી રહે છે. આ ચોપડામાંથી અહીં આવનાર વ્યક્તિના મૂળ વતન અને વંશાવલિ જોઈને તેના તીર્થગોરને શોધી આપવામાં આવે છે. વિધિ કરાવ્યા બાદ યજમાનની સહી કે અંગૂઠાના નિશાન સાથેનો લેખ લખવામાં આવે છે. તીર્થગોર સુધીરભાઈ શુક્લના જણાવ્યા પ્રમાણે નરસિંહ મહેતા, જલારામ બાપા, મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી, ડોંગરેજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા, ઉમા ભારતી, અમિતાભ બચ્ચન, રવિન્દ્ર જાડેજા, પરેશ રાવલ સહિત અનેક મહાનુભાવો તેમજ રાજા મહારાજાઓ, ધર્મચારીઓ, મઠાધિકારીઓ, શંકરાચાર્યો, વલ્લભાચાર્યો, રાજકારણની મહાન હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓ સહિત અઢારે વર્ણના લોકોએ કરાવેલા માતૃશ્રાદ્ધના ઉલ્લેખો આજની તારીખમાં પણ તેમના તીર્થગોરો પાસે સંગ્રહાયેલા પડ્યા છે. ગોરમંડળના સુધીરભાઈ શુક્લએ સંત શ્રી નરસિંહ મહેતાનો લેખ બતાવતા જણાવ્યુ હતું કે ભક્ત નરસિંહ મહેતા સંવત ૧૬૬૧, ઇ.સ. ૧૫૯૯માં સિદ્ધપુર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. અને તેમના હસ્તાક્ષરમાં તેઓએ લખ્યું હતું કે જુનાગઢના રહીશ વડનગરા નાગર ગૃહસ્થ વલ્લભ મહેતા (ભગત) શ્રી નરસિંહ દાસજી કૃષ્ણ દામોદર મહેતા, ગરાધર મહેતા, અ.સૌ. માણેકબાઈ, ભાણથીભાઈ નરભેરામ તથા જીવણદાસ, કાકા બંસીધર મહેતા તથા કાકી હરિત ગૌરી તથા પર્વત ઘરે દીકરા શામળદાસ સિદ્ધપુર ક્ષેત્રે નીકળેલ ત્યારે માતૃ શ્રી ગં. સ્વ. દયાકુંવર ઉર્ફે લક્ષ્મીગૌરીનું ગયા શ્રાદ્ધ કરીને ભૂદેવ ગિરજાશંકર ગેલરામને તેમના ગોર માન્યા હતા.
ભારત ઉપરાંત પાકિસ્તાન કે નેપાળ જેવા દેશો ઉપરાંત ભારત બહાર વસતાં બિનનિવાસી ભારતીયો પણ અહીં માતૃશ્રાદ્ધ કરાવવા આવે છે. વરસો પહેલાં નેપાળ નરેશ ખાસ સલૂન (બે ડબ્બાની ટ્રેન) લઈને શ્રાદ્ધ કરાવવા આવ્યા હતા ત્યારે તેમણે તર્પણ કરીને કર્દમ આશ્રમમાં વિશાળ ઘંટ ભેટ આપ્યો હતો.
ભગવાન પરશુરામે માતૃઋણમાંથી મુક્ત થવા સિદ્ધપુર બિંદુસરોવર ખાતે માતા રેણુકાનું તર્પણ કર્યા કરાવ્યું હતું ત્યારથી આ સ્થળે જે પણ યજમાન તેમની માતા કે દાદીનું શ્રાદ્ધ કરાવે છે તેમને મોક્ષ મળે તેવી માન્યતા છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ વરસે દહાડે હજારોની સંખ્યામાં શ્રાદ્ધવિધિ માટે સિદ્ધપુર આવે છે. અહીં આવતાં યજમાને તેમના કુળગોર પાસે જ શ્રાદ્ધવિધિ કરાવવી પડે છે. જો કુળગોર સિવાય શ્રાદ્ધવિધિ કરાવવામાં આવે તો તેનું ફળ અને પુણ્ય મળતું નથી. એટલે યજમાન ભારતના કોઈપણ ખૂણેથી આવે તો તેના ગામ, મૂળ નામ અને અટક પરથી તેની આખી વંશાવલિ અને વડવાઓનું નામ તો મળી જ રહે છે પણ તેના કુળગોર વિષે પણ માહિતી મળે છે. ચોપડામાં લખેલ કુળગોર ત્યારબાદ યજમાનની તમામ પ્રકારની સુવિધા અને સગવડની વ્યવસ્થા કરી આપે છે.