ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
વિશ્વ રાજકીય ધરીના પુનઃગઠનના માર્ગે જઈ રહ્યું હોય એવું ઘણા બધા નિષ્ણાતોનું માનવું છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ મહદ્ અંશે બે બ્લોકમાં વહેંચાયું. એકની આગેવાની અમેરિકા કરતું હતું. બીજાની રશિયા. અમેરિકા અને રશિયા એ બે મહાસત્તાઓમાંથી ગમે તે એક સાથે રહેવામાં ફાયદો હતો અને આમ છતાંય એ સમયે કેટલાક દિગ્ગજ નેતાઓ હતા કે જેમને કારણે એક ત્રીજું વિશ્વ પણ અસ્તિત્વમાં આવ્યું. આ વિશ્વ એટલે નહીં રશિયા સાથે, નહીં અમેરિકા સાથે. દુનિયાએ એનું નામ પાડ્યું ‘નોન અલાઈન બ્લોક’ એટલે કે એક તટસ્થ વિશ્વ. એનો ઇતિહાસ જોઈએ તો ૧૯૫૫માં ઇંડોનેશિયામાં બાન્ડુંગ પરિષદ ખાતે મળેલ ૨૯ દેશોના પ્રતિનિધિઓ શીત યુદ્ધ દરમિયાન અમેરિકા કે રશિયા કોઈની પણ સાથે જોડાણ નહોતા ધરાવતા જેમાં ભારત પણ સામેલ હતું. આ જૂથમાં યુગોસ્લાવિયાના પ્રમુખ ટીટો, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઇજિપ્તના પ્રમુખ ગમાલ અબ્દેલ નાસર, ઘાનાના પ્રમુખ ક્વાંમે એન્ક્રોમા અને ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકાર્ણો હતા. આ સંગઠન સ્થપાવાને કા૨ણે નોન એલાઇન દેશોના વડાની કૉન્ફરન્સ માટે માર્ગ મોકળો થયો.
આ નોન એલાઇન દેશોનો મુખ્ય ધ્યેય મૂડીવાદ, નવોદિત સંસ્થાનવાદ, વંશવાદ અને દરેક પ્રકારના વિદેશી આક્રમણો, કોઈ દેશ ઉપર હાવી થવાની વૃત્તિ, કબજો કરવો, એની કામગીરીમાં દખલ કરવી, આધિપત્ય ઉપરાંત મહાસત્તાઓ અને બ્લોક પોલિટિક્સ સામે રક્ષણ માટે કાર્યરત રહેવાનો હતો.
નોન એલાઇન મુવમેન્ટ સાથે ૨/૩ ભાગના યુનાઇટેડ નેશન્સના સભ્યો અને ૫૫ ટકા જેટલી વિશ્વની જનસંખ્યા સંકળાયેલી હતી. આ બધા દેશો વિકાસશીલ દેશો તરીકે જાણીતા બન્યા. આંતરરાષ્ટ્રીય નીતિ જે નોન એલાઈનમેન્ટ સામેની હતી તે ૧૯૫૦ અને ૧૯૬૦માં ખૂબ પ્રચલિત બની. આ જૂથ સંસ્થાનવાદ, શસ્ત્રદોડ, જાતિ અને વંશવાદ તેમજ દક્ષિણ આફ્રિકાના રંગભેદ સામે અસરકારક રીતે કામ કરી રહ્યું હતું. આખોય ગાળો જેને શીતયુદ્ધનો સમય કહી શકાય તે ઘણીબધી અથડામણોનો ગાળો હતો, ઘણાબધા દેશોએ સોવિયેત યુનિયન, ચીન અથવા અમેરિકા સાથે આ વર્ષો દરમિયાન નજદીકના સંબંધો બાંધ્યા.
આજે નોન અલાઇન મુવમેન્ટ (એનએએમ) ૧૨૦ દેશોને સમાવે છે અને ઔપચારિક રીતે કોઈ પણ મહાસત્તા સાથે જોડાયેલા નથી. યુનાઇટેડ નેશન્સ બાદ દુનિયાનું આ મોટામાં મોટું જૂથ છે. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે એમાં હજુ પણ બીજા દેશો ભળે એવી અપેક્ષા છે.
પણ અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતાં આખો બિનજોડાણવાદી જૂથનો ખ્યાલ જ બદલાઈ રહ્યો છે અને જે તે વખતની રશિયા અને અમેરિકાની ધરી હવે મૂળભૂત રીતે પરિવર્તન પામી રહી છે ત્યારે હજુ ભારત જેવા કેટલાક દેશો છે જે પોતે તટસ્થ હોવાનો દાવો કરે છે પણ સીધી રીતે નહીં તો આડકતરી રીતે ક્વાડ, aukus, જી–૭, જી-૨૦ જેવા જુદાજુદા જૂથ કેટલાક ચોક્કસ હેતુઓ માટે અસ્તિત્વમાં આવ્યા છે.
ચીન, અમેરિકા અને રશિયા ત્રણેય જેમાં સભ્ય હોય તેવું એક જૂથ જી-૨૦ પણ અસ્તિત્વમાં છે અને ચીનની વધતી જતી વગને રોકવા માટે ક્વાડ અને aukus જેવા જૂથો પણ અસ્તિત્વમાં આવ્યા છે. ભારતે અમેરિકા સાથે ક્વાડ અને I2U2 જૂથ બનાવ્યું છે તો BRICSમાં તે રશિયા અને ચીન સાથે સામેલ છે. ભવિષ્યમાં કદાચ બીજા કોઈ જૂથ પણ અસ્તિત્વમાં આવશે. નાટો પણ વિસ્તરી રહ્યું છે ત્યારે આજની દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી જે વિશ્વશાંતિની વાત સાથે તટસ્થ જૂથ બનાવી આગળ વધી રહી હતી તે વધુ ને વધુ જટિલ બનતી જાય છે. આજે રશિયા મહાસત્તા નથી રહ્યું અને તેનું સ્થાન ચીને લીધું છે ત્યારે આવનાર સમયમાં વિશ્વ અમેરિકા અને ચીન એ બે ધ્રુવો વચ્ચે વહેંચાશે. ભારતે આજે પણ તટસ્થ દેશ તરીકેનું પોતાનું વલણ જાળવી રાખ્યું છે.