Tuesday, January 24, 2017
બાળપણ ઘરના આંગણામાં અને મા ના ખોળામાં રમીને મોટું થાય છે. એની એક આગવી દુનિયા હોય છે. રમકડાં, પરિ કથાઓ અને મા ના કંઠે ગવાતું હાલરડુ એ એનો ખજાનો છે. આ બધામાં કેન્દ્રસ્થાને રહે છે મા.
બાળકને પોતાની આંગળીએ વળગાડીને દુનિયાનો પરિચય કરાવતી જગતની કોઈ મોટામાં મોટી જંગમ યુનિવર્સીટી હોય તો તે છે મા.
બાળક સાજુમાંદુ થાય કે એના પર કોઈ નાની-મોટી તકલીફ આવે ત્યારે એની આજુબાજુ પોતાની માવજત અને સારસંભાળનું અભેદ્ય કવચ કોઈ રચતું હોય તો તે છે મા.
પોતે ભૂખ્યા રહીને પણ બાળક ધરાઈને ખાઈ શકે એ માટેની ઈશ્વરના વરદાનરુપ અન્નપૂર્ણા વ્યવસ્થા જો કોઈ હોય તો તે છે મા.
રાતના ઉજાગરા વેઠીને પણ પોતાનું બાળક નિરાંતે સૂઈ શકે એ માટે એને થાબડ થાબડ ભાણા કરીને
કે પછી.......
બીજું કશું ન મળે તો પૂંઠાના ટુકડાનો પંખો બનાવીને જો કોઈ દયાની દેવી વીંઝણું નાંખતી હોય તો તે છે મા.
પોતાનું બાળક ઉછરી રહ્યું છે તેવે સમયે તક મળે એનામાં સંસ્કાર સિંચન કરે તેવી વાર્તાઓ કે હાલરડુ તેના કાનમાં રેડીને શિવામાંથી શિવાજી બનાવતી હોય તો તે છે મા.
એટલે જ કહ્યું છે કે ઈશ્વરને જ્યારે જાતે આ પૃથ્વી ઉપર અવતાર લેવાનું મન થયું હશે ત્યારે તેણે જેનું સર્જન કર્યું હશે તે છે મા.
મારી મા કંઈક આવી જ હતી.
સંસ્કારી અને સરળ
દયાળુ અને ધર્મપરાયણ
આમ છતાંય લોકો કહેતાં કે ભગવાને ચાર ભાઈડા ભાંગીને મારી મા ને ઘડી હતી.
ગજબની હિંમત હતી એનામાં.
એક હદથી આગળ સ્વભાવ પણ તીખા મરચા જેવો અને આકરો
મેં મારી મા ને ક્યારેય કશાથી ગભરાતી નથી જોઈ.
જો એવું હોત તો આખી જીંદગી એણે આવાં બીહડ અને જંગલના વાતાવરણ વચ્ચે ન ગાળ્યું હોત.
મારા બાપા આમેય અલગારી અને કોઈ પ્રસંગમાં કે વ્યવહારના કામે તેમને બહાર જવાનું થાય.
વચ્ચે રેલ્વેની નોકરીમાં જોડાયા ત્યારે અઠવાડીયામાં છ દિવસ આ બંગલામાં અમે મા-દીકરો બે જ હોઈએ.
એવું કહેવાતું કે રાત્રિફેરો કરવા નીકળનારાનો રાજમાર્ગ અમારા ખેતરને અડીને પસાર થતો.
પણ અમારા ત્યાં ક્યારેય ચોરી નહોતી થઈ.
મારા ઘરમાં એ જમાનામાં બે નાળી બંદૂક અને તમંચો રહેતાં.
મારી મા એક હાથે બંદૂક ચલાવી શકતી.
ક્યારેક અમારા માસી કે બીજાં શહેરમાં રહેતાં સગાં મહેમાનગતિએ આવે અને પૂછે કે તને બીક નથી લાગતી ?
આ પ્રશ્નના જવાબમાં એના શબ્દો હજુય મારા કાનમાં ગૂંજે છે –
“અરે ! હું વાઘ જેવી બેઠી છું. કોઈની મજાલ છે આ તરફ નજર નાંખે.”
