મારા મનમાં સાડા પાંચ ક્યારે વાગે અને શાળા છૂટે તે સમયની ખૂબ આતુરતાથી રાહ હતી. બે અઠવાડિયા જેટલો સમય ધોરણ 8-ફમાં ગાળ્યો હતો. સહાધ્યાયી વિદ્યાર્થીઓમાંથી કેટલાક સાથે મૈત્રીસંબંધો પણ બંધાયા હતા. પતરાના છાપરાવાળો વર્ગખંડ પોતીકો લાગવા માંડ્યો હતો. બારીમાંથી બહાર જોઈએ એટલે લગભગ શાળાને ઘસાઈને જતા રસ્તા ઉપર સતત અવરજવર થતી રહેતી અને એ રીતે વાતાવરણ જીવંત લાગતું. આમ, ભલે ધોરણ 8-ફ નાનો ક્લાસ હતો, એનો વર્ગખંડ પતરાંના છાપરાવાળો હતો તોયે સીદીને સિદકાં વહાલાંની માફક ધીરે ધીરે મને આ વાતાવરણ ગમવા માંડ્યું હતું. અમને ભણાવતા શિક્ષક સાહેબોમાં પણ મારી છાપ પ્રમાણમાં સારી ઉપસી રહી હતી એનો આનંદ હતો.

આઠમા ધોરણમાં અમને અંગ્રેજી એ. વી. સોની સાહેબ ભણાવતા. આ સોની સાહેબ એટલે ગુજરાતના પૂર્વ મુખ્ય સ્થપતિ અને નગર નિયોજક શ્રી શિવકુમાર વર્મા સાહેબના પિતાશ્રી. મહેતાઓળથી રૂદ્રમાળ તરફ જતાં જમણી બાજુ બહુચરાજી માતાના મંદિર પાસે તેઓનું નિવાસ સ્થાન. ભણાવવામાં ખૂબ જ સરસ. કડક પણ એટલા જ. જો કોઈ શબ્દ ન આવડે તો સો વાર લખવા આપે. પોતે એક ચોપડો રાખે જેમાં આ લેસન તમારા નામ સામે નોંધાઈ જાય. પોતે વૃદ્ધ થવા આવ્યા હતા છતાં પણ ખૂબ મહેનત અને ચીવટથી ભણાવે. પાસે એક સિસમની કાળી આંકણી રાખે. વારંવાર વંચાવ્યા છતાં પણ જો ભૂલ આવે તો સટાક દઈને હથેળીમાં ફટકારી દે. તે જમાનામાં શિક્ષક મારે તો એનું ઉપરાણું લઈ મા-બાપ નિશાળમાં રાવ ખાવા નહોતાં આવતાં. આ એ. વી. સોની સાહેબ એટલે કે ઘરડા સોની સાહેબ “ટીટી કાકા”ના હુલામણા નામથી જાણીતા હતા. તે સમયે એલ. એસ. હાઈસ્કૂલમાં એક બીજા બી. જે. સોની સાહેબ પણ હતા જે ઉપલા ધોરણોમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા. હું નવમામાં પહોંચ્યો ત્યારે એક ત્રીજા સી. જે. સોની સાહેબ પણ જોડાયા. પહેલા બે સોની સાહેબ ભણાવવામાં એકદમ સક્ષમ અને સ્વભાવ તીખા મરચા જેવો. સી. જે. સોની સાહેબ ભગવાનના માણસ. એક તો એમની ઊંચાઈ પ્રમાણમાં ખૂબ જ ઓછી અને શિક્ષક તરીકે પણ એટલા અસરકારક નહીં. ઘણીવખત ક્લાસમાં સી. જે. સોની સાહેબની સ્થિતિ કંઈક દયાજનક કહી શકાય તેવી થઈ જતી હતી, પણ આ “ટીટીકાકા” ખતરનાક હતા. ક્યારેક પતરાં તપે અને ક્લાસમાં ગરમી લાગે ત્યારે આખા ક્લાસને લીમડાના ઝાડ નીચે બેસાડીને મસ્તીથી ભણાવે. એલ. એસ. હાઈસ્કૂલમાં દાખલ થતાં જ આઠમા ધોરણમાં અંગ્રેજી એ. વી. સોની સાહેબ પાસે ભણવાનો મોકો મળ્યો તેને કારણે જ અંગ્રેજી ભાષાનો મજબૂત પાયો નંખાયો. મને હજુ પણ યાદ છે, એક વખત એમણે દસ શબ્દો લખાવ્યા હતા. મારા નવ શબ્દો સાચા પડ્યા, પણ આ સ્ટેશન માસ્તરનાં છોકરાનો “સ્ટેશન” શબ્દનો સ્પેલિંગ ખોટો પડ્યો. આજે પણ કોઈ રેલ્વે સ્ટેશન પર સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ, સ્ટેશન માસ્તર કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તરનું પાટીયું લટકતું જોવું છું ત્યારે અચૂક મારી નજર આ “Station” શબ્દ પર જાય છે. આ શબ્દનો સ્પેલિંગ યાદ રહે અને ફરી પાછી ભૂલ ન પડે તે માટે હું એનો મારા પૂરતો ઉચ્ચાર “સ્ટેટીઓન”  કરતો. આજે પણ “સ્ટેશન” શબ્દ સાથે જ્યારે જ્યારે મારી મુલાકાત થાય છે જાણે-અજાણે મ્હોં પર એક આછું સ્મિત આવી જાય છે. મારી અંગ્રેજીની નોટમાં કોઈ પહેલા શબ્દ પર ચોકડી લાગી હોય તો તે હતો “સ્ટેશન”.

અમારા ધોરણ 8-ફમાં વર્ગશિક્ષક પટેલ સાહેબ ગાંધીવાદી અને ખાદીધારી હતા. પ્રમાણમાં સરળ અને શાંત. એકવડીયો દેહ, મધ્યમ ઊંચાઈ, કોઈ પણ રીતે પ્રભાવી વ્યક્તિત્વની વ્યાખ્યામાં ન આવે.

અમારા “ટીટીકાકા”ની બીજી એક ખાસિયત હતી. કોઈ છોકરો એકદમ નવાંનકોર કપડાં પહેરી પટીયાં પાડી બની-ઠનીને ક્લાસમાં આવ્યો હોય અને પછી એને કશુંક ન આવડે તો એની ખીલ્લી ઉડાવે અને કહે, “જો આ હીરો બાપાની છે એટલી મિલકત શરીર પર લઈને નીકળ્યો છે, પણ ભણવામાં ધ્યાન નથી.” કોઈ છોકરો મોડો આવે અથવા વારંવાર આપેલ ગૃહકાર્ય ન કરી લાવે ત્યારે સોની સાહેબ ગુસ્સે થઈને એને ચોપડાવે, “સમય ન મળ્યો ભાઈ ? બાપાના લગનમાં ગયો હતો ?” ઉપરથી પેલી આંકણી બે-ચાર વાર હથેળીમાં સટકાવી દે.

ધોરણ 8-ફમાં વાતાવરણ જામી રહ્યું હતું. બરાબર ત્યારે જ આ ચિઠ્ઠી આવી. નિશાળ છૂટ્યાનો ઘંટ વાગ્યો એટલે મનમાં કોઈક ડર અને કાઈક ઉત્સુકતા સાથે હું મુખ્ય બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ ટીચર્સરૂમમાં પહોંચી ગયો. શ્રી પ્રવિણકુમાર શામળદાસ પરીખ એટલે કે પી. એસ. પરીખ ધોરણ 8-ક વર્ગમાં વર્ગશિક્ષક હતા. મારી એમની સાથેની આ પહેલી મુલાકાત હતી. પ્રમાણમાં બેઠી દડીનો દેહ, જરા પાકો રંગ અને વેધક આંખોવાળા પરીખ સાહેબને હું મળ્યો. એમણે મારી શૈક્ષણિક કારકિર્દી, સાતમા ધોરણમાં દેખાવ, હાઈસ્કૂલ સ્કોલરશીપ પરીક્ષા પાસ કરી હતી તે અંગે થોડી પૂછપરછ કરી મને કહ્યું કાલથી તારે વર્ગ 8-કમાં બેસવાનું છે.

