નર્મદા આંદોલનને આગળ ધપાવતા બે જુદા જુદા સમયે પોતાના પત્ની અને વહાલસોયા પુત્રને ગુમાવનાર – છતાંય વિચલિત ન થનાર નર્મદા યોજનાના અડગ યોદ્ધા કૃષ્ણપ્રસાદ પટેલને લાખ લાખ વંદન
નર્મદા બંધ પુરી સપાટીએ ભરાયો અને એનો આનંદ પૂરા ગુજરાતે માણ્યો તે આપણા સહુ માટે પણ ખૂબ આનંદની બાબત છે.
(૧)
વિઠ્ઠલભાઈ બેરિસ્ટર થઈને ૧૯૦૮માં ભારત પાછા આવ્યા અને મુંબઈમાં વકીલાત શરૂ કરી તેટલામાં સરદારના ધર્મપત્ની ઝવેરબા બિમાર પડતાં તેમણે સારવાર માટે મુંબઈ બોલાવ્યાં. વિઠ્ઠલભાઈએ ઝવેરબાને પોતાની સાથે રાખ્યાં. મુંબઈના ડોકટરે ઝવેરબાને આંતરડાનું ઓપરેશન પંદર દિવસ પછી કરવાનું જણાવતાં વલ્લભભાઈ પટેલ એક ખૂન કેસ ચલાવવા આણંદ ગયા. પરંતુ પછી ડોકટરોને એકદમ ઓપરેશન કરવાની જરૂર લાગી ત્યારે વલ્લભભાઈને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી નાંખ્યું. વલ્લભભાઈને તાર મળ્યો કે ઓપરેશન સફળ થયું છે. પણ બીજે જ દિવસે સ્થિતિ બગડી અને તારીખ ૧૧/૦૧/૧૯૦૯ના દિવસે વલ્લભભાઈ કોર્ટમાં કેસ લડતા હતા ત્યાં જ ઝવેરબા ગુજરી ગયાના દુઃખદ સમાચારનો તાર મળ્યો. વલ્લભભાઈ માટે આ પ્રસંગ અતિશય દુઃખનો અને તેની સાથે ધર્મસંકટનો પણ પ્રશ્ન હતો. આરોપી પ્રતિષ્ઠિત માણસ હતો પરંતુ તેની ઉપર ખૂનનો આરોપ હતો. તે દિવસે કાર્યવાહી કાળજીપુર્વક ન થાય તો આરોપીનું જીવન જોખમમાં હતું. કારણ કે, તેને ફાંસીની સજાનો ભય હતો. આટલો દુઃખદ તાર મળ્યો હોવા છતાં, અતિશય દ્રઢતા રાખી કાળજું કઠણ કરી તેઓએ કામ પુરું કર્યું. સાંજે કોર્ટનું કામ પૂર્ણ થયા બાદ બીજાઓને સમાચાર આપ્યા. છેલ્લી ઘડીએ પત્નીની મુલાકાત ન થઈ શકી તેનો ભારે આઘાત સરદારના દિલમાં રહી ગયો. તે વખતે તેમની ઉંમર ૩૩ વર્ષની હતી.
(૨)
ફેરકુવા સત્યાગ્રહ અગાઉ ભારત સરકારનો અભિગમ નર્મદા યોજનાને સાનુકૂળ બને તે માટેના આંદોલનની દિલ્હી ખાતે આવશ્યકતા ઊભી થઈ હતી અને તે માટે નર્મદા અભિયાને આગેવાની લેવાની હતી. એનું આયોજન નર્મદા અભિયાનના સુકાની કૃષ્ણપ્રસાદભાઈએ સંભાળવાનું હતું.
આ માટે દિલ્હી જવા, હરિભાઇ પંચાલ વાડજ ખાતેના નિવાસસ્થાનેથી નીકળી કૃષ્ણપ્રસાદભાઈ ને લેવા એમના ઘેર પહોંચ્યા ત્યારે એ તૈયાર જ હતા. એમને શુભવિદાય આપવા એમનાં જીવનસાથી, ધર્મપત્ની જસુમતીબહેન બીમાર હતાં છતાં દરવાજા સુધી આવ્યાં. એમની શુભેચ્છા લઈને તેઓ એરોડ્રોમ પહોંચી વિમાન દ્વારા દિલ્હી ગયા અને ત્યાંના ગુજરાતભવનમાં ઉતર્યા. પૂ. સ્વામી સચ્ચિદાનંદજી અને અનેક આગેવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા. બીજા દિવસે સવારે બોટક્લબ પર નર્મદા-સમર્થનમાં પ્રવચનનો યોજવા અને તે પછી વડાપ્રધાન શ્રી વી. પી. સિંહને નર્મદા યોજના અંગેનું આવેદનપત્ર આપવા વગેરેનું આયોજન હતું. જે કરીને કૃષ્ણપ્રસાદભાઈ રાત્રે સૂઈ ગયા, પરંતુ મળસ્કે ફોન દ્વારા કારમા આઘાતજનક સમાચાર આવ્યા કે કૃષ્ણપ્રસાદભાઈના અનેકવિધ ઉમંગો અને પુરુષાર્થોને જીવનભર પ્રેમ-પ્રોત્સાહન આપનારાં નબળા-નરસા સમયમાં હુંફ, આશ્વાસન આપી સદાય અડીખમ રીતે પડખે ઊભનારાં એમનાં જીવનસાથી ધર્મપત્ની જસુમતીબહેનનો જીવનદીપ અચાનક બુઝાઇ જતાં એમણે કાયમી વિદાય લઈ લીધી હતી.
આ સમાચાર સાંભળતા બધા દિગ્મૂઢ થઈ ગયા. કૃષ્ણપ્રસાદભાઈ તો ધ્રુસકે ધ્રુસકે રડ્યા... પછી મનમાં અમદાવાદ પાછા પહોંચી જવાની ઉતાવળ પણ ઊભી થઈ, પરંતુ ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોની પ્રજાની જીવાદોરીસમી નર્મદા યોજનાનું અવતરણ કરવાનો ભગીરથ પુરુષાર્થ જેમનાં મન-હૃદયમાં ધબકતો હતો એવા નર્મદા-ભગીરથનું મન સમરાંગણ છોડીને પાછા વળી જવા માટે તૈયાર ન થયું તે ન જ થયું... હૃદયના રુદનને હૃદયમાં જ દબાવી દીધું. જે રીતે હૃદયના કોમળ છતાં કર્તવ્યનિષ્ઠામાં વજ્રસમા સરદાર વલ્લભભાઈ જ્યારે કોઇકની જીવનરક્ષા માટેના કેસની રજૂઆત અદાલતમાં કરી રહ્યા હતા ને એ જ વખતે એમનાં ધર્મપત્નીના મૃત્યુના સમાચાર આપતો ટેલિગ્રામ એમને પહોંચાડવામાં આવતાં એવા કારમા સમાચાર વાંચ્યા પછી ખિસ્સામાં મૂકી દીધો ને સહેજ પણ વિચલિત થયા વિના અદાલત સમક્ષ પોતાના અસીલની જીવનરક્ષા માટેની જોરદાર દલીલો ચાલુ રાખીને પોતાના અસીલનો કેસ જીતાડી આપ્યો હતો એ જ રીતે શ્રી કૃષ્ણપ્રસાદભાઈએ નર્મદા યોજનાનો કેસ લઈને બોટક્લબ પર યોજાયેલી રેલીમાં હાજર રહીને તેમજ ભારત સરકારના વડાપ્રધાન પાસે જઈને જે વાત દ્રઢતાપૂર્વક કરવાની હતી તે કાર્યક્રમ ચાલુ જ રાખ્યો ને તે પછી સરદાર વલ્લભભાઈ જેવું ‘વજ્રાદપિ કઠોરાનિ’, ‘મૃદુનિ કુસુમાદપિ’ હૃદય ધરાવતા શ્રી કૃષ્ણપ્રસાદભાઈ પટેલે તો પોતાનાં જીવનસાથી પત્નીનો મૃતદેહ અમદાવાદમાં જ્યારે અંતિમસંસ્કારના વિધિ માટે પતિની રાહ જોતો હતો તેવા કરૂણ પ્રસંગે નર્મદા અભિયાનની રજૂઆત ભારતના વડાપ્રધાન અને સમગ્ર ભારત સમક્ષ કરવા માટે પોતાના મકાનના ઝાંપા સુધી આવીને શુભવિદાય આપનારાં પ્રાણપ્રિય પત્નીની વસમી વિદાયની વેદનાને કેટલાય કલાકો સુધી હૃદયમાં ભંડારીને નર્મદા યોજના અંગેનું અતિ અઘરું કર્તવ્ય બજાવી જાણ્યું હતું.
(૩)
દિલ્હીથી પાછા આવ્યા પછી સદગત ધર્મપત્નીનિ પાવનસ્મૃતિના સત્કર્મનિ સાથે ગુજરાત સહિતનાં રાજ્યોને ધન-ધાન્યથી સમૃદ્ધ અને તૃપ્ત કરી શકે એવી નર્મદા યોજનાના સમર્થન માટેની મિટિંગો, સેમિનારો વગેરેની ચર્ચા, ચિંતન, મંથન, લેખન વગેરે તો ચાલુ જ હતાં. એમાંય વળી ભારતના વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા માટે અગાઉ જે રીતે પ્રયત્નો કરાયા હતા એ જ રીતે ભારતની સંસદના તમામ સભ્યોનાં હૃદયને ઢંઢોળવા માટે બાબા આમટેનાં ધરણાં સામે દિલ્હીમાં પ્રતિધરણાં યોજવાનો કાર્યક્રમ પણ હાથ ધરાયો અને એ વખતે પણ નર્મદા અભિયાનના કન્વીનર તરીકે ધરણાંની આગેવાની સંભાળવા મુ. શ્રી કૃષ્ણપ્રસાદભાઈ જતા હતા ત્યારે પણ પોતાના ૪૫ વર્ષના સુપુત્ર કંદર્પભાઈ જે ગંભીર બીમારીમાંથી બહાર નીકળી રહ્યા હતા એમના સ્વાસ્થ્યની કાળજી પ્રભુને અને પરિવારજનોને સોંપીને એ નર્મદા યોજના અંગેની રજૂઆત કરવાનો મોરચો સંભાળવા દિલ્હી પહોંચી ગયા અને ત્યારે પણ ઈશ્વરે એમની નર્મદાનિષ્ઠાની કસોટી કરવા ધાર્યું હોય એ રીતે એમના વહાલા પુત્ર કંદર્પભાઈએ અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા. રણસંગ્રામના લડવૈયા કૃષ્ણપ્રસાદભાઈએ પોતાના ૪૫ વર્ષના વહાલા યુવાન પુત્રને દિલ્હીના મોરચેથી ધ્રૂસકાંભર્યા હૈયે અને અશ્રુભરી આંખે અંજલી તો આપી, પરંતુ ત્યાંથી અમદાવાદ આવ્યા પછી વ્હાલા સુપુત્રના અંતિમ વિદાયના સંસ્કાર પછી રોજેરોજ યોજાતી વિધિ વખતે પણ નર્મદામૈયાનાં જળ દુષ્કાળપીડિત પ્રજાની સેવા માટેની વિચારણા પણ એમના ઘેરથી જ થતી રહી.
આજે નર્મદા બંધ એની નિર્ધારિત જળ સપાટીએ પહોંચ્યો અને છલકાયો ત્યારે કૃષ્ણપ્રસાદ ઝવેરભાઈ પટેલની પ્રતિબદ્ધતા, એમની લોખંડી ઈચ્છાશક્તિ, એમની કર્તવ્યનિષ્ઠાને લાખ લાખ વંદન.