Thursday, April 2, 2015
રવિવારનો રજાનો દિવસ એટલે પ્રમાણમાં આળસુ દિવસ.
સવાર પડે થોડાં નિરાંતે ઉઠીએ. એક હાથમાં છાપુ હોય અને બાજુમાં ચાનો કપ પડ્યો હોય ત્યારે જાણે એવી અનુભૂતિ થાય કે “જન્નત યહીં હૈ યહીં હૈ યહીં હૈ.”
આવો એક રવિવાર હતો. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં એન્જિનિયરીંગ કોલેજમાં ભણાવવાની નોકરી એટલે પસંદ કરી હતી કે સાથો સાથ પીએચ.ડી. કરી શકાય અને રિસર્ચ સ્કોલરશીપના પ્રમાણમાં બે પૈસા વધારે મળે અને વતનની નજીક રહેવાય તો સાજાં માંદા રહેતાં ઘરડાં મા-બાપની પણ સેવા કરી શકાય. 1971ના મધ્યમાં હું જોડાયો હતો. આપણે જે રવિવારની વાત કરવી છે તે લગભગ 1973ના લગભગ મધ્ય ફેબ્રુઆરીનો રવિવાર હતો. ઠંડીએ હજુ વિદાય નહોતી લીધી. દાંડીયા બજારમાં ભાસ્કર વિઠ્ઠલનો વાડો અને તેમાં મંગલદીપ નામના મકાનમાં હું અને મારી પત્નિ રહેતાં હતાં. બાજુમાં મારા મિત્ર હરિશ ઉપાધ્યાયનું ઘર હતું અને બાજુમાં જ એના ફૈબા એટલે કે પૂર્વ પીડબલ્યુડી સચિવ અને આઈએએસ અધિકારીશ્રી મનુકુમાર વ્યાસનાં મા રહેતાં હતાં. કોલેજ નજીક પડે એટલે અને બીજી બધી રીતે આ મકાન અનુકૂળ હતું.
વળી પાછા રવિવારની વાત પર પાછા ફરીએ. બપોરના આશરે દોઢેક વાગ્યાનો સમય હતો. અમે જમી પરવારીને બેઠાં હતાં બરાબર તે સમયે એક ઉંચી દેહયષ્ટી અને પ્રમાણમાં સુઘડ કપડાં પહેરેલ વ્યક્તિ અમારે બારણે આવીને ઉભી રહી. એના વ્યક્તિત્વમાં જ જાણે કે કોઈ ચુંબકીય પ્રભાવ હોય તેમ નજર તેના તરફ ખેંચાઈ. એકબીજાને નમસ્કાર કરવાની ઔપચારિક્તા પૂરી થઈ એટલે મેં પ્રશ્નસૂચક દ્રષ્ટિએ આ અપરિચિત ચહેરા સામે જોયું. જવાબમાં એણે કહ્યું “બાબુજી ! ભૂખ લગી હૈ કુછ ખાના મિલ જાયેગા ?” આ અપરિચિત પણ પ્રભાવશાળી વ્યક્તિ માત્ર કંઈક ખાવાનું માંગી રહ્યો હતો. મેં મારી પત્નિ સામે જોયું એનો પ્રતિભાવ હકારાત્મક હતો. મેં એ વ્યક્તિને આવકાર્યો. બે જ રુમનું મકાન હતું. એકમાં નેતરના ફર્નિચરનો સોફાસેટ ગોઠવીને ડ્રોઈંગ કમ લીવીંગ રુમ બનાવ્યો હતો. બીજામાં રસોડું હતું અને એ જ રુમ કોઈ મહેમાન આવે ત્યારે બેડરુમ પણ બની જતો ! મેં પેલા ભાઈને આવકારીને બાજુમાં પડેલ સોફા પર બેસાડ્યા. એમના માટે પીવાનું પાણી આવ્યું અને ત્યારબાદ થોડી જ વારમાં રસોડામાંથી સરસમજાની સોડમ આવી અને પછી છમકારો થયો. ખ્યાલ આવી ગયો શીરો બની રહ્યો હતો. દાળ, ભાત અને શાક તો હતાં જ. આ વ્યક્તિને શીરો, દાળ ભાત, શાક પીરસાયાં. જમ્યા બાદ એણે પરિતૃપ્તિનો ઓડકાર ખાધો. મુખવાસ આપ્યો તે મમળાવતાં એણે વિદાય થતાં અમારો આભાર માનીને રજા માંગી.
જવાબમાં મેં પણ નમસ્તે કહી સ્મિત કર્યું. હું હંમેશાં એમ માનુ છું કે જેની આવવાની કે વિદાય લેવાની તિથિ એટલે કે સમય નક્કી ન હોય તે અતિથિ. ઘરે આવેલા કોઈપણ અતિથિ કે અભ્યાગતને જમવાનો સમય હોય તો યથાશક્તિ જમાડવા એ મારી મા ના સંસ્કાર છે. ક્યારેક સંયોગવશાત આવું ન થાય ત્યારે મનમાં ખૂબ ઉદ્વેગ થાય છે. ઘરે આવેલ વ્યક્તિ રોટલાનો ખાનાર હોય તો રોટલો ખાઈ જાય છે ઘર નથી લઈ જતો અને ઘરના રોટલા બહાર ખાવાના છે એવું મારા ઘરમાં વાતાવરણ હતું. આજના આધુનિક જમાનામાં કદાચ વિચારો બદલાયા હશે એટલે પ્રમાણમાં હું જુનવાણી થઈ ગયો છું. કોઈપણ વ્યક્તિ લખપતિ હોય કે રોડપતિ એ મારે ત્યાં આવે તો એને કંઈકનું કંઈક ધરવું એ મારા મનમાં હંમેશ રહેતું હોય છે. મહેમાન નસીબદારના ઘરે જ આવે છે એવું હંમેશાં માન્યું છે. માણસનું ઘર નાનું હોય પણ દિલ નાનું ન હોવું જોઈએ એ સંસ્કાર આપણી સંસ્કૃતિના છે. એટલે જ અગાઉ દીકરા માટે વહુ લાવવાની હોય તો ઘર જોવાતું જેનો રોટલો મોટો હોય એવા ભર્યા ઘરની દીકરી પસંદગીમાં અગ્રતા પામતી. આજે તો ઓટલો અને રોટલો બન્ને નાના બન્યા છે. પોતાનો સગો ભાઈ કે બહેન પણ ન ખંટાય એટલી હદ સુધીની સંકુચિતતાના યુગમાં આપણે જીવીએ છીએ. પરિણામે જ્યારે કોઈ ટેન્શન કે મુશ્કેલી આવે ત્યારે પણ એકલા જ વેઠવી પડે છે. કુટુંબની હૂંફનો સાયકોલોજીકલ ઈન્શ્યોરન્સ કેટલું પ્રિમિયમ ભરીએ તો મળે એવું કોઈ દિવસ વિચાર્યું છે ખરું ? પરિણામ ? મનોચિકિત્સકોની પ્રેક્ટિસ ધમધોકાર ચાલે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એસિડિટી કે અનિંદ્રા આપણા કાયમી મહેમાનો બની ગયા છે.
વળી પાછાં મૂળ વાત પર આવીએ. પેલો વ્યક્તિ વિદાય થતાં પહેલાં એક ક્ષણ માટે જાણે કે રોકાઈ ગયો. એણે મારા સામું જોયું અને કહ્યું “બાબુજી ! પરિતૃપ્ત હુએ. અબ હમ જાયેંગે મગર આપકે લિયે કુછ બાતે મેં કહના ચાહતા હું કૃપયા પાંચ મિનિટ ધ્યાન સે સુને.”
આટલું કહી એણે પહેલો બોમ્બ ધડાકો કર્યો. મારાથી સાવ અપરિચિત આ વ્યક્તિ મને કહી રહ્યો હતો કે “આપ માસ્ટરી કરતે હૈ વો શીઘ્ર હી છુટ જાયેગી...”
ત્યારપછી એણે આવનાર દસેક વરસ માટે કેટલીક વાતો કહી.
એ વાતો શું હતી ?
આ વાતો સાચી પડી કે પછી ગપગોળા જ હતી ?
કોણ હતો એ વ્યક્તિ ?
જાણીશું આવતા ગુરુવારે.