હા......
મારી મા વાઘ જેવી હતી અને એટલે એની હયાતીમાં ક્યારેય કોઈ બીક નથી લાગી.
અંધારી અમાસની રાત કે શિયાળવાંના અવાજો કે પછી સતત ભસતાં કૂતરાં, ક્યાંક દૂર બોલતું ઘુવડ કે પછી નજીકના જ ઝાડ ઉપરથી ચરચરાટ કરીને ઉડી જતી ચીબરીએ ક્યારેય દિલમાં કોઈ થડકો પેદા નથી કર્યો.
મારી મા શિવની સાથે શક્તિની પરમ ઉપાસક
જાતે ચંડીપાઠ વાંચે.
ભજનો ઘણાં બધાં મોઢે
ઉખાણાં અને કહેવતોનો તો એ ખજાનો
ભાગવત, ઓખાહરણ, નળાખ્યાન વિગેરે વાંચે અને એનાં ફરજીયાત શ્રોતા ઘણીવખત બનવું પડે ત્યારે ગુસ્સો પણ આવે.
આ બધા કારણથી ભૂત, પ્રેત કે વળગાડ જેવું કશું છે જ નહીં એવી દ્રઢ માન્યતાનું એણે મારામાં સિંચન કર્યું.
વ્રતકથાઓ, પુરાણો અને ભજનોમાં મારો રસ મારી મા નો વારસો છે.
ઘણા બધા ડીબેટમાં બરાબર સમયસર ટપકી પડતી કહેવત મારી મા ની દેન છે.
એ મારી સંભાળ જરુર રાખતી પણ ક્યારેય એ સંભાળ નબળાઈ બની જાય તેટલી હદ સુધીની અધિરાઈ કે વધારે પડતું રક્ષણ તેણે નથી આપ્યાં.
પરિણામ ?
હું કોઈપણ ઝાડ પર ચડી શકતો, ખભે ધારીયું કરીને વગડે રખડતો, હળ પણ હાંકતો અને હમાર ઉપર પણ બેસતો. કુવાનાં પાણી ઉંડા નહોતા એટલે એ જમાનામાં કોસ ચાલતા.
આ કોસના વરત ઉપર બેસી મજા લેવી એ એક લ્હાવો હતો.
એક દિવસ એમાં જ કાંતિ ભાઈચંદના કુવામાં વરત તૂટતાં બધું લઈને પડ્યો હતો.
મોત સાથેની એ ખૂબ નજદીકી મુલાકાત હતી.
એકનું એક સંતાન હોવા છતાંય મારા પર કોઈ બંધનો નહોતા.
શિયાળાનો દિવસ હોય અને સ્કુલ છુટ્યા બાદ કોઈક મિત્રની સાથે ગપ્પાં મારવામાં મોડા ઘરે પહોંચીએ ત્યારે એના ચહેરા પર થોડી વ્યગ્રતા દેખાતી.
એને ક્યારેક નમ્રતાપૂર્વક પણ એમ કહીએ કે “બા એમાં આટલી ચિંતા શું કરવા કરે છે ? તારો છોકરો હવે હાઈસ્કુલમાં ભણે છે. ક્યાં ખોવાઈ જવાનો હતો ?”
એ ભાગ્યે જ જવાબ આપતી પણ ક્યારેક એ કહી નાંખતી –
“એ અત્યારે નહીં સમજાય દીકરા. તમારા છોકરાં થશે ત્યારે સમજાશે”
અને હું હસી નાંખતો.
આજે મને સમજાય છે કે છોકરાં ગમે તેટલાં મોટાં થાય મા-બાપ માટે અને તેમાંય ખાસ કરીને મા માટે તો એ બાળક જ રહે છે અને એ બાળક રહેવામાં જ મજા છે.
આજે મને સમજાય છે કે મારી મા સાચી હતી.
મારા બચપનની રમતો પણ આ કારણસર નિર્બંધ રીતે જંગલી રહી.
મારી પાસે બરાબર વનવાસી ભાઈઓ વાપરે છે તેવું જ ધનુષ અને બાણ (તીર-કામઠુ) હતાં. હું મારી ગોફણ અને ગલોલ જાતે બનાવતો. બરાબર તે જ રીતે ઠાકોરભાઈઓ વાપરે છે તેવી ભેટમાં રાખવાની એક કરતાં વધુ છરી મારી પાસે હતી. હું કાતર (લાકડાનું એક બુમરેંગ જેવું હથિયાર) બનાવી પણ શકતો અને સારી રીતે ચકાવી પણ શકતો, કાચપેપર ઘસીને ચકચકાટ રાખતો એવું ધારીયું અને તબલ મારી પાસે હતાં.
આની સાથોસાથ કરકચ્ચા, હુકલા (પીળી કરેણનાં બી), ભમરડા, લખોટી, છાપો, સલેટમાં લખવાની પેનોના ટુકડા વિગેરેનું મારી પાસે ખૂબ મોટું કલેક્શન હતું. આમાંની મોટાભાગની વસ્તુઓ ખરીદીને નહીં જીતીને મેળવી હતી એટલે અમૂલ્ય હતી.
ગીલ્લી ડંડાથી માંડીને આ બધી રમતોમાં હું માહિર હતો અને તે સમયના જીવનમાં મારા માટે ભણવું એ બીજી પ્રાથમિકતા હતી. નિશાળેથી આવીને દફ્તર એક ખૂણામાં ચગાવવાનું તે બીજા દિવસે એનો હવાલો સંભાળવાનું.
સિદ્ધપુરમાં દશેરા ઉપર પતંગ ઉડે છે. આ પતંગ માટે ગાંડપણ કહી શકાય એટલી હદ સુધી મારું વળગણ હતું. સાંકળ આઠ કે ડોકાચાળીસ દોરાની રીલ લાવવાની અને એને સરસ રીતે કાચ પાઈને તૈયાર કરવાની અમારી અલગ રીત હતી. એની વાત આગળ જતાં.
એવો જ ગાંડો શોખ ક્રિકેટનો હતો.
આ બધી રમતોમાં હું વધારો પડતો વ્યસ્ત થઈ જાઉં ત્યારે કાનબુટ્ટી પકડીને વળી પાછા અભ્યાસના રસ્તે વાળવાનું કામ મારી મા કરતી. સામાન્ય રીતે ખૂબ અઘરુ કહેવાય એવું મને ખબર પણ ન પડે તે રીતે શિસ્ત, સંસ્કાર અને સરસ્વતી આરાધનાના રસ્તે વાળવાનું કામ મારી મા એ કર્યું.
આમ કરવામાં એ ક્યારેક કઠોર પણ બની જતી.
ત્યારે મને લાગતું કે કદાચ હિટલર પણ આવો જ હશે.
હા જરુર પડે ત્યાં મારી મા હિટલર બની શકતી.
આટલી પાર્શ્વભૂમિકા બાદ હવે ખૂબ ટૂંકાણમાં મારી મા નો પરિચય આપું.
વિરમગામના ઝંડીયાકુવે દવેની ખડકીમાં છબીલદાસ શિવલાલ દવેનું એ સહુથી નાનું સંતાન. મારે બે માસી સરસ્વતીબેન ઉર્ફે શશીબેન. મારા નાનાનું સહુથી મોટું સંતાન. વિરમગામમાં નાની વ્યાસફળીમાં ચંદ્રશંકર નથ્થુરામ વ્યાસ એ મારા માસા. એમનાં સંતાનો મોટા રસિકભાઈ, નાના રમેશભાઈ બન્ને ખૂબ સારું ભણ્યા. જીવનમાં પણ સારી પ્રગતિ કરી. મારા નાના ના બધાં સંતાનોમાં મોટા માસીનું ઘર બધી રીતે સમૃદ્ધ.
ત્યારપછી આવે બીજું સંતાન શાંતાબેન. મારાં નાનાં માસી. ચાણસ્મા મોલ્લાતવાડામાં ભોગીલાલ દયાશંકર વ્યાસ તે મારા માસા થાય. એમનાં સંતાનોમાં સહુથી મોટાં બચીબેન લાંઘણજ રામશંકરભાઈ સાથે પરણાવેલા. પછી હસુબેન વસઈ નટવરલાલ જેઠાલાલ શુકલ સાથે અને સવિતાબેન વિરમગામમાં જ પરણાવ્યાં, બનેવીનું નામ જ્યંતિલાલ વ્યાસ પણ રહેવાનું જામખંભાળીયા. પુત્રોમાં સહુથી મોટા સનતભાઈ તે પાટડી પરણ્યા, ભાભીનું નામ સુભદ્રાબેન. પછી અંગીરસભાઈ તે પણ પાટડી જ પરણ્યા, ભાભીનું નામ અન્નપુર્ણાબેન સુભદ્રાભાભીનાં નાનાં બેન થાય. ત્યારપછી વિષ્ણુભાઈ એ ઉદલપુર પરણ્યા, ભાભીનું નામ ઈન્દિરાબેન અને સહુથી નાના શિવુભાઈ તે બહુચરાજી પાસે સીતાપુર પરણ્યા, ભાભીનું નામ શર્મિષ્ઠાબેન.
આમ, મોટાં માસીને બે સંતાનો અને નાના માસીને સાત દીકરા-દીકરીઓ. મારા નાનાનું તે પછીનું સંતાન એટલે નૌતમ મામા. મારા એકના એક મામા, મામીનું નામ વિજયાબેન. એમને બે સંતાનો. અત્યારે મારા નાનાનાં આ ત્રણેય સંતાનોનાં સંતાનો લગભગ અમદાવાદમાં સ્થિર થયાં છે અને એમનાં સંતાનોનાં સંતાનોમાંથી કેટલાક ઓસ્ટ્રેલીયા, કેનેડા અને અમેરીકા સુધી પહોંચ્યાં છે.
મારી મા એ મારા નાનાનું સહુથી નાનું સંતાન. મારા નાના સ્ટેશન માસ્તર હતા. આર્થિક સ્થિતિ પણ સદ્ધર. કહે છે કે એને ભણવા માટે અમદાવાદ બોર્ડીંગ સ્કુલમાં મુકી હતી. રીતસરનો કજીયો કરીને કે મને મારા લીમડા, મારું પ્લેટફોર્મ, મારું ક્વાર્ટર અને મારી રેલ્વે સાંભરે છે. એ ભાગી આવી, ના ભણી. ઈશ્વરને ખબર હશે કે લગ્ન બાદ બાકીની જીંદગી એણે જંગલમાં ગાળવાની છે. ભણવાનો કોઈ અર્થ કે ઉપયોગ ત્યાં થવાનો નથી એટલે એ ના ભણી. પણ એનું વાંચન ખૂબ બહોળું. જીવનની મુશ્કેલીઓએ એને તાવી નાંખી. કદાચ ભણી હોત તો એ તૂટી ગઈ હોત. જીવનની જંગમ વિદ્યાપીઠમાં જે જ્ઞાન અનુભવ શીખવાડે છે તે કોઈ કોલેજમાં નથી મળતું. મારી મા જીવનની જંગમ વિદ્યાપીઠની પીએચડી હતી. એ મારી મા હતી, મારો શિક્ષક હતી, મારો માર્ગદર્શક હતી, મારી પ્રેરણા હતી, મારી હૂંફ હતી, બધું જ હતી. કારણકે એ મારી મા હતી. આમેય નાનું બાળક ક્યારેક વધુ લાડકોડ પામે છે તો ક્યારેક તવાય છે. મારા નાના એની ખૂબ જ નાની ઉંમરમાં એકાએક ગુજરી ગયા. કદાચ એ લાંબુ જીવ્યા હોત તો ? મારી મા જીવનના ત્રિવીધ તાપમાંથી આટલી તવાઈને ઘસાઈ ન ગઈ હોત. એ કદાચ લાંબુ જીવી હોત કે નહીં એ કહી શકતો નથી પણ સરળ અને સુખી જીવન ચોક્કસ જીવી હોત.
સુરેન ઠાકર “મેહુલ” રચિત એક કવિતાથી મારી મા નો પરિચય હાલ પૂરતો પૂરો કરીએ.
“મા એટલે”
પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !
તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.
જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો !
જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી.
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.