featured image

‘વેર યુ આર પ્લેસ્ડ ઇન લાઈફ ઈઝ જસ્ટ લક’ - તમે અત્યારે જ્યાં છો તે માત્ર નસીબ છે

રાજીવ બજાજ એ જમનાલાલજીની ચોથી પેઢી છે. રાજીવ સ્પષ્ટપણે માને છે કે કોઈ વિશિષ્ટ શિક્ષણ અથવા તો વિશેષાધિકારને લઈને આપણે આપણી સ્કૂલ અથવા આપણો વારસો અને બીજી જિંદગીમાં મેળવેલ ઘણી બધી વ્યક્તિગત સિદ્ધિઓ એ માત્રને માત્ર એક ચાન્સ છે. પ્રગતિ માટેનું સાચું કારણ ભાવિ તમને સાચા સ્થળે સાચા સમયે મૂકે તે છે. જ્યારે આપણે એવું માણીએ કે આપણે સોંપવામાં આવેલી જવાબદારી સારી રીતે પૂરી કરી છે અને પરિણામો મેળવ્યા છે ત્યારે આ રાજીવ બજાજનો આઉટલુક દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યુનો વિડીયો એવું કહે છે કે બધુ જ એને (ભગવાન અથવા નસીબ) આધારિત છે. આપણે એકમાત્ર નિમિત્ત છીએ. આપણે આજે જ્યાં છીએ ત્યાં છીએ કારણ કે તકદીર આપણને ત્યાં લઈ આવ્યું છે. પણ આપણે આપણી જાતે કેવી રીતનું વર્તન કરીએ છીએ એ અગત્યનું છે પણ એ તો આપણી જિંદગીનો એક નાનકડો ભાગ છે. આ વિડીયોનું ટાઇટલ છે ‘વેર યુ આર પ્લેસ્ડ ઇન લાઈફ ઈઝ જસ્ટ લક’ એટલે કે જીવનમાં આપણે જે કોઈ જગ્યાએ છીએ તે એક સંયોગ અને નસીબને આધારિત હોય છે. વાતને આગળ વધારતા રાજીવ કહે છે કે બાળપણમાં એમને ફૂટબોલ રમવાનો શોખ હતો. તેમની ફેક્ટરીના એક ભાગરૂપે બનાવવામાં આવેલ ફૂટબોલ મેદાન ઉપર આ લોકો ફૂટબોલ રમતા. રાજીવ બજાજે જોયું કે આમાંના અડધોઅડધ લોકો ૪૫ વરસની આસપાસની ઉંમરના સિક્યોરિટી ગાર્ડ્સ હતા. રાજીવના પિતાશ્રી એવું માનતા હતા કે સિક્યોરિટી ગાર્ડ્સ સ્થાનિક ન હોવા જોઈએ જેથી તેઓ પ્રમાણમાં વધુ તટસ્થ રહી શકે અને એટલે બજાજની ફેક્ટરીમાં અડધોઅડધ જેટલા ગાર્ડ્સ રાજસ્થાનમાંથી અને બીજા એટલા જ નેપાળથી ભરતી કરવામાં આવ્યા હતા. રાજીવ આ ગાર્ડ્સ સાથે ફૂટબોલ રમતા.   

૧૯૮૭માં તેમના પરિવારે તેમના પરદાદા જમનાલાલ બજાજ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનું નક્કી કર્યું, જેઓ મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર અથવા દત્તક પુત્ર તરીકે પણ જાણીતા છે. આ ડોક્યુમેન્ટ્રીનું શીર્ષક હતું ‘કથની કરણી એક સી’ જેનો અર્થ થાય તમે જે બોલો છો એજ રસ્તે ચાલો. આ ડોક્યુમેન્ટ્રી આજે પણ YouTube પર ઉપલબ્ધ છે. રાજીવને તેમના કાકા અને કાકીએ લગભગ હઠાગ્રહ કરીને સામેલ કર્યા અને દિગ્દર્શક ભીમસૈન ખુરાનાએ તેમને અથવા સૂત્રધારની ભૂમિકા ભજવવા માટે સમજાવ્યા.

ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ જયપુરથી બે કલાકના અંતરે આવેલા સિકરમાં થયું હતું, જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો. રસ્તામાં ભૂલા પડ્યા, બળતણ ખલાસ થઈ ગયું, પરંતુ અંતે, ગમે તેમ કરીને તેઓ ત્યાં પહોંચી ગયા અને એ રીતે ત્યાં પહોંચવાની સફર યાદગાર બની રહી. પોતાના પરિવારનું મૂળ ગામ, જ્યાંથી તેમના વડવા આવ્યા હતા તે સ્થળ જોઈને રાજીવ ચોંકી ગયા... તેમનું ઘર માટીનું બનેલું કાચું મકાન હતું અને તેમાં પ્રવેશવા માટે ઝૂકવું પડતું. તેઓ શૂટિંગ પૂરું કરી અને બહાર નીકળી રહ્યા હતા ત્યારે રાજીવે તેમના સિક્યોરિટી ગાર્ડ સુભાષને જોયો. સિક્યુરિટી ગાર્ડ્સ સાથે નિયમિત ફૂટબોલ રમતા હોવાથી રાજીવ તેને સારી રીતે ઓળખતા હતા. રાજીવે પૂછ્યું કે તે અહીં કેમ આવ્યો છે? સુભાષે કહ્યું કે તે વેકેશનમાં ઘરે આવ્યો હતો અને તેનું ઘર રાજીવના ઘરની બાજુમાં છે.

ગરીબ પરિવારમાં જન્મેલા રાજીવના પરદાદા જમનાલાલ બહાર તડકામાં રમતા હતા ત્યારે બચરાજ બજાજ નામના એક શેઠ ત્યાંથી પસાર થયા અને તેમણે જમનાલાલને જોયા. શેઠે તેની માતાને પૂછ્યું કે આ કોનું બાળક છે, ત્યારે તે સ્ત્રીએ અસલ રાજસ્થાની અંદાજમાં પ્રેમથી કહ્યું, ‘થારો હી હૈ.’ આવું માત્ર નમ્રતા અને આદરથી કહેવામાં આવ્યું હતું, પરંતુ શેઠે સ્ત્રીને પૂછ્યું કે, ‘તો શું તે બાળકને તેમની સાથે ઘરે લઈ જઈ શકે છે?’ પેલી સ્ત્રીને આઘાત લાગ્યો. પણ જમનાલાલજીના પિતાએ કહ્યું કે ‘આપેલો શબ્દ પાળવો પડશે’. શેઠજીએ પૂછ્યું કે તેઓ આનો બદલો કેવી રીતે આપી શકે? જેના જવાબમાં પિતાએ કહ્યું કે તેઓ બાળકને વેચી નહીં રહ્યા, પરંતુ જો તેઓ ઇચ્છતા હોય, તો ગામ માટે એક કૂવો બનાવી શકે છે કારણ કે મહિલાઓને પાણી લેવા માટે દરરોજ ખૂબ દૂર જવું પડે છે.

રાજીવને પારાવાર આશ્ચર્ય થયું – ‘જો મારા પરદાદાને બદલે સુભાષના પરદાદા તે દિવસે બહાર રમતા હોત તો? હું બજાજ ઓટોમાં સિક્યુરિટી ગાર્ડ હોત અને ગાર્ડ સુભાષ ચેરમેન હોત’. સાચે જ, સંજોગો માણસ કરતા વધારે મહત્વના છે. ‘મેં કરી બતાવ્યું’, ‘આ મારું છે’ ની આખી વાત મિથ્યા છે. તમે અત્યારે જ્યાં છો તે માત્ર નસીબ છે. અલબત્ત, તમે તમારી જાતને કેવી રીતે આગળ લઈ જાવ છો તે પણ મહત્વપૂર્ણ પરંતુ ગૌણ બાબત છે. રાજીવ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં શા માટે છું તેનું કારણ માટે જણાવવું હોય તો હું વંશ, વારસો, પિતા, પરદાદા, હાર્વર્ડની ડિગ્રી, મેરીટોક્રસી અને તે બધા વિશે વાત કરી શકું, પરંતુ તે બકવાસ હશે. હું અહીં છું કારણ કે મારા પરદાદા એક તપતી બપોરે આંગણામાં લખોટી રમી રહ્યા હતા અને ત્યાંથી કોઈ શ્રીમંત શેઠ પસાર થયા. અને આ રીતે અમારા પરિવારમાં સંપત્તિ આવી. આ એક વાસ્તવિકતા હતી. જેણે મને વ્યાવહારિક બનાવ્યો.

બે વિરોધાભાસી ઉક્તિઓ મળે છે. પહેલી છે ‘પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે’ અને બીજી ‘પુરુષના નસીબ આડે પાંદડું’. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું માનનારા જ્યારે સફળ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આત્મબળે પોતે આગળ આવ્યા છે એમ કહે છે. આ અર્ધસત્ય છે કારણકે ઘણાં બધાં લોકો કઠિન પુરુષાર્થ તો કરે છે, કોઈ લારી ખેંચે છે તો કોઈ ધગધગતા લોખંડની ભઠ્ઠી ઉપર કામ કરે છે, કોઈ શેકી નાખે એવી ગરમીમાં ખાડીના દેશોમાં સખત મજૂરી કરે છે તો બીજો કોઈ આવા જ અન્ય કોઈ ક્ષેત્રે મજૂરીનું કામ કરે છે. રાજીવ બજાજના શાખ પડોશી સુભાષના પરદાદા જો ધગધગતા બપોરે તાપમાં રમતા હોત તો બછરાજજી એમને લઈ ગયા હોત. પણ એમ ના થયું એટલે આજે બજાજ ગ્રુપ જે દેશ-વિદેશમાં સામ્રાજ્ય ધરાવે છે તેના તેઓ પોતે ચેરમેન છે અને સુભાષ તેમાં સિક્યુરિટીની નોકરી કરે છે. બંનેના ઘર વચ્ચે તો માત્ર થોડા ફૂટનું અંતર હતું. એવું પણ બની શક્યું હોત કે સુભાષના પરદાદાને બછરાજજી પોતાની સાથે લઈ ગયા હોત તો કદાચ સુભાષ ચેરમેન હોત અને પોતે સિક્યુરિટીની નોકરી કરતા હોત. ભાવિના લેખાંજોખાં અકળ છે. પણ ક્યારેક ક્યારેક અકલ્પ રીતે એ માણસને એવો તો ધક્કો મારે છે કે જોતજોતામાં એવરેસ્ટની ઊંચાઇએ પહોંચી જાય. સર સયાજીરાવ ગાયકવાડ, શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા, અંબાલાલ સારાભાઈ, દુનિયાની મોટામાં મોટી વોલક્લોક ફેક્ટરીના સ્થાપક ચેરમેન ઓધવજીભાઇ જેવાં શૂન્યમાંથી સર્જન કરી સફળ અને ધનકુબેર બનેલ ઘણાં બધાં પાત્રોના ઉદયમાં તકદીરનો મોટો ફાળો છે ત્યારે આપણે ‘વેર યુ આર પ્લેસ્ડ ઇન લાઈફ ઈઝ જસ્ટ લક - તમે અત્યારે જ્યાં છો તે માત્ર નસીબ છે’ આ ઉક્તિને સાચી પડતી જોઈએ છીએ.

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles