વડોદરાની મારી પહેલી ઉત્તરાયણ – દરેક પતંગને પોતાનું આકાશ હોય છે. ઉત્તરાયણના માહોલથી અલિપ્ત એ દિવસે હું શોધી રહ્યો હતો મારૂં આકાશ !!!
વડોદરાની મારી પહેલી ઉત્તરાયણ –
દરેક પતંગને પોતાનું આકાશ હોય છે.
ઉત્તરાયણના માહોલથી અલિપ્ત
એ દિવસે હું શોધી રહ્યો હતો મારૂં આકાશ !!!
વડોદરાના ગણેશજી, નવરાત્રી, ફનફેર, હૉસ્ટેલ ડે, ફેકલ્ટી ડે અને વડોદરામાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી કેટલાક વિશે વાત કરી.
વડોદરાની ઉત્તરાયણ પણ એટલી જ રંગીન હોય છે. સિદ્ધપુરમાં પતંગ દશેરા વખતે ઊડે. કદાચ બાજુમાં પાલનપુરનું નવાબી રાજ્ય હતું અને ત્યાંના જે રીતરીવાજો હતા એની અસર સિધ્ધપુર ઉપર પણ પડી હશે એટલે સિધ્ધપુરમાં પતંગ દશેરા ઉપર ઉડતા. ઉત્તરાયણ પર પતંગ ઉડાડવાનો રિવાજ નહોતો. મને પતંગ ચગાવવાનો બહુ જ શોખ. સિધ્ધપુરમાં દશેરા પહેલાંના દોઢેક મહિનાથી મારો પતંગ પ્રેમ જાગૃત થઈને ચરમસીમાએ પહોંચે. બે વાત હું જાતે જ કરૂં. એક, પતંગ ઉડાડવા માટે સાંકળ-8 અથવા ડોકા-40 દોરી રંગીને એ તૈયાર કરવાની અને બીજું પતંગની પસંદગી. અગાઉ આ બાબતે લખાઈ ગયું છે એટલે વધુ વિસ્તારપૂર્વક વર્ણનમાં અહીં ઉતરતો નથી.
દિવાળી વેકેશનમાંથી પાછા આવીએ ત્યારે એકબાજુ ફનફેરથી માંડીને ફેકલ્ટી ડે સુધીની ઉજવણીઓ ચાલતી હોય અને બીજી બાજુ ધીરે ધીરે વડોદરાના આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવવા માંડે. ઉત્તરાયણ આવી. વડોદરામાં મારી આ પહેલી ઉત્તરાયણ હતી. સિધ્ધપુરની જેમ દોઢ-બે મહિના આ પ્રવૃત્તિ પાછળ ખર્ચવાના શક્ય નહોતા. બીજું, અમારો હૉસ્ટેલનો વિસ્તાર ગીચ વસતી ધરાવતા રહેણાંક વિસ્તારથી કોઈ રીતે જોડાતો નહોતો. આ કારણથી પતંગ ઉડાડવા હોય તો શહેરમાં જવું પડે. આ ખૂબ સમય માંગી લે તેવી બાબત હતી અને એટલે હું અધિકારપૂર્વક કહી શકું કે, વડોદરામાં ગાળેલાં વરસોએ મારા પતંગપ્રેમને ઘટાડીને લગભગ નિર્મૂળ કરી નાંખવા સુધીનું કામ કર્યું. હું પતંગથી આટલો વિમુખ થઈ જઈશ એ વાત કદાચ એકાદ વરસ પહેલાં કોઈએ કરી હોત તો માન્યામાં પણ ન આવત, સમયની લીલા અકળ છે. એનું આ તાદ્દશ્ય ઉદાહરણ છે. ખેર ! ઉત્તરાયણ સાવ કોરી તો નહોતી ગઈ. કારણ કે, કેટલાક મિત્રો શહેરમાં અને તેમાંય ખાસ કરીને અમદાવાદી પોળ વિસ્તારમાં રહેતા હતા, પણ ગમે તે કારણ હોય, મને વડોદરાની મારી પહેલી ઉત્તરાયણનો અનુભવ કાંઈ જામ્યો નહીં.
આવું કેમ બન્યું હશે એ વિશે વિચાર કરતાં લાગ્યું કે, સિધ્ધપુરના દશેરા અને વડોદરાની ઉત્તરાયણ દરમિયાન જે પતંગબાજી થતી એમાં કેટલાક મહત્વના તફાવત હતા. સિધ્ધપુરમાં જમીન ઉપર ઊભા રહીને પતંગ ઉડાડતા. સિધ્ધપુર શહેરમાં પણ મોટા ભાગે પતંગબાજીના મોટા ખેલ હરગુડીયા વિસ્તારમાં થતા, જ્યાં કેટલાક મુસ્લિમ યુવકો એમની પતંગબાજીની કલા તેમજ ક્ષમતા દેખાડતા. સામાન્ય રીતે લગભગ અડધી રીલ જેટલી દોરી છોડીને પતંગને ઊંચે આકાશમાં લઈ જવાતો અને ત્યારબાદ પેચ લેવાય તો મોટા ભાગે ઢીલ છોડીને પેચ કરતા. ખેંચીને કાપવાવાળા ઓછા રહેતા. આની સરખામણીમાં વડોદરા શહેરના ગીચ વિસ્તારમાં પુષ્કળ પતંગો ઉડતા અને બહુ ઢીલ છોડીને દોરી વાપરી નાખો તો આગળ જતા ક્યાંક ને ક્યાંક કોઈ પતંગ તોડી લે અથવા કપાઈ જાય તેવું બની શકે એટલે વડોદરામાં મોટા ભાગે ખેંચીને પતંગ કાપવાનો રિવાજ હતો.
ઉત્તરાયણને દિવસે વહેલી સવારથી લગભગ શહેર આખું ધાબે કે છાપરે ચઢી જતું અને તલસાંકળી, બોર, મમરાના લાડુ અથવા બીજી કોઈ નાસ્તાની આઈટમો સાથે જાફત ઉડતી. સિધ્ધપુરમાં મેં કોઈ છોકરીને પતંગ ઉડાડતા જોઈ નહોતી. અહીંયા પહેલીવાર ગૉગલ્સ અને કેપ પહેરીને છોકરીઓ પણ પતંગ ઉડાડતી અથવા ફીરકી પકડીને પતંગ ઉડાડવાની પ્રક્રિયામાં સહાયક થતી જોઈ. મેં જોયું કે, પોતાનો પતંગ કપાય તો પણ જે તે ધાબેથી ચીંચીયારીઓ પાડીને એને વિદાય આપવા જેટલી ખેલદીલી વડોદરાવાસીઓમાં હતી.
સૂરત અને વડોદરાની ઉત્તરાયણની કોમેન્ટ્રી સ્થાનિક ઑલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન પર આવતી અને ખાસ્સી રંગત જમાવતી.
એ જમાનામાં ડીજે નહોતું, પણ ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમ અથવા લાઉડ સ્પીકર મૂકીને જે તે સમયના પ્રચલિત ગાયનો વગાડાતાં અને ક્યાંક ક્યાંક આ ગાયનોને તાલે ધાબાનૃત્ય પણ થતાં. “ભાભી” ચલચિત્રનું “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...” તેમજ “યે દુનિયા પતંગ નીત બદલે યે રંગ....” જેવાં ગીતો તથા અન્ય પ્રચલિત ગીતો વાગતાં.
એ જમાનામાં ટેલિવિઝન નહોતું અને મોટાભાગે શિયાળાના આ સમયે ભારતમાં ટેસ્ટમેચ રમવા કોઈ ક્રિકેટ ટીમ આવી હોય તો ઉત્તરાયણની પતંગબાજીની સાથોસાથ ધાબા પર ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા મોટા રેડિયો મૂકીને કોમેન્ટ્રી પણ વગાડાતી. ભારતની તરફેણમાં કશુંક બને એટલે બધા એને ચીંચીયારીઓથી વધાવી લેતા. આમ, વડોદરાની ઉત્તરાયણ સિધ્ધપુરના દશેરાની સરખામણીમાં જાણે કે જનજીવનના ઉમંગે ધડકતી ધબકતી એક મોટી ઘટના હતી.
બીજો મહત્વનો તફાવત સિધ્ધપુરમાં અમે દોર સરેશ ઉકાળીને એનો બાઈન્ટર તરીકે ઉપયોગ કરીને રંગતા. અહીંયાં કાચ સાથે બાઈન્ડરની લૂગદી બનાવીને દોરી રંગાતી. સિધ્ધપુરમાં આ માટે અમે શબ્દ વાપરતા – “દોરી પાવી”, જ્યારે વડોદરામાં આ પ્રક્રિયાને “માંજો ઘસવો” એમ કહેવાતું. સાંકળ-8 અથવા ડોકા-40ની ગરગડીને અમે “રીલ” કહેતા, જ્યારે વડોદરામાં વપરાતો શબ્દ હતો “ટેલર”. સિધ્ધપુરમાં કોઈ દિવસ ટુક્કલ ઉડતી જોઈ નહોતી. વડોદરાની ઉત્તરાયણની સાંજનો સૂરજ અસ્તાચળે ગયો ત્યારે બે ઘટના બની. જેવી સાંજ ઢળી એટલે ધાબા ઉપરથી દારૂખાનું ફૂટવાનું શરૂ થયું. જાણે કે દિવાળી આવી ! અને જેવી રાત પડી કે, આકાશમાં ગભારા અથવા ટુક્કલના દીવડા દેખાવા માંડ્યા. મારે માટે આ પહેલી ઘટના હતી. એ વખતે ટુક્કલ પતંગના દોરા સાથે બાંધીને ચઢાવાતી. અત્યારના ચાઈનીઝ ટુક્કલની માફક દીવો પ્રગટાવીને એકલી એકલી આકાશમાં ફરવા છૂટ્ટી નહોતી મૂકી દેવાતી. આ દ્રશ્યો મન લુભાવન હતાં.
એ દિવસે વપરાતાં વ્યંજનોની બાબતમાં પણ વડોદરા પડતું હતું સાવ જૂદૂં. અમારે ત્યાં ઉત્તરાયણ વખતે એક ખાસ પ્રકારની લાડુ નહીં, પણ લાડુના જેવી જ ચોંસલા પાડીને બનાવેલ વાનગી “થેપા” બનતા. ગાય માટે ઘઉં – ગોળનું ખાણ અને કૂતરા માટે શીરો બનતો. અહીંયા હૉસ્ટેલમાં તો એ દિવસે ફીસ્ટ હોય એટલે ફ્રૂટ સલાડ, ગુલાબજાંબુ, દૂધીનો હલવો કે એવી કોઈ મીઠાઈ અને સાથે સૂકી ભાજી, પૂરી અથવા રોટલી, છૂટી દાળ અને કઢી સાથે ભાત અથવા પુલાવ એવું મેનુ રહેતું. શહેરમાં લોકો ઊંધીયું અને જલેબી તેમજ ફાફડા ઉપર તૂટી પડતા.
મારી મા ઉત્તરાયણના દિવસે તલની લાલુડીમાં ચાર આનીનો સિક્કો મૂકી લાલુડી બનાવતી અને તેની સાથે શેરડી તેમજ બોર એ બધું પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓને દાન તરીકે અપાતું. એ કહેતી કે, ઉત્તરાયણના દિવસે ગુપ્ત દાનનો મહિમા છે એટલે ચાર આનીનો સિક્કો તલની લાલુડીની અંદર મૂકીને એ દાન અપાતું. વડોદરાની ઉત્તરાયણમાં તો આવા કોઈ રિવાજો કરવાના નહોતા. આગલા દિવસે મારા મિત્રોની સાથે સાથે દોરી રંગાવી હતી. ત્યારે બીજું નવું જાણવા મળ્યું કે અહીંયા દોરીને વારમાં માપતા. એટલે હજારવાર દોરી રંગાવી એમ કહેવાતું. આ શબ્દપ્રયોગ પણ મારા માટે નવો હતો. અમે ચાર રીલ કે છ રીલ દોરી પાઈ એમ કહેવા અને સમજવા ટેવાયેલા એને બદલે આ નવો શબ્દપ્રયોગ થોડો વિચિત્ર લાગતો હતો.
ખરી મજા તો પતંગ લેવા ગયા ત્યારે થઈ. પાવલો, ઘેંસીયો, ચીલ જેવા શબ્દો મારા માટે નવા હતા. અમે પતંગ નંગ અથવા ડઝનમાં ખરીદતા. અહીંયાં નવો શબ્દ જાણવા મળ્યો – “કોડી”. એક કોડીમાં વીસ નંગ આવે. શહેરમાં તો મોડી રાત સુધી માંજો ઘસવાનું અને પતંગની ખરીદી ચાલુ રહેતી. બધા ભેગા થઈને કિન્ના બાંધતા અને પછી બીજા દિવસે ધાબે ચઢીને ઉત્તરાયણ મનાવતા. લગભગ આખી રાત આ લોકો જાગતા હશે એવું હું માનું છું.
ક્યારેક આ પ્રસંગો ઝઘડાનું કારણ પણ બનતા અને ક્યારેક એમાંથી કોમી છમકલાં કે તોફાનો પણ થતા. આમ, ઉત્તરાયણ એ આખા શહેરને હિલોળે ચઢાવતું પર્વ હતું. કોણ જાણે કેમ રામપુર કા લક્ષ્મણની માફક પતંગ માટે અનહદ પ્રેમ ધરાવનારા અને સિદ્ધપુરમાં ભલભલાના પતંગ પેચ લગાડીને કાપી નાંખનાર જય નારાયણ વ્યાસ વડોદરાની ઉત્તરાયણમાં સાવ હવાઈ ગયેલા ફટાકડા જેવા બની ગયા હતા. એ દિવસે બરાબર પતંગો ચગતા હતા ત્યારે કોઈકે વાપરેલો શબ્દ હજુ મને યાદ છે – “અરે વાહ ! હવે ઉત્તરાયણ જામી.” વડોદરાનું આકાશ ત્યારે રંગબેરંગી પતંગોથી છવાયેલું હતું. કેટલાક ભરદોરમાં ઊડી રહ્યા હતા, કેટલાક સ્થિર હતા, કેટલાક લોટતા હતા તો કેટલાક કપાઈને “કટી પતંગ” બની જઈ રહ્યા હતા. આ બધી ભરમાર વચ્ચે મને સિધ્ધપુરની તીવ્ર યાદ આવતી હતી. મારા ઘરનું સાડા ચાર વીઘા જેટલું મોટું એ ખેતર, હરગુડીયા અને રાજપુરની ખરવાડમાંથી ઉડાડાતી પતંગો, એ તલની લાલુડીઓનું ગુપ્ત દાન, એ ગાયને મૂકાતું ખાણ, કૂતરા માટેનો શીરો, ઉત્તરાયણ જાણે કે સૌના માટેનો તહેવાર હતો. પશુપંખીને ચણથી લઈને બપોરે થેપાની મિજબાની, જામફળ અને બોર મજબૂત દાંતની પકડમાં આવીને સડસડાટ છોલાઈ જતી શેરડી અને ક્યારેક મારી માના મગજમાં આવે ત્યારે એની સ્પેશ્યાલિટી એવો ઘઉંની હાથે વણેલી સેવનો બિરંજ. હૉસ્ટેલમાં એ દિવસે ફીસ્ટ ખાધી હતી. મિત્રના ધાબે પણ જાતજાતની વસ્તુઓ નાસ્તા માટે હાજર હતી. બધું જ હતું, માત્ર હું નહોતો. મારૂં મન ત્યારે સિધ્ધપુરના દશેરા અને ઉત્તરાયણની મિશ્ર કલ્પના કરી રહ્યું હતું. વડોદરાની એ ઉત્તરાયણ અદભૂત હતી, પણ મારા માટે નહીં. “I missed you Siddpur, I missed everything that I enjoyed.”
દરેક પતંગને પોતાનું આકાશ હોય છે. વડોદરાના પંચમુખી મહાદેવની પોળના મારા મિત્રના મકાનને ધાબે ઊભો રહી વડોદરાની મારી એ પહેલી ઉત્તરયણને દિવસે હું શોધતો હતો મારૂં આકાશ.