મહારાજા સયાજીરાવ દ્વારા વડોદરાને અપાયેલ એક મોટુ નજરાણું એટલે કમાટીબાગ. કમાટીબાગની કેટલીક વિષેષતાઓમાં મ્યુઝિયમ અને એની સામે પ્રસ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા વિષે વાત કરી. સયાજીબાગને ઝાંપે ઉભેલું મહારાજા સયાજીરાવનું પુતળું ક્યારે બન્યું અને એની પાછળનો ઇતિહાસ શું છે તે પણ આપણે જોયો. સર સયાજીરાવ ત્રીજા ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ લાયક ઉંમરના થઈ રાજ્યકારભારનો સંપૂર્ણ અધિકાર પોતાને હસ્તક લીધો. તે શુભ પ્રસંગના સમારંભમાં હિંદના વાઇસરોય વતી મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન હાજર રહ્યા હતા. રાજ્ય સત્તા ધારણ કરતી વખતે મહારાજા સાહેબે જે પ્રવચન આપ્યું હતુ તેના ભાગરૂપ કેટલાક શબ્દો નીચે મુજબ હતા-

“મારી જવાબદારીનું મને ઊંડું ભાન છે. મારું કર્તવ્ય કઠિન છે પણ મારી પ્રજાના કલ્યાણ માટેના પ્રયત્નો કરવા કરતા બીજુ કોઈ કામ મને વધારે પ્રિય નથી. મારું કામ મુશ્કેલ છે છતાં હું મારી પ્રજાના તમામ માણસોની સહાનુભૂતિ અને નૈતિક મનોબળ ઉપર શ્રધ્ધાપૂર્વક અવલંબન રાખું છુ.” (શ્રી સયાજી હીરક મહોત્સવ નિવેદન-ભાગ 1, પાન નં.66)

સયાજીરાવ ગાયકવાડ વિષે મારી બાલ્યાવસ્થામાં કેટલીક વાતો મારા બાપા પાસે મેં સાંભળી હતી. વડોદરા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અવ્વલ દરજાની હોય તેમજ કન્યા કેળવણી ફરજિયાત હોય તેવું મહારાજા સાહેબના મા સરસ્વતી પ્રત્યેના આદર અને પ્રેમને કારણે થયું હતું. આગળ જતાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં “પગરખાંની પરબ” નામનો પાઠ ભણવામાં આવ્યો હતો જેમાં વડોદરા રાજ્યની લાઈબ્રેરી વ્યવસ્થાના જનક શ્રી મોતીભાઈ અમિન સાહેબ વિષે કેટલુંક જાણવા મળ્યું હતું. એ જમાનામાં ચાણસ્મા હાઇસ્કૂલના આચાર્ય શ્રી બાબુપ્રસાદ પી. મહેતા વિદ્યાર્થીઓમાં વાંચન માટેનો શોખ વિકસે તે માટે દર વરસે જુદું જ પુસ્તક અભ્યાસક્રમમાં રાખી જ્ઞાનકૌશલ્યની પરીક્ષાઓ લેતાં. મેં આવી ચારેક પરીક્ષાઓ આપી હતી. જેમાંની એકમાં મોતીભાઈ અમિન અને લાઈબ્રેરી વ્યવસ્થા વિષે આવતું હતું. આમ, શ્રીમંત મહારાજા સાહેબના પ્રજાવત્સલ કામો મારી સમજ મુજબ થોડા ઘણાં આ પુસ્તકોના વાંચનને કારણે ધ્યાને આવેલાં ત્યારે જુના વડોદરા રાજ્યના એક ગામડાનો હું વતની હતો એ વાતનું સહજીક ગૌરવ અને મહારાજા સયાજીરાવ ત્રીજા પ્રત્યે અત્યંત માનની લાગણી મારા મનમાં ઊભી થવા પામી હતી.

વડોદરા ભણવા ગયો ત્યારે મને સયાજી ડાયમંડ જ્યુબિલી ફંડમાંથી સ્કોલરશીપ મળી એ પણ આ પ્રજાવત્સલ રાજવીના ઉદાર દિલ અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ હતું. જ્યારે જ્યારે કોઈ પુસ્તકમાં અથવા અન્ય જગ્યાએ સર સયાજીરાવ ગાયકવાડનો ફોટો મારી નજરે ચડતો ત્યારે મારું મસ્તક અત્યંત આદર અને કંઈક અંશે ભક્તિભાવ કહી શકાય એવી લાગણીથી ઝૂકી જતું.

મારો આ પરિચય વડોદરા રાજ્યની રાજધાની અને મહારાજા સાહેબની કર્મભૂમિના કેન્દ્રસ્થાને રહેલ વડોદરા ખાતે ઉચ્ચ શિક્ષણ માટે આવવાનું થતાં વધુ ઘેરો બની રહ્યો હતો. મહારાજા સયાજીરાવ નામ સાથે જોડાયેલ આ યુનિવર્સિટીનું એ સમયે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ વિદેશમાં જબરદસ્ત માન હતું. આમ, પરોક્ષ રીતે પણ મહારાજા સાહેબ મારી વિદ્યોપાર્જનની પ્રવૃત્તિમાં નિમિત્ત બન્યા હતા એવું મને સમજાવા માંડ્યુ હતું.

મારા એકલ રઝળપાટ દરમિયાન આ કારણથી હું જ્યાં જ્યાં જતો ત્યાં શકયત: કોઈ વ્યવસ્થાપક હોય તો તેની પાસેથી એ સ્થાન વિષે માહિતી મેળવી લેતો. મારા જીવનની એક મોટી ખોટ હું ડાયરી રાખવાનું ન શીખ્યો એ હતી એવું મને હવે સમજાય છે. જો મેં રોજનીશી અથવા દીનચર્યાની ડાયરી લખવાનો અભ્યાસ રાખ્યો હોત તો કદાચ અત્યારે માત્ર અતિતની યાદ ઉપર આધારિત રહીને જે લખવું પડે છે તેને બદલે ગુણવત્તાની દ્રષ્ટિએ થોડું વધુ સારું લખી શકાયું હોત. ડાયરી નહીં રાખવી અને રોજનો હિસાબ ન લખવો આ બે મારા ઘડતરની ઉણપો રહી છે જેનું ક્યારેક ક્યારેક નુકશાન પણ મેં વેઠ્યું છે. 

મહારાજા સાહેબ પ્રજાવત્સલ રાજવી હતા તેની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે રૌપ્ય મહોત્સવ દરમિયાનની એક ઘટનાનો ઉલ્લેખ ઉચિત સમજુ છું. આ અગાઉ મેં ઉલ્લેખ કર્યો તે મુજબ આ પ્રકારની ઘટના મારી જાણમાં માત્ર બે જ વ્યક્તિઓના કિસ્સામાં ઘટી છે. એક હતા આપણા અતિ વિદ્વાન રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન અને બીજા હતા વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા.

વિગતો કંઈક આમ છે-

ભારત દર પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન ઉજવે છે. પાંચમી સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ તારીખ છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ડો.રાજેન્દ્ર પ્રસાદ બાદ બીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. પોતે શિક્ષકનો જીવ એટલે એમણે એવું જાહેર કર્યું હતું કે મારા જન્મદિવસ તરીકે આ દિવસ ઉજવવાને બદલે દેશના શિક્ષકગણ પ્રત્યે આદર અને સન્માનની ભાવના સાથે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવાય તે વધુ યોગ્ય રહેશે. 

આ રાધાકૃષ્ણન સાહેબ જ્યારે યુનિવર્સિટીમાં ભણાવતા ત્યારે પોતાના વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય હતાં. વિદ્યાર્થીઓ એમને દિલોજાનથી ચાહતા. તેઓ જ્યારે મૈસુર યુનિવર્સિટીમાં ભણાવતા હતા ત્યારે પ્રોફેસર તરીકે કલકત્તા યુનિવર્સિટીમાં તેમની પદોન્નતિ થઈ. જ્યારે તેઓ કલકત્તા જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે મૈસૂર યુનિવર્સિટીથી રેલવે સ્ટેશન સુધી ફૂલોથી શણગારેલ બગીમાં તેમને બેસાડીને તેમના વિદ્યાર્થીઓ આ બગીને પોતે સ્ટેશન સુધી ખેંચી ગયા અને એ રીતે એમણે પોતાના શિક્ષક પ્રત્યેનો અવર્ણનીય પ્રેમ વ્યક્ત કર્યો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબ કેટલા લોકપ્રિય શિક્ષક હતા તેનો દાખલો આ પ્રસંગ પરથી મળી શકે છે.

