Monday, January 23, 2017
જન્મ પછીના લગભગ અઢી મહિના બાદ મને લઈને મારી મા સિદ્ધપુરના અમારા નિવાસસ્થાને આવી હતી એમ તે કહેતી. સિદ્ધપુર પાસે રાજપુર કરીને એક ગામ હતું જે આજે સિદ્ધપુરનો ભાગ બની ચૂક્યું છે. આ ગામથી પણ થોડેક અંતરે કેટલાક વસવાટો ઉભા થયા હતા. લગભગ ગામને અડીને દેવસ્વામીની બાગ હતી. આ દેવસ્વામી એટલે મૂળ કાલુપુર સંપ્રદાયના સાધુ. ભગવાં છોડીને સંસારી બન્યા. તેમનું સંસારીનામ હતું મગનલાલ રાવળ. લગભગ વીસેક વીઘામાં એમનો ખેતીનો કારોબાર. બરાબર વચ્ચોવચ્ચ કુવો હતો. સરસ્વતી નદી જેમાં તે સમયે વરસના લગભગ દસ મહિના પાણી રહેતું તે આ જગ્યાથી માંડ અડધો કિલોમીટર દૂર વહેતી હોવાને કારણે આ કુવો મીઠા પાણીની સરવાણીઓથી ભરપૂર રહેતો. ચોમાસામાં સરસ્વતી નદીમાં બે-ત્રણ વખત મોટું પૂર આવતું ત્યારે નદીનાં પાણી આ બાગની કેટલીક જમીનમાં લગભગ ઢીંચણસમાં ઘુસી જતાં. આ બાગને અડીને જ બીજી મોટી જમીન હતી જે ચૌધરીના બાગ તરીકે જાણીતી હતી. બરાબર એને ઘસાઈને જતો રેતાળ રસ્તો સિદ્ધપુર શહેરનાં ઉત્તર તરફના મુખ્ય પ્રવેશદ્વાર પશુવાદળ (પસવાદળ)ની પોળને જોડતો.
રસ્તામાં એક વાવડી કરીને જગ્યા આવતી અને ત્યાંથી શહેરના તરફ જઈએ તો સિકોતર માતાનું મંદિર અને બાજુમાં જ એક શિવાલય (રણમુક્તેશ્વર મહાદેવ) આવતું. તેની બરાબર બાજુમાં સિદ્ધપુરના તે વિસ્તારના બ્રાહ્મણ યુવાનો એક અખાડો ચલાવતા જે ધમધમતો રહેતો. કુસ્તી, મલખમ, કસરત માટે વપરાતા મગદળ અને સાથે સૂર્ય નમસ્કાર અને બેઠક તો ખરાં જ. આ બધા થકી શરીરસૌષ્ઠવ વધારવાનો પણ એક મહિમા હતો.
ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે એનાં પાણી સિકોતર મંદિરના ઓટલાને ડૂબાડતાં અને પસવાદળની પોળ સુધી પહોંચતાં. એ સમયે ગામના નગરશેઠ વાજતે-ગાજતે નદીમાતાને વધાવે એવો રિવાજ હતો. આ બધું આજે ભૂતકાળ બની ગયું છે. હવે નથી ચૌધરીનો બાગ રહ્યો કે નથી દેવસ્વામીનો બાગ રહ્યો. નથી વાવડી રહી કે નથી હવે અખાડો ધમધમતો. સિકોતર માતાના ઓટલે સરસ્વતીના પૂરના પાણી હવે અડતાં નથી. સુંદર ઘટાટોપ આંબલીનાં ઝાડની હાર હવે નથી. જેમાં લાંબા થઈને સૂઈ રહીએ તો જરાય મેલા ન થવાય એવો રેતાળ પસવાદળની પોળથી ખડાલીયા હનુમાનનો રસ્તો રહ્યો.
બધે વિકાસનું માનવકિડિયારું ઉભરાયું છે. ક્યાંક બંગલા બન્યા છે તો ક્યાંક ઝુપડપટ્ટી. માંડ સામસામે આવતાં બે વાહન પસાર થઈ શકે એવો સાંકડો રસ્તો બાકી રહ્યો છે. હા, પેલી સરસમજાની રેતને વિકાસ ખાઈ ગયો છે. એના બદલે ગંદી ઉલટી જેવો કાળી પટ્ટીનો ડામર રોડ અને એના ઉપર કાર્બનમોનોક્સાઈડ ઓકતાં ઘરઘરાટ ચાલ્યાં જતાં દ્વિચક્રી અને ચતુષચક્રી વાહનોને જો વિકાસ કહેવાતો હોય તો વિકાસની એ વ્યાખ્યા આજની પેઢીને મુબારક.
મારા બચપનનું સિદ્ધપુર અને એમાંય પસવાદળની પોળથી ખડાલીયા હનુમાન સુધીનો ભલભલા ચિંતાગ્રસ્ત માણસને પણ તાજગીભરી હવાથી તણાવમુક્ત કરી દે તેવો રસ્તો આજે નથી. જ્યારે જ્યારે આ રસ્તા પરથી પસાર થવાનું થાય છે પૂરઝડપે જતું કોઈ વાહન બ્રેક મારે ને જે કરકશ અવાજ ઉત્પન્ન થાય એવી કરકશતાની ઉદાસી મનને ઘેરી લે છે.
રાજપુર ગામને ગાંદરે પ્રાથમિક શાળા જેમાં હું ભણ્યો તેના માત્ર ત્રણ જ ઓરડા હતા. આજે તો એક મોટું વિદ્યાસંકુલ અહીંયા ઉભું થઈ ગયું છે. એ શાળાની પાછળ એક ઘેઘૂર વડલો હતો અને ત્યાંથી આગળ વિશાળ ખળાંવાડ એટલે કે ખરવાડનું મેદાન હતું. ત્યાંથી આગળ જાવ એટલે વાડા આવે જેમાં ચારના હાલા મંડાયેલા રહેતા. આ વાડા મોટાભાગે ઢોર બાંધવાના કામમાં આવતા. બસ ત્યાંથી થોડે આગળ જાવ અને અંબાજી માતાનું નેળીયું વટાવો એટલે ત્રણ સિરનામા મળી રહે. પહેલું નટવર ગુરુનો બંગલો. ત્યાંથી આગળ ટેકરાળ જમીન આવે જેને અમે થુંબડા કહેતા. થુંબડા વટાવો એટલે વળી પાછું સરસ્વતી નદીનું વહેણ દેખાય. આ વિસ્તારમાં જ મૂળ ચરોતરના ભાદરણ ગામના વતની અને એક સમયે સરકારી કર્મચારી એવા મૂળજીકાકાનો બંગલો હતો. એમનાં સંતાનોમાં મદનીશભાઈ (બચુભાઈ) અને બચુભાઈના પત્નિ સુશીલાબેન, મૂળજીકાકા અને એમના પત્નિ ગંગાબા, એમની પુત્રીઓ સરોજબેન અને ગાયત્રીબેન અને એમના એક ભત્રીજા ચીકાભાઈ રહેતા. આ મદનીશભાઈના બે સંતાનો રવિન્દ્ર અને કિરીટ મારા સમવયસ્ક.
બરાબર અમારા અને મૂળજીકાકાના શેઢા પાડોશી તરીકે જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા હતી. શાસ્ત્રીજી ખૂબ વિદ્વાન, બનારસ જઈને તર્ક અને દર્શનશાસ્ત્રનો ખૂબ ઉંડો અભ્યાસ કરેલો અને આ વિષયના નિષ્ણાતોમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ ગણી શકાય એવું નામ. સ્વભાવે અત્યંત ઉગ્ર અને સ્વમાની હોવાના કારણે એમણે સિદ્ધપુર બહાર એ સમયે લગભગ એકાંત અથવા વગડો કહેવાય એવી જગ્યાએ આ પાઠશાળા સ્થાપી. એમની પ્રવૃત્તિ જ્યારે ચરમસીમાએ હતી ત્યારે છેક નેપાળ સુધીથી રાજ્ય અને દેશના જુદા જુદા ભાગોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ લેવા આવતા. જયદત્ત શાસ્ત્રીજી દાંતાના રાજવી કુટુંબના પણ પુરોહિત હતા. મૂળ સિદ્ધપુરના વતની. જમાનાથી ઘણા આગળ એવી વિચારસરણી. આઝાદીની ચળવળમાં પણ ક્યાંક ઉગ્રતાવાદીઓ સાથે જોડાયેલા તેવું કહેવાતું. અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા શાસ્ત્રીજીનો તાપ એટલો હતો કે એમનાં સંતાનો પણ કદાચ એમની નીકટતા નહીં પામી શક્યા હોય. એમનાં સંતાનોમાં સહુથી મોટા આશુતોષભાઈ ત્યારબાદ મીનાબેન, બ્રહ્મબાળાબેન, વ્રજેશ્વરી અને સહુથી નાનો મારો સમવયસ્ક તે પતંજલિ.
વસંત ઋતુના પ્રવેશ સમયે હોળી વખતે નવજાત શિશુને ઝેમની વિધિ કરે છે જેમાં ચાંદીના રુપિયાથી હોળીના દિવસે ગોળનું પાણી અથવા શેરડીનો રસ કે આંબાના મહોરનો રસ અને મધ નવજાત શિશુની જીભે અડાડવાનો વિધિ કરવામાં આવે છે. તે વિધિ મારા ફોઈની અવેજીમાં જયદત્ત શાસ્ત્રીજીના પત્નિ આદરણીયા હિરાબેને કરી હતી એટલે એ મારાં ફોઈ બન્યાં. એમનાં બધાં સંતાનો મારાં મા-બાપને મામા અને મામી કહેતાં. જો કે શાસ્ત્રીજીને કોઈ સંબોધન કરવાનો પ્રશ્ન અમારા ગજા બહારનો હતો પણ હિરાબેનને એમનાં સંતાનો તેમજ હું અને બીજા બધા વિદ્યાર્થીઓ બેન કહીને બોલાવતા. આ શાસ્ત્રીજીની પાઠશાળામાં એક સરસમજાનું શિવાલય. જે આજે પણ મારા કુટુંબ માટે શ્રદ્ધાકેન્દ્ર રહ્યું છે તે મૃત્યુંજય મહાદેવનું મંદિર. મારા માતા-પિતા માટે તો આ શિવાલય સાક્ષાત્ શિવજી હાજર હોય એટલી શ્રદ્ધાનું કેન્દ્ર હતું. પાઠશાળા અને એને લગતી બીજી બાબતોની વાત પર હવે પછી આવીશું પણ આ પાઠશાળાને અડીને શાસ્ત્રીજીનો બંગલો અને ખેતર આવે જેને ઘસાઈને ખડાલીયા હનુમાન જવાનો રસ્તો પસાર થાય. સામેની બાજુ ઓમકાર સ્વામીનો આશ્રમ (જેને આજે ગોરજીનો આશ્રમ કહે છે.) અને એની નજદીકમાં જ ક્રાંતિકારી સ્વામી આનંદગીરીનું નિવાસસ્થાન.
આ હતી અમારી દુનિયા. બધાં છૂટાછવાયાં જંગલ જેવા વિસ્તારમાં આવેલાં મકાનો. આજુબાજુ કાંટાળા થોરની વાડ. લીમડો, કણજી, બાવળ, આંબા, સરગવો, બોરડી, પીપળો, વડ જેવાં વૃક્ષો અને પાઠશાળામાં લાલ, પીળી અને લીમડાકરણ પારિજાત, જૂઈ, મોગરો, જાઈ, ચમેલી તેમજ બોરસલ્લી જેવાં સુગંધિત પુષ્પોનાં વૃક્ષો, વેલા કે છોડવાની સાથોસાથ દેશી મહેંદીની વાડ અને એકાદો કરમદાનો છોડ સાથે આસોપાલવ તો ખરા જ. મજો આવી જાય એવું વાતાવરણ.
આ બધું ખરું પણ જેવો સૂરજ ડૂબે અને રાત પડે એટલે સંપૂર્ણ સૂનકાર. ઘુવડ, ચીબરી, વાગોળ કે ચામાચીડીયાના અવાજોને બાદ કરતાં દૂર દૂર નદીના વહેણ વિસ્તાર તરફથી આવતો તમરાંના સંગીતનો અસ્ખલિત અવાજ, શિયાળવાંનું હુકુ હુકુ, ફાવડી અને જરાક સળવળાટ થાય કે ભસી ઉઠતાં જંગલી કૂતરાંઓ. આ અમારી રાત્રિઓનાં વૈભવનાં ઘરેણાં હતા. અમાસની ઘોર અંધારી રાતમાં ટમટમતા તારાઓનું સૌંદર્ય શું કહેવાય અને પૂનમની પૂરબહાર ખીલી ઉઠેલ ચાંદનીમાં તલકછાંયડુ રમવાનો કેવો આનંદ હોય તે અમે અનુભવી શકતા.
વિજળી છેક હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી અમારી બાજુ ફરકી નહોતી. રાત્રે દીવડું એટલે કે એક નાનો કેરોસીનનો વાટવાળો દીવો અને કોઈક વિશીષ્ટ પ્રસંગ હોય તો ફાનસ અમારી રાતનાં અંધારા કાપવાનો વૈભવ હતો. આઠ સાડા આઠમાં તો જાણે મધરાત થઈ ગઈ હોય તેમ બધું આટોપીને સૂઈ જવાનું તે વહેલી પડજો સવાર. આ કારણથી હું એસએસસી પાસ થયો ત્યાં સુધી કોઈ અપવાદને બાદ કરતાં રાત્રે વાંચવાનો ખ્યાલ પણ નહોતો આવતો. એક પ્રકારની નફિકરાઈ આને કારણે અમારી જીવન પદ્ધતિમાં ઘુસી ગઈ હતી. મને યાદ છે એસએસસીની પરીક્ષા મેં પાટણ કેન્દ્રથી આપી હતી તે સમયે ચાલુ પરીક્ષાએ પણ એક રાત્રે ત્યાં તરગાળા રમતા હતા તે જોવા પહોંચી ગયેલો !
આમ, વિરમગામથી સિદ્ધપુર અને સિદ્ધપુરમાં ય રાજપુર બહાર નટવર ગુરુના બંગલે મારું બાળપણ શરુ થયું. ચોમાસાની મેઘલી રાતનું એ ભલભલાને થથરાવી દે તેવું અંધારુ અને એકાંત. શિયાળાની ધ્રુજાવતી ઠંડીની રાત્રે સંભળાતા ચીબરી, ઘુવડ અને શિયાળવાંના અવાજો, સાપ, વીંછી અને કાનખજૂરા, શેળા, કાચબો, સસલાં અને જાતજાતનાં પક્ષીઓ મારાં સાથીઓ હતાં. જેમ જેમ સમજણ પડવા માંડી તેમ તેમ આ સાથીઓ અને કુદરત સાથેનો મારો નાતો પણ વિકસતો ચાલ્યો. અત્યારના બાળકો મોગ્લી, ટારઝન અને એમની સાથેના વન્યસૃષ્ટિના પાત્રો કાર્ટુન બુકમાં કે ચલચિત્રમાં જુએ છે. આથી ઉલટું હું તો એ વન્યસૃષ્ટિના પાત્રોમાંનું એક પાત્ર બનીને ઉછરી રહ્યો હતો. હજુ આજે પણ આનંદીત સ્વરમાં બોલતી ચીબરીને સાંભળીએ અને ક્યાંક જવા નીકળતા હોઈએ તો મનમાં પડઘો ઉઠે “ભૈરવ શકન આપે છે ! ફત્તેના ડંકા છે!!” આજે પણ ગાયની ડોક પર હાથ ફેરવવો ગમે છે. કૂતરા માટેનો મારો પ્રેમ આજે પણ એટલો જ ગાઢ છે. કબુતરનું ઘુઘુઘુ કે હોલાનું પરભુ તું સાંભળવું ગમે છે. મોર તો આજે પણ મારા ઘરમાં આવીને બેસે છે. આ બધા જીવો ભલે સુધરેલા સમાજ માટે પક્ષીઓ કે પ્રાણીઓ હોય મારા તો એ બચપનના સાથીઓ છે. હજુ આજે પણ એમાંનું એકાદ મળી જાય તો જાણે કે બચપન પાછું આવી જાય છે. બાળકની માફક એમની સાથે રમવું અને સમય ગાળવો ગમે છે.
પણ....
આ બધો વૈભવ હતો.
પગમાં પહેરવા જોડા નહોતા
બાવળની શૂળ કે ગોખરુનો કાંટો વાગે ત્યારે દરદ થતું
ખેતરમાં પાક વાઢી લીધા પછીના ફંટાથી ક્યારેક ઘવાઈએ તેવું પણ બનતું
ઝાડ પર ચડવામાં કે કાંટાળા થોરની વાડની નેળ ગળવામાં
અથવા.....
એ વાડ પર ઉગેલ ડોડીનાં ડોડાં તોડવામાં
કે પછી......
બોરડીએથી બોર પાડવામાં
મારા બચપનના એ શરીરને ઉઝરડા જરુર પડ્યા હશે
પણ.......
એ ઉઝરડાના ઘા કે પીડા લાંબી ટકી નથી
હા........
મારા શહેરમાં રહેતાં સંપન્ન સગાઓ....
ક્યારેક મને “વનેરુ” કહેતા
વનેરુ એટલે જંગલી
ખૂબ સાચી વાત હતી. મારું બચપન એ સાચા અર્થમાં “વનેરુ” હતું
મદમસ્ત
અલ્લડ
બેજવાબદાર
નિશ્ચિંત
તોફાની
નિર્ભય
અને......
અનહદ આનંદદાયક
આ વનેરુને ત્યારે ખબર પણ નહોતી કે..........
આવતીકાલની ચિંતા શેને કહેવાય ?