વિસનગર એક વરસ કરતા પણ ઓછો વસવાટ
મારી આજીવન ઓળખ બનેલા બે ચિન્હ મને વિસનગરની ભેટ છે
કદાચ વિસનગરની યાદો ધૂંધળી થાય તો પણ આ ચિન્હ તો એવા જ રહેવાના.
વિસનગર કોલેજમાં મેં બે જ કામ કર્યાં. ભણ્યો થોડું પણ ચાલુ દિવસોએ વિસનગર કોલેજમાં અને શનિ-રવિ સિધ્ધપુરમાં ક્રિકેટ રમવામાં વધુ સમય વિતાવ્યો. કેટલાક મિત્રો નવા બન્યા જેમાં કાળીદાસ ચૌધરી જે વડોદરાથી જ આર્કિટેકની ડિગ્રી મેળવી સરકારમાં જોડાયા, મનુ જે. પટેલ અને બળદેવ હરી પટેલ તેમજ બાબુ પટેલ ત્રણેય ઉંઝાના. મને ત્યારે પહેલી વાર ખબર પડી કે પટેલોમાં પણ જુથવાદ હોય. બળદેવ અને બાબુ આંટાવાળા હતા અને મનુ મોલ્લોત હતો. આ આંટાવાળા અને મોલ્લોત વચ્ચે સાચા અર્થમાં ઉંદર બિલાડી જેવા સંબંધો હતા. બળદેવ અને મનુ હોકી સારી રમતા અને કોલેજની હોકી ટીમમાં હતા. બીજો એક ભાઈ તે મણીલાલ જે. પટેલ જે ખોખો સરસ રમે અને આગળ જતાં સિધ્ધપુરમાં જ એલ. એસ. હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને નિવૃત્ત થયાં. એક પલુ પટેલ કરીને ભાઈ હતા સરસ મજાનાં ચિત્રકાર.
મહેસાણાના બે મિત્રો અશોક હેગડે અને સુધાકર પરીખ એમાં ભળ્યા. સુધાકર પરીખના પિતાશ્રી જ્યુડિશિયરીમાં હતાં. એક માનસી ચૌધરી સાથે પણ દોસ્તી થઈ જે આગળ જતાં કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેસેન્ટેટિવ બન્યો હતો અને ત્યાર પછી કેટલોક સમય અવાર નવાર મળવાનું થતું.
વિસનગરના ઠાકોર (બનતા સુધી કેશાજી અથવા શંકરજી એવુ નામ હતુ) સાથે તળ વિસનગરના પટેલ અને સામે વડનગર ખેરાળુ વિસ્તારમાં ચૌધરી એવી થોડીક માથાભારે ટોળીઓ પણ હતી. હેમરાજ ચૌધરી અને રઘુ ચૌધરી એ બે નામ હજુ સ્મરણમાં છે બીજા નામ ખાસ યાદ રહ્યા નથી.
મારી સાથે કાંસાના એક પટેલની પણ સારી દોસ્તી થઈ. એનું નામ યાદ નથી આવતું પણ એક બે માહિનામાં જ એની PSIમાં પસંદગી થઈ એટલે એણે હોસ્ટેલ અને કોલેજ છોડી દીધી. અમારો સંપર્ક અહીં પૂરો થયો. લીંચ બાજુના એક નરોત્તમ પટેલ અને એનો ભાણો હિમ્મત પટેલ પણ થોડા ઘણા મિત્રવર્તુળમાં પ્રવેશ્યા. રસોડે ઘંટ વાગે એટલે જમવા જવાનું. સરસ મજાની ફૂલકા રોટલી આવે પણ અહીં રિવાજ એવો હતો કે ચોખ્ખું ઘી બધા પોતપોતાનું લાવે. મારા માટે સરસ ઘરનું ઘી નરોત્તમ લઈ આવ્યો હતો એ મને હજુ પણ યાદ છે.
આ મારી જ હોસ્ટેલમાં સિધ્ધપુરનો અમારી એલ. એસ. હાઈસ્કૂલનો વિદ્યાર્થી હરગોવાન પ્રજાપતિ પણ રહેતો હતો. સદનસીબે કે કમનસીબે એનું સાસરું વિસનગર હતું, નાની ઉંમરમાં લગન કરી નાંખ્યાં હશે. હું નવરાશનો સમય જેમ ક્રિકેટ રમવામાં ગાળતો તેમ હરગોવાન સાસરે ઉપડી જઈને સમયનો સદઉપયોગ કરતો. આગિયારમા ધોરણ સુધી તેજસ્વી કારકિર્દી ધરાવનાર આ વિદ્યાર્થી કદાચ વિસનગર સિવાય કોઈ બીજી જગ્યાએ ભણ્યો હોત તો એન્જીનિયર કે ડોક્ટર બન્યો હોત. પણ મારી માફક નિયતિનો દોરાયેલ એ વિસનગર સાયન્સ કોલેજમાં દાખલ થયો અને સાસરીયાની વધારે પડતી નિકટતાએ કદાચ એની કારકિર્દી બદલીને શિક્ષક બનાવી દીધી. કમનસીબે હરગોવાન પ્રજાપતિ આજે હયાત નથી. એનો દીકરો હસમુખ પણ થોડો સમય શિક્ષકનું કામ કરી પછી મોટો બિલ્ડર બની ગયો છે અને હસમુખનો દીકરો એટલે કે હરગોવનનો પૌત્ર વિકાસ આજે સિધ્ધપુર નગરપાલિકામાં કોર્પોરેટર બની સિધ્ધપુરના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યો છે. હરગોવાન પ્રજાપતિ સાચા અર્થમાં સરળ અને ભગવાનનો માણસ હતો પણ હસમુખ કે વિકાસમાં એ ગુણ ઓછા અને દુન્યવી હોંશિયારીના ગુણ વધારે હોય તેવો મારો અનુભવ છે. જો કે દુનિયાની દ્રષ્ટિએ હસમુખ સફળ છે કારણ કે એણે પૈસા સારા બનાવ્યા છે. સમાજમાં પણ નાના મોટા પ્રસંગોએ એ પ્રમુખ સ્થાન શોભાવી આવે છે એટલે બાપ કરતાં બેટા સવાયા એમ નહીં કહું અહીંયા તો બાપ કરતાં બેટા બમણા પાક્યા છે. હસમુખની આ સફળતા જોવા હરગોવાન હયાત હોત તો કેટલું સારું થાત?
વિસનગરના મારા એક વરસમાં ખાસ કંઇ ઉકળ્યું નહીં. એન્ટ્રંસ ટેસ્ટમાં સારા માર્કસ્ આવે તે માટે ગણિત સુધારવું જરૂરી હતું એટલે કાંતિકાકાએ સૂચવ્યા મુજબ એલ. કે. પટેલ સાહેબનું ટ્યુશન રાખ્યું અને એ સારું એવું ઉપયોગી થયું એમાં કોઈ શંકા નથી.
વિસનગર વડોદરા નહોતું.
વિસનગરમાં વડોદરાની ઝાકઝમાળ નહોતી.
વિસનગરમાં ધણીફૂટ અંગ્રેજી બોલતા વિદ્યાર્થીઓ નહોતા.
વિસનગરમાં કમાટીબાગ જેવા કોઈ મોટા બાગ કે મોટા થિયેટરો નહોતા.
વિસનગરમાં ગેલોર્ડ નહોતી પણ...
વિસનગરમાં હોસ્ટેલ કેમ્પસની બહાર આવેલ એક પાનના ગલ્લે બુધવારે ઊભાં ઊભાં બિનાકા ગીતમાલા સાંભળવાની મજા હતી.
