ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
ભારત હમણાં વસતીના મોરચે ચીનને પછાડી નંબર વન થયું. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે આગાહી કરી હતી તે મુજબ આપણે આ સિદ્ધિ ૨૦૨૫ સુધીમાં હાંસલ કરવાના હતા પણ કદાચ ઇતિહાસમાં પહેલીવાર આપણે આ લક્ષ્યાંક સમય કરતાં ઘણું વહેલું હાંસલ કરી એક વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે! દેશમાં યુવાનોની સંખ્યા વધતી જાય છે. એમના માટેની તકો ઉપર આને કારણે બહુ મોટું દબાણ આવ્યું છે, જે સતત વધતું રહેવાનું છે. આપણા સામેના પડકારોથી વિચલિત થઈને આપણે ત્યાંથી પ્રમાણમાં સંપન્ન લોકો અને ભણેલગણેલ યૌવનધન હિજરત કરી રહ્યું છે. આમાંના મોટા ભાગનાની શમણાની ભૂમિ ડૉલરિયો દેશ અમેરિકા છે.
અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી વધતી જાય છે અને એમાં પણ ગુજરાતીઓ મોખરે છે ત્યારે અમેરિકા તરફથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી AFP દ્વારા અમેરિકામાં નવી નોકરીઓ માટેની તક ઘટીને ૯૬ લાખ જેટલી અંદાજવામાં આવી છે, જે છેલ્લા બે વર્ષમાં નીચામાં નીચી છે. આ આંકડો એપ્રિલ, ૨૦૨૧ બાદ નીચામાં નીચો છે એવું અમેરિકન સરકારના શ્રમ વિભાગ તરફથી ‘નવી નોકરીઓ અને લેબર ટર્નઓવર’ વિષયને લઈને કરાયેલા સરવેમાંથી જાણવા મળે છે. આનો અર્થ એ થયો કે અમેરિકન લેબર માર્કેટ હવે સંકોચાઈ રહ્યું છે. આ પહેલાં જીડીપી વિકાસદર ઘટવાની વાત આવી હતી ત્યારે ત્યાં લગભગ બેરોજગારી નથી એવી વાત હતી. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. સામે ફેડરલ રિઝર્વે ફુગાવાને કારણે ભડકે બળતા ભાવોને કાબૂમાં લેવા વ્યાજદર વધાર્યા હતા તે સુવિદિત છે.
નોકરીઓમાંથી છુટા કરવામાં આવ્યા હોય એવી સંખ્યા ડિસેમ્બર, ૨૦૨૦ બાદ ઊંચામાં ઊંચી સપાટીએ પહોંચીને ૧૮ લાખને આંબી ગઈ છે. ઓછામાં ઓછા અમેરિકનો હાલની પરિસ્થિતિમાં નોકરીઓ બદલી રહ્યા છે અને એટલે મે, ૨૦૨૧ની સરખામણીએ એમનો આંકડો ૩૯ લાખની નીચામાં નીચી સપાટીએ પહોંચ્યો છે, જે જોબ સિક્યોરિટી એટલે કે નોકરી-ધંધાની સલામતી અંગેની ચિંતાઓ વધી રહી છે એવું દર્શાવે છે. જે લોકો પોતાની મરજીથી નોકરીઓ છોડી રહ્યા છે એમની કુલ નોકરીઓમાં ટકાવારી છેલ્લા બે વર્ષમાં નીચામાં નીચી સપાટીએ એટલે કે ૨.૫ ટકાએ પહોંચી છે. નવી નોકરી માટેની તકો ઘટી રહી છે તેમ છતાંય ચિત્ર સાવ નિરાશાજનક નથી. ૨૦૨૧ સુધી દર મહિને ઉપલબ્ધ નોકરીની તકો ક્યારેય એક કરોડ ઉપર પહોંચી નથી, જે છેલ્લા ૨૦ મહિનામાં આ આંકડાથી ઉપર રહી હતી.
ફેડરલ રિઝર્વ વધતા જતા ભાવવધારાને લઈને માર્ચ, ૨૦૨૨થી જે આક્રમક વલણ અપનાવી રહ્યું છે, તે લાંબાગાળાથી બે ટકા કરતા વધારે રહેલા ફુગાવાને કાબૂમાં લેવા પ્રતિબદ્ધ છે. ગોલ્ડમેન સેસના ચીફ અમેરિકન ઇકોનોમિસ્ટ ડેવીડ મેરીકલને ટાંકીને AFP કહે છે કે, ફેડરલ રિઝર્વ જૂન મહિનામાં વ્યાજદર વધારાની આ દોડમાં થોડો પોરો ખાશે, કારણ કે બૅન્કો ઉપર ધિરાણ વધુ ને વધુ કડકાઈ નીચે આવતા બૅન્કો ઉપર ઊભા થનાર દબાણને કાંઈક અંશે હળવું કરવું જરૂરી છે.
દરમિયાનમાં ઇન્ટરનેશનલ મોનીટરી ફંડના જણાવ્યા મુજબ એશિયા-પેસિફિક વિસ્તારની અર્થવ્યવસ્થા ૨૦૨૩માં સરેરાશ ૪.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે. IMFના મત અનુસાર ૨૦૨૩માં એશિયા અને પેસિફિક બે વિભાગો વિશ્વના સૌથી વધુ પ્રગતિશીલ વિસ્તારો હશે. ૨૦૨૨માં આ વિસ્તારનો વિકાસદર ૩.૬ ટકા રહેવા પામ્યો હતો, જે આ વર્ષે વધીને ૪.૬ ટકાનો થશે એવું અંદાજવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થાનો આ વૃદ્ધિદર ચીન અને ભારતને કારણે થશે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલ ‘રીજીયોનલ ઇકોનોમિક આઉટલુક: એશિયા એન્ડ પેસિફિક’ અહેવાલ અનુસાર વિશ્વનો લગભગ ૭૦ ટકા વિકાસ આ વિભાગમાં આવતા દેશોમાંથી આવશે અને એ રીતે ૨૦૨૩માં એશિયા અને પેસિફિક વિસ્તાર ભારત અને ચીનની આગેવાની હેઠળ વિશ્વના વિકાસના ઉદ્દીપક પરિબળો બનશે.