featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

ટ્રમ્પ સામે જે આક્ષેપો ઘડાયા છે તેમાં સૌથી ગંભીર આક્ષેપ ન્યાયની પ્રક્રિયાને અવરોધવાનો છે. આ આક્ષેપ એટલા માટે ગંભીર છે કે આ ગુના બદલ વીસ વર્ષ જેટલી જેલની સજા થાય છે. ટ્રમ્પે આ આક્ષેપોને નકારી કાઢતા ભારપૂર્વક કહ્યું છે કે, ‘હું સંપૂર્ણ નિર્દોષ છું’.

૨૦૨૧માં પ્રમુખપદની ચૂંટણી હાર્યા બાદ વ્હાઇટહાઉસ છોડતા તેઓ ગેરકાયદેસર રીતે કેટલાક ‘ટોપ સિક્રેટ’ ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ ગયા હતા. કાયદાના નિષ્ણાતો માને છે કે આ ગુનામાંથી ટ્રમ્પ બચી શકે તેમ નથી.

ટ્રમ્પે ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી ફરી લડવાનું જાહેર કર્યું છે, ત્યારે ઉપરોક્ત ગુના માટે ફ્લોરીડાની ફેડરલ કોર્ટમાં એમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. એક-બે નહીં પૂરેપૂરા ૩૭ મુદ્દા તેમના વિરુદ્ધ જાય છે. જે વિગતો બહાર આવી છે તે અત્યંત આઘાતજનક છે, જે આવા અગત્યના દસ્તાવેજો સાથે પનારો પાડવામાં કેવી બેકાળજી દાખવવામાં આવી હતી તેનો પુરાવો છે. સાથોસાથ આ દસ્તાવેજો એફબીઆઈના હાથમાં ના આવે તે માટે પણ જોરદાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે પોતે નિર્દોષ છે એ વાતનું રટણ ચાલુ રાખ્યું છે અને આ સમગ્ર કેસને એમના રાજકીય દુશ્મનોએ બહુ ચતુરાઈપૂર્વક ઊભો કર્યો હોવાના આક્ષેપો કરે છે.

ટ્રમ્પના ભાથામાં હવે બાકી રહેતું તીર એટલે ટ્રમ્પ પોતાને આ ગુનામાંથી માફી આપી શકે કે કેમ તે બાબતે ચર્ચા ચાલે છે. આ કેસ ફ્લોરીડા રાજ્યની જ્યુરી સાંભળશે. આ રાજ્ય રૂઢિચુસ્ત તરફ ઢળેલું રાજ્ય છે અને જો એ જ્યુરીનો એક સભ્ય પણ ટ્રમ્પ ગુનેગાર નથી એમ કહે તો ટ્રમ્પ બચી શકે છે એટલે જ્યુરીએ ટ્રમ્પને ગુનેગાર ઠેરવતો ચુકાદો સર્વાનુમતે આપવો પડે. એવી પણ શક્યતા છે કે ન્યાયની આ પ્રક્રિયાને નવેમ્બર, ૨૦૨૪ની પ્રમુખની ચૂંટણી સુધી ઘોંચમાં નાખી દેવાય.

આ પરિસ્થિતિમાં માની લઈએ કે ટ્રમ્પ ચૂંટણી લડે અને બાઇડેન સામે એ વિજયી બને તો પણ પ્રમુખ પાસે ઉપલબધ વિશાળ સત્તાઓ છતાં પણ એ પોતાના ઉપર મુકાયેલા ગુનાઓમાંથી મુક્ત થવા પોતાની જાતને માફી આપી શકે નહીં. નવેમ્બર, ૨૦૨૪ને માત્ર દોઢ વર્ષ બાકી રહ્યું છે. ટૂંક સમયમાં જ અમેરિકામાં દરેક પક્ષ પોતાનો ઉમેદવાર પસંદ કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે જરૂરી કામગીરી શરૂ કરશે. નવેમ્બર, ૨૦૨૪ નજીક આવતું જાય છે તેમ ઉમેદવારોની પસંદગી અને ત્યાર બાદ એમના પ્રચારનો જે ધમધમાટ ચાલે ત્યારે ટ્રમ્પ જેવો બટકબોલો વ્યક્તિ જો અમેરિકન પ્રમુખપદ માટેની રેસમાં નહીં હોય તો એના નાટ્યાત્મક ભાષણોની ખોટ વર્તાશે એમાં કોઈ શંકા નથી.

પ્રશ્ન એ થાય છે કે, જો ટ્રમ્પને ગુનેગાર ઠેરવવામાં આવે તો એની અસર લોકશાહી પર કેવી પડશે? ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રેસિડેન્ટ છે જે ગુનાહિત તહોમતનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ પળ છે, જે કાયદાકીય અનિશ્ચિતતાઓ અને રાજકીય પરિણામો વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આપણે જાણીએ છીએ તેમ પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ક્લાસિફાઇડ એટલે કે સિક્રેટ માહિતીના દસ્તાવેજો સાથે બેદરકારીભરી રીતે વર્તવાનો આક્ષેપ છે. અગાઉ જણાવ્યું તેમ કોઈ પણ અમેરિકન પ્રમુખ ઉપર તહોમતનામું ઘડવાનો અને જવાબદાર ઠેરવવાનો આ પ્રયાસ ખરેખર અદ્વિતીય છે. પલટવાર કરતાં ટ્રમ્પે કહ્યું છે કે, તેમના સામે વૈમનસ્યભરી રીતે અને અન્યાયીપણે બદલો લેવાની ભાવનાથી વર્તન થઈ રહ્યું છે. આ ખટલો ચાલુ થાય ત્યારે અને ત્યાર બાદ આ કારણથી અમેરિકા એક વણખેડેલી ભોમ પર આગળ વધી રહ્યું છે. આ દિશામાં શું નવાજૂની થાય છે, ટ્રમ્પને અમેરિકાના પ્રમુખપદની રેસમાંથી બહાર રાખી શકાશે કે કેમ એ તો સમય આવ્યે જ ખબર પડશે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles