વિસનગરના
ટૂંકા વસવાટમાં
મને આજીવન ઓળખ બનેલા
બે નિશાન મળ્યાં.
વિસનગર સાથે જોડાયેલી બે ત્રણ પ્રસંગોની વિશિષ્ઠ યાદ નોંધ્યા વગર વિસનગરના વસવાટનાં મારાં સંભારણાં પૂરાં નહીં થાય.
વડોદરા પ્રેપરેટરી સાયન્સમાં અભ્યાસ કર્યો ત્યારે મને સાયકલ નહોતી આવડતી અને મારી પાસે સાયકલ હતી પણ નહીં. આપણી બુદ્ધી ક્યારેક ક્યારેક તો ચાલે. વિચાર્યું હવે પાછા વડોદરા જઈશું અને સાયકલ નહીં આવડતી હોય તો એન્જીનિયરીંગ કોલેજ અને હોસ્ટેલ વચ્ચેનું અંતર ખાસ્સું સાતથી આઠ કિલોમોટર. બે બસ બદલવી પડે. નહીં પહોંચી વળાય. નક્કી કર્યું આ વરસમાં સાયકલ ચલાવવાની સિધ્ધી પ્રાપ્ત કરવી જ. પ્રસ્તાવ બાપા પાસે મૂક્યો. એ જમાનામાં ૧૨૨ રૂપિયાની સાયકલ આવતી. કેરિયર, ડાયનેમોલાઇટ વિગેરે નખાવીએ તો ૩૦ રૂપિયા બીજા થતા. આપણે ડાયનેમોલાઇટની તો જરૂર નહોતી પણ કેરિયર નખાવ્યું. થોડો સમય શનિ રવિ સિધ્ધપુર સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરી. થોડોક પડ્યો અપડ્યો પણ ખરો. ઢીંચણ છોલાયું પણ ધીરે ધીરે સાયકલ ચલાવતાં શીખી ગયો. એ વખતે ઉંચાઈ ઓછી હતી એટલે સીટ પર બેઠા પછી પગ જમીને નહોતા અડતા. મારા બંગલાની બંને બાજુ ખાસ્સા મોટા ચોક હતા. મેં ધીરે ધીરે સાયકલ પર એટલો કાબૂ મેળવ્યો કે હું મારા ચોકમાં સાયકલ ગોળ વર્તુળની જેમ ફેરવી શકતો. બીજા સત્રમાં સાયકલ વિસનગર લઈ ગયો. એ સમયે હોસ્ટેલમાં તમારી પાસે સાયકલ હોય એ તો બહુ મોટી વાત ગણાતી. થોડોક સમય કોલેજ કંપાઉન્ડમાં આંટા ફેરા માર્યા પછી ધીરે ધીરે હિંમ્મત ખૂલી એટલે દરવાજા બહાર બસ સ્ટેન્ડ વટાવી સ્ટેશન થઈ સીધા વિસનગર ગામનો રસ્તો પકડ્યો. એની નાની નાની ગલીઓમાંથી પસાર થઈ મુખ્ય બજાર સુધી ગયો. આત્મવિશ્વાસ ખાસ્સો વધ્યો. થોડાં ચક્કર માર્યાં અને વળી પાછો પેલા નવેળી જેવા રસ્તેથી હોસ્ટેલ પાછો જવા નીકળ્યો. બરાબર અધવચ્ચે સામેથી બે નાનાં છોકરાં આવતાં હતાં એમને બચાવવા પ્રયત્ન કરતાં સંતુલન ગુમાવ્યું. છોકરાંઓને તો ન વાગ્યું પણ દીવાલને ઘસાતી સાયકલે થોડો આગળ જઈને મને પટક્યો. કોઈકના મકાનનું પથ્થરનું પગથિયું મારા લમણા સાથે ભટકાયું. ઉભો થયો ત્યારે ખબર પડી કે કપાળમાંથી ખાસ્સું લોહી વહેવા માંડ્યું હતું. એક બે જણા મને થોડે દૂર આવેલા ડો. ત્રિવેદીના દવાખાને લઈ ગયા. મોં ઉપર લોહીના રેલા એવા ઉતરેલા કે હું હોસ્પીટલમાં દાખલા થયો ત્યારે એક બહેન બહાર નીકળતા જ આવું વિકરાળ દ્રશ્ય જોઈને ચક્કર ખાઈ ગયાં. ડો. ત્રિવેદી સાહેબે મને તપાસ્યો. કહ્યું ત્રણ ટાંકા લેવા પડશે. કંપાઉન્ડરે ઘા સાફ કર્યો અને વિસનગરના એ કુશળ સર્જન ડો. ત્રિવેદી સાહેબે મારા કપાળમાં ટાંકા લઈ ઉપર દવાનું પૂમડું મૂકી પાટો બાંધ્યો, ધનુરનું ઇન્જેક્શન આપ્યું અને કેટલીક દવાઓ આપી. લોહીવાળા કપડે વળી પાછો હું સાયકલ સવાર થઈ હોસ્ટેલ પહોંચ્યો. હોસ્ટેલમાં જે હાજર હતા તે ભેગા થયા ત્યારે કોઇકે કમેન્ટ કરી નાસીર હુસેન જેવો લાગે છે. જે હોય તે પણ આ કાંડમાંથી હું સસ્તામાં બહાર આવી ગયો.
થોડાક દિવસ પછી ઘરે જવાનું હતુ એ પહેલા પાટો છૂટી ગયો અને ડ્રેસિંગ કરી ઉપર રૂ અને પટ્ટી લાગી ગઈ. ટાંકા તૂટવાને હજુ વાર હતી. શનિ રવિ મારે ફરજિયાત ઘરે જવું જ પડે એવુ હતું કારણ કે મારી માને પાલનપુર મોતિયાનું ઓપરેશન કરાવ્યુ હતું. હવે ઘરે જો સાયકલે મને વગાડ્યું છે એવી ખબર પડે તો સાયકલ વિસનગરથી જ પાછી ખેંચાઇ જાય. મનમાં સરસ મજાની વાર્તા ઘડી કાઢી. મા એ પુછ્યું આ શું થયું? મેં કહ્યું ગૂમડું થયું હતું ફૂટતું નહોતું એટલે ડોક્ટરે નસ્ટર મૂકી ફોડી નાખ્યું તેનું ડ્રેસિંગ છે. જીવનમાં માબાપ પાસે જુઠ્ઠું બોલવાનો આ મારો પહેલો પ્રસંગ હતો અને એક આપદ્દ્ધર્મ તરીકે મારે એ કરવું પડ્યું. આગળ જતાં મેં સાચી વાત કહી હતી પણ એ બે વરસ બાદ. આમ વિસનગરે મને પહેલું ઓળખ ચિન્હ આપ્યું જે પાસપોર્ટથી માંડી બધે લખાય છે “કટ ઑન રાઇટ સાઈડ ઓફ હેડ” એટલે કે જમણી બાજુના કપાળ ઉપર વાગ્યાનું નિશાન. વિસનગરની મને આ પહેલી ભેટ.
બીજો એક પ્રસંગ હોસ્ટેલમાં બન્યો. તોફાનમસ્તી મારા જીવન સાથે કાયમી ધોરણે જોડાયેલા છે. અમારી હોસ્ટેલમા રૂમના બારણાની પેનલ વચ્ચે કાચ જડ્યા હતા. ધમાલબાજીમાં હું હિમ્મતની પાછળ પડ્યો અને એણે રૂમનું બારણું બંધ કરી દીધું. મેં બારણું ખોલવા ધક્કો મારતાં હાથ છટક્યો અને પેનલના કાચને ફોડીને સીધો અંદર. કાંડા ઉપર એક મોટો કાપો અને લોહી ધડધડાટ વહ્યું જાય. બાબુ પટેલે મારા ઘાની ઉપરના ભાગે કચકચાવીને રૂમાલ બાંધી દીધો અને મને મારી જ સાયકલ ઉપર ડબલ સવારી બેસાડીને કર્યો સરકારી દવાખાના ભેગો. સદનસીબે ધોરી નસ કપાઇ નહોતી. એ કપાઇ હોત તો દવાખાને ન પહોંચ્યો હોત. બચી ગયો. મોત સાથે ફરી એક નિકટતાની મુલાકાત અને એનાથી બચાવ ! દવાખાનામાં ટાંકા લઈ ડ્રેસિંગ કરી પાટો બંધાવી વળી પાછું ધનુરનું ઇન્જેક્શન લઈ દવાઓ સાથે યુધ્ધભુમી ઉપરથી આવતા કોઈ ઘાયલ સૈનિકની માફક હું હોસ્ટેલમાં પાછો ફર્યો. અત્યાર સુધી દુખતું નહોતું હવે ધીરે ધીરે હાથ પર ઇજા થઈ છે તેનું દુખ થવા માંડ્યુ હતું. આ બધુ સાત આઠ દિવસમાં મટ્યું ખરું પણ વિસનગરે પાસપોર્ટમાં લખાતી મારી બીજી કાયમી ઓળખાણ આપી “કટ ઑન રાઇટ હેન્ડ રિસ્ટ” એટલે કે જમણા હાથના કાંડે ઘાનું નિશાન જે મારી બીજી કાયમી ઓળખાણ બન્યું.
