સ્વયંભૂ શ્રી વાલકેશ્વર મહાદેવ અને અષ્ટભૈરવદાદા
પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલ પાંચ સ્વયંભૂ મહાદેવમાંના એક એવા વાલકેશ્વર મહાદેવ અતિ રમણીય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે.
બ્રહ્માજીએ સનત કુમારોને ઉત્પન્ન કર્યાં તે પહેલાં વાલ્યખિલ્ય ઋષિઓને ઉત્પન્ન કર્યાં હતા. વાલ્યખિલ્ય ઋષિઓએ આ જગ્યાએ કઠોર તપશ્ચર્યા કરી અંગૂષ્ઠ રૂપ ધારણ કરેલ. નારાયણ સૂર્યને આ વાલ્યખિલ્ય મુનિએ જ પૃથ્વી ભ્રમણનો રસ્તો બતાવ્યો હતો. પુરાણોમાં વાલ્યખિલ્ય ઋષિના આશ્રમ તરીકે આ સ્થાનનો ઉલ્લેખ છે. બ્રહ્માજીએ અહીં એક જ આરસના પથ્થરમાંથી બ્રહ્મકુંડ પણ બનાવેલ જ્યાં ઈન્દ્રાદિ દેવોએ સ્નાન કરેલ, હાલ જે તાંડી ઊભી છે તેના પડછાયાના ઘેરાવામાં આ કૂંડ હોવાનું લખાણ છે. આ તાંડી પણ ઐતિહાસિક છે. પોતાના વનવાસ દરમિયાન પાંડવો આ આશ્રમમાં રોકાયા હતા જેના પ્રતિકરૂપે હાલ પાંડવોના પાંચ મહાદેવના મંદિર પણ હયાત છે.
૬૦૦૦૦ વાલ્યખિલ્ય મુનિઓ તપ કરતા હતા. દક્ષે પોતાના શુભ યજ્ઞમાં તે સર્વેને આમંત્રણ આપ્યું હતું. યજ્ઞમાં ભાગ લેવા તેઓ જઇ રહ્યાં હતા ત્યાં રસ્તામાં ગાયનું પગલું આવ્યું જે પાણીથી ભરેલું હતું. તે જોઈ વાલ્યખિલ્ય મુનિઓ બોલ્યા કે આ શી રીતે પાર કરીશું? ગાયની ખરીને સાગર માનીને મુનિઓ તરવાના વિચારમાં હતા. એ સમયે પોતાના વિમાનમાં સવાર ઇન્દ્ર આકાશ માર્ગે જઇ રહ્યો હતો. પોતાના વૈભવના મદમાં ચૂર ઇન્દ્રએ અહંકારમાં આવી મુનિઓનું અંગૂષ્ઠ જેવું સ્વરૂપ જોઇ તેમનો ઉપહાસ કરી તેમનું અપમાન કર્યું. ક્રોધિત થયેલા વાલ્યખિલ્ય મુનિઓએ ઇન્દ્રને પદભ્રષ્ટ કરી બીજો ઇન્દ્ર નિયુક્ત કરવાના ઉદ્દેશ્યથી ઇન્દ્રને શાપ આપી તેને બંદી બનાવ્યો. ઇન્દ્રને ક્ષમા આપી છોડી દેવા તમામ દેવોએ મુનિઓને વિનંતી કરી પરંતુ મુનિઓ ન માન્યા. આથી સર્વે દેવોએ દેવાધિદેવ મહાદેવને આજીજી કરી. દેવોની વિનંતીથી મહાદેવ વાલ્યખિલ્ય મુનિઓના આશ્રમમાં પ્રગટ થયા. બ્રહ્માજીએ પણ વાલ્યખિલ્ય મુનિઓને સમજાવ્યા અને બ્રહ્માની આજ્ઞાથી તેઓએ ત્યાં ઉત્તમ લિંગની સ્થાપના કરી જે વાલખીલેશ્વર (વાલકેશ્વર) મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયાં.
મુનિઓના શાપમાંથી મુક્ત થવા ઈન્દ્રએ છ માસ આ આશ્રમમાં રહી તપશ્ચર્યા કરી અને તંત્રમાર્ગના અંતિમ કાર્યસમા સિદ્ધ ભૈરવીચક્ર સહિત અષ્ટભૈરવદાદાને પ્રગટ કર્યાં. આજે પણ વેદકાલિન આ અષ્ટભૈરવદાદા ભૈરવીચક્ર સાથે બિરાજમાન છે. દર મંગળવારે અષ્ટભૈરવદાદાને ચવાણાનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે તેમના દર્શનાર્થે લોકોની ભીડ ઉમટી પડે છે. આ અષ્ટભૈરવદાદા ખૂબ ચમત્કારિક અને અશક્ય કામો પણ શક્ય કરે છે તેવી માન્યતા છે. કારતક વદ આઠમ, ભૈરવ જયંતિ અને કાળી ચૌદસે રાત્રે બાર વાગે અહીં મોટો હવન થાય છે જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. સમગ્ર ભારતમાં અષ્ટભૈરવદાદાના માત્ર બે જ મંદિરો છે જેમાંનું આ એક છે. ગુરૂ દત્તાત્રેય પણ અહીં પધારેલ, તેમના પગલા પણ મોજૂદ છે.
બિલિયા નિવાસી કરશનભાઈ તથા ધનજીભાઈ પંચાલ (હાલ વડોદરા સ્થિત) દ્વારા આપવામાં આવેલા રૂ. ૪૫ લાખના દાનથી આ પ્રાચીન મંદિર સંકુલનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ બંને ભાઈઓના કારખાનામાં નિર્મિત પ્રોડક્ટ બજારમાં ન ચાલતા તેમણે ભૈરવદાદાની સાક્ષીએ નિર્ધાર કર્યો કે પ્રત્યેક પંખા દીઠ રૂ. ૧૦૦/- ભૈરવદાદાના નામે અલગ મુકીશું. બસ ત્યારથી જ તેમનો ભાગ્યોદય થયો અને આ રૂપિયા ભૈરવદાદાના મંદિરમાં આપી આ બંધુઓએ પોતાની ધર્મનિષ્ઠા નિભાવી. ભૈરવદાદાના આવા ઘણાં ચમત્કારો પ્રસિદ્ધ છે.
વાલકેશ્વર મંદિર પરિસરમાં ગાયોની રક્ષા કાજે સંવત ૭૮૫માં વીરગતિ પ્રાપ્ત કરનાર વીર સરધાનજી રાજપૂતનો પાળીયો છે. કહેવાય છે કે ગુરુ કાશીપુરી જ્યારે આ સ્થળે બિરાજતા હતા ત્યારે સરધાનજી આ ક્ષેત્રના ચોકિયાત હતા. એક વખતે મલેચ્છો ગાયોને હાંકીને લઇ ગયા. ગુરુ કાશીપુરીએ સરધાનજીને આ ઘટના સંદર્ભે ટોણો માર્યો, ‘તમે કહુમ્બાના કેફમાં રહો છો અને અહીં આપણી ગાયોને મલેચ્છો લઇ જાય છે.’ આ સાંભળી સરધાનજીનું શૂરાતન જાગી ઉઠ્યું અને પોતાનો ૫૦ કિલો વજનનો ભાલો લઇ દુશ્મનો સામે ધિંગાણું ખેલી ગાયોને પરત લઇ આવ્યા. પણ મલેચ્છો દ્વારા છેતરીને કરવામાં આવેલા ઘામાં તેઓ મૃત્યુ પામ્યા. તેમના બલિદાનની યાદમાં આ સ્થળે તેમનો પાળિયો બનાવવામાં આવ્યો. તેમના ભાલામાંથી ત્રિશૂળ બનાવવામાં આવ્યું જે આજે પણ તેમના પાળિયા પાસે જોઇ શકાય છે. એવું માનવામાં આવે છે કે સરધાનજી નાગ સ્વરૂપે આજે પણ આ ક્ષેત્રની ચોકી કરે છે. આ વાતના પ્રમાણ સ્વરૂપે અહીં અવારનવાર ગોગામહારાજ (નાગદેવતા)ના દર્શન થાય છે. સરધાનજીના ભાલાની લંબાઈ અગિયાર ફૂટ અને અગિયાર ઇંચ હતી અને ત્રિશૂળ પણ આ જ માપનું છે. સરધાનજી જ ગોગામહારાજ રૂપે આ સ્થળે હાજરાહજુર છે તે વાતના પુરાવારૂપે અહીંથી મળી આવેલ નાગ કાંચળી છે જેની લંબાઇ સરધાનજીના ભાલા અને ત્રિશૂળના જેટલી જ એટલે કે અગિયાર ફૂટ અને અગિયાર ઇંચ છે. અહીં નાગ ભંપોડલ - તણસ - ચંદનઘો - ખળચિતરો તથા વિંછી પણ જોવા મળે છે. પરંતુ આ જીવો દ્વારા કોઈ મનુષ્યને દંશ દેવાનો કોઈ બનાવ બન્યો નથી. આવા એકપણ જીવની અહીં હત્યા પણ થતી નથી.
હાલમાં આ મંદિર પરિસરને વાલકેશ્વર ભક્ત મંડળે અહીં આવનાર ભક્તો હોમહવન, તર્પણ કરી તે માટે સુવિધાપૂર્ણ બનાવ્યું છે. વાલકેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રિના વરઘોડામાં મહાદેવજીની પાલખી હોય છે અને અહીં મોટો મેળો ભરાય છે. મંદિરને કલાત્મક રીતે સજાવવામાં આવે છે. શ્રાવણ વદ અમાસના દિવસે હોમાત્મક લઘુરુદ્રનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. પ્રત્યેક માસના બે પ્રદોષે પણ મહાદેવજીની આરાધના થાય છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવાર તથા પારણાના દિવસે આકર્ષક ફૂલવાડી તથા મહાપ્રસાદની વ્યવસ્થા યજમાનો દ્વારા થાય છે.
આમ અનેક વિવિધતાઓ ધરાવતું અતિ પ્રાચીન વેદકાલીન આ મંદિર અર્વાચીન યુગમાં નવા રંગરૂપ સજી રહ્યું છે. તમામ ઉત્સવો અને બાંધકામ અહીં લોકભાગીદારીથી જ થાય છે. આજે એક આદર્શ પર્યટક સ્થળ તરીકે આ મહાદેવનું સ્થાન ઉપસી રહ્યું છે. સિદ્ધપુરમાં આવતા કોઈપણ મહેમાન આ જગ્યા જોવા અવશ્ય આવે છે. હાલ નવયુવાનો દ્વારા ચાલતું વાલકેશ્વર મહાદેવ તથા અષ્ટભૈરવ સેવા મંડળ આનું સુંદર સંચાલન કરે છે. આ જગ્યામાં દેશના ખૂણે ખૂણેથી લોકો નારાયણબલી, નાગબલી, ગૃહદોષ, લઘુરૂદ્ર, હોમ-હવન તથા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગો કરવા આવે છે.