લાગણીઓના મહાયુદ્ધના મહાભારતમાં કોઈ જીતતું નથી, એનો અંત હોય છે માત્ર ને માત્ર સર્વનાશ
જિંદગી જિંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
ટેકનૉલોજી બેધારી તલવાર જેવી છે. એના ફાયદા પણ છે, નુકસાન પણ છે. એક માઇક્રોબ્લેડ કુશળ સર્જનના હાથમાં ઓપરેશન થકી કોઈનો જીવ બચાવવાનું સાધન બને છે તો એ જ વસ્તુ ખિસ્સાકાતરું કોઈકનું ગજવું હળવું કરવા માટે કુશળતાપૂર્વક વાપરી નાખે છે. અણુઉર્જા એ વીજળી ઉત્પન્ન કરવાથી માંડીને કેન્સર જેવા અસાધ્ય રોગની માવજતમાં વપરાય છે. પણ એ જ અણુઉર્જાએ એટમ બોમ્બ સ્વરૂપે હિરોશીમા અને નાગાસાકી ઉપર ઝીંકાઇને મહાભયાનક વિનાશ વેરતાં લોકોને મોતના મોંમાં ધકેલી દીધા હતા. ટેકનૉલોજી એ જ છે પણ એ કોના થકી વપરાય છે એના ઉપરથી એની સારી કે ખરાબ અસર નક્કી થાય છે. વાંક ટેકનૉલોજીનો નથી. વાંક વાપરનારનો છે. વિવેકબુદ્ધિ વગર વપરાતી ટેકનૉલોજી નુકસાન કરે છે એમાં કોઈ શંકા નથી.
સોશિયલ મીડિયાનું પણ કાંઈક આવું જ છે. આપણા જીવનમાં સોશિયલ મીડિયા એવું ઘૂસી ગયું છે કે રાત પડે ઘરના દીવાનખાનામાં ભેગા થઈ સુખ દુ:ખની વાત કરતા કુટુંબના સભ્યો આજે મોબાઈલમાં મોં ઘાલીને બેસી રહે છે. એક આખીય નવી પ્રણાલી ઊભી થઈ છે જેણે રમતથી માંડીને મિત્ર અને પુસ્તકથી માંડીને પરિચયની વ્યાખ્યા બદલી નાખી છે. થોડા સમય પહેલા જ એક કિસ્સો વાંચેલો કે એક મોટા કલાકારની દીકરીએ લગ્ન કરી નાખ્યા એ વાતની ખબર એના બાપને ફેસબુક પરથી પડી ! બાપ અને દીકરી બંને એક જ ઘરમાં રહેતા હોવા છતાં જે લાગણીનું બંધન ન ઊભું થયું એ એની દીકરીએ કોઈક પરાઈ વ્યક્તિ સાથે આખુંય જીવન વ્યતીત કરવા માટે ફેસબુકના માધ્યમથી ઊભું કરી દીધું !
આવું તો ઘણુંય બને છે પણ સાથો સાથ એ વાત પણ માનવી પડે કે સોશિયલ મીડિયા અને માહિતી યુગની આ ટેકનૉલોજીએ આખીય દુનિયા મોબાઈલ સ્વરૂપે આપણી હથેળીમાં મૂકી દીધી છે. પોતાના વિચારો વહેંચવા માટેનું અને વિચાર ગોષ્ઠીનું સોશિયલ મીડિયા એક અદભૂત માધ્યમ બની ચૂક્યું છે એ હું મારા અનુભવ પરથી કહું છું. જીવનમાં જેમને ક્યારેય મળવાનું ન થયું હોય તેવા મુગ્ધાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થાને પગથારે બેઠેલા અનેક મિત્રો અને ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દુનિયામાં મને સોશિયલ મીડિયાએ મેળવી આપ્યા છે.
મારી યુટ્યુબ પર લગભગ ૩૫૦ જેટલી વિડીયો પ્રસ્તુતિ ‘મનસાગરનાં મોતી’ની લોકપ્રિયતા તેમજ હજુ હમણાં જ શરૂ થયેલ યુટ્યુબ ચેનલ ‘Talking Economics with Dr. Vyas’ની નિષ્ણાતોમાં સ્વીકૃતિ આ સોશિયલ મીડિયાની દેન છે. મારી જીવનકથાના એન્જિનિયરિંગના બીજા વરસ સુધીના વડોદરાનાં સંસ્મરણો, મહાભારતનાં પ્રસંગો અને વિવિધ વિષયો પરની મારી આવડત અને સમજ મુજબનો સ્વૈરવિહાર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહી થઈ જવાય છે. હું માત્ર મારા વિચારો વહેંચું છું એવું જ નહીં પણ ફેસબુક ઉપર જે કાંઇ મુકાય એમાંથી જ્ઞાન અને વિચારનું ભાથું મેળવું છું પણ ખરો.
આવો જ મારો એક ફેસબુક મિત્ર પ્રિયાંક મકવાણા છે. એણે ખૂબ ગમી જાય એવી એક નાનકડી વાત આજે મૂકી છે. આ વાર્તાનાં કેન્દ્રસ્થાને એક સ્ત્રી છે. એને પોતાના પતિને સંપૂર્ણપણે પોતાના કબજામાં રાખવો છે. સંબંધોની આ એક બીજી વાસ્તવિકતા છે. માણસને આપણે દિલ ભરીને પ્રેમ કરતાં હોઈએ ત્યારે એ વ્યક્તિને જાણે અજાણે આપણે આપણા અસ્તિત્વની વાડથી કેદ કરી લેવા માંગીએ છીએ. આપણને એ વ્યક્તિ આપણું પ્રિય પાત્ર મટીને જાણે કે જણસ બની જતી હોય એવું ભાસે છે. અને પછી તો એ ખૂબ મોટી જણસને આપણે આપણા માલિકી હકની તિજોરીમાં સાત તાળાં મારીને કેદ મૂકવા માંગીએ છીએ. આવી વ્યક્તિ મિત્ર પણ હોઇ શકે, પ્રિય પાત્ર પણ હોઇ શકે, પતિ પણ હોઇ શકે, પત્ની પણ હોઇ શકે કે સહકાર્યકર પણ હોઇ શકે. આપણે એની પર અધિકાર જમાવવા બેતાબ બની જઈએ છીએ. પેલી પત્નીના પણ એ જ હાલ છે. ગમે તે કારણોસર એ અસલામતીથી પીડાય છે. એને એવું લાગે છે કે એનો પતિ હવે એને પહેલા જેવો પ્રેમ નથી કરતો. એને પતિને વશમાં કરવો છે. આ હેતુથી દોરવાઈને એ કોઈ સન્યાસી પાસે જાય છે. એને પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. પેલા સન્યાસીને કહે છે કે આપ મને એવી કોઈ જડીબુટ્ટી આપો કે હું મારા પતિને વશમાં કરી શકું.
ખૂબ વિચારીને સન્યાસી એ સ્ત્રીને કહે છે કે હું તારું દુ:ખ દૂર કરી આપીશ. એક એવી દવા બનાવી આપીશ કે જેના થકી તારો પતિ સંપૂર્ણપણે તારા કાબૂમાં રહેશે. પછી તને કોઈ ચિંતા નહીં રહે. પણ એ માટે મારે સિંહની મૂછનો વાળ જોઈશે.
કોઈ પણ ભોગે પોતાનો હેતુ સિદ્ધ કરવા સન્યાસી પાસે પહોંચેલ આ બેન એની આ શરત સ્વીકારી લે છે. ચાલી નીકળે છે એ અડાબીડ જંગલમાં જ્યાં સિંહની વસતિ છે. શોધતા શોધતા એ એવી જગ્યાએ પહોંચે છે જ્યાં થોડે દૂર જ એક ઝાડ નીચે સિંહ બેઠો છે. પેલી સ્ત્રીનું હ્રદય એક થડકારો ચૂકી જાય છે. તદ્દન નજીક પહોંચે ગઈ છે એ પોતાના ધ્યેયની પ્રાપ્તિની. પણ ખરો પડકાર તો હવે છે. આ ડાલામથ્થા વિકરાળ સિંહની પાસે જવું કઈ રીતે? એ પ્રયત્ન કરે છે નજીક જવાનો. પણ સિંહની એક ત્રાડ એના હાંજા ગગડાવી દે છે. એને લાગે છે સાક્ષાત કાળ સામે આવીને ઊભો છે. અને એ નાહિંમત થઈને પાછી વળી જાય છે. પણ પતિને વશમાં કરવાનો છે એ વાત એના મનમાં હીરની દોરીમાં પડેલ ગાંઠની માફક પડી ગઈ છે. બીજે દિવસે, ત્રીજે દિવસે એ વારંવાર પાછી આવે છે. પણ સફળતા એના નસીબમાં નથી લખાઈ. એક નવો નુસખો અજમાવે છે આ સ્ત્રી. ધીરે ધીરે એ સિંહ પાસે માંસ લઈ આવવાનું શરૂ કરે છે. થોડા દૂર રહીને એ સિંહને આ માંસ ખવડાવે છે. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવે છે જ્યારે સિંહ એનાથી ટેવાઇ ગયો હોય છે અને એ સિંહની પાસે બેસીને એને પંપાળતા પંપાળતા એનું ભક્ષ્ય ખવડાવે છે. પણ એનું ધ્યેય તો હજુ સિદ્ધ નથી થયું. એને સિંહને વશમાં નથી કરવો, પતિને કરવો છે. અને એ માટે સિંહની મૂછનો વાળ જોઈએ. આખરે એ દિવસ આવી પહોંચે છે અને ખૂબ જ ચાલાકીથી એ સિંહની મૂછનો વાળ તોડીને પોતાની મુઠ્ઠીમાં મૂકી દે છે. બસ આ દિવસની તો રાહ હતી. વાટ પકડે છે એ સન્યાસીના આશ્રમની. એના પગમાં જાણે કે પવનપાવડી લાગી ગઈ છે. મન તો ક્યારનુંય પેલા સન્યાસી પાસે પહોંચી ગયું છે પણ આશ્રમનું એ અંતર જાણે કે જોજનોનું હોય એવું લાગે છે. છેવટે એ સ્ત્રી સન્યાસી સામે આવી ઊભી રહે છે. એના મોં પર ધ્યેય પ્રાપ્તિનું, સિદ્ધિનું ચરમશિખર સર કર્યાનો આનંદ ઉછાળા મારી રહ્યો છે. આજે એને આખી દુનિયા જાણે કે પોતાના પગ હેઠળ છે એવું લાગે છે. એ મુઠ્ઠી ખોલે છે અને ખૂબ જતનથી જાળવી રાખેલો પેલો વાળ સન્યાસીના હાથમાં મૂકે છે. સન્યાસીના ચહેરા પર પણ સ્મિત ફેલાય છે.
પણ ત્યાં અચાનક સન્યાસી કંઈક એવું કરે છે જે આ સ્ત્રીના હોશકોશ ઉડાડી દે છે. આશાઓના ઊંચા આકાશે ઉડતું એનું મન એક કારમી ચીસ સાથે ધરતી પર પછડાય છે. કારણ? પેલો સન્યાસી એ વાળને બરાબર સામે જ સળગતી એની ધૂણીમાં નાખી દે છે અને જોતજોતામાં એ વાળ ખાક થઈ જાય છે. પેલી સ્ત્રીએ ચણેલો આશાનો મહેલ કકડભૂસ કરતો તૂટી પડે છે. એક ચિત્કાર સાથે એ પેલા સન્યાસીને પૂછે છે “અરે! સ્વામીજી તમે આ શું કર્યું?”
સન્યાસી જરાય ચલિત થયા વગર એ જ સ્મિત સાથે જવાબ આપે છે, મારે તને જે બોધ આપવો હતો એ બોધ આપી દીધો. સિંહ જેવું હિંસક અને જંગલી પ્રાણી પણ તેં જાનના જોખમે વશ કર્યું. એ ક્ષમતા જો તારામાં હોય તો તારો પતિ તો માણસ છે. એના દિલમાં પણ ઊંડે ઊંડે તારા માટેની લાગણી હોય જ. કારણ કે તું એની પત્ની છે. જો પ્રેમ અને ધીરજથી સિંહ જેવું જંગલી અને વિકરાળ પ્રાણી વશમાં કરી શકાતું હોય તો આ કીમિયો તું તારા પતિ પર કેમ અજમાવતી નથી? બેન તારી કાંખમાં છોકરું છે અને તું આખા ગામમાં એને શોધવા નીકળી છે.
વાત સરળ છે પણ સહજ નથી.
વશ કરવું એટલે શું?
લાગણી એ પેલા સુંદર મજાનાં પતંગિયા જેવી છે. એને મુક્ત રીતે હથેળી પર બેસવા દેશો તો એની સરસ મજાની રંગબેરંગી પાંખોનું સૌંદર્ય ભલે ક્ષણિક હોય, તમે માણી શકશો. એ ક્ષણિક સૌંદર્ય પણ તમારા માટે જીવનભરનું સંભારણું બની જશે. દુનિયા બદલાશે, સમય બદલાશે, દિવસો વિતશે, ઉંમર વધતી જશે, કદાચ વધતી જતી એ ઉંમર સાથે આંખે ધૂંધળાશ પણ આવશે પણ પેલી લાગણીનું સૌંદર્ય તમે અંતરનાં ઊંડાણમાંથી ડોકિયું કરશો એટલે તરત તમારા માનસપટ પર હાજર થઈ જશે. પણ આથી ઊલટું એ પતંગિયુ ઊડી ન જાય, તમારી જ પાસે બંધાઈને રહે એ ઇરાદે તમે એકાએક મુઠ્ઠી બંધ કરી દેશો તો બે શક્યતા છે: એક તો પેલું પતંગિયુ પકડવું છે એ લ્હાયમાં તમે એના સૌંદર્યની ક્ષણો, લાગણીની એ પળો માણવાનું ચૂકી જશો. તમારી પાસે એ લાગણીને પકડવાનો પ્રયત્ન અને તમારી નિષ્ફળતાની યાદોનો ભંગાર સિવાય કશું જ નહીં હોય. અને બીજી શક્યતા, કદાચ એ કમનસીબ પતંગિયુ તમારી મુઠ્ઠીમાં કેદ થઈ જશે તો એ ગૂંગળાઈને મરી જશે.
કોઈનો પ્રેમ કે લાગણી એને કેદ કરીને મેળવી શકાતી નથી. એમ કરવા જતાં તો તમારું પ્રિય પાત્ર ભાંગીને ભૂકો થઈ જાય છે, તૂટી જાય છે. પ્રેમ કે લાગણીના માલિકી હકનો કોઈ દસ્તાવેજ નથી થતો. એ અણમોલ હોય વાત સાચી પણ બીજું કોઈક એને લઈ જશે એવી બીક શા માટે? લાગણી ભલભલા પથ્થર હ્રદય માણસને છેવટે જીતી લે છે. અને જેને તમે ચાહો છો, જે તમારું પોતાનું છે એવું માનો છો તો પછી હારજીત શા માટે? લાગણીઓના મહાયુદ્ધના મહાભારતમાં કોઈ જીતતું નથી, એનો અંત હોય છે માત્ર ને માત્ર સર્વનાશ.
અને એટલે જ કદાચ કહ્યું છે કે ક્યારેક હારીને પણ જીતી જવાય છે લાગણી સાથે. નિ:સહાયતા અને અસલામતીની ભાવનાને ઉખાડીને ફેંકી દો. તમારી પાસે ધીરજ અને લાગણી હશે તો તમારી પાસેથી દુનિયાની કોઈ તાકાત કશું જ છીનવી નહીં લે. હા ! એ લાગણી માત્રને માત્ર રાધાએ કૃષ્ણને આપી, મીરાએ કૃષ્ણને આપી, સૂરદાસ અને નરસિંહ મહેતાએ કૃષ્ણને આપી એવી નિર્મળ અને પવિત્ર હોય તો માત્ર પંદર વરસ પણ પૂરા નહોતા થયા એવી ઉંમરે કૃષ્ણનો વિરહ વેઠીને કૃષ્ણમય બની ગયેલ રાધાજીનું નામ આજે કૃષ્ણની આગળ દેવાય છે. આપણે પ્રેમથી કહીએ છીએ કે રાધા હોય તો ‘રાધેકૃષ્ણ’ અને રાધા ન હોય તો ‘આધેકૃષ્ણ’.
યાદ રાખજો –
જિંદગી જિંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
હાર પણ દિલ જીતી દે છે કોક’દી
મોત પણ જીવન અમર ઝાંપો કદી
રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ
ભાઇ પ્રિયાંક, ધન્યવાદ આવી સરસ મજાની વાત શેર કરવા માટે.