Youth Parliament of India 2018
હાશ ! યૂથ પાર્લામેન્ટ પૂરી થઈ.
જાતજાતના અને ભાત ભાતના નિષ્ણાતો એમાં બોલ્યા.
કોઈના વક્તવ્યોમાં આક્રોશ હતો તો કોઈના વક્તવ્યોમાં બોધ.
આ બધા મહાનુભાવો પાસે પોતાના વિચારો હતા અને એ વિચારો વાદળ ફાટે અને અનરાધાર મેહ વરસે તે રીતે એમણે તડમઝીટ કરીને ઝીંકી દીધા.
સામે કેટલું ઝીલાયું હશે તેના કોઈ અહેવાલ વાંચવામાં આવ્યા નથી.
મોટા ભાગના વકતાઓના વિચારોમાં ભવિષ્ય માટેની ચિંતા જરૂર હતી પણ ઉકેલની દિશામાં એટલું બધુ સાંપડે તેવું નહોતું.
કદાચ છેલ્લું સેશન આ યૂથ પાર્લામેન્ટમાં જે યુવા પ્રતિભાઓની હાજરી હતી તેમને બોલવા દીધા હોત તો ઘણું બધું જુદું જ સાંભળવા મળત.
આપણે યુવાનને ત્રણ ભાગમાં વહેચવો છે.
પહેલો આઝાદી પહેલાનો યુવાન જેની પાસે એક ચોક્કસ ધ્યેય હતું. કોઈ પણ ભોગે એને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવો હતો અને એ માટે જાનફેસાની કરવી પડે તો પણ એ તૈયાર હતો. આઝાદીની આ આખીય ચળવળ દરમ્યાન એના પોતાના કોઈકને કોઈક હિરોને કે રોલ મોડેલને તે અનુસરતો હતો. કોઈ ઉદ્દામવાદી વિચારસરણી ધરાવતો હોય તો એના માટે સુભાષચંદ્ર બોઝ, શ્યામજીકૃષ્ણ વર્મા, સરદારસિંહજી રાણા, વીર ભગતસિંહ જેવા અનેક આદર્શો હતા અને પોતાનું લક્ષ્ય આંબવા માટે ઉદ્દામવાદી વિચારસરણીને અનુસરીને એ ચાલતો હતો.
બીજો વર્ગ મવાળનીતિ અને અહિંસા તેમજ અસહકારના માર્ગે અથવા સત્યાગ્રહીઓ જેમના નેતા મહાત્મા ગાંધી હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ પંડિત જવાહરલાલ નહેરુથી માંડી ખૂબ મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ અહિંસાના માર્ગે ચાલીને બ્રિટિશરોનું દમન સહીને પણ હરફ ઉચ્ચાર્યા વગર આઝાદીના જંગમાં કાર્યરત હતા.
આમ, આઝાદી પહેલાનો યુવાવર્ગ એક ચોક્કસ ધ્યેય માટે જીવતો હતો અને એના જીવનમૂલ્યો આ ધ્યેયની પ્રાપ્તિને સર્વસ્વની પ્રાપ્તિ સમજી ઘડાયેલા હતા.
આઝાદી પહેલાનો યુવાન પોતે ખુવાર થઈને પણ દેશની આઝાદી માટે લડતો હતો અને એ માટે બધું છોડીને, સુખસાહ્યબી, કુટુંબ, નોકરી એ બધું જ ત્યાગીને એ ભેખધારી બન્યો હતો મા ભારતીની ગુલામીની બેડીઓ તોડવા માટેનો. આ માટે સુભાષચંદ્ર બોઝે ICS જેવી નોકરીને ઠોકરે મારી તો વલ્લભભાઇ પટેલે અને મહાત્મા ગાંધીએ બેરિસ્ટરી છોડી, પંડિત જવાહરલાલ નહેરુએ દોમદોમ સાહ્યબીમાં આળોટવાનું પ્રલોભન કોરાણે મૂકી ૩૦૦૦ જેટલા દિવસો જેલમાં ગાળ્યા. તો બીજી બાજુ વીર ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નવલોહિયા યુવાનો હસતા હસતા ફાંસીના માંચડે ચઢી ગયા. પોતાની જાત ન્યોછાવર કરીને પણ એમને આ દેશ માટે આઝાદી જોઈતી હતી. એ યુવાન સર્વસ્વનું બલિદાન આપવા નીકળ્યો હતો. એ લક્ષ્ય પામવા જતાં ખુવાર થઈ જવું પડે તો પણ એ ધન્યતા અનુભવતો હતો. કવિ દિવ્યકાન્ત ઓઝાએ લક્ષ્ય કેવું હોવું જોઈએ ? એ વિષયને લઈને લખેલી નીચેની કવિતા જાણે એના માટે જ લખાઈ હતી. દિવ્યકાન્તભાઈ લખે છે –
લક્ષ્ય હો કદી ન આટલા મહીં
દૂર એ,
દૂર હો ક્ષિતિજ યે
કે હજો ક્ષિતિજની એ પાર એ
પરંતુ ચેતના બધી
એક કેન્દ્રમાં ધરી
છલાંગ મારતા જશું
તો કદી લક્ષ્ય દૂર ના રહે,
હાથમાં રમે !
ને કદીય પામતાં
ખુવાર થૈ જવું પડે,
તો ય ધન્યતા મળે !
એટલું સુદૂર લક્ષ્ય સર્વદા હજો !
આ પછીનો યુવાન એટલે કે આઝાદી આવ્યા પછીના શરૂઆતના બે થી ત્રણ દાયકા એક રોમાંચક કલ્પના લઈને જીવતો હતો. જે મુજબ ભારત પણ પ્રગતિની હરણફાળ ભરશે અને વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની સાથે કદમ મિલાવીને ચાલશે. દેશમાં ચારેય તરફ નવસર્જનની બોલબાલા હતી. બધે જ કંઇ ને કંઇ નવું થઈ રહ્યું હતું અને એટલે આ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનવા અને એ રીતે પોતાની મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા મથતો યુવાન પોતાની આંખમાં આશા આંજીને જીવતો હતો. હતાશા, વિખવાદ અને ધૃણાને એ સમયગાળામાં બહુ ઝાઝી તક નહોતી. આજના કરતાં એ સમયે દેશની વસતિ પણ પ્રમાણમાં ઓછી હતી અને એટલે ભણતર પૂરું કર્યું હોય તો ક્યાંકને ક્યાંક આછીપાતળી નોકરી પણ મળી રહેતી.
ધીરે ધીરે એ યુવાનનું લક્ષ્ય બદલાઇ રહ્યું હતું. હવે દેશ આઝાદ હતો, લોકશાહી આવી ગઈ હતી એટલે એના મતે દેશ માટે ઝાઝું કરવાનું નહોતું. હવે એ આઝાદીનાં ફળ પોતે કઇ રીતે વધુમાં વધુ ખાઈ શકે એ વિચાર એનો કબજો લેતો જતો હતો. પોતાની કારકિર્દી અગત્યની હતી. પોતાનો વિકાસ અગત્યનો હતો. પોતાનું કુટુંબ અગત્યનું હતું. બાકીનું બધું જ ત્યારબાદ આવતું હતું. આમ, ૮૦ના દાયકા પછીના ગાળામાં યુવાનનું ધ્યેય પોતાનો વિકાસ અને પોતાની પ્રગતિ બની ગયું અને આ કારણથી શિક્ષણ સરકારી કે ખાનગી નોકરી મેળવવા માટેનું સાધન બની ગયું.
હવે આજના યુવાનની વાત કરીએ. બહુ ઓછા પાસે લક્ષ્ય છે.
મોટા ભાગનાનું લક્ષ્ય એમનાં માબાપ નક્કી કરે છે.
અને માબાપ પોતે જે ન થઈ શક્યાં તે પોતાની વણસંતોષાયેલી મહત્વાકાંક્ષા પોતાના સંતાનમાં રોપે છે.
પોતે ડોક્ટર ન થઈ શક્યો, પોતે ઇજનેર ન થઈ શક્યો, પોતે IAS ન થઈ શક્યો.
એનું બાળક એની આ વણસંતોષાયેલી મહત્વાકાંક્ષા રોપવા માટેનું ખેતર બને છે.
માબાપની એ મહત્વાકાંક્ષા ખભે ઉપાડીને યુવાનીમાં પ્રવેશતો આજનો યુવાન મહદઅંશે દિશાવિહીન
અને...
હતાશામાં અથવા તણાવમાં જીવે છે.
પરિણામ ?
૨૦૦૭ થી ૨૦૧૬ સુધી ૭૫ હજાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી !
લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં બીજી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એચ. જી. આહિર રાજ્યકક્ષાના મંત્રીશ્રી, ગૃહ વિભાગ દ્વારા અપાયેલ એક જવાબમાં એમણે જણાવ્યુ કે ૨૦૧૬ના વરસમાં ૯૪૭૪ એટલે કે રોજના લગભગ ૨૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું છે.
ચિંતાની બાબત તો એ છે કે વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યામાં ૨૦૦૭ અને ૨૦૧૬ વચ્ચે ૫૨ ટકા જેટલો વધારો નોંધાયો.
૨૦૦૭માં ૬૨૪૮ – રોજના ૧૭
૨૦૧૬માં ૯૪૭૪ – રોજના ૨૬
આમાંનું મોટામાં મોટું કારણ પરીક્ષામાં નાપાસ થવું તે છે.
આજકાલ વિદ્યાર્થી જગતમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે. તેના માટે મનોવિજ્ઞાન મુજબ અન્ય સાથે બળજબરીપૂર્વક સરખામણી કરવાની કે પછી કરાવવાની માનસિકતા જવાબદાર છે. વિદ્યાર્થી વિચારે છે કે પરીક્ષામાં જો તેના સ્પર્ધક કે મિત્ર કરતા ઓછા માર્ક્સ આવશે તો અન્યો શું વિચારશે ? બરોબર એજ રીતે તેઓના પરિવાર પણ તેમના બાળકના અન્યથી ઓછા માર્ક્સ આવશે તો સમાજના લોકો શું વિચારશે એવી માનસિકતાથી પીડાતા હોય છે. પરિણામે વિદ્યાથી પર પોતાના થકી, ક્યારેક પરિવાર દ્વારા પણ દબાણ લદાતુ હોય છે અને આ દબાણ જો તણાવમાં પરિણમે તો વ્યક્તિ આત્મહત્યા કરવા જેવા અંતિમ કદમ ભરી લેતી હોય છે.
