મને જનોઈ આપવાનો પ્રસંગ એટલે કે યજ્ઞોપવીત સંસ્કારના પ્રથમ ચરણે
મારી બાબરી એટલે કે ચૌલ કર્મની વિધિ બહુચરાજી માના સ્થાનકે સંપન્ન થઈ. ત્યાર પછી બે-અઢી વરસમાં બીજો એક પ્રસંગ આવીને ઊભો. બ્રાહ્મણ અને પક્ષી બંને માટે શબ્દ વપરાય છે દ્વિજ. દ્વિજ એટલે કે બે વખત જેનો જન્મ થાય છે તે. પક્ષી પહેલા ઈંડા સ્વરૂપે જન્મે છે. એ ઈંડું સેવાઇને પરિપક્વ થાય ત્યારે એનું કોચલું ફોડીને બચ્ચું બહાર આવે તે એનો બીજો જન્મ. બ્રાહ્મણના કિસ્સામાં સોળ સંસ્કારોમાંનો એક અત્યંત મહત્વનો સંસ્કાર, જે બાદ જ એ વેદ વિગેરેનું અધ્યયન કરવા માટે ગુરુના ઘરે જવા યોગ્ય બને છે, તે યજ્ઞોપવીત સંસ્કાર. માના ઉદરમાં ગર્ભધારણ થાય ત્યારથી શરૂ કરીને છેવટે અંતિમ સંસ્કાર એટલે કે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલીન કરી દેવામાં આવે ત્યાં સુધીના મહત્વના સોળ સંસ્કાર નીચે મુજબ છે :
(૧) ગર્ભાધાન સંસ્કાર
(૨) પુંસવન સંસ્કાર
(૩) સીમંતોન્ન્યન સંસ્કાર
(૪) જાતકર્મ સંસ્કાર
(૫) નામકરણ સંસ્કાર
(૬) નિષ્ક્રમણ સંસ્કાર
(૭) અન્નપ્રાશન સંસ્કાર
(૮) વપન (ચૂડાકર્મ) સંસ્કાર
(૯) કર્ણવેધ સંસ્કાર
(૧૦) વેદારંભ સંસ્કાર
(૧૧) ઉપનયન સંસ્કાર
(૧૨) કેશાન્ત સંસ્કાર
(૧૩) સમાવર્તન સંસ્કાર
(૧૪) વિવાહ સંસ્કાર
(૧૫) વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
(૧૬) અગ્નિ સંસ્કાર
યજ્ઞોપવીત સંસ્કાર, જેના થકી બ્રહ્મબાળ બીજી વખત જન્મ પામે છે, તેનું મહત્વ બ્રાહ્મણ માટે સવિશેષ છે. સામાન્ય રીતે પાંચ, સાત, નવ કે મોડામાં મોડા અગિયાર, એ રીતે એકી વરસની ઉંમરે યજ્ઞોપવીત આપવા માટેની વીધી યોજાતી હોય છે. ક્યારેક ગર્ભાધાનના નવ મહિના ઉમેરીને પણ આગળનું એકી વરસ ગણતરી કરી યજ્ઞોપવીત અપાય છે. યજ્ઞોપવીત એટલે કે જનોઈની કંકોત્રી આવે ત્યારે એક જમાનામાં અચૂક નીચેનો શ્લોક જોવા મળતો –
ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् ।
आयुष्यमग्र्यं प्रतिमुञ्चशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः ।
नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् ।
उपवीतं मया दत्तं गृहाण गणनायक ॥
એનો અર્થ થાય, આ યજ્ઞોપવીત વિધી જે યોજાઇ રહ્યો છે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાપતિ બ્રહ્માજી દ્વારા એનો જન્મ થયો છે. સફેદ સુતરના દોરા તરીકે પહેરાતું આ યજ્ઞોપવીત દીર્ઘાયુષ્ય આપનાર છે, બળપ્રદાન કરે છે અને એ પહેરનારમાં તેજસ્વિતા આવે છે. કુલ નવ તાંતણા, જે ત્રણ ગુણ અને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સમાવે છે, તેવું આ ઉપવીત, જે અમે બટુકને આપી રહ્યા છીએ તે સર્વે ગણોના નાયક એવા કે ગણાધીશ આપ સ્વીકાર કરો.
ભૂદેવ માટે ૧૬ સંસ્કાર જરૂરી છે અને તેમાં ઉપનયન સંસ્કાર મહત્વનો છે. ઉપનયન કે જનોઇ એ બ્રાહ્મણ માટે દીક્ષા સંસ્કાર છે. બ્રાહ્મણને દ્વિજ પણ કહેવાય છે, જેનો બે વખત જન્મ થાય છે તે. જનોઈ સંસ્કાર દ્વારા થતો બીજો જ્ન્મ તે આધ્યાત્મિક જન્મ છે, જેનાથી બ્રાહ્મણનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. યજ્ઞોપવીત એટલે યજ્ઞ + ઉપવતી = યજ્ઞને પ્રાપ્ત કરનાર. ઉપનયન એટલે ઊર્ધ્વગામી ક્રિયા. હકીકતમાં જનોઇ એ ગાયત્રી મંત્રની દીક્ષા છે. ગાયત્રી મંત્ર વિનાની જનોઇ એ મૂર્તિ વિનાના મંદિર જેવું છે. પ્રાચીન કાળમાં ઉપનયન સંસ્કાર પછી વિદ્યાર્થીનો ગુરુકુળમાં પ્રવેશ થતો. હવે તો જનોઇ પહેલાં વિદ્યાભ્યાસ શરૂ થઇ જાય છે, યજ્ઞોપવીત સંસ્કાર પાંચમા વર્ષે યા સાતમા વર્ષે કરવો શ્રેષ્ઠ છે.
સોળ વર્ષે યજ્ઞોપવીત કાળ વીતી જાય છે, તેથી તે પતિત સાવિત્રિક ગણાય છે. જનોઇ બનાવતી વખતે શુદ્ધ દેહ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ગાયત્રી મંત્રનું રટણ કરતાં શુદ્ધ કપાસમાંથી તાર વણવામાં આવે છે. તે તારને જમણા હાથની ચાર આંગળી ઉપર ૯૬ વાર વીંટવાના હોય છે, ત્યાર પછી તેને ત્રણ ગણા કરી વળ ચઢાવાય છે. જનોઇ કુલ નવ તારની હોય છે, જેમાં પ્રથમ તાર પર ઓમકાર બીજા તાર પર અગ્નિ, ત્રીજા તાર પર નાગ, ચોથા તાર પર સોમ, પાંચમા તાર પર પિતૃઓ, છઠ્ઠા તાર પર પ્રજાપતિ, સાતમા તાર પર વાયુ, આઠમા તાર પર યમ અને છેલ્લા નવમા તાર પર વિશ્વદેવતાઓ બિરાજમાન છે. આમ જનોઇ ધારણ કરવાથી શરીર પર નવદેવતાઓનું શાસન ચાલે છે અને વ્યક્તિને સતત પ્રભુનું સાંનિધ્ય મળે છે.
મૂળ ત્રણ તાર એ ગાયત્રી મંત્રનાં ત્રણ ચરણ છે. ત્રણ નાની ગ્રંથિ એ ત્રણ આહુતિ છે અને એક મોટી ગ્રંથિ એ ‘પ્રણવ’ - ઓમકાર છે. વળી જનોઇના છેડાની ગાંઠ એ ધારણ કરનારના ગોત્રમાં થઇ ગયેલા ઋષિઓની સૂચક છે. ટૂંકમાં જનોઇ એ વેદમાતા ગાયત્રીનું સ્થૂળ સ્વરૂપ છે.
જીવનના ઉર્ધ્વીકરણ માટે જનોઇ સંસ્કાર મહત્ત્વનો છે. સમસ્ત સૃષ્ટિના આત્મા અને ચાલક બળ એવા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણનો પવિત્ર પ્રકાશ આપણાં બુદ્ધિ વિચારોને પ્રેરણા આપે એ જ ગાયત્રી મંત્રનો અને ઉપનયન સંસ્કારનો ઉદેશ છે.
દરેક વ્યક્તિના માથે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ હોય છે. આ ઋણમાંથી મુક્ત થવાનો તથા ઋણની યાદ તાજી રહે તે માટે જનોઇ ધારણ કરવામાં આવે છે. જનોઇના ત્રણ તાર ત્રણ ઋણ પણ દર્શાવે છે. વળી, આ વિશ્વ સત્ત્વ, રજસ, અને તમસ એ ત્રણ ગુણોનું બનેલું છે. તેમાંથી મુક્ત થઇ પરમાત્માના સ્વરૂપમાં ભળી જવા માટે કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ સાધનો છે. આવી ગંભીર ભાવના ૯૬ આંગળ લંબાઇના ત્રેવડા કરેલા ત્રણ તાર પાછળ છુપાયેલી છે. વળી, આ ત્રણ તાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્વરૂપ છે.
જનોઇ ધારણ કર્યા પછી તેનું ગૌરવ અને ગરિમા જાળવવાની જવાબદારી પણ છે. શ્રાવણ માસની પૂનમે વિધિવત રીતે જનોઇ બદલવી જોઇએ. જનોઇની પવિત્રતા જળવાય તે માટે કૌટુંબિક સૂતક પુરું થાય પછી જનોઇ બદલવી જોઇએ. દર ચાર માસે અથવા જનોઇ તૂટી જાય તો બદલવી જોઇએ. કોઇના અગ્નિ સંસ્કારમાં ગયા પછી ઘરે આવી સ્નાન કરી જનોઇ બદલવી જોઇએ. ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ પૂરું થયા પછી પણ જનોઈ બદલવી જોઇએ.
જનોઇને પવિત્ર રાખવા મળ મૂત્રાદિ ત્યાગ કરતી વખતે જમણા કાન પર ચઢાવવી જોઇએ જેથી જનોઇનો નીચેનો ભાગ આપણી નાભિથી ઉપર રહે અને જનોઇ અપવિત્ર ન થાય. મળ મૂત્ર વિસર્જન પહેલાં જનોઇને કાનની ઉપર કસીને લપેટી દેવામાં આવે છે. કાનની પાછળની બે નસોનો સીધો સંબંધ આંતરડાં સાથે હોય છે. આ ક્રિયા આંતરડાં પર દબાણ ઊભું કરે છે જેના કારણે મળ વિસર્જનમાં સરળતા રહે છે એવું મનાય છે. (સંદર્ભ : https://sambhaavnews.com/janoi-tradition-in-brahmin)
આમ જનોઈ ધારણ કરીને દ્વિજ બનવા તરફ હું ડગ માંડી રહ્યો હતો. કંકોતરી લખાઈ ગઈ હતી અને અમારા ઇષ્ટદેવ અડીયા મહાદેવજી તેમજ અમારા કુટુંબ માટેનું શ્રદ્ધાકેન્દ્ર મા સિદ્ધેશ્વરી (મંડલોપ)નાં દર્શન કરીને બંને દૈવી શક્તિઓના આશીર્વાદ તેમજ સમગ્ર પ્રસંગ કોઈ પણ વિધ્ન વગર સંપન્ન થાય તે માટેની તેમની હાજરી માટેની અરજ કરી દેવાઈ હતી. હવે આગળના પ્રસંગ માટેનું સ્થળ માંડવી ચકલે આવેલ વ્યાસ કુબેરજી મયારામનું અમારું બાપીકું ઘર બનવાનું હતું જે અંગે વિગતવાર અહેવાલ હવે પછી.