સુખ અને દુ:ખ જીવનના બે પાસા છે.
સુખ પણ કાયમી નથી.
દુ:ખ પણ કાયમી નથી.
સુખમાં દૂરદૂરનો મિત્ર કે સગો પણ તમને શોધતો આવે છે.
દુ:ખમાં બધા તમારાથી દૂર ભાગે છે.
એક ઓરડામાં વિજળીનો ગોળો ચાલતો હોય તો તમારો પડછાયો ફર્શ અથવા ભીંત પર દેખાય છે.
પ્રકાશ એ સુખનો પર્યાય છે.
પણ...
જેવો એ ગોળો સ્વિચ ઓફ એટલે કે બંધ કરી દો તો અંધારું થઈ જાય છે.
અંધારામાં તમારો પડછાયો પણ સમાઈ જાય છે.
અંધારામાં એટલે કે દુ:ખમાં તમારો પડછાયો પણ સાથ નથી દેતો.
અને એટલે જ કહ્યું છે...
સુખમે સબ સાથી
દુ:ખમે ન કોઇ
તેરા નામ હી સાંચા
દુજા ન કોઇ
સુખમાં સાંભરે સોની
પણ...
દુ:ખે સાંભરે રામ
કહેવાય છે ભગવાન જેને પોતાનાથી નજીક લાવવા માંગે એને દુ:ખ આપે છે.
ભક્ત પ્રહલાદ, ધ્રુવ, સુદામા, હરિશ્ચંદ્ર જેવા અનેક દાખલા આપણે સાંભળ્યા છે.
જપજી સાહિબમાં એક પંક્તિ આવે છે -
“કેતીઆ દુ:ખ ભૂખ સદ માર
એહી ભી દાતી તેરી દાતાર"
ગુરુ નાનકજી કહે છે કે પ્રભુ, આ દુ:ખ પણ તારી જ કૃપા છે જેના કારણે હું તને યાદ કરું છું.
એક અપંગ એવું વિચારે છે કે હે માલિક હું જો ચાલી શકતો હોત તો રોજ તારા દરબારમાં આવત. પણ વાસ્તવિકતા તો એવું કહે છે કે જો એ અપંગ ના હોત અને હટ્ટોકટ્ટો હોત તો તે ઈશ્વર વિષે વિચારત પણ નહીં !
આપણે સુખી હોઈએ ત્યારે સંસારની મોહજાળ અને કાવાદાવામાં વ્યસ્ત હોઈએ છીએ.
પ્રમાણિકતાપૂર્વક વિચારો - ક્યારેય આ સમય દરમ્યાન પૂરી ભાવનાથી જ્યારે દુ:ખ પડે ત્યારે ઈશ્વરને યાદ કરીએ છીએ તે રીતે માલિકને યાદ કરીએ છીએ ખરા ? એટલે જ ગુરુ નાનક દેવજીનો આ ઉપદેશ એમ કહે છે કે આ દુ:ખ અને દર્દ એ તો માલિકની કૃપા છે જે આપણને તેની સાથે જોડે છે.
“દુ:ખ દારૂ સુખ રોગ ભયા
જા સુખ તાં ના હોઇ"
અર્થ થાય દુ:ખ સાચા અર્થમાં દારૂ (દવા) છે. દવા તો કડવી જ હોય ને? પણ સાજા થવા માટે કડવાં ઓસડિયાં પીવાં પડે. બાળક એની માને અત્યંત વ્હાલું હોય છે પણ એ માંદુ ના પડે એટલા માટે કડવાં ઓસડીયાં ઘસીને રોજ મા જ પીવડાવે છે. આમ ઈશ્વર સુધી પહોંચવા માટે દુ:ખ તો સહન કરવું પડે. પાણી ના હોય તો દરિયામા ડૂબી ના શકાય. પાણી વગર દરિયો પાર નથી કરી શકાતો. બરાબર આ જ રીતે સંસાર સાગર દુ:ખથી ભરેલો છે. આપણા પર ભગવાને એ પસંદગી છોડી છે કે આ દુ:ખમા ડૂબીને ઈશ્વરને ભૂલવો અથવા દોષ દેવો છે કે પછી આ દુ:ખોનો તરાપો બનાવી સંસાર સાગરમાંથી પાર ઊતરવું છે?
ગુરુ નાનક સાહેબની મધુર વાણી દ્વારા ઉપદેશાયેલ બોધ તો એવું કહે છે કે જ્યોતિષ સાચું હોત તો જન્મપત્રી અને કુંડળીઓ મેળવીને કરેલાં લગ્ન ક્યારેય છૂટાછેડામાં ના પરિણમે.
કોઇની નજર લાગવાથી જો ધંધામાં નુકસાન જવાનું હોય તો બિલ ગેટ્સ અથવા અંબાણી જેવા ક્યારનાય સડક પર આવી ગયા હોત કારણ કે એમની સમૃદ્ધિને તો આખી દુનિયાની નજર લાગે તેમ હોય છે.
સુરજને ચઢાવવામાં આવેલું જળ જો ખરેખર સુરજ સુધી પહોચ્યું હોત તો અત્યાર સુધીમાં આપણી જનતાએ સુરજને ઠંડો કરી નાખ્યો હોત.
અગર પંડિતોના હવન અને ગ્રંથિઓના અખંડ પાઠ કરાવવાથી ભવિષ્ય બદલાઈ જતું હોત તો આ બધાના છોકરાઓ અબજોપતિ થઈ ગયા હોત !
માટે વિચારો
रब दा सिमरन ते कर्म सव तो ऊंचा
સાચા હ્રદયથી કરવામાં આવેલું હરિ સ્મરણ સૌથી ઊંચું છે.