શાળામાં સતત અભ્યાસનું દબાણ, અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણ, માબાપ દ્વારા સતત સરખામણી આ કારણો યુવાનને ભાંગી પડવા માટે અથવા હતાશામાં ધકેલી દેવા માટે જવાબદાર હોય છે. આની સાથે ભણી રહ્યા બાદ શું? શિક્ષિત બેકારની ફોજમાં પોતે ઉમેરાશે એ હતાશા પણ નાની સુની નથી.
પરિણામ શું આવ્યું?
ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોમાં હતાશા અને તાણ એટલે કે ડિપ્રેશનના ૫૦ ટકા કેસ ૧૪ વરસથી ઓછા વય જૂથમાં છે.
૭૫ ટકા જેટલા કેસ ૨૪ વરસથી ઓછી વય જૂથમાં છે.
જ્યાં બાળપણ અને યુવાની હતાશામાં મોટાં થતાં હોય, જે દેશમાં વિદ્યાર્થીના આપઘાતના કિસ્સા વધતા જતા હોય, તે દેશના યુવાનોની પાર્લામેન્ટમાં ભેગા થયેલા કેટલાક આ બધાથી પર એવા નસીબદાર યુવાનો અને પોતાની કારકિર્દી ઘડવામાં સફળ એવા સુબ્રમણ્યમ સ્વામીથી માંડી કિરણ બેદી કે સંબીત પાત્રા જે પ્રશ્ન દેશના ૯૦ ટકા કરતાં વધુ યુવાનોને સતાવે છે, જે પ્રશ્નનો ઉકેલ આ દેશના યુવાધનને સાચા રસ્તે વાળી શકે તે પ્રશ્ન એટલે કે યુવાનોના મનમાં આઝાદીની લડાઈ વખતે હતું એવું દેશ માટે ખુવાર થઈ જઈને પણ મેળવવું ગૌરવવંતુ લાગે તે પ્રકારનું લક્ષ્ય અને મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, શ્યામાપ્રસાદ મુખરજી, દીનદયાલ ઉપાધ્યાય, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોઈ એક નેતાને પોતાના રોલમોડેલ ગણી જીવન સાફલ્યની કેડી કંડારવાની ગુરુચાવી આ પાર્લામેન્ટને સાંપડી હશે ખરી? જો એવું બન્યું હોય તો ખરેખર આ બે દિવસ દેશહિતના અને દેશની આવતીકાલ એવા યુવાનોના મિજાજ અને ભવિષ્ય ઘડવામાં કામિયાબ રહ્યા એમ કહી શકાય.
આ પાર્લામેન્ટને અંતે જો દેશના યુવાનોમાં ઉત્સાહ પ્રેરે અને તેમને હતાશામાંથી બહાર કાઢે, કોઈ ચોક્કસ પ્રકારની ભાવિ કામગીરીમાં જોતરાવા માટેની દિશા દેખાડે એવું ડિકલેરેશન આ પાર્લામેન્ટને અંતે થઈ શક્યું હોત તો વિચારોનું આ ઘમ્મર વલોણું નવનીત એટલે કે માખણ કાઢવામાં સફળ રહ્યું તેમ કહી શકાત.
અને છેલ્લે ૨૨ માર્ચના એક ગુજરાતી દૈનિકમાં આવેલ સમાચાર –
- ગુજરાતમાં રોજ સરેરાશ ૧૮ વ્યક્તિઓ આપઘાત કરે છે.
- રાજ્યમાં છેલ્લા બે વરસ યાની ૨૦૧૬ અને ૨૦૧૭ના કેલેન્ડર વરસ દરમ્યાન કુલ ૧૨,૭૫૮ આપઘાતના કિસ્સા નોંધાયા છે.
- સૌથી વધુ આપઘાત સુરત જિલ્લામાં (૧૯૯૭), બીજા નંબરે અમદાવાદ (૧૭૯૧) અને ત્રીજા નંબરે રાજકોટ (૧૬૦૧)
- સૌથી ઓછા આપઘાત બોટાદ (૧૪), મહીસાગર (૨૧) અને પાટણ (૩૭)
સૌથી વધુ વિકસિત અને સમૃદ્ધ વિસ્તારો આપઘાતમાં પણ મોખરે છે.
પ્રમાણમાં ઓછા વિકસિત અને પછાત વિસ્તારોમાં આપઘાત ઘણા ઓછા છે.
આ લેખના સમાપનમાં પ્રશ્ન –
ખરેખર સુખ ક્યાં છે?
સુરત, અમદાવાદ અને રાજકોટમાં
કે પછી
મહીસાગર, બોટાદ અને પાટણ કે ડાંગમાં
જવાબ તમારા પર છોડું છું.