આમ વિસનગરે એક વરસથી ઓછા સમયના વસવાટમાં મને બે કાયમી નિશાન આપ્યાં. બે ઘા. એક જમણા કપાળે અને બીજો જમણા હાથના કાંડે. આજે પણ આ ઘા મારી વિસનગરે મને આપેલ કાયમી નિશાની છે. આ રીતે વિસનગર મારા માટે એક વિશેષ અગત્યતા ધરાવતું ગામ બન્યું. જેને કારણે નહીં પણ જેણે આપેલી નિશાનીઓના કારણે હું આજીવન ઓળખાવાનો હતો.
વિસનગરમાં આમ તો ખાસ કાંઇ જોવા જેવું નહોતું. પણ શિયાળાની સાંજે ઝરવઝર દાડો હોય ત્યારે અમે વિસનગરથી ખેરાળુ તરફ જતી રેલવે લાઇનના પાટે પાટે આગળ જતા અને ત્યાંથી ફંટાઈ કોઈએ ખેતરમાં ટમાટાનો પાક ઉગાડ્યો હોય ત્યાં પહોંચી જતા.
મીઠું મરચું સાથે લઈ જતા.
૫૦ પૈસામાં તો ખાસાં ટમાટાં આવતાં.
અમારા ચૌધરી મિત્રોમાંથી કોઈકની પાસે ગજવામાં ચપ્પુ તો હોય જ.
એ ચપ્પાનો ઉપયોગ કરી સાથે લાવેલ છાપાના કાગળમાં આ ટોમેટોનાં પતીકાં પાડતા અને મરચું મીઠું ભભરાવી જ્યાફત માણતા. એ ટમાટામાં જે મીઠાશ હતી એ અમે સિધ્ધપુરમાં આ જ રીતે કોઈના ખેતરમાં ઘૂસીને જ્યાફત માણતાં તેની બરોબરી કરે તેવી હતી. કુદરતના ખોળે, મિત્રોના સહવાસમાં માણેલ આ સમય અમુલ્ય હતો એમાં કોઈ શંકા નથી.
એક વખત અમારા કોલેજ કેમ્પસમાં (હોસ્ટેલ પણ કોલેજ કેમ્પસમાં જ હતી) હડકાયું કૂતરું ઘૂસી ગયુ. પ્રોફેસર સી. એમ. પટેલ સાહેબ અમારા વોર્ડન હતા. બે ચાર વિદ્યાર્થીઓ તો હોકીઓ લઈ તૈયાર થઈ ગયા પણ ત્યાં પ્રિન્સિપાલ સાહેબને આ ખબર પડી. કદાચ એમનો બંગલો જે આગળ જતાં રેલવે લાઇન પાસે કેમ્પસમાં જ હતો ત્યાંથી ફોન ગયો હશે. એમણે સીધો પોલીસ ચોકી ફોન કર્યો અને ધડબડાટી બોલી ગઈ. પોલીસની બે જીપો અમારા કેમ્પસમાં ધસી આવી. જો કે ત્યાં સુધીમાં પેલું હડકાયું કૂતરું તો આગળ ક્યાંક નીકળી ગયું હતું. પણ આ આખોય સીન સારો એવો રમૂજપ્રેરક હતો.
અમારા પ્રિન્સિપાલ સાહેબ કડકાઇ વરતનાર માણસ હતા. સિદ્ધાંતના પાક્કા. કહેવાતું હતું કે એક વખત મહેસાણાથી વિસનગર આવતાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બારીનું શટલ એકાએક ઉપરથી નીચે પડતાં તેમની આંગળીએ વાગ્યું હતું અને અમારા પ્રિન્સિપાલ સાહેબે એ માટે રેલવે ઉપર નુકશાનીનો દાવો કરી સબક શીખવાડ્યો હતો. એમનું નિવાસસ્થાન જ્યાં હતુ તે પ્રિન્સિપાલ બંગલોની બરાબર પાછળથી રેલવે લાઇન પસાર થતી. જતાં આવતાં સ્વાભાવિક રીતે જ કોઈ પાટા ઓળંગતું હોય અથવા એવું કરવા ધારનાર અટકે તે હેતુથી એન્જિનનો ડ્રાઈવર વ્હીસલ વગાડતો હશે. સાહેબને આનાથી ખલેલ પડતી એટલે એમણે આ આખોય મુદ્દો રેલવેના ઉચ્ચ અધિકારીઓ સામે મૂક્યો અને કહ્યું કે તમારા ડ્રાઇવરના આ વર્તનને કારણે મને વાંચન અને સંશોધન કાર્યમાં ખલેલ પડે છે. પરિણામ એ આવ્યું કે વિસનગર આવતી અને જતી બંને ગાડીઓના ડ્રાઈવરને “કોશન મેમો” એટલે કે આગોતરી ચેતવણી આપવામાં આવતી કે આ જગ્યાએ વ્હીસલ વગાડવી નહીં ! અમારા પ્રિન્સિપાલ સાહેબનો આટલો વટ હતો.
એ જમાનાનું વિસનગર એટલે સાંકળચંદ પટેલ જેવા ગાંધીવાદી સહકારી આગેવાન તેમજ રમણીકલાલ મણીયારના નામે ઓળખાતું વિસનગર.
એમણે વિસનગરમાં સહકારી સ્પીનિંગ મિલ સ્થાપી હતી અને એ રીતે એક રોજગારી આપતો ઉદ્યોગ ઊભો કરી વિસનગર અને આજુબાજુ રહેતા લોકોને રોજગારી પૂરી પડે તેવો પ્રયત્ન કર્યો હતો.
જો કે પાછળ જતાં આ મિલ બંધ પડી અને ફડચામાં ગઈ.
એક સમયના વિસનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી શ્રી ભોળાભાઈ પટેલ સાંકળચંદભાઈના જમાઈ થાય.
સાંકળચંદભાઈની દીકરી શાંતાબહેન ભોળાભાઈ સાથે પરણેલાં.
બંને આગેવાનો ગામ અને આજુબાજુના વિસ્તારોમાં સારું વર્ચસ્વ ભોગવતા.
આવું જ બીજું એક નામ મુંબઈ રાજ્યના સમયથી ધારાસભ્ય ચૂંટાયેલ અને ગુજરાત રાજયમાં અનેક વખત કેબિનેટ મિનિસ્ટર તરીકે કામગીરી કરનાર ખેરાળુ વિસ્તારના શ્રી શંકરજી ઓખાજી ઠાકોરનું પણ હતું. સૌમ્ય સ્વભાવના શ્રી ઠાકોર બધી જ કોમોમાં પ્રિય હતા.
આ થઈ વિસનગર શહેરના મારા વસવાટ દરમિયાન બનેલી કેટલીક સંસ્મરણોમાં રહી જાય તેવી ઘટનાઓની વાત.
વિસનગરે એક વરસ કરતાં ઓછા સમયમાં...
નવા મિત્રો આપ્યા.
નવું વાતાવરણ આપ્યું
અને યાદ રહી જાય તેવા સંસ્મરણો પણ આપ્યાં.
ડો. કે. બી. વ્યાસ સાહેબ જેવા ભાષાશાસ્ત્રી અને પ્રખર વિદ્વાન સાથે પરિચિત થવાની તક આપી.
શહેરમાં સાયકલ ચલાવવાનો અનુભવ પણ આપ્યો.
એક વરસ કરતા પણ ઓછા સમયમાં
વિસનગરે મને ઘણું બધુ આપ્યું.
પણ...
સૌથી અગત્યનું તો જે બે ચિન્હોથી મારી ઓળખ થવાની હતી એવાં બે ઘાનાં નિશાન શરીર પર વિસનગરના મારા વસવાટ દરમિયાન પ્રાપ્ત થયાં.
વિસનગર વિસનગર હતું.
વડોદરા ગયો ત્યારે હું લઘુતાગ્રંથી અનુભવુ તેવા વાતાવરણમાં પ્રવેશ્યો.
આથી તદ્દન ઊલટું વિસનગરમાં મારો પ્રવેશ એક પ્રગતિશીલ અને આધુનિક વિદ્યાર્થી તરીકેનો હતો.
વિસનગરના વસવાટ દરમિયાન ક્યારેય લઘુતાગ્રંથી અનુભવાઈ હોય એવો એક પણ બનાવ નહોતો બન્યો.
કારણ કે...
ત્યાં મારા સ્થાનિક સંરક્ષક બીજા કોઈ નહીં પણ...
વિસનગર કોલેજના દક્ષ વહીવટકાર અને કાબેલ પ્રિન્સિપાલ ડો. કે. બી. વ્યાસ સાહેબ હતા.
વિસનગરનો મારો ટૂંકો વસવાટ સાચે જ અવિસ્મરણીય બની રહ્યો.