મહેતાભવનમાં પગથિયાં ચઢીએ એટલે બરાબર સામેનો રૂમ એટલે 8-ક. નવું થયેલું મકાન, સારો હવા-ઉજાસ અને પેલા જર્જરિત ઓરડાના બદલે પ્રમાણમાં સારૂં કહી શકાય એવો ક્લાસરૂમ. મારે આવતીકાલથી જ્યાં બેસવાનું હતું તે વર્ગની આ ઓળખાણ હતી. મારે “ભલે સાહેબ” કહેવા સિવાય બીજું કશું જ કરવાનું નહોતું. નોકરીમાંથી તો બદલી થાય, પણ અહીંયા હાઈસ્કૂલમાં દાખલ થયા એના એક મહિનાની અંદર આપણી બદલી ધોરણ 8-ફમાંથી ધોરણ 8-કમાં થઈ ગઈ ! પછીથી ખબર પડી કે, પરીખ સાહેબ આઠમા ધોરણના એમના ક્લાસમાં શોધી શોધીને હોંશિયાર કહી શકાય તેવા છોકરાઓને ભેગા કરતા હતા. ધોરણ 8-ક એટલે પરીખ સાહેબના શબ્દોમાં “ક્રિમ” ક્લાસ હતો. અમારી બાજુમાં ધોરણ 8-બનો ક્લાસ હતો જેના વર્ગશિક્ષક પ્રેમશંકરભાઈ વાસુદેવ ઠાકર એટલે કે પી. વી. ઠાકર સાહેબ હતા. આ આજુબાજુના બે ક્લાસમાં થઈને શાળા નં. 1 તેમજ રાજપૂરના લગભગ પંદર-વીસ વિદ્યાર્થીઓ હતા. એટલે પહેલો ફાયદો તો આપણે આપણા જાણીતા ટોળામાં પાછા ફર્યા એ હતો. પી. એસ. પરીખ સાહેબ પણ ખૂબ મહેનતુ અને કડક શિક્ષક હતા. સમગ્ર શાળાના આઠમા ધોરણમાં પહેલા દસ વિદ્યાર્થી ધોરણ 8-કમાંથી જ આવવા જોઈએ એવો એમનો નિર્ધાર હતો. પરીખ સાહેબ મહેતાઓળના માઢ પાસે રહેતા અને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ સારૂં એવું ધ્યાન આપતા. સરવાળે ધોરણ 8-ફમાંથી ધોરણ 8-કમાં થયેલી મારી બદલી શરૂઆતના ગાળામાં જ હોંશીયાર વિદ્યાર્થીઓના ક્લાસમાં મને લઈ જઈને મારામાં આત્મવિશ્વાસનું એક નવું જ પરિમાણ ઉમેરવા માટે કારણભૂત બની. જીવનમાં મને એક મોટો પદાર્થપાઠ પણ શીખવા મળ્યો. એ હતો બદલાવની કોઈ પણ પરિસ્થિતિથી ગભરાવવું નહીં. ઘણી બધી વખત જેને આપણે અણગમતું માનતા હોઈએ છીએ તે પરિસ્થિતિ આપણા માટે ઉપકારક પણ સાબિત થાય છે. જીવનમાં અનેકવખત અણધારી બદલાવની પરિસ્થિતિનો સામનો કરતા મેં આ ધોરણ 8-ફમાંથી ધોરણ 8-કમાં થયેલ બદલીનો દાખલો યાદ રાખ્યો છે.

આઠમા ધોરણમાં મને ખૂબ ગમતો હોય એવો એક વિષય હતો અને ખૂબ ન ગમતો હોય તેવો પણ એક વિષય હતો. ગમતો હોય એવો વિષય ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે એ.સી.સી.નો હતો. આ વિષયમાં અમારા શિક્ષક ગોસાઈસાહેબ માટે લીમડાનાં દાતણ લાવવા, ઝાડ પર ચઢીને મોજથી વિતાવેલ સમયની મસ્તી અદભૂત હતી. આનું વર્ણન અગાઉ લખાઈ ગયું છે એટલે પુનરોક્તિમાં પડતો નથી.

અણગમતો વિષય હતો ચિત્ર એટલે કે ડ્રોઈંગ. મારે ને ચિત્રને બારમો ચંદ્રમા હતો. અને આજે પણ છે. ભૂગોળ વિષય ખૂબ ગમતો હોવા છતાં મેં એ વિષય ન લીધો કારણ કે, મેં દોરેલાં ભારતનો નક્શો દર વખતે જુદા જુદા આકાર ધારણ કરતો ! અમારા ડ્રોઈંગ ટીચર દિનેશભાઈ કડિયા સાહેબ હતા. મારે જેમ ચિત્ર સાથે છત્રીસનો આંકડો હતો એમ કડિયા સાહેબને એસ. એસ. સી.ની પરીક્ષા સાથે આવું જ બીયાબારૂં હતું. મને ચિત્ર ન આવડ્યું અને એમણે એસ. એસ. સી. પાસ ન કરી ! ! ગુરૂ-ચેલો બંને સરખા. ચિત્રમાં મારી નિપુણતા એટલી હતી કે, ગાય દોરી હોય તો નીચે લખવું પડે કે “આ ગાય છે” નહીં તો જોનારાની ક્ષમતા મુજબ એમાં હાથી સુધીનો કોઈ પણ આકાર દેખાય. પદાર્થચિત્ર એ મારા માટે માથાનો દુઃખાવો હતો. કેરોસીનના ડબ્બાનું ત્રિપરિમાણીય ચિત્ર દોરવાનું આવે એટલે છબરડો તો વળે જ ! આમ, ચિત્ર ન આવડ્યું તે ન જ આવડ્યું. જો કે મારાં બાળકો પ્રમાણમાં ચિત્રકલા સારી રીતે જાણે છે, પણ એથીયે વિશેષ મારી પૌત્રી વિહાંગી આઠમા ધોરણમાં હતી ત્યારે એણે ગુજરાત સરકાર દ્વારા લેવાતી “ઈન્ટરમિડીએટ ડ્રોઈંગ”  (અમારા કડિયા સાહેબની સમકક્ષ લાયકાત) ની પરીક્ષા 79% જેટલા માર્ક્સ સાથે પસાર કરી મને ડ્રોઈંગ નથી આવડતું એના ખેદનો છેદ ઉડાડી દીધો. મારી બીજી પૌત્રી વિહા પણ સરસ ચિત્રો દોરે છે. આમ, વળી પાછું ત્રીજી પેઢીએ હિસાબ સરભર થઈ ગયો છે.

હવે એલ. એસ. હાઈસ્કૂલમાં મને ત્રણ-ચાર મહિના જેવો સમય થઈ ગયો હતો. કશું અપરિચિત નહોતું લાગતું. એ વખતે અમારી હાઈસ્કૂલ છોકરા અને છોકરીઓ માટેની મિશ્ર શાળા હતી. દસમા અને અગિયારમા ધોરણમાં તો મરદમૂછાળા જેવા પડછંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. હુ નવમામાં આવ્યો ત્યારે અમારી શાળા માત્ર છોકરાઓ માટેની હાઈસ્કૂલ બની ગઈ. કારણ કે, છોકરીઓ માટે પી. જે. એ. ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ ચૂકી હતી.

પણ આ પહેલાં એક ઘટના બની ગઈ જેણે થોડાક દિવસો માટે આખું વાતાવરણ ધમધમાવી નાખ્યું. સ્કૂલના મેનેજમેન્ટે નિર્ણય કર્યો હતો કે વિદ્યાર્થીઓએ શર્ટ અને ચડ્ડીના યુનિફોર્મમાં જ સ્કૂલ આવવું. તે વખતે દસમા અને અગિયારમા ધોરણમાં તો મેં કહ્યું તેમ મરદમૂછાળા વિદ્યાર્થીઓ હતા, જેમાંના કેટલાક ખ્યાતિપ્રાપ્ત નામો - શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટ, શ્રી રમેશભાઈ આચાર્ય, શ્રી વિષ્ણુભાઈ બી. ભટ્ટ (મહંતી), શ્રી ભરત નિહાલાની, શ્રી રમેશભાઈ બી. આચાર્ય (પીસ્તા) જેવા વિદ્યાર્થીઓએ આ સામે વાંધો ઉઠાવ્યો. એમનું કહેવું હતું કે, તેઓ હવે નાના બાળક નહોતા અને ચડ્ડી પહેરીને આવવામાં એમને શરમ આવતી હતી. શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટ એ વખતે જી.એસ. હતા. અમારા પ્રિન્સિપાલ હતા શ્રી દામોદર દયારામ ભાવસાર એટલે કે દા. દ. ભા. ચૂસ્ત ગાંધીવાદી. સિદ્ધાંતને દીવો ગણીને ચાલવાવાળા માણસ. ભાવસાર સાહેબ આ નિર્ણય બાબત કોઈ જ બાંધછોડ કરવા તૈયાર ન હોતા. બીજી બાજુ વિદ્યાર્થી આગેવાનો પણ મક્કમ હતા. બંને પક્ષ પોતપોતાની રીતે પોતાની વાત મૂકી એમાં કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નહોતા. પરિણામે મડાગાંઠ પડી. વિદ્યાર્થી આગેવાનો અને મેનેજમેન્ટ વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી. એલ. એસ. હાઈસ્કૂલના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર કંઈક એવું બન્યું જેણે માત્ર વિદ્યાર્થીઓને નહીં, પણ સમગ્ર ગામને ખળભળાવી મૂક્યું. એલ. એસ. હાઈસ્કૂલમાં આવું બની શકે તેવી કલ્પના પણ કોઈએ કરી ન હોતી.

યુનિફોર્મમાં ચડ્ડી પહેરાવાના મુદ્દે બાંધછોડ કરવા મેનેજમેન્ટ તૈયાર નહોતું.

યુનિફોર્મમાં ચડ્ડી પહેરવાનું સ્વીકારવા વિદ્યાર્થી આગેવાનો તૈયાર નહોતા.

વાત મમતે ચડી ગઈ.

કોઈ પક્ષ મચક આપવા તૈયાર નહોતો.

બાંધછોડની બધી જ શક્યતાઓ નાબૂદ થઈ ગઈ.

છેવટે જે ન ધાર્યું હતું...

ન થવું જોઈતું હતું...

તે થયું.

વિદ્યાર્થી આગેવાનોએ અચોક્કસ મુદતની હડતાનું એલાન કર્યું.

મારા જીવનમાં હડતાલ શબ્દ સાથેની આ પહેલી મુલાકાત હતી.

હડતાલ...

હડતાલ...

હડતાલ...

શું થશે હવે ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles