featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૫૪મી વાર્ષિક મીટિંગ સ્વિસ શહેર દાવોસમાં યોજાવાની છે જેની થીમ ‘રિબિલ્ડિંગ ટ્રસ્ટ’ છે. ભારત સહિત ૧૦૦થી વધુ દેશો, મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ૧૦૦૦ કંપનીઓ, સામાજિક આગેવાનો, નિષ્ણાતો, યુવા ચેન્જમેકર્સ વગેરે ‘વિભાજિત વિશ્વમાં સહકાર’ અંગે ચર્ચા કરવા માટે મળશે.

૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં શીતયુદ્ધ દ્વારા વિશ્વ વિભાજિત થયેલું હતું. વિયેતનામ યુદ્ધ ચાલી રહ્યું હતું. ઓઇલની કટોકટી ઉભી થઈ રહી હતી. એ ગાળામાં સ્વિસ-જર્મન અર્થશાસ્ત્રી પ્રો. ક્લાઉસ શ્વાબે ૧૯૭૧માં આ ફોરમની સ્થાપના કરી હતી. વાર્ષિક સભા માટે દાવોસને પસંદ કરવામાં આવ્યું. શરૂઆતમાં તે યુરોપિયન મેનેજમેન્ટ ફોરમ તરીકે ઓળખાતું. ૧૯૮૭માં તેનું નામ બદલીને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ રખાયું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો હેતુ રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. ફોરમ માને છે કે સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા અને પ્રભાવ ધરાવતા તમામ ક્ષેત્રના લોકોને એકસાથે લાવવાથી પ્રગતિ થાય છે.

દાયકાઓથી વ્યાપારી અગ્રણીઓ, અબજોપતિઓ અને રાજકારણીઓ દાવોસમાં સંબંધો મજબૂત કરવાના નામે  ભેગા થાય છે પણ વૈશ્વિક અને લોકશાહી સંસ્થાઓ પર કોર્પોરેટ કબજાથી લઈને નિર્ણય પ્રક્રિયાઓ અને નાણાકીય પારદર્શિતાના અભાવ જેવા ઘણા મુદ્દે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ટીકા થતી રહી છે. ટીકાકારો કહે છે કે જેઓ વિશ્વની સૌથી મોટી સમસ્યાઓનું કારણ છે તેઓ જ તેને ઉકેલવાના માર્ગો શોધવા ભેગા થાય છે. ઓક્સફેમનો અહેવાલ કહે છે કે છેલ્લા બે વર્ષમાં સૌથી ધનાઢ્ય એક ટકા લોકોએ બાકીના વિશ્વ કરતાં લગભગ બમણી નવી સંપત્તિ મેળવી છે.

આજે વિશ્વના દેશો કોઈ એક જૂથમાં જોડાવાને બદલે પોતાના હિતો સચવાય એ રીતે નાનાનાના જૂથો બનાવી કામ કરી રહ્યા છે ત્યારે WFI જેવી સંસ્થાની પ્રાસંગિકતા અંગે પ્રશ્નો થવા સ્વાભાવિક છે. યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર વિભાજિત થઈ ગયું છે. આજે વિશ્વમાં સપ્લાય ચેઇનની સ્થિતિ બદલાઈ રહી છે, વ્યૂહાત્મક સ્ટોરજ વધી રહ્યું છે અને એક સમયે મુક્ત વેપારને વધાવનાર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ વધતા ભૂરાજકીય જોખમોથી વધુને વધુ સાવચેત દેખાય છે. છેલ્લે અડધી સદીથી પ્રબળ બનેલા ગ્લોબલાઈઝેશનને બદલે વ્યૂહાત્મક લોકલાઇઝેશન તરફ વિશ્વ જઇ રહ્યું છે.

એકબીજા સાથે જોડાયેલી વિકાસશીલ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટેનું WEFનું વિઝન ૨૦૦૮ની નાણાકીય કટોકટીના સમયથી નબળું પડ્યું છે. વિશ્વ બેંકના આંકડા દર્શાવે છે કે ૨૦૦૮માં કુલ આર્થિક ઉત્પાદનની ટકાવારી તરીકે માલ અને સેવાઓનો વૈશ્વિક વેપાર ટોચ પર હતો. ૨૦૦૭માં ક્રોસ બોર્ડર રોકાણનો આઉટફ્લો ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક જીડીપીની સરખામણીએ આયાત-નિકાસનું મૂલ્ય છેલ્લા દાયકામાં ઘટ્યું છે. ૨૦૨૧માં કુલ વૈશ્વિક વેપાર વૈશ્વિક જીડીપીની ૫૬.૫ ટકા જેટલો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી ૧૦૦૦થી વધુ પશ્ચિમી કંપનીઓએ રશિયામાં પોતાની પ્રવૃત્તિ ઘટાડી છે, અને યુરોપે એક સમયે તેના ટોચના ઊર્જા સપ્લાયર સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ, અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ઉદ્યોગો તેમજ સરકારો વૈકલ્પિક સપ્લાય ચેઇન શોધી રહ્યા છે. એપલ તેના ઉત્પાદનને ચીનની બહાર ખસેડવા માંગે છે, જેનું શ્રમ બજાર એક સમયે તેની સફળતાના એન્જિન તરીકે કામ કરતું હતું. યુરોપિયન યુનિયન દવાઓનો સંગ્રહ કરવાની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે જેથી ભવિષ્યની અછતને ટાળી શકે. અમેરિકા એક મજબૂત ઔદ્યોગિક વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યું છે જેનો હેતુ કોમ્પ્યુટર ચિપ્સથી લઈને ઈલેક્ટ્રિક વાહનના ભાગો સુધીના દરેક વસ્તુના ઉત્પાદનમાં તેની ક્ષમતાને વધારવાનો છે. અમેરિકાની નવી ઇવી સબસિડીથી યુરોપીયન ઇવી ઉત્પાદક કંપનીઓને નુકસાન થવાની ચિંતા પણ ઊભી થઈ છે. ઇટાલીના નવા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એજન્ડા યુરોપિયન યુનિયન અને ઇમિગ્રેશન વિરોધી નીતિઓ છે. આ બધા વચ્ચે ‘રિબિલ્ડિંગ ટ્રસ્ટ’ શક્ય બને એમ નથી લાગતું.

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles