પુણ્ય સલિલા સરસ્વતીના શાસ્ત્રોકત મહત્વ વિષે લખ્યું. જ્યારે પાટણ ઉપર ચાવડા અને સોલંકી વંશની ગાદી તપતી હતી, જ્યારે આનર્તના મહાશક્તિશાળી રાજ્યની રાજધાની તરીકે પાટણનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે ખોદેલી ખાઈમાં સરસ્વતીનાં નીર હિલોળા લેતાં અને સરસ્વતી નદીમાં નાવડીઓ ચાલતી તેનો ઉલ્લેખ કનૈયાલાલ મુન્શીજીએ એક કરતાં વધુ વખત પોતાની નવલકથાઓમાં કર્યો છે. ‘ગુજરાતનો નાથ’ નવલકથાની માંડણી જ ‘સરસ્વતીને તીરે’ પ્રકરણથી થાય છે અને એ પ્રકરણમાં પહેલું વાક્ય છે “સંવત ૧૧૫૪ના શિયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી, પાસે વહેતી સરસ્વતીના નીરનો ગંભીર રવ રાત્રિની શૂન્યતામાં ભયજનક લાગતો હતો”. એજ પ્રકરણમાં બીજો એક સંવાદ આવે છે “મારે પાટણ જવું છે, હોડી ક્યાં આગળ હોય છે? અહીયાં જ કે?” નદીને સામે કિનારે ઉભેલા એક જણ પોતાના મનમાં વિચારે છે “એટલે? મારે જરૂર અત્યારે પાટણ જવુ જ જોઈએ. અહીયાંથી નદીની પાર જવાય તેમ નથી? અનુભવી તરનારની નજરથી નદીનો પટ પામવાનું કહેતાં નવા આવનારે કહ્યું”.
“બારણાં ખોલ” પેલા માણસે જવાબ દીધો. આખરે માછી ધ્રૂજતો ધ્રૂજતો આવ્યો, જરા બારણું ઉઘાડ્યું અને માત્ર ડોકું બહાર કાઢ્યું અને પૂછ્યું “કોણ છે?”
“તારી પાસે તરાપો છે કે?”
માછીએ બારણાં બંધ કરવા માંડ્યા અને જવાબ દીધો : “ના”
તુમડાં ?
અત્યારે તેનું શું કામ પડ્યું છે ?
પેલે પાર જવું છે
પેલે પાર જવાય નહીં. મહેતાજીની દાંડી છે. અત્યારે તૂમડી કેવી ને વાત કેવી ?
પેલા માણસે જરા વધારે અંદર ડોકું ઘાલ્યું ને માછીને કાનમાં કાંઇક કહ્યું અને તેના હાથમાં કંઈ ટંકા (એ અરસામાં ચાલતી સોનાની તથા રૂપની મહોર) અપાતા કાકે સાંભર્યા. તરત માછીએ બારણું ઉઘાડી નાખ્યું. તે કઠોર અવાજમાંથી ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : અન્નદાતા ! તુમડાં છે. કહો તો લાકડે બાંધી તરાપો કરી આપું.
તરાપો તૈયાર થયો અને પેલા પુરુષો અને માછી તે પર બેઠા, માછીએ વાંસ વતી પાણી કાપવા માંડ્યુ. જરાક દૂરથી કાકે પણ પાણીમાં ઝંપલાવ્યું અને અવાજ ન થાય તેમ તે તરફની જ દિશામાં તરવા માંડ્યુ. કાકને સીધા જવું જરા અઘરું લાગ્યું કારણકે સરસ્વતીનાં નીર જોરથી વહેતાં હતાં.
જો પાટણ પાસે સરસ્વતીનો પ્રવાહ આવો હોય તો સિદ્ધપુરને ઘસાઈને વહેતી સરસ્વતીનો પ્રવાહ કેટલો હશે તે કલ્પના કરી શકાય છે. પાટણનું મૂળ નામ અણહિલપૂર હતું. ઇસ ૭૪૬થી ૧૪૧૧ સુધી કુલ ૬૬૫ વરસ સુધી અણહીલવાડ ગુજરાતની રાજધાની રહી, જે દરમ્યાન ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ શાસન કર્યું. ઇ.સ. ૯૪૨થી ૧૨૪૪ સુધી અણહીલવાડ વ્યાપાર, અલગ અલગ હુન્નર માટેની તાલીમ તેમજ સ્થાપત્ય સિદ્ધિઓ માટે અને ગુજરાતનાં સિદ્ધરાજ જયસિંહ જેવા શાસક, જેણે અવંતીના યશોવર્માને હરાવી પાંજરામાં પૂરી આખા પાટણમાં ફેરવ્યો હતો તે સિદ્ધિ, શૌર્ય અને સંપત્તિથી તરોબતર સુવર્ણકાળ હતો. વાઘેલા વંશનો છેલ્લો રાજા કરણ ઘેલો અને તેરમી સદીના અંતમાં અલ્લાદિન ખીલજીના માર્ગદર્શન હેઠળ ઉલૂધખાને આ શહેરને લૂંટી તેનો સંપૂર્ણ નાશ કર્યો.
http://hindi.indiawaterportal.org પરથી શ્રી વિનીત કુંભારાણાનો સંશોધન લેખ ઉપલબ્ધ બન્યો જેમાં પાટણ શહેરમાં બંધાયેલ સહસ્ત્રલિંગ તળાવ અને એ તળાવને ભરવા માટે સરસ્વતી નદી ઉપર આધારિત વિકસાવાયેલ વ્યવસ્થા બાબતે નીચે મુજબનું લખાણ છે -
પાટણ શહેરમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવથી ૫૦૦ મીટરના અંતરે ઉત્તરમાં આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૮૪માં બંધાવેલું છે અને એ સમયે તે દુલર્ભ સરોવર તરીકે ઓળખાતું હતું. આ તળાવ રાજા સિદ્ઘરાજના પૂર્વજોએ બંધાવેલું છે એવું ઇતિહાસમાં નોંધ છે. તળાવમાં પાણી લઇ આવતી ચેનલ્સની બન્ને બાજુએ સમાંતર ૧૦૦૦ શિવલિંગ બનાવવામાં આવેલા છે, આ રચના ઉપરથી તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ રાખવામાં આવેલું હતું.
રાજા સિદ્ઘરાજે આ તળાવની મહત્વતા સમજીને તેમના સમયમાં આ તળાવને ફરી સમારકામ કરાવીને જીવંત કરાવ્યું હતું. વર્ષ ૧૯૪૨-૪૩માં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૭ હેકટરમાં ફેલાયેલા અને ખંડેર થઇ ગયેલા આ તળાવનો ફકત ૨૦% ભાગ જ મળી આવ્યો છે બાકીનો ૮૦% ભાગ હજુ જમીનમાં ધરબાયેલો પડેલો છે. આ તળાવને ત્રણ વખત નાશ કરવામાં આવેલું છે. આમ છતાં પણ તેની ભવ્યતા હજુ અકબંધ છે. સહસ્ત્રલિંગ તળાવમાં પાણી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે. સરસ્વતી નદી પાટણ શહેરની નજીકથી વહે છે. તળાવમાં પાણી લઇ આવવા માટે અટપટી ફિડીંગ ચેનલ્સ બનાવવામાં આવી છે જે ઇંટો અને પથ્થરોની બનેલી છે. આ વિવિધ ચેનલ્સનું જોડાણ તળાવ પાસે આવેલા ત્રણ ગોળાકાર સ્લૂઝ ગેટ સાથે કરવામાં આવેલું છે. આ રીતે ચેનલ્સ અને આ સ્લૂઝ ગેટ દ્વારા સરસ્વતી નદીનું પાણી તળાવમાં ઠાલવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ તળાવમાં કુદરતી ફિલ્ટ્રરેશન પ્લાન્ટ હતો.
સહસ્ત્રલિંગ તળાવના પશ્ચિમ કિનારે એક સિસ્ટર્ન-હોજ બનાવવામાં આવેલો છે જેને રૂદ્રકુપ કહેવામાં આવે છે. સરસ્વતી નદીનું પાણી ચેનલ્સ દ્વારા આ રૂદ્રકુપમાં આવે છે અને એ પછી તળાવની ઇનલેટ ચેનલ દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં છોડવામાં આવે છે. રૂદ્રકુપનો વ્યાસ આશરે ૪૦ મીટર જેટલો છે. એકદમ સપ્રમાણ અને સુંદર રીતે બનાવવામાં આવેલું રૂદ્રકુપ એ સમયના લોકોની ઊંડી સુઝબૂઝની સાથે એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પૂરૂ પાડે છે. જોકે આજના સમયની સરખામણીમાં સહસ્ત્રલિંગ તળાવ એવડું મોટું તો નથી પણ તે સમયના રજવાડામાં પાણીના વિતરણ માટેની ઉત્તમ જળવ્યવસ્થાપન પદ્ઘતિ હશે એવું માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ (૧૦૯૩-૧૧૪૩)ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે.
૧૫૬૧માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઇને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઇ હતી.
આ તળાવનું સ્થાપત્ય હિંદુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણીની પવિત્રતાનું મહાન સંકલન હતું. તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી આવતું હતું અને તે ૫ કિમી વિસ્તારમાં ફેલાયેલું હતું. તળાવના કાંઠા પર એક હજાર શિવલિંગો આવેલા હતા. તેમાંના કેટલાંક હજુ પણ ખંડિત અવસ્થામાં જોવા મળે છે.
સહસ્ત્રલિંગ તળાવનું નામ તેના કાંઠે આવેલા અસંખ્ય નાના મંદિરો પરથી પડ્યું હશે એમ મનાય છે. તેના ખંડેરો પર અષ્ટકોણીય રોઝા ઉભો કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશાના મધ્ય ભાગમાં જૂનું શિવ મંદિર આવેલું છે, જે ૪૮ થાંભલાઓ ધરાવે છે. આ મંદિર ૧૬મી સદી સુધી સારી હાલતમાં હતું. પશ્ચિમ દિશામાં રૂદ્ર કુપ આવેલ છે, જે સરસ્વતી નદીમાંથી પાણી લાવવા માટેની વ્યવસ્થા ધરાવે છે. તેનો વ્યાસ લગભગ ૪૦ મીટર જેટલો છે.
સિદ્ધપુર વિષે લખતાં પાટણ આધારિત આ બાબતોનો ઉલ્લેખ એક જમાનામાં સરસ્વતી નદીમાં કેટલું પાણી વહેતું હશે અને એનો જળ માર્ગ તરીકેનો ઉપયોગ થતો હશે એ બાબતે સાંયોગિક પુરાવા જોડવા માટે પાટણ સાથે જોડીને સરસ્વતી નદીનો વ્યાપ તેમજ તેમાં વહેતા જળ રાશીની વિપુલતા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
આજે ભલે બનાસ, સરસ્વતી અને રૂપેણ અરવલ્લી પર્વતમાળાની નદીઓ તરીકે ઓળખાતી હોય, ભલે આ નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે તેથી તેમને કુંવારિકા કહેતા હોઈએ, આજના સંદર્ભમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં થઈને વહે છે. આ નદીની લંબાઈ ૧૫૦ કિ.મી. છે. બનાસ નદી ઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ ૨૭૦ કિ.મી. છે.
વળી પાછા સરસ્વતી તરફ પાછા ફરીએ. માહિતી એકત્ર કરતાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્વાન પ્રાધ્યાપક ડો. કનૈયાલાલ નાયક દ્વારા ગુજરાતની નદીઓ ઉપર જે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાંથી ‘ગુજરાતની નદીઓ : કુંવારિકા સરસ્વતી’ અંગેનો રસપ્રદ લેખ હાથ લાગ્યો છે જે વિષે હવે પછી....