વડોદરાથી વિસનગર
માત્ર એક જ વરસ
એડમિશન ન મળ્યું.
આપણે વાજતે ગાજતે સિધ્ધપુર ભેગા થઈ ગયા.
સાચા માર્ગદર્શન વગર માણસ કેવો ચકડોળે ચડે છે તેનું આદર્શ ઉદારહરણ મારી કારકિર્દીમાં આ સમયે આવેલ વળાંક હતો.
સિવિલ એન્જીનિયર બનવું જ હતુ તો ડિપ્લોમામાં એડમિશન લઈ પછી ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જઇ શકાયું હોત. એમાં ફાયદો એ થાત કે કમસે કમ સિવિલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમા તો હાથમાં રહેત અને એટલે સરકારમાં સુપરવાઇઝરથી માંડી ખાનગી કોઈપણ કંપનીમાં અથવા આગળ જતાં પોતાનું સિવિલ એન્જીનિયરીંગનું કોન્ટ્રાક્ટનું કામ પણ કરી શકાયું હોત.
એ વખતે વડોદરામાં ડિપ્લોમામાં પહેલા પાંચમાં આવનાર વિદ્યાર્થીઓને સીધો પ્રિ.ડિગ્રી એટલે કે બે વરસે ડિગ્રી મળે એ રીતે પ્રવેશ મળતો.
ડિપ્લોમામાં મારા મેરીટ સમકક્ષ ટકાવારી SSCમાં મેળવી હોય એવા વિદ્યાર્થીઓ આવે નહીં એટલે હરીફાઈ આપણાથી નબળા વિદ્યાર્થીઓ સાથે કરવાની હતી. જ્યારે પ્રેપરેટરી સાયન્સમાં એક-એકથી ચડિયાતાં ભેજાં સાથે હરીફાઈ કરવાની હતી.
પ્રમાણમાં માધ્યમનો પ્રશ્ન પણ એટલો ન રહ્યો હોત કારણ કે ડિપ્લોમામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું અંગ્રેજી મોટે ભાગે બહુ સારું ન હોય.
આમ નાના તળાવમાં મોટી માછલી બની શકાયું હોત.
આથી ઉલટું હું પ્રેપપરેટરી સાયન્સમાં પ્રવેશ લઈને સમુદ્રમાં એક નાની માછલી બની ગયો હતો.
આ સમજ તે વખતે હોત તો ડિપ્લોમા અને પછી ડિગ્રી કરી શકાઇ હોત.
ડિપ્લોમા પછી નોકરી હોત તો એ કરતાં કરતાં પણ Institute of Engineers દ્વારા AMIEની ડિગ્રી પરીક્ષા સાંજના અભ્યાસક્રમમાં જોડાઈને પાસ કરી શકાઈ હોત આ પણ એક વિકલ્પ હતો.
એન્જીનિયરીંગમાં એડમિશન ન મળ્યું તો બે વરસ વધારાનાં એટલે કે SSC પછી છ વરસે મને ડિગ્રી મળી. જ્યારે SSC પછી છ વરસે MSC એટલે કે સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળી શકી હોત. ત્યારબાદ વિદેશ જવાથી માંડી અન્ય વિકલ્પોનો લાભ લઈ શકાયો હોત અથવા PhD કર્યુ હોત તો 23-24 વરસની ઉંમરે ડોક્ટરેટની ડિગ્રી મેળવી શકાઈ હોત. આ અક્કલ તે વખતે નહોતી.
મેં પ્રેપરેટરી સાયન્સ વડોદરામાં કર્યુ પછી પાછા વડોદરા જ જવુ છે એવું ગધેડાનું પૂછડું ન પકડ્યું હોત અને વિસનગર FyBSCમાં મહેનત કરીને ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હોત (જે મુશ્કેલ નહોતું કારણ કે માધ્યમ ગુજરાતી હતું) તો એકપણ વરસ બગાડ્યા વગર FyBSC પછી એલ. ડી. એન્જીનિયરીંગ કોલેજ કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અન્ય એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન લઈ 3 વરસે ડિગ્રી મેળવી શકાઈ હોત.
પરિણામ? હું 1969માં ગ્રેજ્યુએટ થયો તેને બદલે 1967માં ગ્રેજ્યુએટ થયો હોત.
આમાનો એકેય રસ્તો તે વખતે ન સૂજ્યો.
માર્ગદર્શન પણ નહોતું અને વિચારોની પાકટતા પણ નહોતી.
ઉલટાનું સિવિલ એન્જીનિયર બનવાનું ભુત મારો કબજો લઈ બેઠું હતું.
મનોમન મેં ગાંઠ વાળી હતી કલાભવનના દરવાજે મારા માટે લાગેલ “No Admission”નું પાટિયું ફેરવીને “Admission Open” કરી નાખવાનું.
જીવનમાં ક્યારેક નિયતિ આપણને દોરે છે.
નિયતિ આપણને દોરે છે ત્યારે આપણી અક્કલના દરવાજા બંધ થઈ જાય છે.
નિયતિનો દોરાયો હું દોરાઈ રહ્યો હતો.
એક નિમ્ન મધ્યમ વર્ગના ગામડાના વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ નિયતિનો દોરયો કેવો દોરાય છે તેનું હું આદર્શ ઉદાહરણ હતો.
આમ જ નિયતિનો દોરયો હું સિધ્ધપુર પાછો પહોંચી ગયો.
એક વિચાર મગજમાં આવ્યો. સિધ્ધપુરમાં તો સાયન્સ કોલેજ છે જ નહીં.
પાટણ અથવા વિસનગર જ જવું પડે.
મારી પસંદગી વિસનગર પર ઉતરી.
મુખ્ય કારણ એ હતું કે ત્યાં મારા દૂરના સંબંધી કાકા પણ મારા પિતાજી સાથે ઘનિષ્ઠ પરિચયમાં એવા ડો. કાંતીલાલ બળદેવરામ વ્યાસ ઉર્ફે ડો. કે. બી. વ્યાસ એટલે કે કાંતીકાકા પ્રિન્સિપાલ હતા.
રણજિતરામ સુવર્ણચંદ્રક અને એવા બીજા અનેક ઇલકાબોથી નવાજાયેલ કાંતીકાકા ખરેખર ઉચ્ચ કોટિના વિદ્વાન હતાં.
કારકિર્દીની શરૂઆત ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે M.T.B. કોલેજમાંથી કરી. ત્યારબાદ ગુજરાતી વિભાગના વડા તરીકે એલફિસ્ટન કોલેજ મુંબઈમાં લગભગ 23 વરસ અને પછી જુદી જુદી સરકારી કોલેજોમાં પ્રિન્સિપાલ તરીકેની ઉજ્જવળ કારકિર્દી ધરાવતા ડો. કે. બી. વ્યાસ એટલે કાંતીકાકા તે સમયે વિસનગર કોલેજમાં પ્રિન્સિપાલ હતા. મારા બાપા અને મેં વિસનગરની વાટ પકડી. બધી વિગતો અમારી પાસેથી જાણી તેમણે જરૂરી ફોર્મ વિગેરે ભરાવાની વ્યવસ્થા કરી અને સધિયારો આપ્યો કે એડમિશન મળી જશે. ત્યારે મને ખ્યાલ નહોતો કે ચોથા જ દિવસે વિસનગર કોલેજમાંથી ટેલીગ્રામ (તાર) આવશે “Admission Granted” અને આ રીતે હું FyBCSમાં વિસનગર સાયન્સ કોલેજનો વિદ્યાર્થી બન્યો. હોસ્ટેલમાં પણ રૂમ મળી ગયો અને વળી પાછી એક વધુ હોસ્ટેલમાં મેં ગાદલું છોડયું અને ટ્રંક ખોલી કપડાં વિગેરે બધું ગોઠવી દીધું.
અહીંયાં ફરક માત્ર એટલો જ હતો કે વડોદરાની એક વરસની હોસ્ટેલની જિંદગીએ મને ઘડીને ઘંટ બનાવી દીધો હતો. આ હોસ્ટેલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની સરખામણીમાં હું જાણે કોઈ એડવાન્સ કંટ્રીમાંથી આવ્યો હોઉ એવી મારી સ્થિતિ હતી. વળી પાછું ધીરે ધીરે વાત ફેલાઈ કે આ તો પ્રિન્સિપાલ સાહેબનો ભત્રીજો છે. વ્યાસ સાહેબની છાપ એક કડક એડમિનિસ્ટ્રેટર અને No Nonsense પ્રિન્સિપાલ તરીકેની હતી. બીજા શબ્દોમાં કહીએ તો ડો. કે. બી. વ્યાસ સાહેબના નામના કોલેજમાં સિક્કા પડતા હતા એટલો એમનો વટ હતો. ક્લાસ ભરવાના શરૂ કર્યા અને બીજા જ દિવસે ઇંગ્લિશના પિરિયડમાં વ્યાખ્યાતાએ જે પ્રશ્ન પૂછ્યો તેના જવાબમાં આંગળી ઉંચી કરી જવાબ કડકડાટ અંગ્રેજીમાં આપી દીધો. આખો ક્લાસ મારી તરફ અહોભાવથી જોઈ રહ્યો હતો એનો અનુભવ થયો. ત્યારથી હું સાયન્સ કોલેજમાં ભણ્યો ત્યાં સુધી બે બાબતે મારી છાપ પાકી હતી. પહેલું કે આ માણસનો અંગ્રેજી પર ગજબનો કાબૂ છે અને બીજું કે એ એક વરસ અહીંયા પસાર કરવા માટે જ આવ્યો છે. આવતી સાલ પાછો વડોદરા ભેગો થઈ જવાનો છે.
કોઈપણ સ્થળાંતરની પ્રક્રિયાને એની આગવી અગવડો હોય છે.
વડોદરાથી વિસનગર કોલેજ બદલાઈ અને યુનિવર્સિટી પણ બદલાઈ.
માધ્યમ બદલાયું.
વાતાવરણ બદલાયું.
પહેલા ઘરથી દૂર હતો.
હવે ઘર હાથ વેંતમાં હતું.
M. S. યુનિવર્સિટી સ્વાવલંબી યુનિવર્સિટી હતી.
આ સરકારી કોલેજ હતી.
પ્રેપરેટરી સાયન્સમાં ત્યાં જે. એસ. દવે સાહેબે હાથ પકડ્યો.
અહીં ડો. કે. બી. વ્યાસ સાહેબની મદદ મળી.
આ બધું જ સંપૂર્ણપણે તકદીર આધારિત હતું.
નહોતું મારું કોઈ આયોજન
નહોતી આયોજન કરવા જેટલી સમજ.
કારકિર્દીને ગંભીરતાથી લેવી જોઈએ
એટલી સમજ પણ નહોતી.
એક માત્ર મહત્વાકાંક્ષાનું ભૂત મારામાં ભરાઈ બેઠું હતું
મારે કલાભવનમાં સિવિલ એન્જીનિયરીંગના કોર્ષમાં દાખલ થવું છે.
B.E. Civil વડોદરાથી જ થવું છે.
તમે મને આજે પૂછશો તો એ મૂર્ખતાથી વિશેષ કાંઇ જ નહોતું.
પણ એ સમયે તો આ મિથ્યાભિમાન, મમત અને મૂર્ખતાએ મારો સંપૂર્ણ કબજો લઈ લીધો હતો.
હું તકદીરનો દોરાયો વિસનગરમાં આવ્યો હતો
પણ...
મનમાં એક ચોક્કસ નિર્ધાર હતો
વિસનગરમાં મારે એક વરસ જ ગાળવાનું હતું
માત્ર એક જ વરસ.