featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)          

અત્યાર સુધી ચીન ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર હતું પણ તાજા સમાચાર મુજબ આ પરિસ્થિતિ બદલાઈ છે. ૨૦૨૨-૨૩ને લગતી વિગતો એવું કહે છે કે, અમેરિકા ચીનને બીજા સ્થાને ધકેલી ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બન્યું છે. જોકે હજુ પણ ચીન ભારતના બીજા નંબરના સૌથી મોટા ભાગીદાર તરીકે રહે જ છે પણ ચીનનો ભારત સાથેના આયાત અને નિકાસ બેનો સરવાળો કરીએ તો થઈ રહેલા દ્વિપક્ષી વ્યાપારમાં ઘટાડો થયો છે. 

          એક સમયે ભારત તેજાનાથી લઈને ઢાકાની મલમલ તેમજ હસ્તકલાકારીગરીના અન્ય માલસામાન સાથે દુનિયામાં ખૂબ મોટી નિકાસ કરતું હતું. ભારતના તજ, લવિંગ, એલચી, મરી, ઘાણા, જીરું જેવી કોમોડીટીઝ વિશ્વબજારમાં ધૂમ વેચાતી. આને કારણે દરિયાકિનારાના રાજ્યો અને ખાસ કરીને ગુજરાત વિદેશ વ્યાપાર સાથે જોડાયેલું હતું. ‘ડાહ્યો દીકરો દેશાવર ભોગવે’ અને ‘જે જાય જાવે તે પાછો ના’વે, અને જો પાછો આવે તો પરીયાં ના પરીયાં ખાય તેટલું લાવે’ એવી કહેવત ચલણમાં હતી.

          છેક કચ્છમાં જખૌ અને અંજાર જેવા બંદરોથી માંડીને સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, વેરાવળ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ સુરત જેવા બંદરોથી ગુજરાતનો વિદેશ સાથેનો વ્યાપાર ધમધોકાર ચાલ્યો. ભારત માત્ર અફાટ દરિયાઈ માર્ગેથી અવાતું એટલે મૂળ ભારતની શોધમાં નીકળેલો કોલંબસ રસ્તો ભૂલતા અમેરિકા પહોંચી ગયો હતો. બીજો એક સંશોધક વાસ્કો-ડા-ગામા આ અભિયાન પર નીકળ્યો અને ‘કેપ ઓફ ગુડ હોપ’ પહોંચ્યો ત્યારે કચ્છનો એક દરિયાખેડૂ કાનજી માલમ એને મળી ગયો. એ તેજાના ભરવા માટે કેરાલા જવાનો હતો અને એણે વાસ્કો-ડા-ગામાને ભારત લઈ જવા માટે સધિયારો આપ્યો. 

          કાનજી માલમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વાસ્કો-ડા-ગામા કાલિકટ પહોંચ્યો અને ત્યાંના રાજા ઝામોલીનના દરબારમાં પ્રસ્તુત થઈ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા. આમ, દરિયાઇ રસ્તે ભારતના કિનારે લાંગરનાર વાસ્કો-ડા-ગામા પ્રથમ બન્યો. આમ તો જમીન માર્ગે ચીનમાંથી હ્યુએનશાંગ અને ફાહિયાન ભારતની મુલાકાતે આવી ચૂક્યા હતા પણ એમનો મૂળ ઇરાદો ઇતિહાસ અને ભારતીય જ્ઞાન તેમજ સમાજવ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો. 

          વાસ્કો-ડા-ગામા પછી તો ભારતમાં ફ્રેન્ચ પણ આવ્યા અને બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ આવી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ખભે બેસીને બ્રિટીશ સલ્તનત ભારત પહોંચી અને આપણે બે સૈકાથી વધુ સમય માટે ગુલામીની ઝંઝીરોમાં જકડાયા. ઈ.સ. શરૂ થઈ ત્યારથી લઈને ઈ.સ. ૧૮૦૦ સુધીનો સમય ભારત અને ચીન બંને માટે સુવર્ણયુગ હતો. આ બંને દેશો ભેગા થઈને દુનિયાના પ૦ ટકા કરતા વધુ જીડીપી ઉપર કાબૂ ધરાવતા હતા. ત્યાંથી ગોથ મારીને ઈ.સ. ૧૯૭૯માં બંને એક આંકડાની સંખ્યા પર પહોંચ્યા અને તેમાં પણ ચીનનો જીડીપી ભારતથી ઓછો હતો. આપણી અને ચીનની દોડમાં આજે વિદેશવ્યાપારમાં ચીનનો હિસ્સો લગભગ ૧૮ ટકા જેટલો છે અને આપણો માત્ર ૧.૭ ટકા. 

          ભારત વ્યાપાર ખાધવાળો દેશ છે. ક્રૂડ ઑઈલથી માંડી ખાદ્યતેલો સુધી અને ચીપથી માંડી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીયન્ટ સુધી આપણે આયાત કરીએ છીએ. ભારત વિશ્વનું સૌથી મોટું શસ્ત્રોનું આયાતકાર છે. આ બધું ચાલુ રાખવું હોય તો વિદેશી મુદ્રા જોઈએ અને વિદેશી મુદ્રા કમાવા માટેનું એક મહત્ત્વનું સાધન વિદેશવ્યાપાર છે. વિશ્વબજારમાં પગપેસારો કરવો હોય તો તમારા ઉત્પાદનની ગુણવત્તા, નિર્ધારિત સમયમાં જરૂર મુજબનો જથ્થો પૂરો પાડવાની ક્ષમતા અને સ્પર્ધાત્મક ભાવ - આ ત્રણ મુદ્દા મહદ્અંશે ભાગ ભજવતા હોય છે. આપણે જો નાટ્યાત્મક સુધારો કરી શકીએ તો બે ટકાથી વધુ હિસ્સો વિશ્વબજારમાં મેળવી શકીએ. જરૂરી ચીજવસ્તુઓ વિશ્વબજારમાંથી ખરીદવા માટે વિદેશી હૂંડિયામણ જોઈએ અને વિદેશી હૂંડિયામણ કમાવા માટે એક જમાનામાં ભારતનો વ્યાપાર જેમ ધમધમતો હતો તેમ ફરી એક વાર આપણા બારાં તેમજ એરપોર્ટ નિકાસ માટેના માલસામાનથી ધમધમી ઉઠવા જોઈએ. નજદીકના ભવિષ્યમાં આવી શક્યતા દેખાતી નથી. 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles