એક સરસ મજાની સાંજ
પાણી અને...
પાલનપુરને નામ
નવાબી શહેર પાલનપુર એક અલગ મિજાજ અને તહેજીબનું શહેર છે
દુનિયામાં આ એકમાત્ર શહેર એવું છે જેની સ્થાપના પ્રહલાદન દેવ નામના ઊંચા ગજાના કલાકારે કરી હતી
અને...
જ્યાં હિરવિજયસૂરી મહારાજાએ બાદશાહ અકબરને પ્રબોધન કર્યું હતું
એવું ઇતિહાસના જ્ઞાતા અને વિદ્વાન પ્રિન્સિપાલ (નિવૃત્ત) ડૉ. ગીરીશભાઈ ઠાકર કહે છે
જાલોરી વંશના શાસન હેઠળ આ શહેરમાં નવાબી હકુમત ચાલી
બાબી વંશનો જુનાગઢનો નવાબ જ્યારે પાકિસ્તાનમાં ભળવા માંગતો હતો ત્યારે...
પાલનપુરના નવાબ સાહેબે પોતાનું રાજ્ય સરદાર સાહેબને સૌથી પહેલાં સુપરત કરી દીધું
પાલનપુર અખંડ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયું.
મારાં બાળપણનો પાલનપુર એટલે...
ગુલાબ, ચંપો, કેવડો, મોગરો, જાઈ,જૂઈ અને ચમેલીના ફૂલોથી મહેકતું શહેર
એના અત્તરોની એક અલગ જ પહેચાન
એક બાળક તરીકે મારા માટે પાલનપુર એટલે રબડી, દહીંવડા, સમોસા ને કચોડીનું શહેર
પાલનપુર એટલે જ્યાં બાપાના એક મિત્ર ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસર હતા અને એવા જ બીજા...
રવિશંકર વ્યાસ કાકા સેલ્સ ટેક્સમાં હતા
પાલનપુર એટલે એવું શહેર જ્યાં મારી માની બંને આંખોના મોતિયાના ઓપરેશન થકી તેને નવી દ્રષ્ટિ મળી
પાલનપુર એટલે બાપા પાલનપુર-કંડલા લાઇન પર ચંડીસર, લોરવાડા, ડીસા, ભીલડી જેવાં સ્ટેશનોએ સ્ટેશન માસ્તર હતા
ત્યારે...
વેકેશનમાં એમની સાથે રહેવા જવા માટે જ્યાં ગાડી બદલવી પડતી હતી તે શહેર
બાલારામ નદીના ભાઠાની સાકર જેવી શક્કરટેટી
અને કિલોમાં માંડ બે થાય એવાં લાલઘૂમ ટમાટર
એવાં જ મીઠાં તરબૂચ અને શેતૂરનું શહેર
પાલનપુર એટલે રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિનું શહેર
પાલનપુર એટલે અંબાજી કે બાલારામ જતાં રસ્તે મળતું મોટું નગર
પાલનપુર એટલે આરાસુરની અરવલ્લી પર્વતમાળાની ગોદમાં રમતું શહેર
પાલનપુર એટલે દુનિયામાં હીરા ઉદ્યોગ પર કબજો જમાવી બેઠેલા જૈન શ્રેષ્ઠીઓનું શહેર
પાલનપુર એટલે મારા પરમ મિત્ર ચંદ્રકાંત બક્ષી અને બકુલ બક્ષી તેમ જ જેમનું ૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જ ૯૧ વર્ષની જૈફ વયે નિધન થયું તે લલિત બક્ષી એવા બક્ષીબંધુઓનું શહેર
પાલનપુર એટલે બક્ષીબંધુઓ ઉપરાંત પણ શૂન્ય પાલનપુરીથી માંડી કિસ્મત, અડગ, કમલ, ખયાબ, રિયાઝ, ઇશ્ક જેવા શાયરો અને સાહિત્યકારો જેમણે પોતાની અટક ઓગાળી દઈને નામની પાછળ પાલનપુરી લખવાનું શરૂ કર્યું એમનું શહેર
પાલનપુરના નવાબ પ્રજાવત્સલ અને દીર્ઘદ્રષ્ટા હતા
એની ગવાહી પાલનપુર સ્ટેટના મોનોગ્રામમાંથી મળે છે.
આ મોનોગામમાં લખ્યું છે મૂળ ફારસી ભાષામાં
બા અકલ ગિરીફતાહ બા શમશેર દશ્ત
એટલે કે...
આ રાજ્ય ડહાપણથી મેળવ્યું અને...
તલવારથી જાળવી રાખ્યું
કેટલી સુંદર વાત એક લીટીમાં કહી દીધી
રાજા પાસે ડહાપણ જોઈએ, દીર્ઘદ્રષ્ટિ જોઈએ અને...
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ દુશ્મનો (આજના સમયમાં આતંકવાદીઓ) સામે રક્ષણ મેળવવા તલવારનું બળ પણ જોઈએ.
તો જ સ્વરાજ્ય એટલે કે પોતાનું રાજ્ય અને સુરાજ્ય એટલે કે સુશાસિત રાજ્ય બની શકે
પાલનપુરના નવાબ અલ-મલિક શીર તાલે મહમદ ખાન એક અલગ સખ્શિયત હતી
એક અલગ મિજાજના શાસક હતા
રાહત ઇન્દોરી સાહેબે કહ્યું છે કે –
अगर ख़िलाफ़ हैं होने दो, जान थोड़ी है
ये सब धुआँ है कोई आसमान थोड़ी है
लगेगी आग तो आएँगे घर कई ज़द में
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है
सभी का ख़ून है शामिल यहाँ की मिट्टी में
किसी के बाप का हिन्दोस्तान थोड़ी है
રાહત ઇન્દોરી સાહેબની આ વાત સમજવા જેવી છે, જેમાં એ કહે છે કે...
‘લગેગી આગ તો આયેંગે ઘર કઈ જદ મેં
યહાં પે સિર્ફ હમારા મકાન થોડી હૈ’
અર્થ એ થાય કે જો બધું સળગાવશો તો એની આ અગનઝાળ ક્યાંની ક્યાં પહોંચીશે, કેટલાંય ઘર એની ઝપટમાં આવશે. અહીંયાં ફક્ત આપણું એકલાનું જ મકાન નથી. આગ લાગશે તો બધું ભસ્મીભૂત થઇ જશે. સૂકાની સાથે લીલું પણ અને આગ લગાડનારનું મકાન પણ.
ઇન્દોરી સાહેબે છેલ્લે કહ્યું છે કે –
‘સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ’
અમને પ્રાથમિક શાળામાં એક કવિતા ભણાવાતી, જે નીચે મુજબ છે –
હિંદમાતાને સંબોધન – કવિ કાન્ત
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
દેશ સૌનો છે, સંપીને રહેશો તો પામશો નહીંતર...
આગ અને યુદ્ધ કોઈનાં સગાં થતાં નથી.
આગ લગાડનારનું મકાન પણ ભસ્મ થઈને જ રહે છે.
હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ
કે પછી વિયેતનામ પર થયેલી અગણિત બોમ્બવર્ષા
સીરિયા હોય કે અફઘાનિસ્તાન, લડાઈ-ઝઘડો અને યુદ્ધ હંમેશા તબાહી વેરે છે
કદાચ આ કારણથી જ...
યુદ્ધના ઉન્માદમાં રાચતા ઉત્તર અને દક્ષિણ કોરિયાએ છેવટે હાથ મિલાવ્યા
જેણે એક સમયે સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના આરે લાવી મૂક્યું તે...
અમેરિકા અને ક્યુબા આજે સાથે બેસતાં થયાં છે
કેટલાય લોકોએ જાન ગુમાવ્યા તે બર્લિન વૉલ અદ્રશ્ય થઈ છે
પૂર્વ અને પશ્ચિમ જર્મની આજે સગા ભાઈની જેમ એકબીજાની સાથે રહે છે
યુદ્ધની તબાહી નહીં શાંતિનો મારગ જ છેવટે સુખનો મારગ છે.
મહાભારતનું યુદ્ધ તો સૌને યાદ છે
લાખો સુભટો હણાયા
ભીષ્મ પિતામહ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અભિમન્યુ જેવા મહારથીઓમાંથી કોઈ ન બચ્યું
હા, કહેવા ખાતર પાંડવો આ યુદ્ધ જીત્યા
પણ....
બરબાદી એટલી મોટી હતી કે વિરક્ત થઈને હિમાળે હાડ ગાળવા ચાલી નીકળ્યા
કલિંગનું મહાયુદ્ધ મોટા નરસંહાર પછી મહાન સમ્રાટ અશોક જીત્યો
પણ એ નરસંહાર જોઈને આવેલી વિરક્તિ એ એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પ્રેર્યો
પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા વિદેશોમાં મોકલ્યાં.
યુદ્ધ નહીં શાંતિ એ જ અંતિમ માર્ગ છે.
રાહત ઇન્દોરી સાહેબે બહુ સરસ વાત કહી છે જેમાં છેલ્લી પંક્તિમાં એમણે કહ્યું છે કે આ દેશ સૌનો છે. આ દેશની માટીમાં ઘણા બધાનું રક્ત સામેલ છે. એ કોઈના બાપની વિરાસત નથી.
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ - ગુજરાતનું અગ્રણી દૈનિક
નવગુજરાત સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માન. શ્રી ભાગવતજીને ટાંકતાં પહેલા પેજ પર લખે છે –
“નેશનાલીઝમ એટલે નાઝીવાદ અને ફાસીવાદ”
તેઓએ કહ્યું છે
દેશની એકતા જ અસલી તાકાત છે જેનો આધાર અલગ હોઈ શકે છે પણ મકસદ એકસમાન છે.
કટ્ટરવાદ વિશ્વ શાંતિમાં ખલેલ પહોંચાડે છે અને તેનો ઉકેલ માત્ર ભારત જ આપી શકે છે.
આ તરફી કે તે તરફથી કટ્ટરવાદનાં ખાંડાં ખખડાવી રહેલા આગેવાનો દઝાડે છે
માનનીય ભાગવતજીના શબ્દો ઉજળી આવતી કાલની આગાહી કરે છે
સાંભળીને અને વાંચીને કોઠે ટાઢક થાય છે
ભારતનો જીવન મંત્ર ‘આનો ભદ્રા કૃતવો યન્તુ વિશ્વત:’, જેનો અર્થ
‘દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો’ તેવો થાય છે
કોઈ વૈચારિક આભડછેડ આપણી સંસ્કૃતિ સ્વીકારતી નથી
આપણી પ્રાર્થના –
સર્વત્ર સુખિનઃ સન્તુ
અને
કામયે દુઃખ તપ્તાનાં પ્રાણીનામાર્તી નાશનમ
એટલે કે સૌને સુખ અને પ્રાણીમાત્રની આર્તના અને દુઃખનો નાશ થાય તે છે.
પાલનપુર આવી મેઘધનુષી સંસ્કૃતિનું શહેર છે.
રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિનો સંગમ સ્થળ પાલનપુર છે.
અહીંની ભાષામાં ‘ત્રણ’ને ‘તીન’ ‘લાકડા’ને ‘લકડી’ અને ‘નું’ માટે ‘કી’ શબ્દ વપરાય છે.
પાલનપુરી દુનિયામાં ગમે ત્યાં જાય એને માટે પાલનપુર એ જીવનનો પહેલો પ્રેમ છે.
દુનિયાના કોઈપણ છેડે, પછી એ બેલ્જિયમમાં વસતો હોય, ઈઝરાયેલમાં વસતો હોય કે મુંબઈમાં,
હોંગકોંગમાં વસતો હોય કે હીરાની રાજધાની સુરતમાં
પાલનપુરીના અસ્તિત્વનો અણુએ અણુ પાલનપુરમય હોય છે.
અને એટલે જ પાલનપુરના શ્રેષ્ઠીઓ ભલે પાલનપુરથી દુર ગયા
પણ...
આ શહેરની સંસ્કૃતિમાં અને એની છેલ્લી ત્રણ પેઢીઓના ઘડતરમાં જેનો મોટો ફાળો છે એ...
વિદ્યામંદિર જેવી માતબર સંસ્થા એમણે પાલનપુરમાં સ્થાપી અને
એનું સુપેરે સંચાલન થાય તેવા વ્યક્તિઓને શોધી શોધીને એનું સુકાન સોંપ્યું.
વિદ્યામંદિર એટલે કે સરસ્વતીનું મંદિર
જેમાં ભણવા જવું એ ગૌરવ બક્ષે એવી બહુજન સમાજ માટેની મુઠ્ઠીભર શ્રેષ્ઠીઓએ સ્થાપેલી સંસ્થા
ખૂબ મોટું પ્રદાન છે વિદ્યામંદિરનું પાલનપુરની છેલ્લી ત્રણ પેઢીઓમાં સંસ્કાર સિંચન કરવા માટે
એવા પાલનપુરમાં ‘શ્રી મંગળભાઇ ઝવેરચંદભાઈ મહેતા વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા’
વિદ્યામંદિર ટ્રસ્ટ - પાલનપુર ચલાવે છે
એના ૩૭મા મણકામાં દોરો પરોવવાનું કામ ૨૧મી ફેબ્રુઆરીની એ સમી સાંજે
મારા ભાગમાં આવ્યું.
૧૯૬૬ની સાલમાં એમબીબીએસ થયેલા ડૉ. નવિનભાઈ, જે નવિનકાકાના હુલામણા નામે જાણીતા છે
જેઓ એક ઉમદા વ્યક્તિ હોવા ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે ઊંડી સૂઝ અને જ્ઞાન ધરાવે છે
જેમના હૃદયના અતલ ઊંડાણમાં સૂકી ભઠ્ઠ સાબરમતી, સરસ્વતી, બનાસ અને સીપુને પુનર્જીવિત કરવાની ભાવના ઠાંસીઠાંસીને ભરેલી છે
જેમના હૃદયમાં કપાતાં જંગલો અને ઉજ્જડ થઇ રહેલી બાલારામની પહાડી
વેદનાના ધબકાર ઊભા કરે છે
એવા ડૉ. નવિનકાકાના મારા સત્રના અધ્યક્ષસ્થાને હતા
એમની સાથે બેસવા મળ્યું, વાત કરવાની તક મળી, દિલ બાગ-બાગ થઈ ગયું.
જ્યારથી આ વક્તવ્ય આપવાનું સ્વીકાર્યું ત્યારથી ડૉ. ભરતભાઈ વૈદ્ય મારી સાથે જોડાયેલા રહ્યા
આકરા થયા વગર પણ
પોતાનું ધાર્યું બીજા પાસે કઈ રીતે કરાવી શકાય
એ મૃદુભાષી ડૉ. ભરતભાઈ વૈદ્ય પાસેથી શીખવા જેવું છે.
આ સમગ્ર ટ્રસ્ટના કાર્યચાલક એટલે કે આત્મા
નિયામક શ્રી હસમુખભાઈ મોદી પણ એવું જ પ્રેમાળ વ્યક્તિત્વ છે
જે જમાનામાં શીતળા અને ઓરી-અછબડા કેર વરતાવતા હતા
એ જમાનામાં જેમનું બાળપણ વીત્યું હશે એવા હસમુખભાઈના મોં પર પણ
શીતળાનો ઉપદ્રવ કેટલો ક્રૂરતાથી પોતાની છાપ મૂકી જાય તેના પુરાવા અંકિત છે
એક ખૂબ મોટી ઘાતમાંથી પાલનપુરનું આ રત્ન બચી ગયું હશે
જનહિતના કાર્યો માટે પ્રદાન કરવાનું નસીબમાં લખાયું હશે
અને એટલે...
મોઢે શીળીના ચાઠાને કારણે ચહેરો ભલે ખરબચડો રહ્યો
પણ આત્માની સુંદરતા ભગવાને હસમુખભાઈ પર અઢળક વરસાવી છે.
પહેલી વાર મળવાનું થયું, સાથે બેસવાનું થયું
માત્ર હસમુખભાઈ અને ભરતભાઈ જ નહીં પણ જેમણે મારું સ્વાગત કર્યું તે સૈયદ સાહેબથી માંડીને વિદ્યામંદિરના અધ્યાપક મંડળના બધા જ સભ્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો સાથેની અલપઝલપ મુલાકાત મહાશિવરાત્રિની એ સાંજને ચિરસ્મરણીય બનાવી ગઈ.
વિદ્યામંદિર જેવાં શિક્ષણ સંકુલો, જ્યાં ખરેખર સરસ્વતી વસે છે
કમ સે કમ આ રાજ્યમાં માત્ર પાલનપુર પૂરતાં જ મર્યાદિત ન રહેતાં ઘણી બધી જગ્યાએ ફેલાય
આ સંસ્થા તેમજ એના જેવું સારું કામ કરી રહેલાં શિક્ષણ સંકુલોનો
સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે અભ્યાસ કરી
આ રાજ્યમાં શિક્ષણ કેવું હોવું જોઈએ એ માટેનું એક સલાહકાર બોર્ડ ઓફ ગવર્નન્સ બનાવાય તો?
ઘણું બધુ બદલાઈ શકે!
સૌથી મોટો ફાયદો તો શિક્ષણ અને સંસ્કારના ઉપવનો મહેકી ઊઠે
આવો દિવસ આવશે ત્યારે મા સરસ્વતીની પ્રાર્થના
ત્વદિંયાં દયાં વરસી હે શારદે
મદિયાં ધીયાં પ્રેરયત્વં શુભે
અર્થ થાય...
હે મા વીણાવાદિની સરસ્વતી મારા પર દયા કર
મારી મતિ એટલે કે બુદ્ધિને શુભત્વના માર્ગે પ્રેર
વિદ્યામંદિર જેવાં સંસ્કાર વિદ્યામંદિરો છે એનો આનંદ
અને છેલ્લે...
આખું ઓડિટોરિયમ ભરચક
બહેનોની હાજરી પણ એટલી જ
યુવકયુવતીઓથી માંડીને વૃદ્ધો સુધીના સૌ કોઇ
મારું ઓડિયન્સ
પ્રશ્નોત્તરી સાથે આખોય કાર્યક્રમ લગભગ અઢી કલાક ચાલ્યો
ટાંકણી પડે તો પણ સંભળાય એટલી શાંતિ
વચ્ચેથી કોઈ ઊઠીને જાય એવું અપવાદરૂપે જ બને
મોબાઈલ સાયલન્ટ મોડ પર
અંદરઅંદર કોઈ ગણગણાટ કે ગુફ્તેગો નહીં
પ્રશ્નોત્તરીમાં પણ અત્યંત નિખાલસ કોઈ શબ્દો ગોઠવીને પૂછેલા પ્રશ્નો નહીં
એમાં ક્યાંક આ દેશના સૌથી વધુ અગત્યના નાગરિક એવા કિસાનની વ્યથા પણ વ્યક્ત થાય
પાણી માટેની ચિંતા અને એના ઉપાયો માટેની પૃચ્છા
પ્રશ્નોત્તરી મારા વક્તવ્યના કાર્યક્રમનો સૌથી મજાનો ભાગ બની રહી.
સલામ વિદ્યામંદિર!
સલામ આવા સંસ્કારી અને શિસ્તબધ્ધ શ્રોતાવર્ગને!!
સલામ પાલનપુર અને એની તહેજીબ (શિસ્ત)ને!!!
પાલનપુરથી રાત્રે સાડા દસ વાગે વિદાય થયો
આજ પહેલાં અનેક વખત પાલનપુરથી પસાર થવાનું થયું છે
નાના-મોટા કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ બન્યું છે
પણ ૨૧મી ફેબ્રુઆરી અને મહાશિવરાત્રિના આ પવિત્ર દિવસે
પાલનપુરે મને લૂંટી લીધો
હું વિદાય થયો પણ મારી લાગણીઓ અને દિલનો એક ટુકડો પાલનપુર મૂકીને
સલામ પાલનપુર!!!
ધન્યવાદ વિદ્યામંદિર ટ્રસ્ટ મને પાલનપુરના મિજાજની અનુભૂતિ કરાવવા માટે
મળતા રહીશું