વિસનગરના તળમાં સાંકડી શેરીઓ અને નાની નાની દુકાનો હતી.
વિસનગરનું કંસારા કામ અને બુધાલાલની તમાકુ વખણાતી.
વિસનગરમાં ગણતરીની માત્ર બે જ ટ્રેનો આવતી અને જતી.
વિસનગર હોસ્ટેલમાં ચેન્જ કે ફિસ્ટ નહોતી પણ ચોખ્ખું ઘી ચોપડીને ગરમા ગરમ રોટલી ખાવાની મજા હતી.
જામફળનું શાક પહેલું વહેલું હોસ્ટેલના રસોડે ખાધું હતું.
પરીક્ષાનો સમય આવે એટલે બાબુ પટેલ ફરજિયાત બધાને B12ની ગંદી દુર્ગંધ મારે તેવી ગોળીઓ ગળાવતા.
અલબત્ત ડો. વ્યાસ સાહેબના આદેશથી જ.
આ કારણથી અમે બાબુ હરી પટેલને ડોક્ટર કહેતાં.
એંથોરવાળા મણિલાલને એની ખોખો રમતમાં વીજળી ગતિએ દોડવાની ચપળતાને કારણે ઇલેક્ટ્રોન કહેતાં.
નરોત્તમ અને હિમ્મત મામો ભાણેજ હતા એટલે હિમ્મતને ભાણા તરીકે ઓળખતાં.
વિસનગર વડોદરાની જેમ સિધ્ધપુરથી દૂર નહોતું.
કાચા રસ્તે વાયા કાંસા, દાસજ થઈને સિધ્ધપુર જતી બસ ખૂબ ધૂળ ઉડાડતી પણ એક કલાકમાં સિધ્ધપુર પહોંચાડી દેતી હતી.
વિસનગરમાં ભણવાનું ઓછું હતું ક્રિકેટ વધારે રમ્યો.
વિસનગરે મને શનિ-રવિ સિધ્ધપુર ભાગી જઇ ત્યાં ક્રિકેટ રમવાની સહૂલિયત કરી આપી.
વિસનગરમાં મને Home Sickness એટલે કે ઘર બહુ જ સાંભરી આવે તેવું નહોતું થાતું.
વિસનગરની હોસ્ટેલ વડોદરાની હોસ્ટેલ જેવી સુવિધાવાળી નહોતી.
શિયાળામાં ઠંડા પાણીથી નહાઇ શકાય એ હું વિસનગરમાં શીખ્યો.
દિવસો ઝડપથી પસાર થઈ ગયા કારણ કે વિસનગર અને સિધ્ધપુર હાથ વેંતમાં હતાં.
આ વિસનગરે મને એક વરસ કરતાં પણ ઓછા સમયના વસવાટમાં કેટલાક સંસ્મરણો અને આજીવન ઓળખ માટેના બે ચિન્હ ભેટ આપ્યા.
એવા બે ચિન્હ જેનાથી હું પાસપોર્ટથી માંડી બધાં જ ડોક્યુમેન્ટમાં ઓળખાવાનો હતો.
એવા બે ચિન્હ જે હું વિસનગર આવ્યો ત્યારે નહોતા.
એવા બે ચિન્હ જે વિસનગરના મારા વસવાટ દરમિયાન સમયાંતરે મને પ્રાપ્ત થયા.
વિસનગર અને એની યાદો કદાચ ધૂંધળી બની શકે
પણ આ બે ચિન્હ ક્યારેય પણ ઝાંખા નહીં પડે.
આજીવન સાથી એવાં આ બે ચિન્હ કયા હતાં?
કઈ રીતે મને એ પ્રાપ્ત થયાં?
શા માટે એ મારી કાયમી ઓળખ બન્યાં?
કોઈ કલ્પના કરી શકો છો?
તમારી કલ્પના આ લેખ ઉપર કમેન્ટમાં લખજો ને.
મજા આવશે.