મહારાજા સાહેબ પ્રજાવત્સલ રાજવી હતાં. એમના પ્રજાલક્ષી કામ અને વહીવટે એમના વ્યક્તિત્વની ફોરમ વડોદરા રાજ્યમાં તો ઠીક પણ રાજ્ય બહાર છેક વિદેશો સુધી પ્રસારી હતી. એમણે પોતાના રાજ્યમાં ઘણા બધા સુધારા કર્યા અને પ્રજાના દરેક વર્ગને ફાયદો થાય તે રીતે પોતાના શાસનની ધુરા સંભાળી. ૧૦ માર્ચ, ૧૯૦૭ને દિવસે રૌપ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા કોલેજના ચોગાનમાં રમત-ગમતની હરિફાઈ થઈ ગયા બાદ સંધ્યાકાળે કોલેજના અધ્યાપકો અને તે વખતના અને આગલા વખતના વિદ્યાર્થીઓ મળી લગભગ ૫૦૦ માણસોનું એક સુંદર લાંબુ સરઘસ હાથમાં મશાલો લઈ શ્રીમંત મહારાજા સાહેબને કોલેજમાંથી લક્ષ્મીવિલાસ રાજમહેલ સુધી પહોંચાડી આવ્યું હતું. આ સાજન કોઠી આગળ આવતા લોકો અને વિદ્યાર્થીઓનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો વધી ગયો હતો કે શ્રીમંત મહારાજા સાહેબની સંમતિ મેળવી તેમની બગીના ઘોડા છોડી નાંખવામાં આવ્યા તે બગી વિદ્યાર્થીઓ પોતાને હાથે ખેંચી મહારાજાને રાજમહેલ સુધી લઈ ગયા હતાં. આ ઉમળકો જોઈને શ્રીમંત મહારાજા સાહેબના હદયમાં આનંદ અને સંતોષની લાગણી એટલી બધી ઉભરાઇ આવી હતી કે રાજમહેલ પહોંચતા તેઓશ્રી બગીમાંજ ઊભા થઈ ગયા અને બોલ્યા કે “મારા જીવનનો આ એક અસાધારણ પ્રસંગ છે એમ હું ગણું છું. જે માન તમે મને આપી રહ્યા છો તેનાથી મારા હદય ઉપર ભારે અસર થઈ છે. મારે કહેવું જોઈએ કે આવા મશાલોના દીવાથી સુશોભિત થએલા વરઘોડામાં મને લઈ જવાના માનને હું માત્ર નથી. જે મેં કર્યું છે તે કર્તવ્ય સમજી કર્યું છે. મેં ભૂલો પણ કરી હશે પણ તે જાણીબુજીને કરી નથી એ વિષે હું તમને ખાતરી આપું છું. મેં જે કંઈ ભૂલો કરી હોય તે માટે તમે મને ક્ષમા આપશો એવી આશા હું રાખું છું વિશેષમાં ખાતરી આપું છું કે તમારા ભલા માટે મારાથી બનતું હું બધુ કરીશ.

આમ, મહારાજા સયાજીરાવ ગાયકવાડની બગી વિદ્યાર્થીઓ છેક કોઠીથી પોતાના હાથે ખેંચી રાજમહેલ સુધી લઈ ગયા.

એક કિસ્સો આદર્શ શિક્ષકના જીવનનો છે.
બીજો કિસ્સો આદર્શ શાસકના જીવનનો છે.
બંનેમાં એમના ઉપર પ્રેમની વર્ષા કરનાર યુવા વિદ્યાર્થીવર્ગ છે.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન હતા.
સર સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને પોતાના રાજ્યમાં શિક્ષણ તેમજ લાઇબ્રેરીની આદર્શ વ્યવસ્થા સ્થાપનાર શિક્ષણપ્રેમી રાજવી હતા.
એક યા બીજી રીતે બંનેએ ભાવિ પેઢીને...
મા સરસ્વતીની ઉપાસનામાં જોતરવાનું
મા સરસ્વતીની ઉપાસના માટે સહાયક બનવાનું
મા સરસ્વતીના ઉપાસકોને યોગ્ય માન અને સ્થાન આપવાનું વલણ દાખવ્યું હતું.
શિક્ષકદિન કેમ ઉજવાય છે તે તો મને પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવ્યું હતું પણ રૌપ્ય મહોત્સવ દરમિયાન આ વિગતો તો કમાટીબાગનાં મારા સંસ્મરણો વાગોળતાં થોડીક વધુ હકીકતો મેળવી મારી રજૂઆતને રસપ્રદ બનાવવાની મથામણમાંથી મળી છે.
પ્રજાનું દિલ જીતવું...
યુવાનો અને વિદ્યાર્થીઓનું દિલ જીતવું...
સરળ નથી.
હદયના પ્રેમને પૈસા કે સત્તાથી હાંસિલ કરી શકાતો નથી. 
ક્યારેક હારીને પણ જીતી જવાય છે
તો ક્યારેક જીતીને પણ હારી જવાય છે
અને એટલે જ...
આ પંક્તિઓ સમાપનમાં-
“જિંદગી જિંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
હાર પણ દિલ જીતી દે છે કોક’દી
મોત પણ જીવન અમર ઝાંપો કદી”

હારીને પણ જીતી ગયેલા પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, મહારાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ કેટ-કેટલાંય આપણાં હદયમાં જીવંત છે
અને...
હત્યારાની ગોળીથી વીંધાનાર ગાંધીજી કે પછી...
ફાંસીને માંચડે લટકી ગયેલ ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ અને એવા કેટલાય જેમના બલિદાનને પરિણામે આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈએ છીએ તે...
મૃત્યુ પામીને પણ અમર થઈ ગયા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
પ્રજાવત્સલ રાજવી
આટલા વરસે પણ મારા દિલમાં 
અહોભાવથી ગદગદ થઈ જવાય એવી ભાવના જગાવે છે.
વડોદરાએ મને શિક્ષણ તો આપ્યું જ પણ
જીવન પ્રત્યેની એક નવી દ્રષ્ટિ કેળવવાનું કામ પણ
આ શહેરમાં જ થયું. 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles